Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક મહિલા ડૉક્ટરની મક્કમ લડતના પરિણામે બાળકોનાં સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટક્યાં

એક મહિલા ડૉક્ટરની મક્કમ લડતના પરિણામે બાળકોનાં સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટક્યાં

Published : 01 May, 2026 12:54 PM | Modified : 01 May, 2026 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉ. શિવરંજની સંતોષે એવાં પીણાંના ઉત્પાદકોની આ પ્રૅક્ટિસ સામે અવાજ ઉઠાવ્યો

ડૉ. શિવરંજની સંતોષ

PoV

ડૉ. શિવરંજની સંતોષ


થોડા દિવસ પહેલાં રાજીનામાના એક સમાચાર વાંચ્યા. આમ તો લોકશાહીમાં રાજકારણીઓનાં કે અન્ય નેતાઓનાં રાજીનામાં એ એક સામાન્ય ઘટના ગણાય, પરંતુ હૈદરાબાદનાં એક બાળરોગનિષ્ણાત ડૉ. શિવરંજની સંતોષે તેમના પ્રોફેશનલસંગઠન ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીટિયાટ્રિક્સ (IAP) અર્થાત્ ભારતીય બાળરોગ અકાદમીમાંથી રાજીનામું આપ્યું એ સમાચાર મને ખાસ એટલે લાગ્યા કે તેમના જેવી પરિસ્થિતિમાં આપણા જેવા અનેક સામાન્ય માનવીઓ મુકાય છે. આ ડૉક્ટર શિવરંજની સંતોષનું તેમના વ્યાવસાયિક સંગઠનમાંથી રાજીનામું એક ચીલાચાલુ ઘટના તરીકે અવગણી કાઢવાનું શક્ય નથી લાગતું. એનું કારણ?

એના કારણમાં છે ડૉ. શિવરંજની સંતોષ દ્વારા ઉઠાવાયેલો બાળઆરોગ્યનો મુદ્દો. હા, આ એ જ બાળરોગનિષ્ણાત ડૉક્ટર છે જેમણે છેલ્લાં આઠ-નવ વર્ષથી કેટલાંક મીઠાં પીણાંના નિર્માતાઓ સામે બાળકોના સ્વાસ્થ્યના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન/સૉલ્ટ (ORS) - અંગ્રેજીમાં લખાતા આ ૩ અક્ષરો આપણે સૌએ અગણિત વાર સાંભળ્યા અને વાંચ્યા છે અને ડીહાઇડ્રેશન સામેના અકસીર રક્ષક તરીકે આ પાઉડરનો પાણીમાં નાખીને ઉપયોગ કરવાની તબીબી સલાહનો અમલ પણ કર્યો છે. ચોક્કસ માત્રામાં ખાંડ, નિમક અને પાણીના આ મિશ્રણની દંગ કરી દેતી અસરો પણ આપણે અનુભવી છે. જોકે ખાદ્યસામગ્રીના કેટલાક નિર્માતાઓ પોતાનાં મીઠાં પીણાં ORSનાં લેબલ લગાવીને વરસોથી આ દેશમાં વેચી રહ્યા હતા એની તમને, મને કે આપણા જેવા લાખો નાગરિકોને જાણ નહોતી. હૈદરાબાદનાં આ પીડિયાટ્રિશ્યન ડૉ. શિવરંજની સંતોષે પોતાની પાસે આવતા બાળદરદીઓમાં જોયું કે અનેક બાળકોના કિસ્સામાં મા-બાપે ORS આપ્યા છતાં ઝાડા-ઊલટી જેવી તકલીફો મટી કે ઓછી થઈ નહોતી. એને બદલે સમસ્યા વકરી હોય એવું બનતું હતું. તપાસ કરતાં તેમણે નોંધ્યું કે એ બાળકોને ORS તરીકે બ્રૅન્ડ કરાવાયેલાં મીઠાં પીણાં આપવામાં આવ્યાં હતાં!



ડૉ. શિવરંજની સંતોષે આ સમસ્યાની ગંભીરતા પારખીને આવાં પીણાં વિશે વધુ ઊંડો અભ્યાસ હાથ ધર્યો. એમાં જણાયું કે મેડિકલ ORSના ફૉર્મ્યુલેશનમાં ખાંડનું જે નિયત પ્રમાણ હોય છે એના કરતાં અનેકગણી વધારે ખાંડ પેલાં ORSના લેબલ સાથે વેચાતાં મીઠાં પીણાંમાં હોય છે. વળી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નક્કી કરેલાં ધોરણોનું પણ એમાં પાલન કરવામાં નથી આવતું. આવાં પીણાં જ્યારે ડીહાઇડ્રેશનના દરદીઓને અપાય છે ત્યારે એ સમસ્યાને ઉકેલવાને બદલે વકરાવે છે અને કેટલાક કિસ્સાઓમાં તો ઘાતક બનાવી દે છે.


આ જાણ્યા બાદ ડૉ. શિવરંજની સંતોષે એવાં પીણાંના ઉત્પાદકોની આ પ્રૅક્ટિસ સામે અવાજ ઉઠાવ્યો. ૮ વર્ષની તેમની એ લડત બાદ ૨૦૨૪માં ડૉ. શિવરંજની સંતોષે તેલંગણ હાઈ કોર્ટમાં આવાં છેતરામણાં લેબલિંગ બંધ કરવા માટે જાહેર હિતની અરજી (PIL = પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) દાખલ કરી. તેમણે એ અરજી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તેમ જ પેલી નિર્માતા કંપનીઓ સામે દાખલ કરી હતી. તેમણે દલીલ કરી કે આવાં પીણાં માતા-પિતાને ગેરમાર્ગે દોરી શકે છે અને બાળકોના આરોગ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. આવાં ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્ક્સમાં ઘણી વધારે ખાંડ હોય છે જે ડીહાઇડ્રેશનને વધુ વકરાવી શકે છે. લાંબા ગાળે એ સ્થૂળતા અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સમસ્યા સર્જી શકે છે. આ કેસના પરિણામે ૨૦૨૫ના ઑક્ટોબર મહિનામાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ કોઈ પણ પીણાના લેબલમાં ORS શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આને પગલે ORSL બ્રૅન્ડનું નામ બદલીને eRZL કરી દેવાયું છે. જોકે ડૉ. શિવરંજની સંતોષે આ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ તેમની નિષ્ઠાપૂર્વકની અને મક્કમ લડતને પરિણામે બાળકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટક્યાં છે અને આ એક ડૉક્ટરની પ્રતિબદ્ધતા અને તેમના સાતત્યપૂર્વકના પ્રયત્નોની જીત છે.

જોકે આ જીતની ડૉ. શિવરંજની સંતોષે આકરી કિંમત ચૂકવવી પડી છે. જેમનાં પીણાં આ ORS પ્રતિબંધના દાયરામાં આવ્યાં એમની નિર્માતા ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી તેમને કાનૂની નોટિસો મળી અને એ પરિસ્થિતિમાં તેમના વ્યાવસાયિક સંગઠન ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીટિયાટ્રિક્સ (IAP) તરફથી તેમને કોઈ સપોર્ટ ન મળ્યો. IAPના કોઈ હોદ્દેદારોએ તેમને સાથ ન આપ્યો તેથી ડૉ. શિવરંજની સંતોષે IAPમાંથી રાજીનામું આપ્યું.


તેમણે પોતાના રાજીનામામાં લખ્યું કે IAPના વડાઓને બાળકોની સુરક્ષા કરતાં ફાર્મા કંપનીઓ પાસેથી મળતા ફન્ડની વધારે ચિંતા છે. કૃત્રિમ મીઠાશકારક સુક્રલોઝને સલામત ગણાવતા IAPના વિધાનની પણ તેમણે ટીકા કરી હતી. તેમણે ધ્યાન દોર્યું છે કે સુક્રલોઝનો ઉપયોગ લાંબા ગાળે ડાયાબિટીઝ, હાર્ટ-અટૅક અને આંતરડાંની કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે. જોકે અકાદમીના વિધાનમાં એ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી.

ડૉ. શિવરંજની સંતોષે બાળકોના સ્વાસ્થ્ય સામેના જોખમ સામે બોલવાની હિંમત બતાવી એનું સારું પરિણામ આવ્યું એનો આનંદ છે, પરંતુ જ્યારે-જ્યારે ડૉ. શિવરંજની સંતોષ જેવા કર્મશીલો આવી અનૈતિક કે અયોગ્ય બાબત કે પ્રથા સંદર્ભે બૂંગિયો ફૂંકે છે ત્યારે તેમને એકલા પાડી દેનારા તેમની જ બિરાદરીના લોકો હોય છે એ હકીકતને ફરી એક વાર પ્રકાશમાં આણી છે. આપણામાંથી ઘણાએ પણ આવી સ્થિતિનો સામનો કર્યો હશે – પરિવારોમાં કે પછી પ્રોફેશનલ ફીલ્ડમાં. વિરોધના વંટોળથી ગભરાઈને ક્યારેક કોઈએ પોતાની વાત પડતી મૂકી દીધી હશે, પરંતુ ડૉ. શિવરંજની સંતોષ જેવા માનવીઓ ‘તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે’ જેવો જુસ્સો જગવે છે. ધરખમ ફાર્માસ્યુટિકલ કંપનીઓનાં તગડાં ખિસ્સાં પણ ડૉ. શિવરંજની  સંતોષ જેવાનો જુસ્સો ખેરવી ન શક્યાં, પરંતુ સાથીઓની ઉપેક્ષાએ તેમને જરૂર નિરાશ કરી દીધાં. IAPમાંથી રાજીનામું આપતાં તેમણે કહેલું કે આ સંગઠન અને બાળકો એ બે વચ્ચે મારી પસંદગી બાળકો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK