નિષ્ફળતા જીવનનો એક ભાગ છે. જો તમે નિષ્ફળ નહીં થાઓ તો શીખી નહીં શકો અને જો શીખશો નહીં તો આગળ વધી પણ નહીં શકો.
રાજુભાઈ વ્યાસ શિક્ષક અને કાંદિવલીના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કૉર્પોરેટર છે
દરરોજ અખબારમાં આપણે વિદ્યાર્થીઓએ વિવિધ કારણોસર આત્મહત્યા કર્યાના સમાચાર વાંચીએ છીએ. જેમ કે પરીક્ષામાં ખરાબ પરિણામ આવવાનો ડર, અપેક્ષા મુજબ માર્ક્સ ન મળવા કે પછી ખરાબ પરિણામ માટે માતા-પિતા ઠપકો આપશે એવી બીકથી ઘરે જવાને બદલે આત્મહત્યા કરી લેવી. ક્યારેક માતા-પિતા મોબાઇલ ન આપે ત્યારે તો ક્યારેક પરીક્ષાઓ મુલતવી થવાથી પણ આવાં પગલાં ભરવામાં આવે છે. આ બધું જોઈને ઘણું દુઃખ થાય છે.
સૌથી પહેલાં માતા-પિતાએ અમુક બાબતો સમજવી ખૂબ જરૂરી છે. તમારા બાળકની બીજા બાળક સાથે ક્યારેય સરખામણી ન કરો. એક બાળક ભણવામાં સારું હોઈ શકે તો બીજું રમતગમતમાં અથવા સંગીતમાં સારું હોઈ શકે. સામાન્ય રીતે બાળક દસમા ધોરણમાં આવે ત્યારે માતા-પિતા અચાનક ખૂબ કડક બની જાય છે. તેઓ ટીવી જોવાનું, રમવાનું, ફિલ્મ જોવાનું, મિત્રોને મળવાનું વગેરે બંધ કરી દે છે. આનાથી બાળક પર ઘણું માનસિક દબાણ આવે છે. માતા-પિતાની ખૂબ ઊંચી અપેક્ષાઓ પણ બાળક પર વધારાનો બોજ ઊભો કરે છે જે યોગ્ય નથી. બાળક સાથે દરરોજ થોડો સમય વાતચીત કરો, તેની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરો અને તેને એ વિશ્વાસ આપો કે પરિણામ ગમે એ આવે પરિવાર હંમેશાં તેની સાથે ઊભો રહેશે. આ ભાવનાત્મક સહારો બાળકને મુશ્કેલ સમયમાં ઘણી હિંમત આપી શકે છે.
ADVERTISEMENT
હવે જોઈએ કે વિદ્યાર્થીઓએ પોતે શું સમજવું જોઈએ. પરીક્ષામાં નાપાસ થવું અથવા ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવવા એ જીવનનો અંત નથી. ઘણી વખત એવું જોવા મળે છે કે પાછળની બેન્ચ પર બેસતા વિદ્યાર્થીઓ પણ જીવનમાં ખૂબ સફળ બને છે. નિષ્ફળતા જીવનનો એક ભાગ છે. જો તમે નિષ્ફળ નહીં થાઓ તો શીખી નહીં શકો અને જો શીખશો નહીં તો આગળ વધી પણ નહીં શકો.
આત્મહત્યા જેવું પગલું ભરતાં પહેલાં તમારાં માતા-પિતાના ત્યાગ વિશે વિચારો. તેમણે તમારી ફી ભરવા અને તમને ભણાવવા માટે કેટલી મહેનત કરી હશે! તમારી આત્મહત્યા તમારાં માતા-પિતાનું આખું જીવન દુઃખી અને વેદનાભર્યું બનાવી દેશે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ શરૂઆતમાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ પછી પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળ બન્યા. જેમ કે સચિન તેન્ડુલકર, જૅક મા (અલીબાબા), જે. કે. રોલિંગ (હૅરી પૉટર) અને સ્ટીવ જૉબ્સ (ઍપલ) વગેરે. તેથી ક્યારેય આશા ન છોડો. હંમેશાં હકારાત્મક રહો. દરેક વસ્તુ યોગ્ય સમયે મળે છે. ભગવાન પર વિશ્વાસ રાખો.
જો ક્યારેય મનમાં ખૂબ નિરાશા, ભય કે એકલતા અનુભવાતી હોય તો એને મનમાં દબાવી રાખવાને બદલે માતા-પિતા, શિક્ષક, મિત્ર અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે ખુલ્લેઆમ વાત કરો. યોગ્ય સમયે કરેલી વાતચીત ઘણી વાર મોટી મુશ્કેલીને પણ સરળ બનાવી શકે છે.
