ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > ૬૭ વર્ષે પણ અકબંધ છે સ્કૂલવાલી દોસ્તી

૬૭ વર્ષે પણ અકબંધ છે સ્કૂલવાલી દોસ્તી

10 August, 2022 04:05 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બાળપણમાં ભુજની શાળામાં સાથે અભ્યાસ કરનારા ૪૦ જેટલા વડીલોની મિત્રતા એવી જબરદસ્ત કે બાળપણનાં સંસ્મરણોને તાજાં કરવા દર બે મહિને હરવા-ફરવા ઊપડી જાય

૭૦ના દાયકામાં ભૂજની ગઢશીશા હાઈ સ્કૂલમાં ભણતા ૩૫ જેટલા વિદ્યાર્થીઓ હવે વડીલ થઈ ગયા છે પણ મૉનિટર એ જ છે. ફ્રેન્ડ સર્કલ

૭૦ના દાયકામાં ભૂજની ગઢશીશા હાઈ સ્કૂલમાં ભણતા ૩૫ જેટલા વિદ્યાર્થીઓ હવે વડીલ થઈ ગયા છે પણ મૉનિટર એ જ છે.

બાળપણમાં ભુજની શાળામાં સાથે અભ્યાસ કરનારા ૪૦ જેટલા વડીલોની મિત્રતા એવી જબરદસ્ત કે બાળપણનાં સંસ્મરણોને તાજાં કરવા દર બે મહિને હરવા-ફરવા ઊપડી જાય 

થોડા દિવસ પહેલાં સિનિયર સિટિઝનના એક ગ્રુપે કોલ્હાપુરની ટૂરમાં ખૂબ જલસો કર્યો. તમને થશે એમાં વળી શું? આજકાલ તો વડીલોનાં ઘણાંય ગ્રુપ બહારગામ ફરવા જતાં હોય છે. વાત સાચી, પણ ગ્રુપના એક મેમ્બરને બધા મૉનિટર કહીને બોલાવે ત્યારે સ્કૂલવાલી દોસ્તી યાદ આવી જાય. સિત્તેરના દાયકામાં મુંબઈથી સેંકડો કિલોમીટર દૂર ભૂજની ગઢશીશા હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા ૩૫ જેટલા વિદ્યાર્થીઓ એક સમયનાં તેમનાં ક્લાસ મૉનિટર ધનકુમારી ચૌહાણ (લગ્ન પહેલાંની અટક ગાલા)ને આજે પણ મૉનિટર જ માને છે. અવારનવાર મહારાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ ફરવા ઊપડી જતાં ધનુબહેન અને તેમના વર્ગના વિદ્યાર્થીઓ કેવી ધમાચકડી કરે છે એ જોઈ લો.

ક્યાં ફરી આવ્યાં?


‘છેલ્લી ટ્રિપ કોલ્હાપુર, સાંગલી અને કુંભજ ગિરિ હતી. ચાર દિવસ - ત્રણ રાતની ટ્રિપ હતી. આ પહેલાં ગણપતિ ફુલે ગયાં હતાં. ડાકોર પણ જઈ આવ્યાં છીએ. યાત્રાનાં સ્થળો અને એની આજુબાજુનાં જોવાલાયક સ્થળો ફરવા ગમે. બને ત્યાં સુધી મહારાષ્ટ્રનાં સ્થળોનો પ્લાન કરીએ છીએ. ટ્રિપનો સૌને ઇન્તઝાર હોય. ઇન્ટરનેટ વાપરતાં આવડતું હોવાથી નવાં સ્થળો સર્ચ કરી વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ મૂકું. સર્વસંમતિથી જગ્યા નક્કી થયા બાદ રહેવા માટે જૈન દેરાસર અથવા ધર્મશાળા શોધી લઈએ. ત્યાં જવા માટે ટ્રાન્સપોર્ટ વિશે પણ જાણી લઈએ, જેથી ઇકૉનૉમિકલી સસ્તું પડે. ઓછા ખર્ચે વધુ આનંદ માણી શકાય એવો પ્રયત્ન કરીએ. અમારા ગ્રુપના શિવરાજ ગઢવી છેક કચ્છથી ફરવા આવે. આમ તો તેઓ બૅન્કમાં નોકરી કરતા, પરંતુ ગઢવી રહ્યા એટલે સૂર-સંગીતની સારી સમજણ. મધુર અવાજ અને નોકરીની સાથે રેડિયો આર્ટિસ્ટ તરીકે સાઇડમાં કામ કરવાનો પણ અનુભવ. ભજન એવાં સરસ ગાય કે મન પ્રફુલ્લિત થઈ જાય. શિવરાજની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય. મિત્રમંડળી તેમની દીવાની છે. બે જણે જ્યોતિષશાસ્ત્રમાં પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના જ્ઞાનનો લાભ મળે એવા કાર્યક્રમો પણ ગોઠવીએ. વન-ડે પિકનિક તો ઘણી થાય. મુંબઈના મિત્રો બે મહિને એક વાર માટુંગાના ફાઇવ ગાર્ડનમાં મળીને આનંદ કરીએ.’

બધાંને ભેગાં કર્યાં


વર્ષ ૧૯૭૩માં અમે લોકોએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. સ્કૂલમાં મૉનિટર હતી, હવે બધાં સરખાં છીએ એવી વાત કરતાં ધનુબહેન કહે છે, ‘હું અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. રમતગમત અને નાટ્ય પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ. દસમા પછી જામનગર જઈને નર્સિંગનો અભ્યાસ કરી સરકારી હૉસ્પિટલમાં જોડાઈ. ગુજરાતમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. પહેલાં ઉચ્ચ શિક્ષણ માટે અને ત્યાર બાદ છોકરીઓ પરણી ને તો છોકરાઓ વ્યવસાય માટે અલગ-અલગ શહેરમાં ચાલ્યા જતાં છૂટાં પડી ગયાં. મારી સરકારી નોકરી હોવાથી જુદાં જુદાં શહેરમાં બદલી થતી. થોડાંક વર્ષ બાદ ફરીથી ભુજમાં બદલી થઈ ત્યારે સામાજિક મેળાવડામાં ગામમાં આવેલા કેટલાક મિત્રો મળ્યા. લૅન્ડલાઇન ફોનના માધ્યમથી આઠેક મિત્રો કૉન્ટૅક્ટમાં આવી ગયા.’

મજબૂત ખેંચાણ

નિવૃત્તિ બાદ હું ઘાટકોપર દીકરાના ઘરે આવી ગઈ એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘કેટલાક મિત્રો પહેલેથી મુંબઈમાં જ હતા. મને થયું, વધુ મિત્રોને શોધવા જોઈએ. મોબાઇલનો જમાનો આવી ગયો હોવાથી ધીમે-ધીમે કરતાં ૩૫ મિત્રો મળી ગયા, જેમાંથી છ વિદેશમાં અને એક ત્રિચિનાપલ્લી છે. બોરીવલી, અંધેરી, મીરા રોડ, અંબરનાથ, ડોમ્બિવલી, થાણે, મુલુંડ, ઘાટકોપર, ભાયખલા, વડાલા, માટુંગા એમ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં બાવીસ મિત્રો રહે છે. ગુજરાત અને કચ્છમાં પણ છે. ચાર મિત્રો અવસાન પામ્યા છે. પહેલાં બધાને ભેગા કરવામાં અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં મારી ભૂમિકા મહત્ત્વની હોવાથી આજે પણ બધા મૉનિટર કહીને ચીડવે છે. અગિયાર વર્ષથી સાથે હરીએ-ફરીએ છીએ. બહેનોના હસબન્ડ અને ભાઈઓની પત્નીઓ પણ સાથે આવે તેથી સરસ મજાનું વિશાળ ગ્રુપ બની ગયું. એકબીજા માટે એટલું ખેંચાણ કે જે મિત્રોને ગુમાવી ચૂક્યા છીએ તેમના લાઇફ-પાર્ટનરે મળવાનું ચાલુ રાખતાં સંબંધ એવો જ અકબંધ છે. બધાંની ઉંમર ૬૭-૬૮ છે. આ ઉંમરે બાળપણના ભેરુઓની હૂંફ હોવાથી જીવન આનંદમાં વ્યતીત થાય છે.’

ઋણ ફેડવાની ભાવના

ચાર વર્ષ પહેલાં આ વડીલોએ ગઢશીશા હાઈ સ્કૂલમાંથી ભણીનારા વિદ્યાર્થીઓને શોધવાનું શરૂ કરેલું. મુંબઈ નજીક રિસોર્ટમાં આયોજિત રીયુનિયનમાં પાંચસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘ભણેલી વહુ’ નામના નાટક દ્વારા તેમણે સૌને સંદશો પાઠવ્યો હતો કે વહુ એજ્યુકેટેડ હોય તો આખું ઘર આગળ આવી જાય. માતૃસંસ્થાનું ઋણ અદા કરવા માટે એક પહેલ પણ શરૂ કરી. ૨૫૦૦ રૂપિયા ભરીને લાઇફટાઇમ મેમ્બર બનવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્કૂલમાં ભણતા આર્થિક રીતે પછાત વિદ્યાર્થી તેમ જ સ્કૂલમાં ઉપરનાં ધોરણ વધારવા માટે આ રકમ ખર્ચાશે. હરવાફરવાની સાથે તેઓ સમયાંતરે મુંબઈની હદમાં આવેલા વૃદ્ધાશ્રમો અને પોતાના ગામની મુલાકાત લે છે. ધનુબહેન પોતે અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ૨૦૦૧ના ધરતીકંપમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત સરકારે તેમનું બહુમાન કર્યું હતું.

10 August, 2022 04:05 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK