અમોલ પરાશર સાથે તેણે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારેમાં સાથે કામ કર્યું હતું.
કોંકણા સેન અને અમોલ પરાશર
છેલ્લા કેટલાક સમયથી કોંકણા સેન અને અમોલ પરાશરના અફેરની અટકળો ચાલી રહી છે. અમોલની વેબ-સિરીઝ ‘ગ્રામ ચિકિત્સાલય’ હાલમાં સ્ટ્રીમ થઈ છે અને કોંકણા આ સિરીઝના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. આ ફંક્શનમાં કોંકણાને જોતાં જ અમોલ પરાશર ખુશીથી ઊછળી પડ્યો હતો અને બન્ને ગળે લાગ્યાં હતાં. એ પછી કોંકણા અને અમોલે ભેગાં મળીને પોઝ આપ્યા હતા. અત્યાર સુધી અમોલ અને કોંકણાએ તેમની રિલેશનશિપની અટકળો પર ખૂલીને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બન્ને પહેલી વાર જાહેરમાં સાથે જોવા મળ્યાં છે જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની રિલેશનશિપને સત્તાવાર જાહેર કરી શકે છે.
કોંકણા સેન ડિવૉર્સી છે અને એક પુત્રની માતા પણ છે. તેણે ૨૦૧૦માં અભિનેતા રણવીર શૌરી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૨૦માં તેના ડિવૉર્સ થઈ ગયા હતા. હવે કોંકણા સિંગલ છે અને પોતાના પુત્રનો ઉછેર કરી રહી છે. હાલમાં કોંકણ તેનાથી સાત વર્ષ નાના અમોલ સાથે રિલેશનશિપમાં છે એવી ચર્ચા છે. અમોલ અને કોંકણાએ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’માં સાથે કામ કર્યું હતું.
શું કહે છે અમોલ?
થોડા સમય પહેલાં અમોલે એક ઇન્ટરવ્યુમાં પોતાની રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું એક સિરિયસ રિલેશનશિપમાં છું. મને મારા પાર્ટનરનું નામ જાહેર કરતાં કોઈ રોકી નથી રહ્યું, પણ મને એ વિશે જણાવવાનું કોઈ ખાસ કારણ મળ્યું નથી. સાચા સંબંધોમાં એક પ્રકારની પવિત્રતા હોય છે. આ રિલેશનશિપ ત્યારે વધુ પવિત્ર લાગે છે જ્યારે એને ગુપ્ત રાખવામાં આવે. હું ઇચ્છું છું કે લોકો મારા કામ વિશે વાત કરે. જો મારે કંઈક વ્યક્ત કરવું હશે તો હું એ મારા કામ દ્વારા કરીશ. અમે કોઈ પાસે કંઈ છુપાવતાં નથી. અમે સાથે પાર્ટીઓમાં જઈએ છીએ અને લોકો અમારા વિશે જાણે જ છે.’

