આજે ડૉક્ટર્સ ડે પર જાણીએ કે આપણા ડૉક્ટરો આ બદલાવને કઈ રીતે જુએ છે અને એ વિશ્વાસના સેતુની મજબૂતાઈ વધારવા પોતાના તરફથી શું પ્રયત્નો કરે છે.
પ્રતીકાત્મક તસવીર
એની અસર દરદીને વધુ અને ડૉક્ટરને ઓછી પણ ચોક્કસ રીતે થઈ રહી છે. સેકન્ડ ઓપિનિયન લેવો આજની તારીખે નૉર્મલ થઈ ગયો છે. ઇન્ટરનેટ કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દરેકના હાથમાં છે અને ડૉક્ટર શું કહેશે, શું તેમણે કહેવું જોઈએ અને જે કહ્યું છે એમાં કેટલું તથ્ય છે એ બધું ચેક અને રી-ચેક થયા કરે છે. ત્યાં ગાડી અટકતી નથી. ડૉક્ટર, તમે આ દવા આપી પણ એની આટલી સાઇડ ઇફેક્ટ છે, તમે અમને આ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી પણ એનાથી વધુ સારી તો આ છે કહીને દરદી કે તેના ઘરના લોકો ડૉક્ટર સાથે દલીલો પણ કરે છે. મારપીટ અને ઉદ્ધતાઈના એકલદોકલ કેસને બાજુ પર રાખીએ તો પણ ડૉક્ટર જે કહે છે એના પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને જીવનારા દરદીઓની સંખ્યામાં જબ્બર ઘટાડો થઈ રહ્યો છે. સમાજમાં જ્યારે માણસનો માણસ પરથી વિશ્વાસ ઘટી રહ્યો છે ત્યારે આ નોબલ પ્રોફેશન પર એની છાયા પડે એમાં નવાઈ નથી. આજે ડૉક્ટર્સ ડે પર જાણીએ કે આપણા ડૉક્ટરો આ બદલાવને કઈ રીતે જુએ છે અને એ વિશ્વાસના સેતુની મજબૂતાઈ વધારવા પોતાના તરફથી શું પ્રયત્નો કરે છે.
‘ડૉક્ટર અને દરદીના સંબંધની સૌથી અનોખી વિશેષતા એ છે કે એ ‘વિશ્વાસ’ પર ટકેલો છે. વિશ્વાસ વગર તબીબી વિજ્ઞાન માત્ર ટેક્નૉલૉજીનો યાંત્રિક ઉપયોગ બનીને રહી જાય છે.’ આ શબ્દો છે તબીબી જગતમાં દરદીને કેન્દ્રમાં રાખીને સારવાર કરવાની અને દરદી મૃત્યુ પામવાનો છે એ પછી એની સુવિધા માટે અપાતી પેલિએટિવ કૅરની આધુનિક પદ્ધતિ શરૂ કરનારા અગ્રણી ડૉક્ટર અને અમેરિકના જનરલ ફિઝિશ્યન ડૉ. એરિક કાસેલના. એક સમય હતો જ્યારે લોકો આંખ બંધ કરીને ડૉક્ટર પર વિશ્વાસ કરતા હતા, ડૉક્ટર જે કહે એ સાચું એમ સ્વીકારીને જીવતા હતા. આજે એ વિશ્વાસ થોડો હલી ગયેલો દેખાય છે. જેમ કે નાનામાં નાની બાબતમાં લેવાતા સેકન્ડ ઓપિનિયન જ નહીં, બીજા ૩-૪ ડૉક્ટરના ઓપિનિયન દિવસે ને દિવસે નૉર્મલ બનતા જાય છે. જે લોકો એક જ ડૉક્ટર પાસે જાય છે અને તેમની વાત માને છે તેમની આસપાસના લોકોને નવાઈ લાગે છે કે તમે સેકન્ડ ઓપિનિયન ન લીધો? એટલું જ નહીં, હવે લોકો પાસે ઇન્ટરનેટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે એટલે આ લક્ષણો હોય તો કયો રોગ હોય શકે, કઈ દવા એના પર કામ કરે, મને શું તકલીફ છે, એના માટે મારે શું કરવું જોઈએ જેવી મૂળભૂત વાતો તો લોકો આમ જ જાણી લે છે. એ માહિતી સાથે ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર પર પોતાનું જ્ઞાન વરસાવતા હોય છે. ડૉક્ટર તેમને જે સજેસ્ટ કરે એ ગૂગલ પાસેથી વેરિફાય કરતા હોય છે કે આ વાત બરાબર છે કે નથી? આ ટેસ્ટ ખરેખર કરાવવી જોઈએ કે નહીં? આમ આ પરિસ્થિતિ બદલાય છે એ નક્કી વાત છે. આ બદલાયેલી પરિસ્થિતિનો ગેરલાભ દરદી અને ડૉક્ટર બન્નેને થઈ રહ્યો છે ત્યારે આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે જાણીએ કે ડૉક્ટરો તેમના પર ઘટેલા વિશ્વાસ બાબતે શું અનુભવે છે અને એ ફરી સ્થાપિત કરવા માટે તેઓ શું કરી રહ્યા છે?
ADVERTISEMENT
આજની તારીખે દરદી બીજા દરદીની વાત પર વધુ ભરોસો મૂકે છે એટલે અમે તે લોકો એકબીજાને મળી શકે અને વાત કરી શકે એવા અવસર ઊભા કરીએ છીએ. આમ અમારું કામ સરળ બની જતું હોય છે : ડૉ. મીતા શાહ, ડાયાબેટોલૉજિસ્ટ, ૩૮ વર્ષનો અનુભવ
ભરોસો દવાની જેમ કામ કરતું તત્ત્વ છે. તમને જ્યારે વિશ્વાસ છે કે આ ડૉક્ટરની દવાથી હું ઠીક થઈ જઈશ ત્યારે તે વ્યક્તિને આ ઇલાજ દ્વારા શારીરિક જ નહીં, માનસિક રીતે હીલિંગ મળે છે અને તે જલદી ઠીક થાય છે, વધુ સારી રીતે ઠીક થાય છે. ડૉક્ટર પર દરદી જ્યારે ભરોસો નથી મૂકતા ત્યારે ડૉક્ટરોને પણ એટલું જ નુકસાન છે, અમને અમારું કામ કરવાનો સંતોષ થોડો ઓછો મળે છે. દરેક વ્યક્તિ પછી તે એક આર્ટિસ્ટ હોય, બૅન્ક-મૅનેજર હોય કે ડૉક્ટર; વર્ક-સટિસ્ફૅકશન એટલે કે પોતાનું કામ કરવાનો એક સંતોષ દરેકને જોઈતો હોય છે. એ સંતોષ ઓછો થઈ જાય છે જ્યારે દરદી શંકા કરે છે. ડૉક્ટરનું કામ છે દરદીની સંભાળ લેવાનું, તેને રોગમુક્ત કરવાનું. એક ડૉક્ટર કોઈ પણ સંજોગોમાં પોતાના દરદી પ્રત્યેની પૂરી ફરજ નિભાવે છે, પણ ઘણીબધી વાર અમે અમારા દાયરાની બહાર જઈને પણ દરદીઓની મદદ કરતા હોઈએ છીએ. એ એક્સ્ટ્રા એફર્ટ કરવાનું મન આવા દરદીઓ માટે થતું નથી જેમને અમારા પર બિલકુલ વિશ્વાસ નથી.
હું ડાયાબિટીઝની ડૉક્ટર છું જેમાં દરરોજ એક સોશ્યલ મીડિયા પોસ્ટ કોઈ ને કોઈ નવી માહિતી આપે છે. આ એક રોગ એવો છે જેમાં દરરોજ લોકો કોઈ ને કોઈ નવી માહિતી સાથે રોગીની મદદ કરવા આવી જાય છે. એમાં અમારું કામ વધી જાય છે. દરરોજ લોકો અગણિત પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે. ડાયાબિટીઝ જેવા રોગમાં લાઇફસ્ટાઇલના બદલાવનું ઘણું મહત્ત્વ છે. આ બાબતે જો કોઈ ખોટી માહિતી વ્યક્તિ સુધી પહોંચી અને તેણે અમારી વાત ન માનીને સોશ્યલ મીડિયા પર ભરોસો કર્યો તો અંતે અમારી તે દરદી પાછળની મહેનત અને દરદીની હેલ્થ બન્ને પર પાણીઢોળ થઈ જાય છે. આમ અમારું કામ ફક્ત એ નથી કે અમે દરદીને સાચી માહિતી આપીએ, પણ અમારું કામ એ પણ વધી જાય છે કે તેની પાસે જે ખોટી માહિતી છે એની તેને જાણ કરીએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે તે અમારી પાસે રેગ્યુલર આવે, અમારા પર વિશ્વાસ વધુ મૂકે અને ઇન્ટરનેટ પરથી મળતી માહિતીઓ અમને પૂછ્યા વગર સાચી ન માને.
એક ડૉક્ટર તરીકે હું ઇચ્છું છું કે અમારી પાસે આવનારા દરદીઓ અમારા પર પૂરી શ્રદ્ધા રાખે. એ માટેના પ્રયત્નોમાં આટલાં વર્ષોનો અનુભવ અમને એ સમજાવે છે કે દરદીને તમે જે કહો એ વાત તે કદાચ માને અને ન પણ માને, પણ જો તમે દરદીને તમારા બીજા દરદીઓ સાથે મેળવો તો ચોક્કસ એ વાત માનશે જ. અમે એવી મીટિંગ્સનું આયોજન કરીએ છીએ જ્યાં દરદીઓ એકબીજાને મળી શકે, પોતાના અનુભવો એકબીજા સાથે વહેંચી શકે. ડાયાબિટીઝ જેવા રોગમાં એજ્યુકેટર તરીકે પણ અમારે કામ કરવાનું હોય છે, કારણ કે આ રોગ બીજા રોગો સાથે સંકળાયેલો રોગ છે. એટલે કે અમારા દરદીઓને હાર્ટની, કિડનીની કે બીજી ઘણી જુદી-જુદી સમસ્યાઓ લાગુ પડતી હોય છે. આવા સમયે જ્યારે તેઓ એકબીજા સાથે વાત કરે, તેમના અનુભવો એકબીજા સાથે શૅર કરે તો તેમની શંકાઓ દૂર થાય છે. અમારી સાથેના દરદીઓના અનુભવોનું આદાન-પ્રદાન થાય છે ત્યારે આપોઆપ તેમને અમારા પર શ્રદ્ધા આવી જાય છે. આ એક્સ્ટ્રા કામ છે, પણ એ અમે ખુશી-ખુશી કરીએ છીએ કારણ કે અમને એના સારા રિઝલ્ટની ખબર છે.
આજની તારીખે અમારા માટે બાળકનો યોગ્ય ઇલાજ કરવો પૂરતો નથી, તેમનાં માતા-પિતા પાસે આવી ચડેલા વધારાના જ્ઞાનને કારણે ઊભી થયેલી તેમની ઍન્ગ્ઝાયટીને દૂર કરવાનું કામ પણ અમારે કરવું પડે છે : ડૉ. પંકજ પારેખ, પીડિયાટ્રિશ્યન, ૪૮ વર્ષનો અનુભવ
હું માનું છું કે ડૉક્ટર અને દરદીના સંબંધમાં બદલાવ આવ્યો છે એનાં ઘણાં કારણો છે એમાંનું એક કારણ એ છે કે ઘણા ડૉક્ટરો કમર્શિયલ થઈ ગયા છે. મેડિક્લેમ આજકાલ બધા જ લોકો પાસે છે એટલે રોગ અને ઇલાજ આ બન્નેમાં કમર્શિયલ પૉઇન્ટ ઑફ વ્યુ ભળ્યો છે અને એટલે જ શ્રદ્ધ ઝાંખી પડી ગઈ છે. બીજું એ કે જે સમયે લોકોને એક ડૉક્ટર પર ભરોસો હતો એ સમયે લોકો ઘણા ગરીબ હતા. એક ડૉક્ટરને આપવા માટે તેમની પાસે માંડ પૈસા હતા એમાં બીજા બે ડૉક્ટરના પૈસા ક્યાંથી કાઢે. એટલે પણ સેકન્ડ-થર્ડ ઓપિનિયન જેવી વાત આવતી નહોતી. હવે એવું થતું નથી. જોકે તમે વધુ ઓપિનિયન લો એ પછી સંતોષજનક ઇલાજ શક્ય છે એવું નથી હોતું. તમે ૧૦ દુકાનમાં સાડી જુઓ અને પછી ખરીદો તો એવું નથી કે તમને સંતોષ થાય. ઊલટું તમને લાગે કે પેલી દુકાનમાં વધુ સસ્તી હતી કે ફલાણી સાડીની ક્વૉલિટી મારી સાડી કરતાં વધુ સારી હતી. અંતે તમે બેસ્ટ લાગતી સાડી ખરીદી, પણ તમે તો ખુશ નથી જ. આવું જ દરદી સાથે થતું હોય છે. તેને એક જગ્યાએ શ્રદ્ધા ન બેસે એટલે તે ખુદ હેરાન થાય છે.
જોકે જે બદલાવ આવ્યો છે એ સંપૂર્ણ રીતે ખરાબ નથી. હું બાળકોનો ડૉક્ટર છું. એક સમય એવો હતો જ્યારે બાળક અતિ માંદું ન પડે ત્યાં સુધી લોકો અમારા સુધી આવતા જ નહીં. આજે જાગૃતિ અને માહિતી લોકોમાં વધી છે તો લોકો નાની-નાની બાબતે દોડતા આવે છે. એમાંથી ૭૦ ટકા એવા હોય છે જેમને અમે કોઈ તકલીફ નથી, તમે ઘરે જાઓ કહીને ઘરે મોકલતા હોઈએ છીએ. એ બાબતે પણ લોકોનો વિશ્વાસ બંધાય છે કે આ ડૉક્ટર ખોટેખોટી દવા નહીં આપે, તે તમને સાચું માર્ગદર્શન આપશે. જોકે થાય છે એવું કે વધુ પડતી માહિતીઓ તેમને મૂંઝવે પણ છે. નવા બનેલા પેરન્ટ્સ સતત ડરમાં રહે છે, ઓવરથિન્કિંગ કરે છે અને એટલે બાળકોના ડૉક્ટર તરીકે અમારે બાળકોનો જ નહીં; તેમનાં માતા-પિતાના મનની શંકાઓ, તેમનો ડર, તેમની તકલીફોનો પણ ઇલાજ કરવો જરૂરી છે. બાળક કરતાં તેનાં માતા-પિતા વધુ તકલીફમાં હોય છે. જો હું બાળકોના ડૉક્ટર તરીકે તેમનો જ ઇલાજ કરું તો એ સંપૂર્ણ નહીં ગણાય. આ બધા માટે તેમને પૂરતો સમય આપવો પડે છે. અડધી રાત્રે તેમના આવતા કૉલ્સ ઉપાડવા પડે છે, તેમની સાવ નાહક લાગતી વાતોનો પણ જવાબ આપવો પડે છે કારણ કે બાળકનાં માતા-પિતાની શંકાઓ દૂર કરવી એ મારું કર્તવ્ય છે. બાકી આટલાં વર્ષોની પ્રૅક્ટિસમાં મને લાગે છે કે જે ડૉક્ટર તેનું કામ મનમાં કરુણા અને અનુકંપા સાથે કરે છે, એક સારા માનવી સ્વરૂપે નિભાવે છે તેના પર લોકો ચોક્કસ વિશ્વાસ કરે છે.
હું પ્રૅક્ટિસમાં જોઈ શક્યો છું કે અભણ દરદીઓ ભણેલા દરદીઓ કરતાં વધુ સારું રિઝલ્ટ મેળવે છે કારણ કે તેમને શંકા છે જ નહીં, અમે જે કહીએ એનું પૂરેપૂરું પાલન તેઓ કરે છે; પણ ભણેલા દરદીઓ કન્ફ્યુઝ રહે છે એટલે પોતાનું જ નુકસાન કરી બેસે છે. : ડૉ. જયેશ શેઠ, ગાયનેકૉલૉજિસ્ટ, ૩૬ વર્ષનો અનુભવ
એક ડૉક્ટર તરીકે હું પૂરી કોશિશ એ કરું છું કે દિવસના ૫૦-૬૦ દરદીઓ મારે જોવાના હોય છે છતાં દરદીઓના અગણિત પ્રશ્નો માટે અમારી પાસે પૂરતો સમય અમે રાખીએ છીએ. મેં ઘણા ડૉક્ટરોની ટીમ રાખી છે. દરદીને પૂરી રીતે સંતોષ ન થાય ત્યાં સુધી અમે તેમને બધી જાણકારી આપીએ છીએ. આવું કેમ થાય, શું કામ કરવાનું, એ કરવાથી શું થશે એ બધું જ. મારું માનવું છે કે જો તમે અમને આંખ બંધ કરીને ફૉલો કરી શકો તો બેસ્ટ, જો ન કરી શકો તો અમે તમને બધી માહિતી આપીને, જાગૃત કરીને, બધું સમજાવીને અહીંથી ઘરે મોકલીશું. આવું કરવાથી પણ દરદીનો પૂરેપૂરો વિશ્વાસ જીતી શકાય છે એ મારો અનુભવ છે. અમે ઘણા ગરીબ દરદીઓને સહાય પણ કરીએ છીએ. દરદીને પૂરી રીતે ઠીક કરવા માટે અમે અહીં બેઠા છીએ. અમારા તરફથી અમે બધું કરીએ છીએ. આજે દરદીનો ડૉક્ટર પરથી વિશ્વાસ હલી ગયો છે ત્યારે એ સમજવું પણ જરૂરી છે કે તાળી એક હાથે નહીં વાગે, બધા હાથે ભેગા થવું પડશે. વિશ્વાસ પર દુનિયા કાયમ હોય તો આપણે બધાએ આ વિશ્વાસને ફરીથી પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ બનવું પડશે. વિચારો કે આજે આપણે મશીન પર વધુ વિશ્વાસ કરવા લાગ્યા છીએ, ઇન્ટરનેટ કે ફોન તમને જે કહે છે એ તમે માનો છો અને ક્વૉલિફાઇડ ડૉક્ટર જે કહે એના પર શંકા કરો છો તો એ વાત તો સમજવી રહી કે માણસ તરીકે આપણે ક્યાંક તો ભૂલ કરી રહ્યા છીએ.
મેડિસિન જેવા ક્ષેત્રમાં કૉર્પોરેટ કલ્ચર ભળે ત્યારે એનું નુકસાન સમાજને થાય છે જે આજે દેખાઈ રહ્યું છે : ડૉ. તુષાર શાહ, કન્સલ્ટિંગ ફિઝિશ્યન, ૩૬ વર્ષ
વિશ્વાસનું મહત્ત્વ આમ તો દરેક ફીલ્ડમાં છે, પણ મેડિસિનમાં થોડું વધારે છે. આટલાં વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે વ્યક્તિની બીમારી ઠીક થવામાં વિશ્વાસ એક મોટું તત્ત્વ બનીને સામે આવે છે. તબીબી વિજ્ઞાન એક વિજ્ઞાન છે, પણ એમાં જેટલા ચમત્કાર થાય છે એની પાછળ આ વિશ્વાસ નામનું તત્ત્વ મૂળભૂત રીતે કામ કરતું હોય છે. તમને વિશ્વાસ છે કે એક દરદી તરીકે હું સાચા હાથોમાં છું તો એ વિશ્વાસ તમને સાઇકોલૉજિકલી ઠીક થવાનું બળ પૂરું પાડે છે. વળી તમને તે ડૉક્ટરના કહ્યા પર વિશ્વાસ છે એટલે તેમની દરેક વાત તમે માનશો અને જલદી ઠીક પણ થઈ જશો. આમ તો તમારી કાબેલિયતના આધારે લોકો તમારા પર વિશ્વાસ કરતા થાય છે. કોઈ દરદી તમારી પાસે આવે અને તમે તેને યોગ્ય નિદાન આપો, દવાના નિયત ડોઝથી તે ઠીક થઈ જાય તો ત્યાં વિશ્વાસ સ્થાપિત થઈ જાય છે. એના માટે દરેક ડૉક્ટરે કાબેલિયત કેળવવી પડે છે. આજે પણ લોકો અનુભવી ડૉક્ટરોને ખૂબ માને છે, નવા ડૉક્ટરોએ એ વિશ્વાસ કમાવો પડે છે.
દુઃખની વાત એ છે કે એ વિશ્વાસ આજે થોડો હલ્યો છે. એની પાછળ મને અમુક કારણો દેખાય છે. પહેલું એ કે જે સમયે લોકો ડૉક્ટરની વાત આંખ બંધ કરીને માની લેતા હતા એ સમયે લોકોના જીવનમાં એક જ ડૉક્ટર હતા, જુદા-જુદા સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટરો નહોતા. આજે મનુષ્યની ઍવરેજ આયુ વધી છે. આપણે પહેલાં કરતાં લાંબું જીવન જીવી રહ્યા છીએ. એટલે ઑલ્ઝાઇમર્સ થાય તો ન્યુરોલૉજિસ્ટ પાસે જવું પડે, હાડકાં નબળાં પડ્યાં હોય તો ઑર્થોપેડિક પાસે જવું પડે, બ્લૉકેજ હોય તો કાર્ડિયોલૉજિસ્ટ પાસે જવું પડે અને બ્લડ-પ્રેશર, શુગર, થાઇરૉઇડ જેવી તકલીફ હોય તો પણ જુદા ડૉક્ટર જોઈએ. આ બધા ડૉક્ટર પોતપોતાની દવા આપે છે પણ તેઓ બીજી તકલીફ કે એની દવાઓ વિશે જાણતા નથી અથવા ઓછું જાણે છે. આ પરિસ્થિતિમાં તેમને એક કૉમન ડૉક્ટરની જરૂર છે જેમને બધા જ રોગ અને બધી જ દવાઓ વિશેની જાણકારી એટલી હોય કે કઈ દવા કોની સાથે નથી ખાવાની એ સમજી શકાય, કારણ કે આ બધી દવાઓ ભેગી થઈને દરદીને જે આડઅસરો ઊભી કરે છે એને કારણે દરદીને ઍલોપથી દવા પર અને ડૉક્ટરો પર વિશ્વાસ તૂટે છે. આપણે ત્યાં જનરલ ફિઝિશ્યન કે ફૅમિલી ડૉક્ટરોની સંખ્યા ઘટી રહી છે અને સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની સંખ્યા ઘણી વધી રહી છે જે એક ચિંતાનું કારણ છે. બીજું એ કે મોટી હૉસ્પિટલોમાં આજની તારીખે કૉર્પોરેટ સેટ-અપ આવી ગયો. મેડિસિનનું કામ જ્યારે બિઝનેસ સાથે ભળે ત્યારે એમાં લૂંટફાટ થવાની જ છે. છતાં સાચું કહું તો અમારો પ્રોફેશન એવો છે કે જો ડૉક્ટર ઇચ્છે તો તે સારો ડૉક્ટર રહી શકે છે. કૉર્પોરેટના પ્રેશરમાં આવ્યા વગર હું ઘણાં વર્ષોથી પ્રૅક્ટિસ કરું છું. કોઈ પણ વ્યક્તિએ કેટલું નૈતિકતાથી જીવવું એ તેના હાથમાં હોય જ છે. કોઈ પણ સેટ-અપ તમને ખરાબ બનવા માટે પ્રેશર ન આપી શકે જો તમે એ લેવા ન માગતા હો. અમે અમારા ક્લિનિકમાં ગરીબ લોકો પાસેથી પૈસા નથી લેતા. એ વાત સમજવી જરૂરી છે કે મેડિસિનના ક્ષેત્રમાં સાયન્સ જેટલું મહત્ત્વનું છે એટલું જ સાથે-સાથે નૈતિકતા, વિશ્વાસ, માણસાઈ જેવાં મૂલ્યો જળવાઈ રહેવાં જરૂરી છે.
માહિતીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે, પણ એ હથિયારનો ઉપયોગ એક દરદી તેના ડૉક્ટર સામે કરે ત્યારે ડૉક્ટર કરતાં ઘણું વધારે નુકસાન તેનું ખુદનું થાય છે. પહેલાં તો દરેક દરદી એ સમજતો નથી કે ઇલાજ એ કોઈ ગણિત નથી જેમાં ૧+૧ હંમેશાં બે નથી થતા. ઇલાજ હંમેશાં વ્યક્તિગત હોય છે. જે એક વ્યક્તિને લાગુ પડે એ બીજાને પડે જ એવું નથી હોતું. સાંભળેલી વાતોના આધારે તમે અનુમાન બાંધી લો ત્યાં ભૂલ થઈ જાય છે. બીજું એ કે ઇન્ટરનેટ તમને જે સજેસ્ટ કરે છે એ સામાન્ય બાબતો છે, એના આધારે પર્સનલ ઇલાજ ન થઈ શકે. ખાસ કરીને કૅન્સર જેવા રોગમાં જ્યાં દરદીએ-દરદીએ રોગ અલગ છે ત્યાં તો આવું ન જ થઈ શકે. વળી એક સારો ડૉક્ટર ફક્ત એ ધ્યાન નથી આપતો કે આ રોગ છે એટલે આ ઇલાજ કરો. અમારે એ સિવાય પણ ઘણું બધું ધ્યાનમાં રાખવાનું હોય છે. જેમ કે દરદીની આર્થિક પરિસ્થિતિ. દુનિયામાં મોંઘામાં મોંઘા ઇલાજ થાય જ છે, પણ એનો અર્થ એ નથી કે ગરીબ માણસને પણ અમે એ ઇલાજ કરવો જ જોઈએ એમ કહીએ. દરદીની પેઇન સહન કરવાની કૅપેસિટી પણ જોવી પડે છે. ઘરના લોકો કહે છે કે તમે તો કીમો આપી દો, પણ દરદીથી એક નાનકડું ઇન્જેક્શન ખમાતું નથી અને ત્યાં તેને જરૂર પણ ન હોય તો તેની સેફ્ટી માટે અમે આવા નિર્ણયો ન લઈએ. દરદી શું ઇચ્છે છે એ પણ અમારા માટે મહત્ત્વનું છે અને તેમની ઉંમર પણ. જે ઇલાજ હું ૩૦-૪૦ વર્ષની છોકરીને સજેસ્ટ કરું એ ૭૦ વર્ષની સ્ત્રીને નથી કરતી. અંતે એક ડૉક્ટર તરીકે તમે ઇચ્છો છો કે દરદીનું ભલું થાય.
એક ડૉક્ટર પર દરદીને ત્યારે વિશ્વાસ બેસે જ્યારે તે બન્ને વચ્ચેનું કમ્યુનિકેશન એકદમ સ્ટ્રૉન્ગ હોય. હું હંમેશાંથી કોશિશ કરું છું કે મારા દરદીને શારીરિક જ નહીં, માનસિક રીતે પણ શું મૂંઝવણ છે એને હું પૂરી રીતે દૂર કરી શકું. મારાથી બનતા પ્રયત્ને હું તેની બધી જ તકલીફ પર કામ કરું છું. તમે જે કહેવા માગો છો એ દરદીને પૂરી રીતે સમજાય તો તેને સંપૂર્ણ શ્રદ્ધા બેસે છે તમારા પર એવો મારો અનુભવ છે. એ શ્રદ્ધાના ઘણા લાભ છે. એ હોવી જ જોઈએ. અમે કોઈને ફોર્સ ન કરી શકીએ કે અમારા પર તમે વિશ્વાસ રાખો જ, પણ પ્રયત્ન જરૂર કરી શકીએ. જોકે મેં જોયું છે કે ૯૫ ટકા દરદીઓ જેમને તમે બધું સમજાવો એટલે તેમને તમારા પર વિશ્વાસ બેસે, પણ પાંચ ટકા દરદીઓ એવા હોય છે જેમને તમે કંઈ પણ કરો, તમારા પર તેનો વિશ્વાસ બેસતો જ નથી. મજાની વાત એ છે કે તે વ્યક્તિ બીજા ડૉક્ટર પાસે જાય તો પણ તે ડૉક્ટર પર પણ વિશ્વાસ નથી કરી શકતી કારણ કે અવિશ્વાસ તેના સ્વભાવમાં છે. તો પાંચ ટકા દરદીઓ માટે અમે કંઈ ખાસ કરી શકતા નથી. જોકે એક ડૉક્ટર તરીકે ખુશી એ વાતની થતી હોય છે કે ૯૫ ટકા દરદીઓ જોડે અંગત સંબંધ સ્થાપવાથી, એકદમ સ્પષ્ટ અને આત્મીયતાભર્યા કમ્યુનિકેશનથી તેમનામાં વિશ્વાસ રેડી શકવામાં મને સફળતા મળી છે જે અમૂલ્ય છે.
આજની તારીખે જ્યારે બાળકો માતા-પિતાની વાત માની નથી લેતાં ત્યારે દરદી એક ડૉક્ટરની વાત આંખ બંધ કરીને માની લે એ અપેક્ષા જ ખોટી છે : સમીર શાહ, હેપેટોલૉજિસ્ટ, ૪૦ વર્ષનો અનુભવ
સમય બદલાય છે અને એની સાથે વ્યક્તિ પણ. આજે કોઈ પણ માણસ બીજા માણસની વાતને વગર પ્રશ્ને આંખ બંધ કરીને સ્વીકારી લે એવી આશા રાખવી પણ ખોટી છે. આજે માણસનાં પોતાનાં સંતાનો તેમની વાત દલીલ વગર માનતાં નથી ત્યાં દરદીઓ ડૉક્ટરની વાત વગર પ્રશ્ને આંખ બંધ કરીને માની લે એવું વિચારાય પણ કઈ રીતે? મારા મતે એ અપેક્ષા જ ખોટી છે. આજની તારીખે દરદી અમારી પાસે આવે ત્યારે હોમવર્ક કરીને આવે છે એટલે કે તેને ખબર હોય છે કે તેને શું થઈ રહ્યું છે અને એને કારણે શું રોગ હોઈ શકે અને એનો ઇલાજ કરાવવો હોય તો શું કરવું પડશે. ઘણા કેસમાં એ ઉપયોગી થાય છે અને ઘણા કેસમાં એ તકલીફજનક પણ બને છે કારણ કે એ અધૂરી માહિતી હોય છે. એટલે અમારે તેમને વધુ પડતી ક્લૅરિટી આપવી પડે છે. મોટા ભાગે તમે જેટલું વધુ ગૂગલ કરો છો એટલા તમે વધુ કન્ફ્યુઝ થાઓ છો અને તમારા કન્ફ્યુઝનને બીજું કોઈ નહીં, તમારો ડૉક્ટર જ દૂર કરી શકે છે. આજકાલ દરદીઓ અમારી પાસે આવે ત્યારે ઘણાબધા પ્રશ્નો લખીને આવે છે. મને એના જવાબ દેવામાં કોઈ જ પ્રૉબ્લેમ નથી. હું શાંતિથી એ બધાના જવાબ આપું છું. છેલ્લે પૂછું છું કે તમારા સવાલ પતી ગયા? કંઈ બાકી તો નથી? એમાં જો સમય આપવો પડે કે વારંવાર એક્સ્પ્લેન કરવું પડે તો પણ હું કરી શકું છું, કારણ કે એ બદલાવ અને નવી પદ્ધતિ મેં સ્વીકારેલી છે.
એક ડૉક્ટર તરીકે જ નહીં, એક માણસ તરીકે બદલાયેલા સમયને તમારે માન આપવું જરૂરી છે. જો કોઈ ડૉક્ટર એમ વિચારે કે મારે જવાબ નથી આપવો તો એ ખોટું થશે. આજકાલ ઘણા લોકો રેકૉર્ડિંગ પણ કરતા હોય છે. ડૉક્ટર જે બોલે એ બધું રેકૉર્ડ કરે ત્યારે અમુક ડૉક્ટરો ગુસ્સે થઈ જાય છે, પણ હું નથી થતો. ઊલટું હું વિચારું છું કે તે લોકો મારી વાત તેના સંબંધીઓને સંભળાવશે કે ઘરે જઈને પોતે ફરી સાંભળશે તો એ સાચી વાત તો તેમના સુધી પહોંચશે. આજકાલ મેં જે અનુભવ કર્યો છે એની વાત કહું તો મોટા ભાગે આપણે ત્યાં વડીલો અહીં એકલા રહેતા હોય છે અને તેમનાં સંતાનો અબ્રૉડ. તેઓ જ્યારે માંદા પડે ત્યારે સંતાનો ભારત દોડી આવે છે. તેમના મનમાં અપરાધભાવ હોય છે કે તેમણે તેમનાં માતા-પિતાનું આખી જિંદગી ધ્યાન ન રાખ્યું. એ અપરાધભાવને કારણે તેમનું વર્તન અમારા પ્રત્યે ઘણું જુદું હોય છે. તેઓ સતત અમને કહેતાં રહેતાં હોય છે કે આવો ઇલાજ કેમ અને આવો કેમ નહીં. અમેરિકામાં તો આ પણ શક્ય છે, પેલું પણ થાય છે, તમે કેમ કરતા નથી? આવા કેસમાં હું પ્રેમથી તેમને કહું છું કે જો તમને લાગતું હોય કે ત્યાં બેસ્ટ ઇલાજ મળે છે તો તમે તેમને અમેરિકા લઈ જઈ શકો છો, કોઈ પ્રૉબ્લેમ નથી. આવું કહેતાંની સાથે જ તેઓ અવિશ્વાસ જતાવવાનું છોડી દે છે. ડૉક્ટર તરીકે અમારે ક્યારેક વઢવું પડે, ક્યારેક પ્રેમથી વાત કરવી પડે, ક્યારેક કડક બનવું પડે તો ક્યારેક નરમ. આ બધામાં એક વાત પાકી છે કે અમે એ જ કરીએ જે દરદીના હિતમાં છે.
