વિજયા મહેતાનું અવસાન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
‘બાઈ’ના હુમલાણા નામથી જાણીતા હતા વિજયા મહેતા
ભારતીય રંગભૂમિના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોમાંના એક એવા જાણીતા મરાઠી થિયેટર અભિનેત્રી અને ફિલ્મ દિગ્દર્શક વિજયા મહેતા (Vijaya Meht)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ૩૦ જૂનની રાત્રે લગભગ ૧૦ થી ૧૦:૩૦ વાગ્યાની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાની પાછળ એક શાનદાર અને સમૃદ્ધ વારસો છોડી ગયા છે, જેણે કલાકારો, દિગ્દર્શકો અને થિયેટર કલાકારોની અનેક પેઢીઓને તૈયાર કરી છે. વિજયા મહેતાના નિધનથી મનોરંજન જગત શોકમાં છે.
ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરમાં વિજયા મહેતાએ છોડી છે ઉંડી છાપ
ADVERTISEMENT
મંચ ઉપરાંત વિજયા મહેતાએ (Vijaya Mehta dies at 91) ફિલ્મ અને ટેલિવિઝન પર પણ પોતાની ઊંડી છાપ છોડી હતી. તેમણે ‘રાવ સાહેબ’, ‘પેસ્તનજી’, ‘શકુંતલમ’ અને ટેલિવિઝન શ્રેણી ‘સ્મૃતિચિત્રે’ જેવી કૃતિઓ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એક શિક્ષક અને માર્ગદર્શક તરીકે તેમણે કલાકારોની અનેક પેઢીઓને તાલીમ પણ આપી હતી. તેમના નિધનથી સમગ્ર કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભારતીય રંગભૂમિને આપી નવી ઓળખ
વિજયા મહેતા મુંબઈના પ્રાયોગિક થિયેટર જૂથ ‘ગાયન’ના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. આ જૂથમાં પ્રખ્યાત નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ પણ જોડાયેલા હતા. તેમણે ‘એક શૂન્ય બાજીરાવ’ અને ‘અજબ ન્યાય વર્તુળાચા’ જેવા ચર્ચિત નાટકોનું નિર્દેશન કર્યું હતું. આ સાથે જ ‘રાવ સાહેબ’ અને ‘પેસ્તનજી’ જેવી ફિલ્મોના નિર્દેશનથી પણ તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી, જેને વિવેચકો દ્વારા ખૂબ જ પ્રશંસા મળી હતી. અભિનયના ક્ષેત્રમાં પણ તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેઓ દિગ્દર્શક ગોવિંદ નિહલાનીની વર્ષ ૧૯૮૪ની ચર્ચિત ફિલ્મ ‘પાર્ટી’માં જોવા મળ્યા હતા. સમાંતર સિનેમામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું અને તેમણે ‘કલયુગ’ તથા ‘પાર્ટી’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકો અને વિવેચકોની ભારે પ્રશંસા મેળવી હતી.
પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત
૪ નવેમ્બર ૧૯૩૪ના રોજ વડોદરામાં જન્મેલા વિજયા મહેતાનું મૂળ નામ વિજયા જયવંત હતું. તેમણે રંગભૂમિનું શિક્ષણ પ્રખ્યાત થિયેટર ગુરુ ઇબ્રાહિમ અલ્કાઝી અને આદિ મર્ઝબાન પાસેથી મેળવ્યું હતું. પોતાની લાંબી અને શાનદાર કારકિર્દી દરમિયાન તેમને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમને વર્ષ ૧૯૮૬માં પદ્મશ્રી, ૧૯૭૫માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૨૦૧૨માં ટેગોર રત્ન અને ફિલ્મ ‘રાવ સાહેબ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજયા મહેતાના નિધનથી ભારતીય રંગભૂમિ અને સમાંતર સિનેમાએ એક એવી મહાન હસ્તી ગુમાવી દીધી છે, જેમનું પ્રદાન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયા મહેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ વિજયા મહેતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં શ્રી મોદીએ આધુનિક મરાઠી રંગભૂમિના આ દિગ્ગજ કલાકારને તેમની સર્જનાત્મકતા અને કળા પ્રત્યેના તેમના સમર્પણ માટે યાદ કર્યા હતા. વિજયા મહેતાને સંસ્કૃતિ અને સિનેમાના એક મહાન વ્યક્તિત્વ ગણાવતા વડાપ્રધાને કલાકારો, દિગ્દર્શકો અને રંગભૂમિ પ્રેમીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપવા બદલ તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ વિજયા મહેતાના પરિવાર, ચાહકો અને સમગ્ર કલા જગત સાથે છે.
Deeply saddened by the passing of Smt. Vijaya Mehta Ji. She will be remembered as one of the towering personalities of culture and cinema.
— Narendra Modi (@narendramodi) July 1, 2026
A pioneer of modern Marathi theatre, she was known for her creativity and commitment to artistic excellence. Her work inspired generations…
અનુપમ ખેરે નિધન પર શોક વ્યક્ત કર્યો
વિજયા મહેતાના નિધન પર અનુપમ ખેર (Anupam Kher)એ એક વીડિયો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે, `એક મહાન હસ્તી! વિજયા મહેતાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભારતની સર્વશ્રેષ્ઠ રંગભૂમિ હસ્તીઓમાંથી એક, એક શાનદાર ફિલ્મમેકર અને સૌથી વધીને, એક ઉત્તમ માણસ. મને `રાવ સાહેબ` અને `પેસ્તનજી` માં વિજયા બાઈ સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ત્યાં સુધીમાં હું કેટલીક ફિલ્મો કરી ચૂક્યો હતો અને એવું વિચારતો હતો કે મને અભિનય વિશે થોડી સમજ છે, પરંતુ તેમની સાથે થયેલી દરેક રિહર્સલે મને યાદ અપાવ્યું કે આ કળાનો સાગર કેટલો વિશાળ છે. તેમની સમજદારી, માનવ સ્વભાવની તેમની પરખ અને તેમની અસાધારણ સંવેદનશીલતા સામે હું ખુશી-ખુશી ફરીથી એક વિદ્યાર્થી બની ગયો હતો.`
VIJAYA MEHTA- THE ICONIC LEGEND! ?
— Anupam Kher (@AnupamPKher) June 30, 2026
Deeply saddened to learn about the passing of #VijayaMehta. One of the finest theatre minds India has ever produced, an exceptional filmmaker, and above all, a remarkable human being.??
I had the privilege of working with Vijaya Bai in Rao… pic.twitter.com/lnyOZajOLZ
તેમણે આગળ ઉમેર્યું કે, `વિજયા બાઈ, તમારી ઉદારતા, તમારા પ્રેમ, તમારા માર્ગદર્શન અને અમારામાંથી ઘણા લોકોને એ યાદ અપાવવા માટે આભાર કે અભિનય એ માત્ર પર્ફોર્મન્સ નથી, પરંતુ જિંદગીને સમજવી છે. તમે એવા અસંખ્ય અભિનેતાઓ, દિગ્દર્શકો અને વિદ્યાર્થીઓ વચ્ચે હંમેશા જીવંત રહેશો, જેમના જીવનને તમે સ્પર્શ્યું છે. ઓમ શાંતિ.`
ગુજરાતી રંગભૂમિને પણ સાલશે વિજયા મહેતાની ખોટ
ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, અનુવાદક અને શિક્ષણવિદ સીતાંશુ યશશ્ચન્દ્ર (Sitanshu Yashaschandra)એ વિજયા મહેતાને યાદ કરીને કહ્યું કે, ‘ગુજરાતી રંગભૂમિ માટે પણ વિજયા મહેતાનો સક્રિય સદ્ભાવ, મુંબઈના ગુજરાતી રંગકર્મીઓએ દશકો સુધી અનુભવ્યો છે. ઇન્ડિયન નેશનલ થિયેટર સાથે અને મુંબઈના અન્ય ગુજરાતી રંગમંચો સાથે સંકળાયેલાં લેખકો, અભિનેતા અભિનેત્રીઓ, દિગ્દર્શકો, આયોજકો સહુને વિજયા મહેતાનો હેતભર્યો સદ્ભાવ મળતો રહેતો. એમનું અવસાન જેમ મરાઠી રંગભૂમિ માટે તેમ ગુજરાતી રંગભૂમિ માટે મોટી ખોટ છે. સત્યદેવ દુબેની વિદાય પછી વિજયા મહેતાની વિદાય મુંબઈના મારા જેવા ગુજરાતી રંગકર્મી ઊંડો અંગત શોક અનુભવે છે. અમારી વિજયાબહેનને શોક ભરી સ્નેહાંજલિ.’
શ્રીપાદ ભાલચંદ્ર જોશીએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, ‘વિજયા મહેતાનું નિધન એ મરાઠી રંગભૂમિને રંગભાષા-સાક્ષર કરનારા, એક અભિરૂચિસંપન્ન અને પ્રાયોગિક યુગનો અંત છે. વિજયા મહેતા એ માત્ર એક નામ નથી, પરંતુ નવું નાટક, નવી રંગભૂમિ અને જીવનના નવા આશયને રોપીને આપણી નાટ્ય સમજને વધુ ને વધુ સમૃદ્ધ બનાવનારી એક આખી રંગ પાઠશાળા (રંગભૂમિની શાળા) હતા. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ.’
‘બાઈ’ના હુમલાણા નામથી જાણીતા વિજયા મહેતાના નિધનથી સહુ કોઈ દુઃખી છે અને તેમને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં છે.
