મનને પ્રફુલ્લિત રાખવું હોય તો એવા સંબંધોને ધીરે રહીને તિલાંજલિ આપવી એ જ ઉત્તમ. વો અફસાના જિસે એક અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા.
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર આપણને પ્રશ્ન થાય છે કે સંબંધોમાં પરિવર્તન કેમ આવે છે? સ્નેહભર્યો મીઠો સંબંધ આમ સાવ અચાનક મોળો-મોળો કેમ થઈ ગયો? જેની સાથેની મિત્રતા કાયમ ટકશે એમ લાગતું હતું એમાં અળગાપણું કેમ આવી ગયું? જેને ગુરુપદે સ્થાપ્યા હતા અને બીજું બધું છોડીને તેમની વાતને જ પ્રાધાન્ય આપતા હતા તે કેમ અચાનક દૂર જવા માંડ્યા? કોઈ દેખીતું કારણ જડતું નથી. તેથી અંતે ‘હશે, તે તેના રસ્તે; આપણે આપણા રસ્તે’ કહી મન મનાવી લઈએ છીએ. આજુબાજુ નજર દોડાવી કહીએ છીએ, ‘જો પેલા બન્ને કેવા જિગરજાન મિત્રો હતા? આજે સામે મળે તોય બોલતા નથી.’ આમ જાતને જ સધિયારો આપીએ છીએ કે બધે આવું જ હોય, સંસારમાં આવું જ ચાલ્યા કરે.
જીવનના સંબંધોમાં આમ આવતી ભરતી-ઓટનાં કારણો સમજવાં બહુ અઘરાં છે. ત્રીજી વ્યક્તિ દ્વારા કોઈ સાચીખોટી વાત કહેવામાં આવી હોય અને એની ખાતરી કર્યા વગર આપણો મિત્ર અતડો ચાલવા લાગે ત્યારે થાય કે गैरों से कहा तुमने, गैरों से सुना तुमने; कुछ हमसे कहा होता, कुछ हमसे सुना होता - ખેર, જિંદગી કોર્ટ તો નથી કે બન્ને પક્ષને સાંભળે. ચુકાદાઓ પર નિર્ભર હોય એ સંબંધો નથી હોતા. કારણો હંમેશાં અકળ જ રહે છે. સવાલ એ છે કે આમ સ્થગિત થઈ રહેલા સંબંધોને જાળવવાનો પ્રયત્ન આપણે કેમ કરીએ છીએ? હસ્તધૂનનમાં બે હાથ જબરદસ્તીથી તો મેળવી રાખી નહીં શકાયને? જવા દેવાનો એ હાથ, વહેતી રહેવા દેવાની જિંદગીને. બંધિયાર પાણી અને કરમાતું ફૂલ દુર્ગંધ જ આપે. મનને પ્રફુલ્લિત રાખવું હોય તો એવા સંબંધોને ધીરે રહીને તિલાંજલિ આપવી એ જ ઉત્તમ. વો અફસાના જિસે એક અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા.
ADVERTISEMENT
માથેરાન જતી ટ્રેનમાં મળેલા સાવ અજાણ્યા પંજાબી મિત્ર સાથેનો સંબંધ આજે બે દાયકા પછીયે લીલોછમ છે. વખતોવખત થતી ફોન પરની વાતચીત પણ સંબંધોમાં ઉષ્મા ભરી રાખે છે. રવિવાર થાય એટલે કેટલાકને હાય-હેલો કરવાનું મન થઈ જ જાય. તો બીજા કેટલાક સંબંધોની દોર ઢીલી રાખવામાં જ મજા છે. પતંગ ચગે એટલો વખત મજા માણી લેવી. પેચ કાપનારા તો હોવાના જ. અને આખું આકાશ આપણું તો નથી જને? કાંટા-પથ્થર વગરના રસ્તાની આશા કેમ રાખવી? પગદંડીના મોહમાં રહીશું તો રાજમાર્ગ કેમ મળશે?
સુર્ખ-રૂ હોતા હૈ ઇન્સાં ઠોકરેં ખાને કે બાદ, રંગ લાતી હૈ હિના પત્થર પર પિસ જાને કે બાદ.
-યોગેશ શાહ

