સુખી, સ્નેહાળ અને સંવાદિતાભર્યું પારિવારિક જીવન વ્યક્તિના અંગત વિકાસના પાયાને મજબૂતી આપે છે.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ફૅમિલી ડે હતો. ફૅમિલી એટલે વ્યક્તિના જીવનમાં હૂંફ અને હામ, સાથ અને સ્નેહ, કૅર અને કન્સર્નનો બિનશરતી પુરવઠો. શકે. પરિવારના પાવરને આજનું આધુનિક વિજ્ઞાન અને સાઇકોલૉજી પણ હવે સુપેરે પિછાણે છે. વ્યક્તિગત વિકાસ અને ઉચ્ચ લક્ષ્યાંકો સાધવા બીજી બધી જ બાબતોને બાજુએ મૂકી દેવાની શિખામણો આપનારા લાઇફ ગુરુઓ હવે પ્રેમપૂર્ણ અને સંતોષસભર પારિવારિક જિંદગીને એ લક્ષ્યાંકોની ઉપર મૂકતા થયા છે. સુખી, સ્નેહાળ અને સંવાદિતાભર્યું પારિવારિક જીવન વ્યક્તિના અંગત વિકાસના પાયાને મજબૂતી આપે છે.
એક કિસ્સો યાદ આવે છે. માનસિક અક્ષમતા સાથે જન્મેલી એક છોકરીની વાત છે. તેની માએ પરિવારની તમામ ફરજો બજાવતાં-બજાવતાં અનેરા પ્રેમથી એ દીકરીનું જતન કર્યું. મેડિકલ ઓપિનિયન પ્રમાણે આવાં બાળકોનું આયુષ્ય કંઈ લાંબું નથી હોતું, પણ આ દીકરી પાંસઠ વર્ષની થઈ. મા પણ પંચ્યાશીનાં થઈ ગયાં. માનો જીવ દીકરી માટે બહુ ઉચાટ અનુભવે કે કાલ સવારે હું નહીં હોઉં ત્યારે આ દીકરીનું કોણ ધ્યાન રાખશે? અંતિમ વર્ષોમાં તે બીમાર પડ્યાં. બહુ બોલી ન શકતાં પણ ચહેરા પર ચિંતાની રેખાઓ ચોખ્ખી વરતાઈ આવે. એ વખતે તેમના નાના દીકરા અને તેની પત્નીએ મા પાસે જઈને બહેનનો હાથ માગી લીધો. એ કપલને બાળકો નહોતાં. તેમણે કહ્યું, ‘મા, અમે બહેનને અમારું બાળક માનીને રાખીશું. તું જરાપણ ચિંતા ન કર.’ માના ચહેરા પર અસીમ શાંતિ છવાઈ ગઈ. તેણે નિરાંત જીવે વિદાય લીધી. અને પોતાનાથી પંદરેક વર્ષ મોટી બહેનને નાનાં ભાઈ-ભાભીએ બાળકની જેમ સાચવી. જ્યાં જાય ત્યાં પોતાની સાથે લઈ જાય અને વહાલથી ધ્યાન રાખે. મોટી બહેનને દીકરી બનાવી અપનાવી લીધી. તેની અંતિમ પળો સુધી પ્રેમથી સંભાળ રાખી.
ADVERTISEMENT
હમણાં જ ગયેલા મધર્સ ડે પર એક સમાચાર વાંચ્યા. મોટા એક દીકરાએ અદાલતમાં ફરિયાદ કરી છે. માના ભરણપોષણ માટે હું નાના ભાઈ કરતાં વધારે રૂપિયા શા માટે આપું? આજે પોતાનાં સગાં મા-બાપ કે ભાઈ-બહેનો માટે થોડું ઘસાવું પડે તો લોકોને આકરું લાગે છે. તેમની દલીલ છે - સૌને પોતપોતાની પર્સનલ લાઇફ હોય.
આ છે બદલાયેલા સમય અને સ્વજનોની માનસિકતાની તાસીર. ઘરનું કો, પણ સભ્ય ઓછું-અધૂરું કે કોઈ સભ્ય બીમાર હોય તો બીજા સભ્યો તેને સાચવી લે. તેની જરૂરિયાતોનું ધ્યાન રાખે, તેની દિલથી સારવાર કરે. આ બધી વાતો ભૂતકાળની બની ગઈ છે? જે ગણતરીના પરિવારોમાં નથી બની તેમને એટલું જ કહેવાનું તમારો પરિવાર એક મૂલ્યવાન અને અનોખી જણસ છે. તમે નસીબદાર છો. સાચવજો આ મોંઘેરી મૂડીને.
- તરુ મેઘાણી કજારિયા

