Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મારો સમાજ શિક્ષણથી કેમ વંચિત રહી જાય?

મારો સમાજ શિક્ષણથી કેમ વંચિત રહી જાય?

Published : 01 February, 2026 03:00 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અભ્યાસ દરમ્યાન મળેલી ફેલોશિપની રકમ છાત્રાલય માટે ખર્ચીને આ અનોખા ભેખધારી બાળકોને ભણાવે છે, એક પણ રૂપિયો લીધા વિના

મહેન્દ્ર ગાઇન અને તેમનાં પત્ની પાર્વતી

મહેન્દ્ર ગાઇન અને તેમનાં પત્ની પાર્વતી


જેમનાં માતાપિતા ન હોય, જે વાલીઓ મજૂરી માટે સ્થળાંતર કરતા હોય કે જેમનામાં શિક્ષણ પ્રત્યે લગાવ હોય એવાં ગ્રામીણ બાળકોને પણ શિક્ષણ મળે એ માટે ડાંગના મહેન્દ્ર ગાઇને આદિવાસી બાળકો માટે અક્ષરજ્ઞાનનો યજ્ઞ શરૂ કર્યો છે આહવાના ધુળચોંડ ગામે. અભ્યાસ દરમ્યાન મળેલી ફેલોશિપની રકમ છાત્રાલય માટે ખર્ચીને આ અનોખા ભેખધારી બાળકોને ભણાવે છે, એક પણ રૂપિયો લીધા વિના

‘૧૨૦ બાળકોને હું નથી પોષતો, ઉપરવાળો પોષે છે. બાકી હું તો નિમિત્ત માત્ર બન્યો છું. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને અક્ષરજ્ઞાન મળે એ માટે સેવા કરી રહ્યો છું.’  



સહજ ભાવે વિનમ્રતાપૂર્વક મહેન્દ્ર ગાઇને ‘મિડ-ડે’ સમક્ષ આ વાત કહી. પત્ની પાર્વતી સાથે મળીને તેમણે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ધુળચોંડ ગામે ખાપરી નદીના કાંઠે બાલવાટિકાથી આઠમા ધોરણ સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ ખોલીને આદિવાસી વિસ્તારનાં જરૂરિયાતમંદ બાળકોને એક પણ રૂપિયો લીધા વગર અભ્યાસ કરાવે છે અને રાખરખાવ કરીને તેમને સુશિક્ષિત કરી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારનાં બાળકો પણ સમાજમાં આગળ વધે અને સમાજમાં પોતાનો મુકામ બનાવે એ માટે આ અલગારી જીવ શિક્ષણની સેવા કરી રહ્યો છે.


આજના સમયે બહુ ઓછા સદ્ગૃહસ્થો છે જેઓ ગાંઠના પૈસા ખર્ચીને સમાજની ઉન્નતિ માટે કામ કરી રહ્યા છે, એમાં મહેન્દ્ર ગાઇન એટલા માટે સ્થાન પામી શકે કેમ કે પોતાને મળેલા ફેલોશિપના રૂપિયા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે એ માટે વાપરીને તેમણે શિક્ષણનો યજ્ઞ શરૂ કર્યો છે. આ વિશે વાત કરતાં મહેન્દ્રભાઈ કહે છે, ‘મેં માસ્ટર ઑફ આર્ટ્સ (MA), માસ્ટર ઑફ ફિલોસૉફી (MPhil), બૅચલર ઑફ એજ્યુકેશન (BEd.), માસ્ટર ઑફ એજ્યુકેશન (MEd.) સુધીનો અભ્યાસ કર્યો છે. જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ શરૂ કરવાની પ્રેરણા એવી રીતે મળી કે હું નોકરી કરતો હતો ત્યારે ફીલ્ડવર્કનું મારે કામ હતું. એના કારણે ડાંગના આદિવાસી વિસ્તારોમાં ફરતો એટલે થતું કે મારો સમાજ શિક્ષણથી વંચિત છે તો મારા ડાંગમાં તેમના માટે કામ કરું. આમ વિચારતો હતો. બીજી તરફ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટમાં મારી સાથે મારા બે મિત્રો પણ કામ કરતા હતા. ત્યારે ઘટના એવી બની કે મારા મિત્રના બાળકને જુનિયર કિન્ડરગાર્ટન (KG)માં ઍડ્‍મિશન ન મળ્યું. તો થયું કે આહવા લેવલે જો ઍડ્મિશન ન મળતું હોય તો આવા કેટલાય શિક્ષિત વાલીઓ ગામડાંઓમાં છે જેઓ તેમનાં બાળકોને જુનિયર કે સિનિયર KGમાં મૂકવા માગતા હશે. એટલે વિચાર આવ્યો કે ડાંગમાં જુનિયર અને સિનિયર KG શરૂ કરું. આમ વિચારીને ૨૦૧૬માં ડાંગનાં ૨૫ ગામોમાં જુનિયર અને સિનિયર KGની શરૂઆત કરી. ભાડાના મકાનમાં શિક્ષણકાર્ય ચલાવતા. જ્યાં સંસ્થા ચલાવતો ત્યાં બે શિક્ષિકા રાખી હતી. વાલી પાસેથી ૨૦૦ રૂપિયા ફી લેતા અને એ ફીના બધા પૈસા શિક્ષિકાઓને આપી દેતો, કેમ કે હું માત્ર માધ્યમ બન્યો હતો જેમાં કોઈને રોજગાર મળે અને બાળકોને શિક્ષણ મળે એ હેતુ હતો. આ કામ બે વર્ષ ચાલ્યું. એ પછી થયું કે આ બાળકો માટે એવી સ્કૂલ ઊભી કરું જ્યાં જરૂરિયાતમંદ બાળકોને ફ્રીમાં શિક્ષણ મળે. એટલે ૨૦૧૮માં ધુળચોંડ ગામે ભાડાના મકાનમાં બાલવાટિકાથી લઈને એકથી પાંચ ધોરણ સુધીની નિવાસી સ્કૂલ શરૂ કરી. સ્કૂલ શરૂ કરવા પૈસાની જરૂર પડે એ સ્વાભાવિક છે. હું જ્યારે MPhil કરતો હતો ત્યારે મને ૨૦૧૧માં શેડ્યુલ્ડ ટ્રાઇબમાં ફેલોશિપ મળી હતી. એના જે રૂપિયા મને મળ્યા હતા એ રૂપિયા નિવાસી સ્કૂલ શરૂ કરવામાં વાપર્યા અને સરસ્વતી વિદ્યા મંદિર અને તુલસી વન કન્યા છાત્રાલયના નામથી સ્કૂલ અને છાત્રાલય શરૂ કર્યાં.’

સ્કૂલ શરૂ કરી એમાં પત્નીનો સાથ મળ્યો અને ધીરે-ધીરે આગળ વધતા ગયા એ વિશે વાત કરતાં મહેન્દ્રભાઈ કહે છે, ‘પહેલાં પાંચમા ધોરણ સુધી અને ત્યાર બાદ ધીરે-ધીરે આઠમા ધોરણ સુધીના વર્ગો શરૂ કર્યા. ખાપરી નદીના કાંઠે અમારી સ્કૂલ આવેલી છે. ૧૦ દીકરીઓને અભ્યાસ અને નિવાસ કરાવવા સાથે સ્કૂલની શરૂઆત થઈ હતી. આજે અમારે ત્યાં ૬૫ દીકરીઓ સહિત કુલ ૧૨૦ બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલમાં કચડાયેલા વર્ગના બાળકને પહેલાં પ્રવેશ આપવાનો, જેનાં માતા-પિતા નથી એવાં બાળકોને પ્રવેશ આપવાનો, જે માતા-પિતા મજૂરીકામ માટે સ્થળાંતર કરતાં હોય છે તેમનાં બાળકોને પ્રવેશ આપવાનો, દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવાનો; અને જે બાળકને શિક્ષણ માટે ભૂખ હોય, લગાવ હોય એવાં જરૂરિયાતમંદ બાળકોને અમે પ્રવેશ આપીએ છીએ અને એક પણ રૂપિયો શિક્ષણ-ફી કે રહેવા-જમવાનો ખર્ચ લેતા નથી. અમારે ત્યાં આહવા, સુબીર અને વઘઈ તાલુકાનાં ગામોમાંથી બાળકો અભ્યાસ કરવા આવે છે. મારે ત્યાં ૯ જણનો સ્ટાફ છે જેમાં ૭ શિક્ષકો છે. એ પૈકી પાંચ શિક્ષિકા અને બે શિક્ષક છે, જ્યારે બે વ્યક્તિ રસોઈના કામમાં હોય છે. બધા જ ટીચર ક્વૉલિફાઇડ છે અને તેઓ મારે ત્યાં કમાવા માટે નહીં પણ સેવાભાવથી બાળકોને અભ્યાસ કરાવે છે. જોકે તેમને પગાર ચૂકવીએ છીએ. મારાં પત્ની પાર્વતીએ MA, BEd સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ સ્કૂલનાં પ્રિન્સિપાલ છે. સ્કૂલમાં તે ધોરણ ૬થી ૮નાં બાળકોને અભ્યાસ કરાવે છે, જ્યારે હું સંસ્થામાં મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અને સંચાલક તરીકે કાર્યરત છું. મેં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. મેં ધાર્યું હોત તો પ્રોફેસર તરીકે નોકરી કરી શક્યો હોત, પરંતુ મેં સમાજ માટે શિક્ષણની સેવાનું કામ સ્વીકાર્યું છે.’


શિક્ષણસંસ્થા ચલાવવી એટલે ખર્ચ તો રહેવાના ત્યારે નિવાસી સ્કૂલનો ખર્ચ કેવી રીતે કાઢતા હશે એ મુદ્દે વાત કરતાં મહેન્દ્ર ગાઇન કહે છે, ‘શિક્ષકોનો પગાર, અનાજ-કરિયાણાનો ખર્ચ, લાઇટબિલ સહિતના ખર્ચ થાય છે. અમે નડિયાદ સંતરામ મંદિરથી ઘઉં–ચોખા લાવીએ છીએ. બીજા કરિયાણા માટે મહિને કોઈ ને કોઈ દાતા દ્વારા ખર્ચ કાઢીએ છીએ. સેવાનું કામ છે એટલે ઉપરવાળો લોકોને દાન આપવા મોકલે છે. અમારે ખેતીવાડી પણ છે એટલે જો કોઈ દાતા ન મળે અને ખર્ચનું કામ અટકી જાય તો મારા પિતાજી સુકરિયાભાઈ મને મદદ કરે છે. ખેતરમાં જે અનાજ પાકે એ અનાજ અમે ખવડાવીએ છીએ. હાલમાં હું ગાંધીનગરમાં આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીમાં કરાર આધારિત નોકરી કરું છું. ત્યાં હું રિસર્ચર તરીકે નોકરી કરું છું. આદિવાસી વિસ્તારનાં બાળકોને શિક્ષિત કરવાનું આ સેવાકાર્ય અઘરું છે, પણ હું એ કામ કરતો રહીશ. મારે આ સ્કૂલને મૉડલ સ્કૂલ બનાવવી છે, ગ્રામીણ વિસ્તારનાં બાળકોને સુશિક્ષિત કરવાં છે. અમારું નામ રહે કે ન રહે, પરંતુ આ સ્કૂલનું નામ કાયમ રહે તેમ જ અહીંથી ભણીને બાળકો આગળ વધે અને સમાજમાં તેમનું સ્થાન બનાવે એવા પ્રયાસો સ્કૂલના સ્ટાફ તેમ જ દાતાઓના સહયોગથી સૌ સાથે મળીને કરી રહ્યા છીએ.’    

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 03:00 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK