પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગર વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો કિશોર સોમવારે ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં પરિવારમાં મુશ્કેલીમાં પડી ગયો હતો. આ મામલે કાંદિવલી પોલીસે ફરિયાદ નોંધીને ત્વરિત કાર્યવાહી શરૂ કરી ગુમ થયેલા કિશોરને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસે સુરક્ષિત રીતે બાળકનો કબજો મેળવી તેનું કાઉન્સેલિંગ કર્યું અને ત્યાર બાદ તેને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે માતા-પિતાને બાળકો સાથે મિત્રની જેમ વર્તી તેની સાથે સારો વ્યવહાર કરવા માટે વિનંતી કરી છે.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કરણ સોનકાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાવીરનગરના એક બિલ્ડિંગમાં રહેતો ૧૩ વર્ષનો છોકરો બોરીવલીની એક ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. ગયા સોમવારે બપોરે તેના ફિઝિક્સના ટ્યુશન ટીચરે તેણે પરીક્ષામાં તેના મિત્રના પેપરમાંથી કૉપી કરી હોવાની માહિતી તેનાં માતા-પિતાને આપી હતી એટલે ટીનેજરનાં માતા-પિતાએ સોમવારે બપોરે આ બાબતે ઠપકો આપતાં તે રડવા લાગ્યો હતો. ત્યાર બાદ સાંજે સાડાચાર વાગ્યે બીજા ટ્યુશનમાં જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. સાંજે છ વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારે ટ્યુશન ક્લાસ પર તપાસ કરી, જ્યાં ખબર પડી કે તે ત્યાં આવ્યો જ નહોતો. આસપાસના વિસ્તારમાં અને મિત્રોના ઘરે શોધખોળ કર્યા બાદ પણ ન મળતાં ગભરાયેલાં માતા-પિતાએ અમારી પાસે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’
પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢ્યો
સિનિયર ઇન્સ્પેક્ટર કરણ સોનકાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધાયા બાદ કિશોરને શોધવા માટે તાત્કાલિક અમે અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી. CCTV ફુટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ કિશોરને કાંદિવલીના એક વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે માતા-પિતાના ઠપકાથી ડરીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.’


