ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસપદેથી રિટાયર થનારા ધનંજય યશવંત ચંદ્રચૂડે કોર્ટમાં ખૂબ જ હૃદયસ્પર્શી સ્પીચ આપીને જૈનિઝમની ભાષામાં ભૂલચૂક માટે મિચ્છા મિ દુક્કડં કહીને અનેકોનાં દિલ જીતી લીધાં
દીકરીઓ માહી, પ્રિયંકા અને પત્ની કલ્પના સાથે રિટાયર્ડ CJI ધનંજય ચંદ્રચૂડ.
ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસપદેથી રિટાયર થનારા ધનંજય યશવંત ચંદ્રચૂડે કોર્ટમાં ખૂબ જ હૃદયસ્પર્શી સ્પીચ આપીને જૈનિઝમની ભાષામાં ભૂલચૂક માટે મિચ્છા મિ દુક્કડં કહીને અનેકોનાં દિલ જીતી લીધાં. ભારત માટે ખૂબ મહત્ત્વના કહેવાય એવા સેંકડો ચુકાદાઓ આપનારી આ વ્યક્તિ કહે છે કે હું પણ એક સામાન્ય માણસ છું. એ વાત ત્યારે સાચી લાગશે જ્યારે તેમની બે દત્તક દીકરીઓ પ્રત્યેના પ્રેમ અને સંઘર્ષની વાત જાણીશું. ચાલો મળીએ જસ્ટિસ ચંદ્રચૂડની અંદર જીવતા એક આમ આદમીને
નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ધનંજય યશવંત ચંદ્રચૂડે પોતાના ફેરવેલ વક્તવ્યમાં કહ્યું હતું કે તેમને સતત એવા વિચારો સતાવી રહ્યા છે કે ચીફ જસ્ટિસના પદેથી નિવૃત્ત થયા બાદ દેશ તેમના કાર્યકાળને કઈ રીતે મૂલવશે? લોકો તેમના જજમેન્ટ અને કોર્ટ-પ્રોસેસને કઈ રીતે જોશે? શું આ સમય દરમ્યાન તેઓ એ બધું કરી શક્યા જે તેઓ કરવા ચાહતા હતા? તેઓ કયા પ્રકારનો વારસો છોડીને જ રહ્યા છે? પોતાની ભીતર ચાલી રહેલા આવા દ્વંદ્વ સાથે લડી રહેલા ચંદ્રચૂડ સ્વાભાવિક છે કે કોર્ટની તેમના કાર્યકાળની આ છેલ્લી ક્ષણોમાં ઇમોશનલ થઈ ગયા હતા.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકેલા પિતાનું સંતાન હોવાથી ચંદ્રચૂડ આપણા દેશની કોર્ટ્સ અને એની અંદર-બહારની વાતો અને સિસ્ટમથી તો પહેલેથી જ બખૂબી વાકેફ હતા. હાર્વર્ડમાં ભણેલા એક એવા વકીલ જેમણે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે કદાચ સૌથી લાંબો કાર્યકાળ ભોગવ્યો છે. પ્રોગ્રેસિવ અને લિબરલ જજ તરીકેની શાખ ધરાવતા, ઉત્તર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકેલા ચંદ્રચૂડ જ્યારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે અને ત્યાર બાદ ચીફ જસ્ટિસ તરીકે આરૂઢ થયા ત્યારે તેમની સામે અનેક પડકારો અને અનેક અપેક્ષાઓ હતાં. તેમના કાર્યકાળ પહેલાંના લગભગ ૪ ચીફ જસ્ટિસ કરતાં પણ વધુ, અંદાજે ૧૦૦ જેટલાં જજમેન્ટ્સ તેમણે આ સમયગાળા દરમ્યાન આપ્યાં છે.
દીકરાઓ અભિનવ અને ચિંતન.
ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ જેટલો ચર્ચામાં રહ્યો છે એમ તેમનું અંગત જીવન અને જીવનને જોવા-જીવવાનો દૃષ્ટિકોણ પણ ખૂબ પ્રેરણાદાયી છે. આજે મળીએ કાળા કોટ પાછળના એવા વ્યક્તિત્વને જે એક રિટાયર્ડ ચીફ જસ્ટિસના દીકરા છે, જેમનો સુંદર અને પ્રેમાળ પરિવાર છે. પ્રથમ પત્ની રશ્મિ ચંદ્રચૂડ કૅન્સરની બીમારીમાં ૨૦૦૭માં ગુજરી ગયાં એ પછી તેમણે કલ્પના દાસ નામનાં લૉયર સાથે બીજાં લગ્ન કર્યાં છે. પ્રથમ પત્ની રશ્મિથી તેમને બે દીકરા છે. તેઓ જેમને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવે છે એવી બીજી પત્ની આવ્યા પછી તેમણે ૨૦૧૪માં બે દીકરીઓ અડૉપ્ટ કરી છે. આ કપલે એવી બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લીધી છે જેમનું ભવિષ્ય જબરદસ્ત અંધકારમય હતું. આ બે સંવેદનશીલ દીકરીઓના આગમને ધનંજય ચંદ્રચૂડની અંદરના ન્યાયાધીશને પણ સહાનુભૂતિ શીખવી દીધી છે. આવા રિટાયર્ડ ચીફ જસ્ટિસની અંગત લાઇફમાં એક લટાર મારીને તેમને અંદરથી વધુ જાણવાની કોશિશ કરીએ.
યંગ ઍન્ડ ફિટ ઍઝ ઑલ્વેઝ
સામાન્ય રીતે જ્યારે આપણે રાતના ચોથા પ્રહરમાં ભરઊંઘમાં પથારીમાં પડખાં ફેરવતા હોઈએ ત્યારે ચંદ્રચૂડજીની સવાર પડી ચૂકી હોય છે. વહેલી સવારે ૩.૩૦ વાગ્યામાં તો તેમના દિવસની શરૂઆત થઈ જાય છે. જો તમે પૂછો કે રોજ આટલી સવારે જાગી જવાનું કારણ શું? તમને ક્યારેય આ અર્લી રૂટીનથી કંટાળો નથી આવતો કે આળસ નથી લાગતી? તો ચંદ્રચૂડજી ચોક્કસ હસી પડતાં કહેશે કે ‘સૌથી મોટું કારણ એ છે કે વહેલી સવારે આખું જગત શાંત હોય છે. કોલાહલ જાણે થંભી ગયો હોય છે. આવા શાંત વાતાવરણમાં હું મારો સમય ચિંતનમાં વિતાવવાનું પસંદ કરું છું. છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી હું યોગ કરું છું. વહેલી સવારે હું યોગાભ્યાસ કરી શકું છું અને સાથે જ હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી પત્ની કલ્પના અમે બન્ને બેઝિક આયુર્વેદિક લાઇફસ્ટાઇલ ફૉલો કરવામાં માનીએ છીએ અને એથી જ અમે પ્લાન્ટ-બેઝ્ડ લાઇફસ્ટાઇલ અપનાવી છે. અમે બન્ને વીગન છીએ, દૂધ કે દૂધની કોઈ પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતાં. મને નથી ખબર કે આ બીજા બધા લોકો માટે યોગ્ય છે કે નહીં, પરંતુ કમસે કમ મારે માટે તો ખૂબ ફાયદાકારક પુરવાર થયું છે.’
ચંદ્રચૂડજી દૃઢપણે એવું માને છે કે જેકંઈ આપણે આપણી જીભ પર મૂકીએ છીએ એટલે કે ખાઈએ છીએ એની પ્રતિક્રિયા અને અસર આપણા શરીર અને દિમાગ બન્ને પર જરૂર થાય છે, દેખાય છે. તેઓ કહે છે, ‘ખરું પૂછો તો મને યોગાભ્યાસ ખૂબ પસંદ છે અને કદાચ એ જ કારણથી હું માનું છું કે ફિટનેસ એ માત્ર બાહ્ય શરીરની વાત નથી. વાસ્તવમાં ફિટનેસ તમારી આંતરિક બાબત છે. જો તમે અંદરથી ફિટ હશો તો જ બાહરી શરીરની ફિટનેસ પણ જળવાશે.’
પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ.
હું પણ સામાન્ય જ છું
હું ભારતનો ચીફ જસ્ટિસ હતો એનો અર્થ એવો નથી કે મારી જિંદગી બીજા સામાન્ય લોકો કરતાં કંઈક વિશેષ હતી કે અલગ હતી એમ જણાવતાં ચંદ્રચૂડજી કહે છે, ‘મારી જિંદગીમાં અનેક ચૅલેન્જિસ આવી છે. મેં પણ બીજા અનેક લોકોની જેમ અનેક તકલીફનો સામનો કર્યો છે, મને લાગે છે કે ઉતાર-ચડાવ એ જિંદગીની એક આવશ્યક સાઇકલ છે અને એ દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ હોય છે. હું પણ મારી જિંદગીમાં એ આખી સાઇકલમાંથી પસાર થયો છું. આથી જ મેં મારી જિંદગીનો મંત્ર બનાવ્યો છે કે ‘લિવ ઑલ્વેઝ ઇન સેન્સ ઑફ ઑપ્ટિમિઝમ ઍન્ડ હૉપ.’ એટલે કે સદૈવ સકારાત્મક આશાવાદ સાથે જીવો. હું ક્યારેય મારા જીવનમાં આવેલા પડકારોમાંથી બહાર આવી ગયા પછી એને ભૂલતો નથી, કારણ કે મને લાગે છે કે આપણા જીવનમાં આવેલાં દરેક પડકાર અને પરિસ્થિતિ કોઈ ને કોઈ કારણથી આવ્યાં હોય છે. કદાચ એ આપણને કંઈક શીખવવા માગતાં હોય છે. કદાચ ચેતવવા અથવા તો કદાચ કંઈક કહેવા માગતાં હોય છે. શક્ય છે એ વર્તમાન પરિસ્થિતિમાં આપણને નિરર્થક જણાય, પરંતુ દરેક પડકાર નિઃસંદેહ આપણી ભીતર કંઈક ને કંઈક તો એવું ઘડતો કે સર્જતો જ જાય છે જેની આપણને હમણાં ક્યાં તો ભવિષ્યમાં જરૂર પડવાની છે એથી જ માણસો અને માણસાઈ પર મારો ભરોસો જળવાઈ રહ્યો છે.’
ધર્મ અને પરિવારમાં શ્રદ્ધા
મહારાષ્ટ્રિયન પરિવારમાં જન્મેલા ચંદ્રચૂડ એક આધુનિક વ્યક્તિ તો છે જ અને સાથે જ પોતાના પરિવારના અને ગળથૂથીમાં મળેલા રીતરિવાજો પણ બખૂબી સમજે છે અને અનુસરે છે. તેઓ કહે છે, ‘અમારા મહારાષ્ટ્રિયનોમાં અનેક પ્રસંગે ઘરમાં સાબુદાણાની ખીચડી બનતી હોય છે. છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી દર સોમવારે વ્રત કરું છું. ઉપવાસમાં ખાવા માટે અમારા મહારાષ્ટ્રિયન પરિવારમાં રામદાણા (રાજગરો)નો પણ ખૂબ ઉપયોગ થાય છે. તો હા, ઉપવાસ દરમ્યાન સાબુદાણા અને રામદાણાનો ઉપયોગ કરું છું. એની પાછળનું એક કારણ એ છે કે એ પચવામાં ખૂબ હલકા છે અને અત્યંત પૌષ્ટિક પણ છે. ઉપવાસ રાખવામાં કાંઈ જ ખોટું નથી. ધાર્મિક અને આયુર્વેદ બન્નેની દૃષ્ટિએ ઉપવાસ આપણને તંદુરસ્ત રહેવામાં ખૂબ મદદ કરે છે. હા, હું પણ ક્યારેક ચીટ-ડે રાખું છું અને એવા દિવસોમાં હું સ્ટ્રિક્ટલી મારું ડાયટ ફૉલો નથી કરતો, એ દિવસોમાં હું આઇસક્રીમ ખાઈ લઉં છું. આઇસક્રીમ મને ખૂબ ભાવે છે, પરંતુ બાકીના દિવસોમાં નિયમિતતા જાળવવાનું મને ગમે છે. ઉપવાસથી ન માત્ર સ્વાસ્થ્ય, પરંતુ મન અને દિમાગ પણ કન્ટ્રોલમાં રહે છે એવો જાતઅનુભવ છે.’
ધર્મમાં પોતાની શ્રદ્ધાને તેમણે કદી છુપાવી નહોતી.
બાળપણની યાદો
બાળપણમાં વારંવાર માંદગીનો સામનો કરી ચૂકેલા ચંદ્રચૂડ તેમના બાળપણને યાદ કરતાં કહે છે, ‘બીજા છોકરાઓની સરખામણીએ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હું એક નબળું બાળક હતો. વારંવાર માંદગી મને ઘેરી લેતી. મારી માએ મારે માટે અનેક રાતો ઉજાગરા સાથે વિતાવવી પડી છે, કારણ કે મારો તાવ ઊતરતો નહોતો.’
માતાને યાદ કરતાં ચંદ્રચૂડજી કહે છે, ‘મારી મા મને કાયમ કહેતી કે તારું નામ ધનંજય છે, પરંતુ ક્યારેય ધનંજયનો અર્થ આર્થિક ધન તરીકે ન કરતો; ધનનો સાચો અર્થ છે જ્ઞાન, હંમેશાં જ્ઞાનનો વધારો કરજે અને જ્ઞાનનો ઉપયોગ કરજે. અમે એક મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવીએ છીએ અને સામાન્ય રીતે મરાઠીઓમાં ઘરની સ્ત્રીઓ ડૉમિનેટિંગ હોય છે. અર્થાત્ આખાય ઘરનો કારભાર તે પોતે એકલી સંભાળી લેતી હોય છે. આથી અમારું આખું ઘર મારી માએ એકલા હાથે સંભાળી લીધું હતું અને જુઓ નસીબજોગ ઉડિયામાં પણ કંઈક એવું જ છે. મારી પત્ની કલ્પના ઉડિયા છે, તેણે પણ અમારું આખું ઘર સંભાળી લીધું છે.’
હું નાનો હતો ત્યારે મારી માને ટાઇફૉઇડ થઈ ગયો હતો એ વિશે જણાવતાં ચંદ્રચૂડ કહે છે, ‘એ વખતે અમારા ઘરમાં માની દેખભાળ કરવા અને ઘરમાં મદદ કરવા એક મેઇડ આવી હતી, ભીમાબાઈ. તેઓ અભણ હતાં. તેમને પોતાનું નામ લખતાંય નહોતું આવડતું, પણ તેમણે જિંદગી જોઈ હતી, જિંદગી જીવી હતી. આથી પ્રૅક્ટિકલ નૉલેજ અને સમજ તેમનામાં અદ્ભુત હતાં. તેઓ મારી સાથે ખૂબ વાતો કરતાં. અમે તો શહેરમાં જન્મેલા અને મોટા થયેલા, પરંતુ ભીમાબાઈ મને ગામડાની ખૂબ વાતો કહેતાં. તેમની વાતો દ્વારા હું ગ્રામીણ મહારાષ્ટ્રને જાણી શક્યો છું. ગામડાની જિંદગી અને તેમની સ્ટ્રગલને જાણી શક્યો છું, સમજી શક્યો છું.’
પિતા સાથે પુત્ર
પિતા સાથેની યાદોને તાજી કરતાં ચંદ્રચૂડ કહે છે, ‘મારા પિતા ખૂબ ડિસિપ્લિન્ડ માણસ હતા. તેમની છત્રછાયામાં હું ઊછર્યો ત્યારે તેમણે મને કોઈ જાપ્તામાં રાખ્યો હતો કે મારા પર બંધન હતું કે ધાક હતી એવું કશું નહોતું. તેમણે ક્યારેય અમારા પર ડિસિપ્લિનમાં રહેવાની ફરજ નથી પાડી, પણ તેઓ ચાહતા હતા કે તેમનાં બાળકો જિંદગી જોઈને જાતે શીખે. તેમણે પુણેમાં એક નાનકડું ઘર ખરીદ્યું હતું. જ્યારે તેમણે એ ઘર લીધું ત્યારે મેં કહ્યું હતું કે શા માટે બેકારમાં તમે આ ઘર ખરીદી રહ્યા છો? આપણે ક્યારેય ક્યાં ત્યાં રહેવા જવાનું થશે. ત્યારે તેમણે કહ્યું હતું કે મને નથી ખબર કે હું તારી સાથે કેટલા સમય સુધી રહેવાનો છું, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજે કે આપણું આ નવું ઘર કમસે કમ તારા જજ તરીકેના કાર્યકાળના છેલ્લા દિવસ સુધી રહેવા દેજે. ત્યારે મેં પૂછ્યું કે કેમ આમ કહો છો? એનું શું કારણ? ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે જ્યારે-જ્યારે તને એમ લાગે કે તારો આત્મા કે તારી સમજ કૉમ્પ્રોમાઇઝ થવા જઈ રહ્યાં છે કે તું જજ અથવા વકીલ તરીકે કોઈ પણ બાબત સાથે સમાધાન કરવા તૈયાર થાય એવી પરિસ્થિતિ આવે ત્યારે યાદ રહે કે તારા માટે માથે છત છે, રહેવા માટે ઘર છે જે ક્યાંય જવાનું નથી. અર્થાત્ ક્યારેય કોઈ લોભ કે ડરથી સમાધાન કરતો નહીં. ૨૪ વર્ષ મેં જજ તરીકે મારા કાર્યકાળના વિતાવ્યાં, પરંતુ મારા પિતાએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલ્યો નથી અને કદાચ એ જ કારણથી હું નિષ્પક્ષ અને નીડર રહીને મારું કામ કરી શક્યો છું.’
પિતાની લાડકી દીકરીઓ
ચંદ્રચૂડે બે દીકરીઓ દત્તક લીધી છે, માહી અને પ્રિયંકા. આ દીકરીઓ એક ખૂબ જટિલ અને અસામાન્ય બીમારી સાથે જીવી રહી છે જેનું નામ છે નેમેલીઅન માયોપથી. આ એક જિનેટિક ડિસઑર્ડર છે જેને કારણે શરીરના સ્નાયુઓ અત્યંત નબળા થઈ જાય છે. શરીર બીજા સામાન્ય માણસની જેમ કામ નથી કરી શકતું અને સ્નાયુઓમાં કોઈક દોરા જેવી રચના મોટા પ્રમાણમાં રચાવા માંડે છે જેને કારણે જે-તે વ્યક્તિનું શરીર અત્યંત નબળું પડી જાય છે. પોતાની આ દીકરીઓ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી દીકરીઓ શરીરથી બીમાર છે, પરંતુ તેમનું દિમાગ જબરદસ્ત તેજ છે. બન્નેનો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો અને ૨૦૧૪માં મેં તેમને દત્તક લીધી હતી. જ્યારે મારી દીકરીઓ ૨૦૧૪માં મારી જિંદગીમાં આવી ત્યારે, એ સમયે બાળકોની ટેસ્ટ વગેરેને લઈને આટલી અવેરનેસ નહોતી. એથી તેમની આ જિનેટિક બીમારી વિશે ત્યારે ખાસ ટેસ્ટ થઈ નહોતી. એવું નથી કે ઉત્તરાખંડના ગામડામાં એ ફૅસિલિટીઝ નહોતી. ભારતનાં શહેરોમાં પણ એ સમયે આવી તપાસ લગભગ અશક્ય હતી. જ્યારે આવી ટેસ્ટ શરૂ થઈ ત્યારે અમે મારી એક દીકરીની ટેસ્ટ કરાવી હતી પણ એ અત્યંત પીડાદાયક છે. ટેસ્ટમાં ઍનેસ્થેસિયા આપ્યા વિના શરીરમાંથી કેટલાક ટિશ્યુ કાઢે છે અને ત્યાર બાદ એનું ટેસ્ટિંગ કરે છે. મને હજી પણ એ સમય યાદ છે જ્યારે મારી બન્ને દીકરીઓ ટેસ્ટ માટે જવાની હતી. પહેલાં મારી મોટી દીકરી ગઈ, પરંતુ ટેસ્ટની એ પ્રોસીજર એટલી પીડાદાયક હતી કે બહાર આવતાંની સાથે દર્દમાં કણસતી મારી દીકરીએ અમને કહ્યું કે મહેરબાની કરીને મારી બહેનને આ દર્દમાંથી પસાર ન થવા દેતાં. મારી દીકરીઓ મને ખૂબ વહાલી છે. તેઓ મારી સાથે અનેક વિષયો પર ચર્ચા કરે છે. અમારી વચ્ચે કંઈકેટલીયે બાબતોને લઈને કલાકો સુધી વાતો થતી હશે. જ્યારે મારી આ બન્ને લાડકીઓ મારી જિંદગીમાં આવી ત્યારે તેમના જન્મસ્થળ ઉત્તરાખંડના એ ગામડામાં તો શાળા સુધ્ધાં નહોતી. જ્યારે તેમને અમે દત્તક લીધી ત્યારે અલાહાબાદમાં માત્ર એક શાળા હતી જે દિવ્યાંગ બાળકોને ભણાવતી હતી, પરંતુ એ પણ બંધ થઈ ગઈ, કારણ કે એના માલિકનું મૃત્યુ થઈ ગયું હતું. અમે તેઓ સ્કૂલ જતી હોય એ રીતે તેમને સ્કૂલબૅગ અને વૉટર-બૉટલ્સ આપીને અમારા ઘરે જ શરૂઆતનું શિક્ષણ આપ્યું. ત્યાર બાદ અમે દિલ્હી આવી ગયાં. દિલ્હીમાં અનેક સ્કૂલોમાંથી અમને કહેવામાં આવ્યું કે અમે માત્ર એવાં જ બાળકોને ભણાવીએ છીએ જે ઑટિઝમનો શિકાર છે. મારી દીકરીઓ માટે એ સ્કૂલ યોગ્ય ન હોવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ અમે બીજી નૉર્મલ સ્કૂલ્સમાં તેમનું ઍડ્મિશન લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સ્કૂલવાળાએ કહ્યું કે અમે તેમને ઍડ્મિશન તો આપી દઈશું, પરંતુ બીજાં બાળકો તેમની દીકરી સાથે કઈ રીતે વર્તશે અને કેવો વ્યવહાર કરશે એ એક પ્રશ્ન છે. આખરે એક એવી શાળા મળી જે આવાં દિવ્યાંગ બાળકો સાથે મેન્ટર તરીકે એક સિનિયર મિત્રને રાખતી હતી અને એ મિત્રો ન માત્ર આ બાળકો સાથે દોસ્તી રાખે, પણ બીજાં બાળકોને પણ તેમની સાથે કઈ રીતે વર્તવું એ પણ શીખવે. આવી સુંદર વ્યવસ્થા સાથેની સંસ્કૃતિ સ્કૂલમાં અમારી બન્ને દીકરીઓનું ઍડ્મિશન થયું.’
પોતાની દીકરીઓ માટે આવી તો અનેક પરિસ્થિતિઓનો સામનો કરી ચૂકેલા ચંદ્રચૂડ કહે છે, ‘આવાં બાળકો સાથે બીજી એક મોટી મુશ્કેલી એ થાય છે કે જ્યારે તેઓ બીજાં સામાન્ય બાળકો સાથેની સામાન્ય દુનિયામાં ભળવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને માટે જરૂરિયાત મુજબની સુવિધા અને સમજણ દુનિયાનાં બીજાં બાળકો કે માણસોમાં હોતી નથી. એક સામાન્ય દાખલો આપું તો આવી ગંભીર બીમારીથી પીડાતા કોઈ બાળકને ધારો કે સાયન્સ ફૅકલ્ટીમાં ભણવામાં ખૂબ રુચિ છે અને તે સાયન્સમાં હોશિયાર પણ ખૂબ છે, પરંતુ તે સાયન્સ કરી શકતો નથી, કારણ કે સાયન્સની લૅબ બેઝમેન્ટમાં છે અને આવું બાળક બેઝમેન્ટ સુધી જઈ શકે એવી કોઈ રૅમ્પ કે લિફ્ટ બનાવવામાં આવી નથી. એટલે જ્યારે બીજાં બધાં બાળકો સાયન્સની લૅબમાં જાય ત્યારે આ બાળકે ક્લાસમાં બેસી રહેવું પડે છે. જ્યારે તેને તો સાયન્સ ખૂબ ગમે છે. આ બાળક મેદાનમાં રમવા પણ જઈ શકતું નથી, કારણ કે મેદાન સુધી જવામાં જબરદસ્ત એફર્ટ્સ લાગે છે અને બધા વિદ્યાર્થીઓ જ્યારે રમીને ફરી ક્લાસમાં આવી જાય ત્યાં સુધી આ બાળક પહોંચી શકતું નથી.’
પોતાની લાડકી દીકરીઓ વિશે વાત કરતાં ચંદ્રચૂડજી કહે છે, ‘મને કોવિડ સમયની એક ઘટના યાદ છે. જ્યારે ક્લાસિસ ઑનલાઇન ચાલતા હતા. મારી નાની દીકરી જે એ સમયે ૯ વર્ષની હતી તેણે ક્યાંક બહારથી ઝાડ કાપવાનો અવાજ આવી રહ્યો હોય એવું સાંભળ્યું. તેણે તરત ચાલુ ક્લાસે પોતાના ટીચર પાસે પરમિશન માગી કે હું બે મિનિટ માટે ક્લાસ છોડી શકું? કારણ કે મારા ઘર પાસે કોઈક ઝાડ કાપી રહ્યું છે. તે ઝડપથી પોતાની વ્હીલચૅર હંકારતાં બહાર ગઈ અને પેલા ઝાડ ટ્રિમ કરવા આવેલા માણસને કહ્યું કે ખબરદાર જો આ ઝાડની એક પણ ડાળી કાપી છે તો; આ ઝાડ પર કેટલાં બધાં પક્ષીઓનો માળો છે, ઘર છે; તમે ઝાડની ડાળખી કાપશો તો એમનું ઘર રગદોળાઈ જશે. મારી દીકરીઓ ખૂબ હોશિયાર છે અને સાથે જ ખૂબ લાગણીશીલ પણ. અને હું પ્રિયંકા અને માહી બન્નેને ખૂબ ચાહું છું.’
તે માત્ર મારી પત્ની નથી
કલ્પના સાથે મારે ક્યારેય માત્ર પત્ની તરીકેનો સંબંધ રહ્યો નથી એમ જણાવતાં ચંદ્રચૂડ કહે છે, ‘તે મારી પત્ની પણ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. અમે બન્નેએ એકબીજાનું કામ વહેંચી લીધું છે. તેણે અમારું ઘર સંભાળી લીધું છે અને મેં કોર્ટ્સ! મને યાદ નથી કે તેણે ક્યારેય મારા કોર્ટના કોઈ કેસ વિશે કે મારા ચુકાદા અંગે કોઈ ટિપ્પણ કરી હોય. અમારી વચ્ચે ક્યારેય એવી જરૂરિયાત જ નથી પડી; પણ હા, તેણે મારું આખું ઘર સંભાળી લીધું છે. અમારી દીકરીઓને સંભાળી લીધી છે. તેમના ભણતરથી લઈને બાકીની બધી કાળજી કલ્પના બખૂબી નભાવી લે છે. કંઈકેટલાય મુદ્દા કે વાતો એવી હશે જે વિશે હું અને કલ્પના કલાકો સુધી વાતો કરી શકીએ. હું કહું છુંને કે તે માત્ર મારી પત્ની નથી, મારી બેસ્ટ ફ્રેન્ડ છે.’
રિટાયરમેન્ટ પછી કઈ-કઈ સુવિધાઓ મળશે?
રિટાયરમેન્ટ પછી પણ ચીફ જસ્ટિસને રહેવા માટે સરકારી ઘર મળશે. સાથે જ સરકાર તરફથી સુરક્ષાગાર્ડ્સ પણ આપવામાં આવે છે. એ સિવાય સરકારી કર્મચારી હોવાને કારણે પેન્શન તો ખરું જ. અંદાજે ૭૦,૦૦૦ રૂપિયા જેવું તેમને પેન્શન તો મળશે જ અને સાથે સ્પેશ્યલ અલાવન્સ તરીકે કેટલાંક ભથ્થાં પણ મળશે. વળી ડ્રાઇવર અને નોકર-ચાકર પણ સરકાર તરફથી મળશે. આ સિવાય અન્ય લાભ તરીકે મેડિકલ અલાવન્સ પણ તેમને મળવાપાત્ર છે. તો વળી તેમના અધિકારક્ષેત્રની વાત કરીએ તો કોઈ પણ રિટાયર્ડ ચીફ જસ્ટિસને રિટાયરમેન્ટ પછી પણ કોર્ટના
કોઈ કેસ બાબતે કે બીજી જરૂરિયાત અનુસાર કેટલીક બાબતે સલાહ કે સૂચન આપવાનો અધિકાર છે, તો ઘણી વાર એક્સપર્ટ તરીકે કોર્ટના કોઈ મામલે અથવા કોઈ સરકારી કામ કે સમિતિમાં પણ તેમનું ચયન કરવામાં આવી શકે છે.