ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનો એટલે તહેવારો-ઉત્સવોની મોસમ, આપણને બધાને આ સમય ગમતો હોય છે. બધે જ ઉત્સાહ, આનંદ, ભક્તિનો માહોલ જોવા મળે. શ્રાવણ મહિનાના સોમવાર મહાદેવના, જન્માષ્ટમી કૃષ્ણની, ગણપતિબાપ્પાની પધરામણીની તો વાત સતત નિરાળી બનતી જાય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનો એટલે તહેવારો-ઉત્સવોની મોસમ, આપણને બધાને આ સમય ગમતો હોય છે. બધે જ ઉત્સાહ, આનંદ, ભક્તિનો માહોલ જોવા મળે. શ્રાવણ મહિનાના સોમવાર મહાદેવના, જન્માષ્ટમી કૃષ્ણની, ગણપતિબાપ્પાની પધરામણીની તો વાત સતત નિરાળી બનતી જાય છે. ફરી કહેવું પડે, ઘેર-ઘેર ગણપતિ. આ જ સમયમાં જૈનોના પર્યુષણ, મહાવીર ભગવાનની આરાધના, ઉપવાસ, અઠ્ઠાઈથી લઈ અનેક પ્રકારની તપસ્યા. આ સમયમાં ભક્તિભાવ નવા જ પીક પર હોય.
આપણી આ પરંપરા અને સંસ્કૃતિમાં હવે યુવાવર્ગ પણ સતત જોડાતો જાય છે. આ બધું સારું અને આવકાર્ય લાગે, પરંતુ ક્યારેક એવું પણ લાગે કે આપણા ધાર્મિક તહેવારો એના મૂળ અર્થ ગુમાવીને મોટા ભાગના લોકો માટે માત્ર સેલિબ્રેશનના પ્રસંગો બની રહ્યા છે. અલબત્ત, સેલિબ્રેશન એ બૂરી બાબત નથી પણ સેલિબ્રેશનના નામે જ્યારે એવું થવા લાગે કે ધર્મનો ખરો અર્થ, મૂળ સંદેશ, એની સાર્થકતા સાવ જ બાજુએ રહી જાય અને સંપૂર્ણપણે બજાર કે વેપાર બની જાય ત્યારે સાલું સારું ન લાગે!
સવાલ એ પણ થાય કે હવે ઊજવાતા દરેક તહેવારમાં વિવિધ ભગવાનની આરાધના-ભક્તિ થાય એમાં સત્ત્વ કેટલું રહ્યું છે? આપણામાં મહાદેવ અને કૃષ્ણ કેટલા ઊતરે? આપણામાં ગણપતિબાપ્પાના કયા ગુણો ઊતરે? બધાના ઘરમાં ગણપતિબાપ્પાની છબિ હોય જ છે, તેમ છતાં દોઢથી દસ દિવસ માટે ગણપતિની નવી મૂર્તિ લાવીએ તો પહેલેથી જે ગણપતિની છબિ કે મૂર્તિ ઘરમાં છે એમાં અને આમાં ફરક શું? ઉપરથી વિવિધ વિસ્તારોનાં સાર્વજનિક મંડળોના ગણેશ-ગજાનન રાજાઓ જુદા?
આ બધું કેટલા દિવસ? શું આપણે આ બધા ભગવાનના નામે માત્ર અને માત્ર મોજ-મસ્તી કરતા હોઈએ એવું નથી લાગતું? આમાં ભીતરના ભક્તિભાવ કેટલા? ભગવાનના નામે માર્કેટિંગ, બિઝનેસ, વેચાણ, ભંડોળના ભરપૂર કાર્યક્રમો ચાલતા જોઈ ક્યારેક એવું લાગે કે દેતે હૈં ભગવાન કો ધોકા ઇન્સાન કો ક્યા છોડેંગે?
પર્યુષણ બાદ કરાતા મિચ્છા મિ દુક્કડમમાં કેટલાને આપણે ખરેખર ક્ષમા આપી હોય છે અને કેટલાની મેળવી હોય છે? ભગવાન મહાવીરના કેટલા અપરિગ્રહ-અહિંસા આપણા જીવનમાં પ્રવેશ્યા? ઉપવાસના દિવસો ગણવાના હોય? શું એની જાહેરખબરો કરવાની હોય? અરે ભાઈ, ભક્તિનાં કંઈ પ્રદર્શન હોય? થોડા દિવસ બાદ નવરાત્રિ આવશે. આમાં માતાજી ક્યાં હશે? કયા ગરબા-કયાં ગીતો, કેવી સ્પર્ધા, કઈ સેલિબ્રિટીઝ, કોની પબ્લિસિટી? શું આ શક્તિની આરાધના ગણાય? શું આપણને નથી લાગતું કે આ બધા તહેવારો હવે માત્ર ફૅશન અને ટ્રેન્ડ બનીને ચાલે છે?
લોકો કહી શકે કે આ તો લોકોની શ્રદ્ધાનો વિષય છે, આમાં સવાલો ઉઠાવાય નહીં. પણ શું શ્રદ્ધાના નામે ભગવાનનાં-ધર્મનાં ખરાં સત્ય અને સત્ત્વને ભૂલી જવાનાં? શું આ વિષય વિચારવાનો પણ નથી? દરેક જણ પોતાની ભીતરના આત્મા-પરમાત્માને પૂછીને આગળ વધે એવી પ્રાર્થના કરીએ.

