Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારી પાસે છે પૅસિવ ઇન્કમ?

તમારી પાસે છે પૅસિવ ઇન્કમ?

Published : 18 November, 2024 03:52 PM | Modified : 18 November, 2024 04:32 PM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

ન હોય તો સમજી લો કે તમારી લૉન્ગ ટર્મ ફાઇનૅન્શિયલ ઇન્ડિપેન્ડન્સની મંજિલ બહુ દૂર છે. કહેવાય છે કે આઠ કલાકની નોકરી કે માત્ર બિઝનેસ કરીને કોઈ કરોડપતિ નથી થઈ શકતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ન હોય તો સમજી લો કે તમારી લૉન્ગ ટર્મ ફાઇનૅન્શિયલ ઇન્ડિપેન્ડન્સની મંજિલ બહુ દૂર છે. કહેવાય છે કે આઠ કલાકની નોકરી કે માત્ર બિઝનેસ કરીને કોઈ કરોડપતિ નથી થઈ શકતું. તમારે જો જીવનશૈલી અપગ્રેડ કરવી હોય તો સીધી આવક ઉપરાંતના નિષ્ક્રિય આવકના બીજા સ્રોતો પણ હોવા જરૂરી છે. શા માટે આ પૅસિવ આવક જરૂરી છે અને એ ઊભી કરવાના વિકલ્પો કયા-કયા હોઈ શકે એ વિશે જાણીએ નિષ્ણાતો પાસેથી 


નાણાકીય સ્વતંત્રતા દરેકનું સપનું છે, પરંતુ એને હાંસલ કરવાની રીતો દરેક નથી જાણતા. ભારતમાં પચાસ ટકાથી વધુ લોકો એવા છે જેની સક્રિય કમાણી ફક્ત તેના રોજિંદા ખર્ચા અને જીવનનિર્વાહ ચલાવે છે. સક્રિય આવકની મર્યાદાઓને પહોંચી વળવા આજે ઘણા લોકો સમય, શક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરી ગૌણ આવક પેદા કરી રહ્યા છે. જો તમારે અમીર બનવું છે કે વધુ સારી જીવનશૈલી જીવવી છે તો સક્રિય સાથોસાથ નિષ્ક્રિય આવક એટલે કે પૅસિવ ઇન્કમની ભૂમિકા પણ સમજવી પડશે.



પૅસિવ ઇન્કમ શું છે?


અમેરિકા જેવા દેશોમાં જ્યાં અઠવાડિયાના સરેરાશ પાંચ દિવસ અને ૪૦ કલાક કામ કરવાનો રિવાજ છે ત્યાં ભારત જેવા દેશમાં આજે પણ તે છ દિવસ અને ૪૮ કલાકથી વધુ કામ કરે છે. આ તો ઓછામાં ઓછા કલાકો વિશેની વાત છે. કેટલાય લોકો દિવસમાં આઠથી દસ કલાક કામમાં અટવાયેલા રહે છે પણ હાથમાં આવતી કમાણી ફક્ત ઘરનું પેટ પાળવામાં જ જતી રહે છે. ઘર, હાયર એજ્યુકેશન જેવી વાતો માટે આજે પણ ઍવરેજ ભારતીય લોન જેવી બાબતો પર આધાર રાખે છે ત્યારે સવાલ એ થાય કે કેમ ન આના કરતાં પોતાની કમાણીની પડખે કોઈ એવો વિકલ્પ ઊભો કરવામાં આવે જે ન કેવળ મજબૂરીમાં પડખે રહે, પણ સાથોસાથ બહેતર જીવનનું સપનું પૂરું કરવામાં પણ કામ આવે. કરવાનું તો એ જ છે એક ફળ ખાઈને એનું બીજ વાવી બીજું ફળ મેળવવાનું છે. આવો જ વિકલ્પ ઊભો થાય છે તમારી સક્રિય કમાણીની સાથે ચાલતી બીજી કમાણી એટલે કે પૅસિવ ઇન્કમથી જેમાં તમારે મગજ ચલાવી ઓછા પ્રયત્ને પૈસાથી પૈસો ખેંચવાનો છે. આ વિકલ્પો કોઈ પણ હોઈ શકે. FD, મ્યુચ્યુઅલ ફન્ડ, LIC, પ્રૉપર્ટી જેવા ઇન્વેસ્ટમેન્ટથી લઈને ઑનલાઇન ટ્યુશન, કોચિંગ, સેલિંગ, સ્લીપિંગ પાર્ટનરશિપ જેવા સાઇડ બિઝનેસ પણ હોઈ શકે. આવો જાણીએ વધુ.

શા માટે જરૂરી છે?


પૅસિવ ઇન્કમ વિશે વિસ્તારથી વાત કરતાં દસ વર્ષના અનુભવી ફાઇનૅન્શિયલ પ્લાનર સંજીવ ગોલાણી કહે છે, ‘પૅસિવ ઇન્કમ તો હંમેશાંથી જરૂરી રહી છે. મોંઘવારીના વધતા દરને પહોંચી વળવા લોકોને બીજી આવકની જરૂર છે. આજના વાતાવરણમાં, ફક્ત સક્રિય આવક પર આધાર રાખવો મોટા ભાગના લોકો માટે પરવડતો નથી. ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ બધાની તકલીફ છે. પણ પહેલાંની જેમ આ હવે અઘરું પણ નથી અને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ પર જ આધાર નથી રાખતું. અત્યારે તો એના અનેક વિકલ્પો ઊભા થયા છે. આજે ડિજિટાઇઝેશનને કારણે લોકો ઓછા પ્રયત્ને વધુ કામ કરી શકે છે. મુંબઈની કોઈ ચાલમાં રહેતો માણસ કમાવાના અનેક રસ્તાઓ શોધે છે. એ એક દિવસમાં ઘણી નોકરીઓ કરે છે - સવારે દૂધ કે અખબાર વેચે; દિવસે સ્વિગી કે ઝોમાટો માટે ડિલિવરી કરી લે છે. દરેક વ્યક્તિ જીવનને સુધારવા માટે સખત મહેનત કરે છે.’

મધ્યમ વર્ગ માટે જેઓ એક સમયે સુરક્ષિત, ધીમી વૃદ્ધિ પામતી આવક માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આધાર રાખતા હતા, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઘણા લોકો મ્યુચ્યુઅલ ફન્ડ અને સિસ્ટમૅટિક વિધ્ડ્રોઅલ પ્લાનમાં રોકાણ કરી રહ્યા છે, જે લાંબા ગાળે વધુ વળતર આપી શકે છે. એક તરફ જૂની પેઢી નો-રિસ્ક ઍટિટ્યુડને લીધે આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટના મોહમાં છે ત્યાં યુવાનો વધુ ને વધુ સ્ટ્રૅટેજિક રોકાણ તરફ આગળ વધી રહ્યા છે એવું જણાવતાં સંજીવભાઈ કહે છે, ‘યુવાનો સ્માર્ટ રોકાણમાં માને છે પણ માર્ગદર્શનની કમી જોવા મળે છે. જો તેઓ કમાણી શરૂ કરે ત્યારથી જ રોકાણ કરવાનું શરૂ કરે તો ગોલ-બેઝ્ડ પ્લાનિંગ થઈ શકે. એ જમાનો ગયો જ્યાં ઘરથી લઈને દરેક વસ્તુ માટે લોન લેવી પડતી અને આખી જિંદગી ઢસરડા કરી લોન ભર્યા કરવાની. અત્યારે જે ઍક્ટિવ ઇન્કમથી ગોલ અચીવ નહીં કરતાં એ બીજો ઇન્કમ સોર્સ ઊભો કરે છે. ઘણા લોકો શૅર ખરીદે છે અથવા વ્યવસાયમાં સ્લીપિંગ પાર્ટનર બની જાય છે.’

તમામ વયના લોકો માટે નાણાકીય આયોજનનું મહત્ત્વ

ચેમ્બુરમાં રહેતાં ૧૦ વર્ષનાં અનુભવી નાણાકીય સલાહકાર નિર્મલા કોટ્ટાકોલા કહે છે, ‘મને પ્રશ્ન થાય કે જો હું એક દિવસ કામ નહીં કરી શકું તો હું શું કરીશ? આવો વિચાર મારી જેમ બીજા લોકોને પણ આવતો હશે અને આ જ પૅસિવ ઇન્કમનું મોટિવેશન છે. ઘણા લોકો જીવનના પાછલા તબક્કાથી શરૂઆત કરે છે. LIC ટર્મ પ્લાન્સ, પેન્શન પ્લાન્સ અને અન્ય સુરક્ષિત નાણાકીય ઉત્પાદનો જેવી યોજનાઓમાં રોકાણ કરે છે. આ એવા લોકો છે જેઓ હજી પણ FD, સોનું અને પ્રૉપર્ટી જેવાં પરંપરાગત રોકાણ માટે પ્રતિબદ્ધ છે. પણ મેં નોંધ્યું છે કે આજની પેઢીને લાંબું પ્લાનિંગ જોઈતું નથી. ખાસ કરીને કોઈ પ્લાન જો ૧૦૦ વર્ષનો કૅલ્ક્યુલેટ થાય તો તે કહે આટલું લાંબું જીવશે કોણ? તમે તો ૩૫થી ૫૦ વાળો પ્લાન બતાવો. મતલબ કે તેમને ફાસ્ટ પ્લાનિંગ જોઈએ અને અને ફાસ્ટ રિટાયરમેન્ટ પણ. ૧૫થી ૨૦ વર્ષ જ કામ કરવા માગે છે અથવા કરી શકે છે. આ માટે ઇન્વેસ્ટમેન્ટથી એ લોકો નિષ્ક્રિય આવક ઊભી કરે છે. શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફન્ડ સારા માર્ગો છે પણ એનાં ધાર્યાં ફળ મેળવવા જોઈતી ધીરજ નથી તેમનામાં.’

નિર્મલા કોટ્ટાકોલા એ પણ નિર્દેશ કરે છે કે પરંપરાગત રોકાણો ઉપરાંત ઘણા લોકો હવે તેમનું કૌશલ્ય યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પર શૅર કરીને તેમની આવકને પૂરક બનાવે છે જ્યાં તેઓ જાહેરાતની આવક અને સ્પૉન્સરશિપમાંથી કમાણી કરી શકે છે. આ વિશે વધુ જણાવતાં નિર્મલાબહેન કહે છે, ‘સારી નોકરી હોવા છતાં કેટલાક યુટ્યુબ પર વધારાના લાભો માટે તેમની કુશળતાનો ઉપયોગ કરે છે. આમાં અઢળક પૈસો છે. ટેક્નૉલૉજીને એન્કૅશ કરવાનું આજની પેઢી માટે સરળ પણ છે અને ઉપયોગી પણ છે. યુવાન લોકો માટે ઉચ્ચ જોખમ અને વૃદ્ધિની સંભાવના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની માનસિકતા સાથે, પૅસિવ ઇન્કમ માટે સ્ટાર્ટઅપ પર પણ ફોકસ કરતા થયા છે. જૉબ સારી હોય તો પૈસાને આ રીતે સ્વિચ કરે. બન્ને કમાતા હોય તો એકનો પૈસો બીજા પાર્ટનરના ધંધામાં લગાડે.’

 આધુનિક ભારત માટે પૅસિવ આવકના વિકલ્પો

ભારતમાં નિષ્ક્રિય આવક પેદા કરવાના કેટલાક લોકપ્રિય વિકલ્પો ઊભા થઈ રહ્યા છે. જેમ કે

. મ્યુચ્યુઅલ ફન્ડ અને સ્ટૉક્સમાં રોકાણ  
સંજીવભાઈ અને નિર્મલાબહેન એક વાતે સંમત છે કે સમય જતાં સંપત્તિનું નિર્માણ કરવા માગતા યુવા ભારતીયો માટે મ્યુચ્યુઅલ ફન્ડ મુખ્ય સ્રોત બની જશે. આ વિશે સંજીવ ગોલાણી કહે છે, ‘પરંપરાગત FDથી વિપરીત મ્યુચ્યુઅલ ફન્ડને ધીરજની જરૂર હોય છે કારણ કે એમાં વધુ વળતર હોય છે. શૅરોમાં રોકાણ વૃદ્ધિની સંભાવના પણ આપે છે, પણ એ જોખમી હોવાથી બધા નથી પસંદ કરતા. યોગ્ય સ્ટૉક્સ પસંદ કરીને અથવા મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) પસંદ કરીને વ્યક્તિઓ વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવી શકે છે, જે સમય જતાં વધે છે.’

. રિયલ એસ્ટેટ  
રિયલ એસ્ટેટમાં રોકાણ એ તમામ ઉંમરના ભારતીયો માટે નક્કર પસંદગી છે એવું જણાવતાં નિર્મલાબહેન કહે છે, ‘અંગત મિલકતના વિવિધ ઉપયોગો સામાન્ય બની રહ્યા છે. ઘર તો ભાડે અપાય છે પણ કેટલાક લોકો પાર્કિંગ માટે પણ તેમની મિલકતનો એક ભાગ ભાડે આપી દે છે, જે એક કાયમી આવકનું માધ્યમ બની રહે છે. મુંબઈમાં રિયલ એસ્ટેટનું વળગણ બહુ જૂનું અને જાણીતું છે અને આજે પણ કામ કરે છે. જોકે આજની તારીખે નવી મિલકતને ભાડે આપવાનું એ લોકોને જ પરવડે છે જેમની પાસેથી પહેલાંથી કોઈ પ્રૉપર્ટી છે અને હવે બીજી ઉમેરાય છે. બાકીના લોકોને જિંદગી ઘરનું ઘર કરવામાં જ નીકળી જાય છે.’

. વ્યાવસાયિક ભાગીદારી અને ફ્રૅન્ચાઇઝિસ  
નવા વ્યવસાયમાં પૂરેપૂરું ઇન્વૉલ્વ થવું એના કરતાં એમાં ઇન્વેસ્ટ કરીને મુક્ત રહેવાનું ચલણ વધી રહ્યું છે એમ જણાવતાં સંજીવા ગોલાણી કહે છે, ‘ઘણા યુવા ભારતીયો બિઝનેસમાં સ્લીપિંગ પાર્ટનર બની રહ્યા છે અથવા ફ્રૅન્ચાઇઝીમાં રોકાણ કરી રહ્યા છે. આ મૉડલ તેમને રોજિંદા કામકાજના બોજ વિના વ્યવસાયમાં હિસ્સો મેળવવાની મંજૂરી આપે છે.’

આ વાતથી સંમત થતાં નિર્મલા કોટ્ટાકોલા એક નાનકડા નાસ્તા સ્ટૉલનું ઉદાહરણ આપે છે જે ઘાટકોપરમાં ફ્રૅન્ચાઇઝીમાં ફેરવાઈ ગયું છે. નિર્મલાબહેન કહે છે, ‘લોકો નાનકડા ધંધામાં પણ પોતાનો પૈસો રોકે છે અને અમુક ટકા ઇન્કમ મેળવતા રહે છે. જો સારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બજેટ હોય તો અમુક લોકો કૉફી શૉપ્સ નાખે કે મૅક્ડોનલ્ડ્સ કે કલર્સ જેવી ફ્રૅન્ચાઇઝીમાં ઇન્વેસ્ટ કરે છે.’

. સ્કિલનું ઑનલાઇન વેચાણ
ડિજિટાઇઝેશને નિષ્ક્રિય આવક માટે નવા રસ્તા ખોલ્યા છે એમ જણાવતાં સંજીવ ગોલાણી કહે છે, ‘જેઓ કોઈ પણ વિષયમાં જ્ઞાન ધરાવતા હોય પછી ભલે એ ગિટાર, યોગ અથવા શૈક્ષણિક વિષયો હોય; ઑનલાઇન શીખવી શકે છે અથવા યુટ્યુબ ચૅનલ બનાવી શકે છે. અમુક લોકો તો આવા પૈસા કમાઈને મ્યુચ્યુઅલ ફન્ડમાં સ્વિચ કરે છે. આ પણ એક સારો રસ્તો છે.’

આ વાતમાં ઉમેરો કરતાંય નિર્મલા કોટ્ટાકોલા કહે છે, ‘ઑનલાઇન કૌશલ્યો શીખવવાથી આવકના નિયમિત સ્રોત બની શકે છે અને સેટઅપ ખર્ચ પ્રમાણમાં ઓછો છે. ઘણા વ્યવસાયિકો માટે ઑનલાઇન અભ્યાસક્રમો, ટ્યુટોરિયલ્સ અને બ્લૉગ્સ વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવા અને બાજુ પર વધારાની આવક મેળવવા માટે સુલભ માર્ગો બન્યા છે.’

. સોનું અને કૉમોડિટી રોકાણ  
ભારતમાં સોનું એક વિશ્વસનીય સંપત્તિ છે. જોકે એ માસિક આવક આપતું નથી. સોનાને મૂલ્યમાં સતત વધારા સાથે સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે એવું જણાવતાં નિર્મલાબહેન કહે છે, ‘ઘણા લોકો ડિજિટલ ગોલ્ડ અથવા સૉવરીન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરે છે, જે તેમને ભૌતિક સોનાના સંગ્રહ સાથે સંકળાયેલાં જોખમો વિના કિંમતમાં વૃદ્ધિનો લાભ મેળવવા દે છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2024 04:32 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK