બટલરનો ઇશારો હતો કે જૂનમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડની ટૂર કરવાની છે ત્યારે વૈભવ સૂર્યવંશી એ ટીમમાં હશે.
જૉસ બટલર અને વૈભવ સૂર્યવંશી
વર્ષો સુધી રાજસ્થાન રૉયલ્સ ટીમ વતી રમ્યા બાદ હવે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જૉસ બટલરે પણ જોફ્રા આર્ચરને એક મેસેજ કરીને મજાકમાં પૂછ્યું હતું કે વૈભવ અસલી છે કે AI? બટલરે સ્ટુઅર્ટ બ્રૉડ સાથેના એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે સૂર્યવંશીની ફટકાબાજીને જોયા બાદ તેણે જોફ્રા આર્ચરને મેસેજ કરીને મજાકમાં પૂછ્યું હતું કે ‘શું તે AI છે?. શું ઈલોન મસ્કે આ ટીએજરને બનાવ્યો છે જે બૅટ વડે જાદુ કરી રહ્યો છે?’ બટલરે આ મજાક બાદ વૈભવનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તે અસલી છે અને તેને રમતો જોવો એક લહાવો છે. મને લાગે છે કે આ ઉનાળામાં આપણે તેને ઇંગ્લૅન્ડમાં રમતો જોઈશું.’ બટલરનો ઇશારો હતો કે જૂનમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડની ટૂર કરવાની છે ત્યારે વૈભવ સૂર્યવંશી એ ટીમમાં હશે.
ભગવાને જ મારા બૅટમાં ચિપ લગાવીને આપી છે: એક પાકિસ્તાની વિશ્લેષકના આરોપ અંગે વૈભવે આપ્યો મજેદાર જવાબ
ADVERTISEMENT
IPLની આ સીઝનમાં જો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તો એ છે ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી. બિહારના આ ટીનેજરે જસપ્રીત બુમરાહ સહિતના દિગ્ગજ બોલરોને પહેલા જ બૉલે સિક્સર ફટકારીને વાહવાહ મેળવી છે. ઘણાને તેની આ સફળતા પચતી નથી અને પહેલાં તેની ઉંમર અંગે સવાલો ઊભા કર્યા અને હવે તેના બૅટમાં કંઈક ગરબડ હોવાના આરોપ કરવા લાગ્યા છે. એક પાકિસ્તાની વિશ્લેષકે તાજેતરમાં કહ્યું કે વૈભવના બૅટમાં AI ચિપ લાગેલી હોવી જોઈએ જેની મદદથી તે આવી લાંબી-લાંબી સિક્સરો મારે છે. સોશ્યલ મીડિયામાં એ પાકિસ્તાનીને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં સૂર્યવંશીએ એ પાકિસ્તાનીને મજેદાર જવાબ આપ્યો છે. વિડિયોમાં કોઈ વૈભવને પૂછી રહ્યું છે કે શું તારા બૅટ પર AI ચિપ લાગેલી છે? તેના જવાબમાં વૈભવ થોડું હસીને કહે છે કે ‘ભગવાને જ એ લગાવીને આપી છે, ઉપર જ કહ્યું હતું કે તારા બૅટ પર કંઈક લગાવીને આપું છું. એનો જ ઉપયોગ કરજે.’
