Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને આ બધું ગમતું નથી

મને આ બધું ગમતું નથી

22 May, 2022 04:23 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

ગમવા કે ન ગમવા માટે પણ કારણો હોય. કશુંક એવું બન્યું છે જેનો ભાર લાગે છે અને એટલે નથી ગમતું. કશુંક એવું બન્યું છે કે જેનાથી મન હળવું ફૂલ બન્યું છે અને એટલે ગમવા માંડ્યું છે.

મને આ બધું ગમતું નથી

મને આ બધું ગમતું નથી


ગમવા કે ન ગમવા માટે પણ કારણો હોય. કશુંક એવું બન્યું છે જેનો ભાર લાગે છે અને એટલે નથી ગમતું. કશુંક એવું બન્યું છે કે જેનાથી મન હળવું ફૂલ બન્યું છે અને એટલે ગમવા માંડ્યું છે. જોકે આવું કશું ન બન્યું હોય અને છતાં ક્યારેક ગમવા માંડે અને ક્યારેક બધું ભારેખમ લાગવા માંડે તો એનું કારણ શું હોઈ શકે?

આમ તો બધું એનું એ જ છે. ગઈ કાલે જે આકાશ અફાટ અને સ્વચ્છ લાગતું હતું એવું જ આજે છે. રૂના ઢગલા જેવાં વાદળોમાં ક્યારેક હાથીની સૂંઢ દેખાય છે તો ક્યારેક ચર્ચગેટ પાસે ગાડી પકડવા દોડાદોડ કરતા ઢોર જેવા માણસનાં પગલાં દેખાય છે. ખરેખર તો એમાં કશું દેખાતું નથી અને છતાં આખી દુનિયા જોઈ શકાય છે. આ બધું જોતાંવેંત કોણ જાણે કેમ તમે હળવા ફૂલ થઈ જાઓ છો અને એક ક્ષણ આસપાસનું બધું ભૂલીને ક્યાંક ખોવાઈ જાઓ છો. એ વખતે એવું લાગે છે કે વાહ, કેવું સરસ છે આ બધું! 
પણ આજે એવું નથી. ગઈ કાલ જેવું જ છે છતાં મન ભારે થઈ જાય છે. ખાસ કંઈ બન્યું નથી. એ જ વાદળ, આકાશના એ જ રંગો, સમુદ્રના એ જ તરંગો અને આવતા-જતા માણસની એ જ અવરજવર! લાખો માણસો આવે છે, જાય છે. દરેકની પાસે પોતાની એક વાત છે. દરેક ઇચ્છે છે કે પોતાની આ વાત કોઈ કાન દઈને સાંભળે. તમને આ બધી ખબર છે અને છતાં ઘડી કેમ થઈ જાય છે કે આજે કંઈ ગમતું નથી. ગઈ કાલે આ બધા વચ્ચે જ તમે હળવા ફૂલ લાગતા હતા, તમને ગમતું હતું. આજે કોણ જાણે કેમ નથી ગમતું. આ ગમતું અને નહીં ગમતું ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?
ક્યારે ગમે છે? ક્યારે નથી ગમતું? 
ગમવા માટે કારણો હોય અને નહીં ગમવા માટે પણ એનાં પોતાનાં કારણો હોય. કશુંક એવું બન્યું છે જેનો ભાર લાગે છે અને એટલે નથી ગમતું. કશુંક એવું બન્યું છે જેનાથી મન હળવું ફૂલ બન્યું છે અને એટલે ગમવા માંડ્યું છે. પણ આવું કશું ન બન્યું હોય અને છતાં ક્યારેક ગમવા માંડે અને ક્યારેક બધું ભારેખમ લાગવા માંડે તો એનું કારણ શું હોઈ શકે? (આવું થાય છે એ નરી વાસ્તવિકતા છે. આપણને સૌને એનો અનુભવ છે.) ઓશો રજનીશે આ હળવી અને ભારે વાત પોતાના એક વ્યાખ્યાનમાં સમજાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર વાતાવરણમાં ઈશ્વરીય ઊર્જા વિહરતી હોય છે. આ ઊર્જા દૃશ્ય નથી પણ અદૃશ્ય છે; પરંતુ એની અનુભૂતિ, એનો સ્પર્શ જરૂર થાય છે. રેડિયોના તરંગો ચોપાસ ફરતા હોય છે. આ તરંગોમાંથી તમારે રેડિયો સિલોન પરથી બિનાકા ગીતમાળા સાંભળવી છે કે પછી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળવા છે? દિલ્હીથી કોઈક નેતા ભાષણ કરી રહ્યા છે અને બ્રેબર્ન સ્ટેડિયમ પરથી વિજય મર્ચન્ટ ક્રિકેટની કૉમેન્ટરી આપી રહ્યા છે. આ બધું એકસાથે હવામાં શબ્દોના તરંગો હોય છે. એ શબ્દોને પકડવા માટે તમારી પાસે જે રેડિયો છે એમાં મિડિયમ વેવ, શૉર્ટ વેવ, વન શૉર્ટ વેવ, ટૂ શૉર્ટ વેવ એમ જુદાં-જુદાં બટનો છે. તમે યોગ્ય બટન ફેરવીને હવામાં વિહરતા યોગ્ય તરંગો પકડી શકો છો અને જો આમ થાય તો તમને જે જોઈએ છે એ મળી જાય છે અને તમે રાજી-રાજી થઈ જાઓ છો. અહીં લતા મંગેશકરનો કંઠ પણ છે અને વિજય મર્ચન્ટની કૉમેન્ટરી પણ છે. તમારે રેડિયોનું ઉચિત બટન ફેરવીને તરંગોને પકડવાના છે. જો એ પકડાઈ જાય તો આનંદ-આનંદ!
આથી ઊલટું પણ બને છે. તમારો રેડિયો ક્યાંક બગડેલો છે. મિડિયમ વેવ, શૉર્ટ વેવ, વન, ટૂ કે થ્રી આ બધું જ દેખીતી રીતે તો બરાબર જ છે; પણ ફેરવવા જાઓ છો ત્યારે ઘરઘરાટ સિવાય કંઈ સંભળાતું નથી. બટન આમ કરો છો, તેમ કરો છો; પણ કશું સંભળાતું નથી. માત્ર ખર-ખર, ખર-ખર... અને અહીં હવામાં સતત વિહરતી પેલી ઈશ્વરીય ઊર્જા તમારાથી પકડાતી નથી. હવે તમને ક્યાંય ગમતું નથી.
 જ્યારે અચાનક તમને બધું હળવું ફૂલ લાગવા માંડે, બધું ગમવા માંડે, ભલે પછી આ સમય બહુ ટૂંકો હોય. આ હળવાશ ઘડીકમાં અદૃશ્ય થઈ જાય અને પાછો પેલો ઘરઘરાટ - ખર-ખર, ખર-ખર અંતરના ઊંડાણથી બહાર આવે. આ પળ ચૂકવા જેવી નથી. જ્યારે હળવાશ અનુભવો ત્યારે યાદ રાખો કે પેલા ઈશ્વરીય સંકેતો ક્યાંક તમારી નજીક જ છે. આ જ સંકેતોને એ જ ક્ષણે તમારા રેડિયોના બટન પર પકડતાં તમને આવડવું જોઈએ. ગમો-અણગમો, પછી એ લતા મંગેશકર હોય કે વિજય મર્ચન્ટ હોય - એના એ જ છે. જે કંઈ દૂષિત છે એ તમારા રેડિયોનાં બટનો છે.
ગમા-અણગમાને ભાષા હોય છે
દુનિયાના કરોડો માણસો હજારો ભાષામાં એકબીજા સાથે વાતો કરે છે. જેને વધારે ભાષા આવડતી હોય તે વધારે હોશિયાર ગણાય છે. જેને એકેય ભાષા નથી આવડતી તેની સાથે વાત કરતાં શીખવું એ બહુ મોટી વાત છે. પ્રકૃતિને એની પોતાની ભાષા હોય છે. તમારામાં આધ્યાત્મિક વલણ હોય તો પ્રકૃતિને તમે પરમાત્મા કહી શકો. પરમાત્માને પોતાની ભાષા છે અને એ ભાષાને તમારી કોઈ લિપિ નથી કે કોઈ ઉચ્ચાર નથી. એ તમારી સાથે સતત વાત કરે છે, પણ તમે એ સાંભળતા નથી. એની વાતના બધા જ શબ્દો તમને ઘોંઘાટ લાગે છે. તમે આવા ઘોંઘાટને કાન પાસેથી ખંખેરી નાખો છો. પ્રકૃતિનાં તમામ તત્ત્વોને તમારી સાથે વાત કરવી છે. એ તમામ તત્ત્વો લતા મંગેશકર પણ છે અને વિજય મર્ચન્ટ પણ છે. શરત માત્ર એટલી જ છે કે તમારે એ ભાષા સરવા કાને સાંભળવી પડશે, એ અવાજને ઉકેલતાં શીખવું પડશે. લતા મંગેશકરના કંઠને તમે ક્રિકેટરે મારેલા છગ્ગા સામે પ્રેક્ષકોએ પાડેલી ચિચિયારીમાં શોધી નહીં શકો. આ બંને વચ્ચેનો તફાવત તમારે સમજવો પડશે અને યોગ્ય સમયે જો એ સમજાઈ જાય તો બંને સુમધુર છે, પ્રસન્નતાપ્રેરક છે.
બસ, બેસી જાઓ!
વર્ષો પૂર્વે હિમાલયની યાત્રા દરમ્યાન કેદારનાથની લગોલગ હનુમાનચટ્ટી પાસે એક આશ્રમમાં ત્રણેક દિવસ રહેવાનું થયું હતું. આશ્રમના સંત સાથે ગાળેલા એ સમયમાં જે વાતો થઈ હતી એમાં એક વાત આ ગમા-અણગમાની પણ હતી. ક્યારેક કશું પણ ગમતું નથી એવી વાત સાંભળીને આ સંતે હળવાશથી કહેલું... 
‘એવું ન બને કે ક્યારેક બધું જ ગમવા માંડે? આવું થાય તો પછી અણગમો રહે જ નહીં.’ 
આ પછી તેમણે કહ્યું કે ‘જો બની શકે તો રોજ માનવવસ્તી અને ઘોંઘાટથી દૂર એકાદ વૃક્ષ હેઠળ શાંતિથી એકાદ કલાક બેસી રહેજો. જો રોજ ઘર પાસે આ શક્ય ન હોય તો અઠવાડિએ એક વાર આવા કોઈ વૃક્ષ પાસે જતા રહેજો. આંખ મીચીને હવાનો સન્નાટો વૃક્ષ સાથે જે વાત કરતો હોય એ સાંભળજો. તમને ધીમે-ધીમે બધું સમજાઈ જશે, બધું ગમવા માંડશે!’ 
હનુમાનચટ્ટીના આ સંતે એ ગમા-અણગમાને થોડોક વિસ્તારથી પણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘આપણે આપણા મનને એટલું બધું સાંકડું કરી દઈએ છીએ કે અણગમાનું વિશ્વ વિરાટ બની જાય છે. અણગમાનું આ વિરાટ વિશ્વ બીજા લોકો માટે મનગમતું રહે છે. આપણે આ સંકડાશ વળોટીને જો પેલા કરોડો સાથે હળી-મળી જઈએ તો કદાચ પ્રશ્ન પેદા નહીં થાય, અણગમાનું અસ્તિત્વ જ નહીં રહે!’



(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 04:23 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK