તો હવે સીઝન આવી ગઈ છે જેમાં કિડની બીન્સ સરળતાથી પચી જાય છે. પ્રોટીન, ફાઇબર અને ભરપૂર મિનરલ્સથી લદોલદ આ કઠોળ જો સાચી રીતે ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યામાં ફાયદો કરે છે એટલું જ નહીં, શાકાહારીઓમાં પ્રોટીન મેળવવાનો ઉત્તમ સોર્સ પણ છે
રાજમા
વિશ્વની સ્વાદિષ્ટ કઠોળની વાનગીઓમાં ભારતની ડિશ રાજમાએ પણ એનું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં જ ફેમસ ફૂડ અને ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા બહાર પાડવામાં આવેલા રૅન્કિંગમાં વિશ્વની ટોચની પચાસ કઠોળની વાનગીઓમાંથી આપણા રાજમાનો ૧૪નો નંબર આવ્યો છે. ઉત્તર ભારતની આ સૌથી વધુ પ્રચલિત વેજિટેરિયન ડિશ છે જે ભરપૂર મસાલા અને ગ્રેવી સાથે પકાવવામાં આવે છે. હેલ્થ કૉન્શિયસ લોકો કે જે જિમ જાય છે કે હેવી કસરત પણ કરે છે તેમના માટે તો રાજમા-ચાવલ કમ્ફર્ટ ફૂડની સાથે હેલ્ધી કૉમ્બિનેશન પણ છે. રાજમા શિયાળાનું કઠોળ વધુ છે, કેમ કે એની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં ક્યારેક રાજમા ન સદે એનું કારણ પણ આ જ છે, પણ હવે જ્યારે ઠંડી શરૂ થઈ રહી છે ત્યારે સેહત બનાવવાની મોસમમાં રાજમા ખાશો તો કેટકેટલા બેનિફિટ્સ એની સાથે મળશે એ જાણીએ.