ડિપ્લોમસી માત્ર દેશો, સરકારો કે રાજ્યો પૂરતી સીમિત નથી. આપણે સૌ જાણીને કે અજાણતાં એના મૂળ સિદ્ધાંતો જીવનમાં લાગુ કરીએ છીએ
અંકિત શાહ એક અનુભવી પ્રોજેક્ટ મૅનેજમેન્ટ પ્રોફેશનલ હોવાની સાથે રણનીતિકાર, તાર્કિક વિચારક, પરિસ્થિતિ વિશ્લેષક, કુશળ સંવાદક અને લેખક છે
એક સામાન્ય માણસ કોઈ વ્યક્તિના ખરાબ ઇરાદાઓને ‘ડિપ્લોમસી’ સમજી બેસે છે અને અહીં જ ગેરસમજ ઊભી થાય છે. હું ડિપ્લોમસી સમજાવતાં પહેલાં એની વ્યાખ્યા તરફ નજર કરું છું. ગૂગલ મુજબ ડિપ્લોમસી એટલે ‘સંવેદનશીલ અને કુશળ રીતે લોકો સાથે વ્યવહાર કરવાની કળા.’ કૅમ્બ્રિજ કહે છે, ‘બીજાનું મન ન દુભાય અને નારાજ ન થાય એ રીતે લોકો સાથે વ્યવહાર કરવાની કાબેલિયત.’
મારા માટે ડિપ્લોમસીનો સરળ અર્થ એ છે કે હું મારા વિચારો, સૂચનો અથવા સંદેશ એવી રીતે રજૂ કરું કે સામેના પક્ષના નિર્ણય પર અસર પડે, સંબંધોમાં તાણ ન આવે ન તો સીધા સંકળાયેલા લોકો સાથે, ન તો કોઈ ત્રીજા પક્ષ સાથે અને સંબંધોનું સંતુલન જળવાઈ રહે.
ADVERTISEMENT
ડિપ્લોમસી માત્ર દેશો, સરકારો કે રાજ્યો પૂરતી સીમિત નથી. આપણે સૌ જાણીને કે અજાણતાં એના મૂળ સિદ્ધાંતો જીવનમાં લાગુ કરીએ છીએ. કોઈ એમાં પારંગત હોય છે તો કોઈ સપાટી પર જ અટકી જાય છે. આ બધું સમજણ, ભાવનાઓ અને પ્રતિક્રિયાઓ પર નિયંત્રણ, વિશ્લેષણાત્મક ક્ષમતા, જોડાણો સમજવાની શક્તિ, આગાહી કરવાની દૃષ્ટિ અને મોટું ચિત્ર જોવાની ક્ષમતા પર આધાર રાખે છે.
ઘણી વાર લોકોને લાગે છે કે ડિપ્લોમસી એટલે ગિવ ઍન્ડ ટેક (લેવડ-દેવડ), પણ વાસ્તવમાં એ એનાથી ઉપર છે. એમાં પ્રેમ, આદર અને સહાનુભૂતિ હોવાં જોઈએ. ગમેતેમ કરીને કામ કઢાવવું એ ડિપ્લોમસી નથી, પણ શું ‘સાચું’ છે એ સમજીને આગળ વધવું એ જ સાચી કળા છે. જો તમે અંદરથી સાચા અને ભરોસાપાત્ર હો તો તમારે કોઈની સામે ઝૂકવું નથી પડતું. તમે તમારા સ્ટૅન્ડ પર આત્મવિશ્વાસથી ઊભા રહી શકો છો.
મને ઘણી વાર લાગે છે કે દરેક કાર્યસ્થળ બિગ બૉસ હાઉસ જેવું જ હોય છે, ફક્ત કૅમેરા વગર. લોકો જાણીને કે અજાણતાં ભૂમિકાઓ ભજવે છે. ઑફિસ હોય, સંસ્થા હોય કે ઘર; અંતે આપણે લોકો સાથે જ કામ કરીએ છીએ. મતભેદ હોવા છતાં સંબંધો જાળવી રાખીને કામ પૂરું કરવું જરૂરી છે અને એ દરમિયાન કોઈએ પોતાની ઓળખ કે આત્મસન્માન ગુમાવવું ન જોઈએ.
મારા અનુભવથી હું કહી શકું છું કે ટેક્નિકલ જ્ઞાન હોવા છતાં કમ્યુનિકેશનમાં ઘણી વખત લોકો અટવાઈ જાય છે. મેં મધ્યમથી લઈ ટોચના મૅનેજમેન્ટને પણ અહીં સંઘર્ષ કરતાં જોયાં છે. સ્થિતિ સમજવા છતાં યોગ્ય વ્યૂહરચના બનાવવામાં અને સંવાદને યોગ્ય દિશામાં લઈ જવામાં ઘણી વાર ખામી રહે છે. તેથી જ લાઇન્સની વચ્ચે વાંચવાનું, મોટું ચિત્ર જોવાનું અને અસરકારક રીતે જવાબ આપવા જેવી કળાઓ વિકસાવવાનું અત્યંત જરૂરી છે.
ડિપ્લોમસી એક કળા છે અને યોગ્ય દૃષ્ટિ અને ઇરાદા સાથે એને શીખી એમાં નિપુણ બની શકાય છે. આ કૌશલ્યો એવાં છે જે અનુભવી વ્યાવસાયિકો દ્વારા સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં શીખવવાં જોઈએ.


