લોકલ ટ્રેન, ટ્રાફિકનો ઘોંઘાટ કે ગગનચુંબી ઇમારતો સુધી જ આપણું મુંબઈ શહેર સીમિત નથી. અહીંનાં સ્થાપત્યોમાં શહેરનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે જે આપણે દૈનિક જીવનની ભાગદોડમાં જોવાનું ચૂકી જઈએ છીએ.
આપણા શહેરની હેરિટેજને ક્યારેય જાણી-માણી છે?
લોકલ ટ્રેન, ટ્રાફિકનો ઘોંઘાટ કે ગગનચુંબી ઇમારતો સુધી જ આપણું મુંબઈ શહેર સીમિત નથી. અહીંનાં સ્થાપત્યોમાં શહેરનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે જે આપણે દૈનિક જીવનની ભાગદોડમાં જોવાનું ચૂકી જઈએ છીએ. આજે ૧૮ એપ્રિલે આખું વિશ્વ વર્લ્ડ હેરિટેજ ડે ઊજવી રહ્યું છે ત્યારે જાણીએ કે પોતાના શહેરને ઓળખવા માટે હેરિટેજ વૉકથી શ્રેષ્ઠ બીજો કોઈ વિકલ્પ નથી
હેરિટેજ વૉક એટલે તમારા શહેરને ખરા અર્થમાં જાણવાની તક. આપણે રોજ જે રસ્તાઓ પરથી પસાર થઈએ છીએ ત્યાંની ઘણી જૂની ઇમારતો અને ગલીઓ પાછળ રસપ્રદ વાર્તાઓ છુપાયેલી હોય છે જે આપણે રોજિંદી જીવનની ભાગદોડમાં ચૂકી જઈએ છીએ. જ્યારે તમે હેરિટેજ વૉક કરો છો ત્યારે તમને એ સ્થાપત્યની ઝીણી વિગતો અને ત્યાંના લોકોની જીવનશૈલીને નજીકથી જોવાનો મોકો મળે છે. આ કોઈ પિકનિક નથી પણ આપણા મૂળ અને સંસ્કૃતિને સમજવાનો એક અનુભવ છે. એ આપણને અનુભવ કરાવે છે કે આપણું શહેર આજે જેવું છે એ બનવા પાછળ કેટલો મોટો ઇતિહાસ છે. જો તમારે શહેરના ઘોંઘાટ વચ્ચે થોડો સમય શાંતિથી નવી વસ્તુઓ શીખવી હોય અને તમારી આસપાસની દુનિયાને અલગ નજરથી જોવી હોય તો હેરિટેજ વૉક ચોક્કસ કરવી જોઈએ. એ તમને તમારા જ શહેર સાથે નવેસરથી પ્રેમમાં પાડી દેશે.
ADVERTISEMENT
શરૂઆત કઈ રીતે કરશો?
મુંબઈમાં સૌથી વધુ હેરિટેજ વૉક મુખ્યત્વે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં થાય છે, જેનું કેન્દ્ર ફોર્ટ અને કાલા ઘોડા છે. અહીં તમે નીચે મુજબ હેરિટેજ વૉક કરી શકો છો...
૧. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) : તમારી સફર આ ઐતિહાસિક સ્ટેશનથી શરૂ કરો. એ વિક્ટોરિયન ગૉથિક રિવાઇવલ સ્થાપત્યશૈલીનો અદ્ભુત નમૂનો છે. વિક્ટોરિયન ગૉથિક રિવાઇવલ એટલે ઓગણીસમી સદીમાં વિકસેલી એવી સ્થાપત્યશૈલી જે મધ્યયુગીન ગૉથિક કળાથી પ્રેરિત છે. એમાં તીક્ષ્ણ કમાન, ઊંચા મિનારા અને બારીક કોતરણી જેવી ભવ્ય વિશેષતાઓ જોવા મળે છે. એને જોવા માટે થોડો સમય અહીં વિતાવો.
૨. ડૉ. દાદાભાઈ નવરોજી રોડ (ડી. એન. રોડ) : CSMTથી ફ્લોરા ફાઉન્ટન તરફ ચાલશો તો આ રસ્તા પર બન્ને બાજુ વિક્ટોરિયન શૈલીની ઇમારતો જોવા મળશે. અહીંની ખાસિયત એના આર્કેડ્સ (લાંબો કૉરિડોર) છે જે પદયાત્રીઓને તડકા અને વરસાદથી બચાવવા માટે બનાવવામાં આવ્યા હતા.
૩. હૉર્નિમન સર્કલ અને એશિયાટિક લાઇબ્રેરી : આગળ વધતાં તમે હૉર્નિમન સર્કલ ગાર્ડન પહોંચશો. એની બરાબર સામે સફેદ રંગની ભવ્ય ઇમારત એશિયાટિક સોસાયટી (ટાઉન હૉલ) આવેલી છે. એનાં ઊંચાં પગથિયાં ફોટોગ્રાફી માટે ખૂબ પ્રખ્યાત છે.
૪. સેન્ટ થૉમસ કથીડ્રલ : હૉર્નિમન સર્કલથી થોડાં જ ડગલાં દૂર મુંબઈનું સૌથી જૂનું (૩૦૦ વર્ષથી વધુ જૂનું) બ્રિટિશ ચર્ચ આવેલું છે. આ ચર્ચની અંદરનું શાંત વાતાવરણ તમને ઇતિહાસમાં લઈ જશે.
૫. ફ્લોરા ફાઉન્ટન અને હુતાત્મા ચોક : આ મુંબઈનું કેન્દ્રબિંદુ છે. સફેદ પથ્થરનો બનેલો આ ફુવારો રોમન દેવી ફ્લોરાનું પ્રતિનિધિત્વ કરે છે. એની આસપાસની ઇમારતો પણ સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વની છે.
૬. કાલા ઘોડા આર્ટ ડિસ્ટ્રિક્ટ : ફ્લોરા ફાઉન્ટનથી દક્ષિણ તરફ વધતાં તમે કાલા ઘોડા વિસ્તારમાં પ્રવેશશો. અહીં જહાંગીર આર્ટ ગૅલરી, ડેવિડ સાસૂન લાઇબ્રેરી અને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (મ્યુઝિયમ) જેવી સાંસ્કૃતિક ઇમારતો જોવા મળશે.
૭. ઓવલ મેદાન : મેદાનની એક તરફ બૉમ્બે હાઈ કોર્ટ અને રાજાબાઈ ટાવર જેવી વિક્ટોરિયન ગૉથિક ઇમારતો છે, જ્યારે બીજી તરફ ૧૯૩૦ના દાયકાની આધુનિક આર્ટ ડેકો શૈલીની રહેણાક ઇમારતો છે. આર્ટ ડેકો શૈલી વીસમી સદીની શરૂઆતમાં (ખાસ કરીને ૧૯૨૦-૧૯૩૦ના દાયકામાં) વિકસેલી આધુનિક સ્થાપત્ય અને ડિઝાઇન શૈલી છે જે સાદગી સાથે આકર્ષક અને સ્ટાઇલિશ દેખાવ માટે જાણીતી છે.
૮. ગેટવે ઑફ ઇન્ડિયા અને તાજ મહલ પૅલેસ : તમારી વૉકનો અંત દરિયાકિનારે કરો. ગેટવે ઑફ ઇન્ડિયા અને એની બાજુમાં આવેલી ભવ્ય તાજ મહલ પૅલેસ હોટેલ મુંબઈની ઓળખ છે. અહીં દરિયાનાં મોજાં સાથે તમારી હેરિટેજ સફર પૂરી થશે.
હેરિટેજનું બદલાતું સ્વરૂપ
મુંબઈના વારસાને માણવાની રીત હવે બદલાઈ રહી છે. હેરિટેજ વૉક માટે જાણીતા ‘ખાકી ટૂર’ના કૈવાન ઉમરીગર કહે છે, ‘લોકો હવે માત્ર ઇમારતો જોવાને બદલે ત્યાંનો ખોરાક, ધમધમતી બજારો અને સ્થાનિક સંસ્કૃતિને અનુભવવાનું વધુ પસંદ કરે છે. હેરિટેજ વૉક હવે માત્ર સ્થાપત્ય પૂરતી મર્યાદિત નથી રહી. કોઈ વિસ્તારની પેઢીઓ જૂની વાનગીઓનો સ્વાદ લેવો અને ત્યાંની રોજિંદી ચહલપહલનો હિસ્સો બનવો એ એક નવો ટ્રેન્ડ છે. આ પરિવર્તનને કારણે જ હેરિટેજ-પ્રેમીઓની નજર હવે દક્ષિણ મુંબઈની પેલે પાર પરાવિસ્તારો તરફ વળી છે. બાંદરાનાં જૂનાં ગામડાંઓ, ૨૦૦૦ વર્ષ જૂની કાન્હેરીની ગુફાઓ, વસઈનો ઐતિહાસિક કિલ્લો અને ઉત્તનનાં શાંત ઈસ્ટ ઇન્ડિયન ગામડાંઓ મુંબઈના વારસાનો એવો અણમોલ ખજાનો છે જે લાંબા સમય સુધી લોકોની નજરથી દૂર રહ્યો હતો, પણ હવે લોકો એને જાણતા અને સમજતા થયા છે.’
વરલી ફિશિંગ વિલેજ
આ હેરિટેજ વૉક દક્ષિણ મુંબઈની રૉયલ વૉક કરતાં સાવ રૉ છે. વરલીનું ફિશિંગ વિલેજ (કોલીવાડા) મુંબઈના સૌથી જૂના વસવાટોમાંનું એક છે એટલે કે જ્યારે અંગ્રેજો મુંબઈમાં આવ્યા પણ નહોતા એનાં સેંકડો વર્ષો પહેલાંથી અહીં કોળી સમુદાય સ્થાયી થયો હતો. આ ગામ મુંબઈના સાચા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. ગામની સરખામણીએ અહીં આવેલો કિલ્લો નવો છે. બ્રિટિશરોએ એને અંદાજે ૧૬૭૫ની આસપાસ બનાવ્યો હતો. આ કિલ્લો દુશ્મનો કે ચાંચિયાઓ પર નજર રાખવા માટે એક વ્યૂહાત્મક વૉચ ટાવર તરીકે વપરાતો હતો.
હેરિટેજ વૉકમાં શું જોશો?
વરલી કિલ્લો : આ એક બ્રિટિશકાલીન વૉચટાવર છે. અહીંથી એક જ ફ્રેમમાં તમને અરબી સમુદ્ર, આધુનિક સી-લિન્ક અને નીચે વસેલું આખું કોલીવાડા દેખાશે. ફોટોગ્રાફી માટે આ મુંબઈનું બેસ્ટ પૉઇન્ટ છે.
ગોલ્ફાદેવી મંદિર : આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, અહીંની પરંપરા પણ અનોખી છે. સ્થાનિક લોકો માને છે કે દેવી તેમના સવાલોના જવાબ આપે છે અને માર્ગદર્શન આપે છે.
ક્લીવલૅન્ડ જેટી અને ફિશિંગ પીઅર : આ ગામની લાઇફલાઇન છે. અહીં હોડીઓનું આવવું-જવું અને જાળ ગૂંથતા માછીમારોને જોઈને તમને મુંબઈના દરિયાકાંઠાના અસલી જીવનનો અનુભવ થશે.
૩૫૦ વર્ષ જૂની ધાર્મિક વિરાસત : કોલીવાડાની સાંકડી ગલીઓમાં તમને ૩૫૦ વર્ષ જૂનાં ખ્રિસ્તી પવિત્ર સ્થળો અને ઈસ્ટ ઇન્ડિયન સમુદાયનાં ઘરો જોવા મળશે જે દર્શાવે છે કે અહીં વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ સાથે રહે છે.
મ્યુરલ્સ અને આર્ટ : ગામની દીવાલો પર સુંદર ભીંતચિત્રો છે. વરલી-કોલીવાડાની મુલાકાત લેવા માટે સવારનો સમય જ સૌથી ઉત્તમ છે. સવારે સાતથી ૯ વાગ્યાની વચ્ચે માછીમારો પોતાની હોડી ઓ લઈને દરિયામાંથી પાછા આવતા હોય છે. જેટી પર તાજી માછલીઓ ઉતારવી, જાળ સાફ કરવી અને માર્કેટમાં થતી ચહલપહલ જોવાનો આ જ સાચો સમય છે.
બાંદરાનાં ગામડાંઓ
મુંબઈમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં પોર્ટુગીઝોનું શાસન હતું એની સાબિતી અહીંના સ્થાપત્ય અને ચર્ચોમાં જોવા મળે છે. બાંદરા મુંબઈના મૂળ ખ્રિસ્તી સમુદાય (ઈસ્ટ ઇન્ડિયન્સ)નું કેન્દ્ર છે. તેમની રહેણીકહેણી, લાકડાની બાલ્કનીવાળાં જૂનાં ઘરો અને સંસ્કૃતિને તમે નજીકથી જાણી શકશો.
વૉકમાં જોવા જેવી ખાસ જગ્યાઓ
રણવાર વિલેજ : આ બાંદરાનું સૌથી પ્રખ્યાત ગાવઠણ છે. અહીંની સાંકડી ગલીઓમાં તમને ૧૦૦-૧૫૦ વર્ષ જૂનાં રંગબેરંગી પોર્ટુગીઝ શૈલીનાં કૉટેજ જોવા મળશે. આ વિસ્તારમાં ફરતાં તમને એવું લાગશે કે તમે યુરોપના કોઈ જૂના ટાઉનમાં આવી ગયા છો.
ચૅપલ રોડ : આ રસ્તો એની અદ્ભુત સ્ટ્રીટઆર્ટ અને જૂનાં ઘરો માટે જાણીતો છે. અહીંની દીવાલો પર તમને બૉલીવુડ અને કન્ટેમ્પરરી આર્ટનાં મોટાં મ્યુરલ્સ જોવા મળશે.
સેન્ટ ઍન્ડ્રુઝ ચર્ચ : આ મુંબઈનાં સૌથી જૂનાં ચર્ચોમાંનું એક છે (સ્થાપના ૧૫૭૫). એનું આર્કિટેક્ચર અને ત્યાંનું શાંત વાતાવરણ ખૂબ જ પ્રભાવશાળી છે.
માઉન્ટ મૅરી બૅસિલિકા : પહાડ પર આવેલું આ ચર્ચ અને ત્યાંથી દેખાતો દરિયો મુંબઈની શાન છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં અહીં બાંદરા ફેર (મેળો) ભરાય છે.
બાંદરા ફોર્ટ : સત્તરમી સદીનો આ પોર્ટુગીઝ કિલ્લો એક સમયે વૉચટાવર તરીકે વપરાતો હતો. આજે અહીંથી સી-લિન્ક અને માહિમ બેનો અદ્ભુત નજારો જોવા મળે છે.
ચિમ્બઈ વિલેજ : જો તમારે બાંદરાના અસલી માછીમાર સમુદાયને જોવો હોય તો અહીં ચોક્કસ જવું જોઈએ. આ ગામ બાંદરાની મૂળ ઓળખ સમાન છે.
બૅન્ડસ્ટૅન્ડ પ્રૉમનેડ : વૉકનો અંત તમે અહીં દરિયાકિનારે કરી શકો છો, જ્યાં સૂર્યાસ્તનો નજારો અને બૉલીવુડ સ્ટાર્સના બંગલા જોવા મળે છે.
ગાઇડેડ ટૂર કે સેલ્ફ-એક્સપ્લોરેશન?
હેરિટેજ વૉક માટે ગાઇડેડ ટૂર લેવી કે પોતે એક્સપ્લોર કરવું એ તમારી પસંદગી પર આધાર રાખે છે. બન્નેના પોતાના ફાયદાઓ છે. તમે જો જાતે ફરતા હો તો કદાચ કોઈ સુંદર ઇમારત જોઈને આગળ નીકળી જશો, પણ એક સારો ગાઇડ તમને એ જણાવશે કે એ ઇમારત કોણે બનાવી, ત્યાં કઈ ઐતિહાસિક ઘટના બની હતી અને એની બારી કે દરવાજાની ડિઝાઇન પાછળનો હેતુ શું હતો. ગાઇડ તમને એવી ગલીઓ કે ખૂણાઓમાં લઈ જશે જે ગૂગલ મૅપ્સ પર કદાચ ન મળે. જેમ કે કોઈ જૂની ઈરાની કૅફેનો ખાસ ખૂણો, કોઈ છુપાયેલું નાનું મંદિર કે કોઈ જૂના મકાનની અનોખી કોતરણી જે સામાન્ય રીતે નજરની બહાર રહી જાય છે. ગાઇડ તમને ગૉથિક, વિક્ટોરિયન કે આર્ટ ડેકો શૈલી વચ્ચેનો તફાવત સમજાવી શકે છે. તે તમને શીખવી શકે છે કે મુંબઈના સ્થાપત્ય પર બ્રિટિશ, પોર્ટુગીઝ કે સ્થાનિક સંસ્કૃતિની કેવી અસર છે. સેલ્ફ-એક્સપ્લોર કરવાની પણ એક અલગ જ મજા અને ફાયદા છે. તમારે કોઈ ગ્રુપ કે ગાઇડના સમયપત્રક મુજબ ચાલવું પડતું નથી. જો તમને કોઈ એક જૂની બારીની કોતરણી ગમી ગઈ તો તમે ત્યાં અડધો કલાક ઊભા રહી શકો છો અથવા જો કોઈ કૅફેમાં બેસીને કલાકો સુધી નિરાંતે ચા પીવી હોય તો કોઈ તમને ઉતાવળ કરાવનાર નથી હોતું. ગાઇડેડ ટૂરમાં સતત માહિતી મળતી રહેતી હોય છે, જ્યારે એકલા કે સેલ્ફ-વૉક પર હો ત્યારે તમે એ જગ્યાની શાંતિ અને એના વાતાવરણને મન ભરીને અનુભવી શકો છો. ગાઇડેડ ટૂર ઘણી વાર મોંઘી હોઈ શકે છે. સેલ્ફ-એક્સપ્લોરિંગમાં તમે તમારા બજેટ મુજબ ફરી શકો છો.
એક્સપર્ટ ગાઇડ
મુંબઈ હેરિટેજ ડિજિટલ પ્લૅટફૉર્મના ફાઉન્ડર અને હિડન સ્ટોરીઝ ઑફ ઓલ્ડ મુંબઈના લેખક કૃણાલ ત્રિપાઠી કહે છે, ‘જો તમે પહેલી વાર હેરિટેજ વૉક પ્લાન કરી રહ્યા હો તો દક્ષિણ મુંબઈના ફોર્ટ, કોલાબા કે બૅલાર્ડ એસ્ટેટથી શરૂઆત કરો. આ વિસ્તારોમાં બધું જ ચાલતાં ફરી શકાય એવું છે અને અહીં તમારે કોઈ પ્રોફેશનલ ગાઇડની પણ જરૂર નથી. બસ, તમારી ગતિ ધીમી કરો અને ઇમારતો તરફ નજર નાખો. કોઈ પણ વૉક પર જતાં પહેલાં કરવામાં આવેલું માત્ર ૨૦ મિનિટનું સામાન્ય રિસર્ચ પણ તમારા નજરિયાને બદલી શકે છે. જેમ કે જ્યારે તમે જાણો છો કે રાજાબાઈ ટાવરના ઘંટ એક દીકરાએ તેની જોઈ ન શકતી માતા માટે બનાવ્યા હતા જેથી તે સમય જાણી શકે ત્યારે એ ટાવર માત્ર એક સ્થાપત્ય મટીને લાગણીસભર ઇતિહાસ બની જાય છે. મુંબઈના દરેક વિસ્તારની પોતાની અલગ ઓળખ છે. બ્રિટિશ સ્થાપત્ય માટે ફોર્ટ, વિવિધ સમુદાયોના ઇતિહાસ માટે ભાયખલા કે માઝગાવ અને ૧૫૦ વર્ષથી અકબંધ રહેલા મુંબઈના ધબકાર માટે ભુલેશ્વર શ્રેષ્ઠ છે. સાચું મુંબઈ ઘણી વાર મુખ્ય રસ્તાઓની પાછળની ગલીઓમાં છુપાયેલું હોય છે. માઝગાવનું ચાઇનીઝ મંદિર, ગિરગામની અઢારમી સદીની ખોતાચી વાડી કે હજારો વર્ષ જૂનો બાણગંગા કુંડ એવા હિડન જેમ્સ છે જે લોકો અવારનવાર ચૂકી જાય છે. ક્યારેક તો જૂની નેમપ્લેટ, લોખંડના લૅમ્પપોસ્ટ કે દીવાલો પર લાગેલી તકતીઓમાં પણ અદ્ભુત ઇતિહાસ હોય છે. લોકો ઘણી વાર આને માત્ર એક ચેકલિસ્ટ ગણીને ફોટો પાડીને આગળ વધી જાય છે, પણ હેરિટેજ વૉક એ સમજવા માટે છે. ઇમારતો જોતી વખતે એના મટીરિયલ, કમાનો, બાલ્કની અને એના પર લખેલી સાલ (તારીખ) પર ધ્યાન આપો. અનુભવને સમૃદ્ધ બનાવવા માટેની શ્રેષ્ઠ ટિપ એ છે કે જે-તે વિસ્તારની કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરો. તેમની એક વાત તમને ઇમારત કરતાં પણ વધુ ઇતિહાસ કહી જશે. કોલીવાડા કે ધાર્મિક સ્થળો જેવા લિવિંગ હેરિટેજ વિસ્તારોમાં ફરતી વખતે એ યાદ રાખવું જોઈએ કે એ પ્રવાસી સ્થળો નથી પણ લોકોનાં ઘર છે. ત્યાંના લોકોની જીવનશૈલી અને પ્રાઇવસીનું સન્માન કરવું અને કોઈનો પણ ફોટો પાડતાં પહેલાં પરવાનગી લેવી અનિવાર્ય છે.’
આધ્યાત્મિક હેરિટેજ વૉક
જો તમને આધ્યાત્મિકતા અને માનસિક શાંતિમાં રસ હોય તો મુંબઈના કોલાહલની વચ્ચે બાણગંગા-વાલકેશ્વર હેરિટેજ વૉક તમારા માટે એક શ્રેષ્ઠ અનુભવ સાબિત થશે. ગગનચુંબી ઇમારતો અને મરીન ડ્રાઇવની નજીક હોવા છતાં અહીંના ઘાટ, પગથિયાં અને હવામાં ભળેલી અગરબત્તીની સુગંધ તમને સીધા બનારસ કે હૃષીકેશમાં હોવાનો અહેસાસ કરાવશે. આ સ્થળનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે. આધ્યાત્મિક રીતે આ સ્થળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે એની ઉત્પત્તિ પ્રભુ શ્રીરામના બાણથી થઈ હોવાની માન્યતા છે.
શું જોશો?
બાણગંગા કુંડ : બારમી સદીના આ પવિત્ર કુંડની આસપાસ સુંદર ઘાટ, પગથિયાં અને પ્રાચીન મંદિરો આવેલાં છે.
વાલકેશ્વર મંદિર : ભગવાન શિવને સમર્પિત આ અત્યંત પ્રાચીન મંદિર છે. માનવામાં આવે છે કે વનવાસ દરમ્યાન પ્રભુ શ્રીરામે અહીં વિશ્રામ કર્યો હતો.
દીપસ્તંભ : કુંડના પ્રવેશદ્વાર પર આવેલા પથ્થરના પરંપરાગત સ્તંભો આ જગ્યાની ભવ્યતામાં વધારો કરે છે.
છુપાયેલાં મઠ અને મંદિરો : અહીંની સાંકડી ગલીઓમાં અનેક નાનાં મંદિરો, મઠો અને યાત્રાળુઓ માટેની જૂની ધર્મશાળાઓ આવેલાં છે જે ઇતિહાસના સાક્ષી છે.
મિની ધોબીઘાટ : એક કાર્યરત ઓપન-ઍર લૉન્ડ્રી જ્યાં આજે પણ પરંપરાગત રીતે કપડાં ધોવામાં અને સૂકવવામાં આવે છે.
પાળિયા : વીરગતિ પામેલા યોદ્ધાઓના સન્માનમાં બનાવવામાં આવેલા પ્રાચીન પથ્થરો (સ્મારકો), જે આ વિસ્તારના શૌર્યની યાદ અપાવે છે.
સ્વાદ દ્વારા ઇતિહાસ
મુંબઈનો ઇતિહાસ માત્ર એની ભવ્ય ઇમારતો કે સંગ્રહાલયોમાં જ નથી, પણ એની જૂની ગલીઓમાં આવેલાં ઐતિહાસિક કૅફેમાં પણ ધબકે છે. જો તમે દક્ષિણ મુંબઈની હેરિટેજ વૉક પર નીકળ્યા હો તો આ કૅફેમાં વિસામો લઈને એમની ફૂડ-આઇટમ્સ માણી શકો અને વિન્ટેજ વાઇબ પણ અનુભવી શકો.
લિયોપોલ્ડ કૅફે (કોલાબા, ૧૮૭૧): મુંબઈનાં સૌથી જૂનાં કૅફેમાંનું એક છે. ૨૬/૧૧ના આતંકી હુમલાનાં નિશાન (ગોળીબારના માર્ક્સ) આજે પણ અહીં જોઈ શકાય છે, જે શહેરની ફાઇટિંગ સ્પિરિટનું પ્રતીક છે. આ કૅફે એની વિક્ટોરિયન સ્ટાઇલ અને ‘શાંતારામ’ નવલકથા (એક પ્રસિદ્ધ નવલકથા જેમાં મુંબઈના જીવન અને અન્ડરવર્લ્ડનું વર્ણન છે)માં ઉલ્લેખને કારણે વિશ્વભરમાં જાણીતું છે.
ક્યાની ઍન્ડ કંપની (મરીન લાઇન્સ, ૧૯૦૪) : આ મુંબઈનું સૌથી જૂનું ઈરાની કૅફે ગણાય છે. એની માવા કેક, અસલી પારસી વાનગીઓ અને નૉસ્ટાલ્જિક વાતાવરણ માટે આ જગ્યા ખૂબ પ્રખ્યાત છે.
બ્રિટાનિયા ઍન્ડ કંપની (ફોર્ટ, ૧૯૨૩) : આ કૅફે સ્કૉટિશ આર્કિટેક્ટ જ્યૉર્જ વિટેટ દ્વારા ડિઝાઇન કરાયેલી ઇમારતમાં આવેલું છે. અહીંનો બેરી પુલાવ દુનિયાભરમાં જાણીતો છે. એની જૂની શૈલીની બેઠક-વ્યવસ્થા તમને સીધા ૧૯૨૦ના દાયકામાં લઈ જશે.
યઝદાની રેસ્ટોરાં અને બેકરી (ફોર્ટ, ૧૯૫૩) : આ પ્રખ્યાત ઈરાની બેકરી એના બન-મસકા, ચા, માવા કેક, ઍપલ પાઈ અને સારડો બ્રેડ માટે જાણીતી છે. અહીંનું જૂનું, નૉસ્ટાલ્જિક વાતાવરણ મુંબઈની હેરિટેજ કૅફે સંસ્કૃતિને જીવંત રાખે છે.
કૅફે મૉન્ડેગર (કોલાબા, ૧૯૩૨) :
પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ મારિયો
મિરાન્ડાનાં ભીંતચિત્રો અને શહેરના સૌથી જૂના ઑટોમૅટિક જ્યુકબૉક્સ માટે આ કૅફે જાણીતું છે. એ દક્ષિણ મુંબઈની આર્ટિસ્ટિક લાઇફસ્ટાઇલ દર્શાવે છે.
મુંબઈનાં ઘણાં જૂનાં કૅફે પારસી અને ઈરાની સમુદાય દ્વારા સ્થાપવામાં આવ્યાં હતાં. આ સમુદાયોની ખાવાની પરંપરામાં નૉન-વેજ વાનગીઓનો મહત્ત્વનો ભાગ રહ્યો છે. તેથી આ કૅફેમાં મટન, ચિકન અને ઈંડાંની વાનગીઓ વધુ પ્રખ્યાત બની. છતાં સમય સાથે અહીં શાકાહારી વિકલ્પો પણ ઉમેરાયા છે જેથી દરેક પ્રકારના લોકો અહીંનો સ્વાદ માણી શકે.
