Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કિડની કૅન્સરનાં આ સાઇલન્ટ લક્ષણો અવગણતા નહીં

કિડની કૅન્સરનાં આ સાઇલન્ટ લક્ષણો અવગણતા નહીં

Published : 01 July, 2026 03:30 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

પવઈની હીરાનંદાની હૉસ્પિટલના અનુભવી નેફ્રોલૉજિસ્ટ અને કિડની ડિસીઝના સ્પેશ્યલિસ્ટ રુજુ ગાલા પાસેથી જાણીએ કે કિડની કૅન્સરનું નિદાન મોડું કેમ થાય છે અને એનાથી બચવાના ઉપાય તરીકે શું કરી શકાય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કિડની આપણા શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ હોવા છતાં એના સ્વાસ્થ્ય પર ધ્યાન અપાતું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં કિડનીના કૅન્સરનું નિદાન બહુ મોડું એટલે કે ઍડ્વાન્સ સ્ટેજમાં થતું હોય છે. આ સાઇલન્ટ ડિસીઝ પાછળનાં મુખ્ય કારણો, જોખમી પરિબળો અને વહેલું નિદાન થાય એ માટે શરીરમાં થતા કેવા ફેરફારોને હળવાશમાં ન લેવા જોઈએ એના વિશે નિષ્ણાત પાસેથી સમજીએ

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કિડનીના કૅન્સરના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શરૂઆતના તબક્કામાં શરીર કોઈ ખાસ કે દેખીતા સંકેતો આપતું નથી અને આ જ કારણે એને સાઇલન્ટ કિલર બીમારી કહેવામાં આવે છે. કિડની પેટના પાછળના ભાગમાં આવેલી હોવાથી નાની ગાંઠો સામાન્ય શારીરિક તપાસમાં પણ પકડાતી નથી. મોટા ભાગે આપણી રોજિંદી કેટલીક ગંભીર ભૂલો, બદલાતી બેઠાડુ જીવનશૈલી, આડેધડ દવાઓ લેવાની આદત અને પેશાબમાં ફેરફાર કે અસહ્ય દુખાવા જેવાં મહત્ત્વનાં લક્ષણોને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ આ ગંભીર સ્ટેજ સુધી પહોંચાડી દે છે. પવઈની હીરાનંદાની હૉસ્પિટલના અનુભવી નેફ્રોલૉજિસ્ટ અને કિડની ડિસીઝના સ્પેશ્યલિસ્ટ રુજુ ગાલા પાસેથી જાણીએ કે કિડની કૅન્સરનું નિદાન મોડું કેમ થાય છે અને એનાથી બચવાના ઉપાય તરીકે શું કરી શકાય.



મોડું નિદાન થવાનાં કારણો?


શરૂઆતના સ્ટેજમાં કિડનીનું કૅન્સર મોટા ભાગે એસિમ્પટોમેટિક એટલે કે લક્ષણો વગરનું હોય છે. આને લક્ષણવિહીન રોગ પણ કહેવાય છે. આ બીમારી મોડી પકડાવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કિડનીમાં નાની ગાંઠ કે ટ્યુમર હોવા છતાં શરીરની બન્ને કિડનીઓ પોતાની સામાન્ય કામગીરી અટકાવ્યા વિના ચાલુ રાખે છે. આના કારણે વ્યક્તિને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ, નબળાઈ કે દુખાવાનો અહેસાસ થતો નથી. આ ઉપરાંત કિડની શરીરમાં પેટના પાછળના ભાગમાં આવેલી હોવાથી નાની ગાંઠો સામાન્ય શારીરિક તપાસ અથવા સ્પર્શ દ્વારા પકડી શકાતી નથી. મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ પેટનો દુખાવો, પથરી કે અન્ય કોઈ તકલીફ માટે સામાન્ય સોનોગ્રાફી અથવા CT સ્કૅન કરાવે છે ત્યારે આકસ્મિક રીતે જ કિડનીમાં રહેલી ગાંઠ વિશે ખબર પડે છે.

શરૂઆતનાં આ લક્ષણો થાય છે ઇગ્નૉર


કિડનીનું કૅન્સર જ્યારે થોડું-થોડું કરીને આગળ વધે છે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે જેને આપણે સામાન્ય ગણીને ઇગ્નૉર કરીએ છીએ. સૌથી પહેલો સંકેત યુરિન આપે છે. પેશાબનો રંગ ગુલાબી, લાલ કે ચાના કલર જેવો થવો એ કિડની નાદુરસ્ત હોવાનું સૌથી મોટું લક્ષણ છે. ઘણી વાર યુરિનમાં લોહી કોઈ પણ પ્રકારના દુખાવા વગર આવે છે અને પછી આપમેળે બંધ થઈ જાય છે, જેથી લોકો એને સામાન્ય ગણીને ભૂલી જાય છે અને ડૉક્ટર પાસે જતા નથી. બીજું લક્ષણ પાંસળીઓની નીચે, પીઠના નીચેના ભાગમાં અથવા પડખામાં દુખાવો છે. જો આ દુખાવો લાંબા સમય સુધી રહે તો કિડની પર દબાણ વધવાનો સંકેત હોઈ શકે છે. આને ઇગ્નૉર કરી શકાય નહીં. આ ઉપરાંત ઘણી વાર કોઈ પણ પ્રકારના ડાયટિંગ કે વ્યાયામ વિના વજનમાં ઘટાડો થવો, ભૂખ મરી જવી, લોહીની અછત વર્તાવી અને પૂરતો આરામ કરવા છતાં અતિશય થાક લાગવો, ઇન્ફેક્શન વગર વારંવાર તાવ આવવો આ બધાં લક્ષણોનો સંબંધ કિડની સાથે હોઈ શકે છે. આથી શરીરમાં આ પ્રકારે જો ફેરફાર વર્તાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો હિતાવહ રહેશે.

આ રોગનું રિસ્ક કોને?

કિડનીના કૅન્સર પાછળ વ્યક્તિની રોજિંદી આદત, સ્વાસ્થ્યની સ્થિતિ અને તેની આસપાસનું વાતાવરણ મુખ્ય ભાગ ભજવે છે. ડાયાબિટીઝ, ઓબેસિટી, ક્રોનિક હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકોમાં આ કૅન્સરનું જોખમ વધારે હોય છે. આ ત્રણેય પરિબળો શરીરમાં લાંબા ગાળાના સોજા, જેને ડૉક્ટરો ક્રૉનિક ઇન્ફ્લમેશન કહે છે એ પેદા કરે છે જે કૅન્સરના કોષોને વધવામાં મદદ કરે છે. ધૂમ્રપાન, બીડી, સિગારેટ કે કોઈ પણ સ્વરૂપે તમાકુનું સેવન કરવાથી ઝેરી તત્ત્વો લોહી મારફત કિડનીમાં જમા થાય છે જે તેના કોષોને નુકસાન પહોંચાડે છે. માથાના દુખાવા, સાંધાના દુખાવા કે શરીરના દુખાવા માટે ડૉક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર પરથી જાતે જ લાવીને વારંવાર પેઇનકિલર્સ ખાવાની આદત કિડની અને મૂત્રમાર્ગના કૅન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે. જે લોકો કેમિકલ ફૅક્ટરી, ઍસ્બેસ્ટોસનાં કારખાનાં, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અથવા ભારે ધાતુઓ સાથે લાંબા સમય સુધી કામ કરે છે તેમના શ્વાસ અને ત્વચા મારફત ઝેરી રસાયણો શરીરમાં પ્રવેશીને કિડનીને નુકસાન કરે છે. પરિવારમાં જો અગાઉ કોઈને કિડનીની ગંભીર બીમારી હોય કે કૅન્સર થયું હોય તો લોહીના સંબંધ ધરાવતા અન્ય સભ્યોમાં પણ આ જોખમ વધી જાય છે.

શું કરવું અને શું ન કરવું?

દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાની આદત રાખો, જેથી કિડનીમાંથી ઝેરી કચરો બહાર નીકળી જાય.

ભોજનમાં તાજાં ફળો, લીલાં શાકભાજી અને આખા અનાજનો ઉપયોગ વધારો. એ શરીરમાં સોજો ઘટાડે છે.

નિયમિત વ્યાયામ અથવા યોગ કરીને શરીરનું વજન સંતુલિત રાખો.

જો પરિવારમાં કોઈને કિડનીની બીમારી હોય તો દર વર્ષે ડૉક્ટરની સલાહથી કિડનીની તપાસ કરાવો.

સામાન્ય માથાનો કે સાંધાનો દુખાવો થતાં જ ડૉક્ટરની સલાહ વિના જાતે મેડિકલ સ્ટોર પરથી લાવીને દુખાવો મટાડવાની પેઇનકિલર્સ ક્યારેય ન ખાઓ.

ધૂમ્રપાન, બીડી, સિગારેટ કે ગુટકાના સ્વરૂપમાં તમાકુ લેવાનું સંપૂર્ણપણે ટાળો. એ કિડનીને સીધું નુકસાન કરે છે.

હાઈ બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવી બીમારીઓને ક્યારેય અનિયંત્રિત ન થવા દો.

પેશાબમાં લોહી આવવું કે પડખામાં સતત દુખાવો થવા જેવા સંકેતોને સામાન્ય ગણીને ક્યારેય ઘરે બેસી ન રહો.

આનાથી બચવા શું કરશો?

કિડનીના કૅન્સર જેવી બીમારીથી દૂર રહેવા માટે એનું વહેલા તબક્કે નિદાન કરવા કેટલીક બાબતો અત્યંત જરૂરી છે. રોજિંદા ખોરાકમાં શાકાહારી અને કુદરતી વસ્તુઓ જેવી કે તાજાં ફળો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, આખા અનાજ અને કઠોળનું પ્રમાણ વધારવું જોઈએ. આ આહાર શરીરમાં ઝેરી તત્ત્વોને જમા થતાં અટકાવે છે. રોજ પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી પીવું જોઈએ, જેથી કિડનીમાંથી કચરો બહાર નીકળી જાય. આ સાથે જ શરીરનું વજન નિયંત્રણમાં રાખવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. જે લોકોને ડાયાબિટીઝ કે હાઈ બ્લડ-પ્રેશર છે તેમણે વર્ષમાં ઓછામાં ઓછી એક વાર KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ કરાવી લેવી જોઈએ. પેશાબની સામાન્ય તપાસ ઉપરાંત પેશાબમાં પ્રોટીન લીક થઈ રહ્યું છે કે નહીં એ જાણવા માટે UACR એટલે કે યુરિન આલ્બ્યુમિન-ટુ-ક્રી ક્રીએટિન રેશિયોનો ટેસ્ટ કરાવવો ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય કોઈ પણ આશંકાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ મુજબ કિડનીની સોનોગ્રાફી કરાવવાથી શરૂઆતના સ્ટેજમાં જ ગાંઠ પકડી શકાય છે અને સમયસર સારવાર કરીને સંપૂર્ણ બચાવ શક્ય બને છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:30 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK