Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બોલે સો નિહાલ

બોલે સો નિહાલ

Published : 26 April, 2026 11:52 AM | Modified : 26 April, 2026 12:07 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારાને આજીવન કેદની સજા મળવી જોઈએ એવી માગણી સાથે BSNLના ૪૦૦ ફુટ ઊંચા ટાવર પર પ૬૦ દિવસ રહીને પંજાબ સરકારને આખરે નમાવનારા ગુરજિત સિંહ ખાલસાને મળો

BSNLના ટાવર પર ૪૦૦ ફુટ ઊંચે તાડપત્રીથી ઢંકાયેલી નાનકડી કૅબિન જેવું બનાવીને ગુરજિત સિંહ ખાલસા આ જગ્યાએ ૫૬૦ દિવસ રહ્યા હતા.

BSNLના ટાવર પર ૪૦૦ ફુટ ઊંચે તાડપત્રીથી ઢંકાયેલી નાનકડી કૅબિન જેવું બનાવીને ગુરજિત સિંહ ખાલસા આ જગ્યાએ ૫૬૦ દિવસ રહ્યા હતા.


ટાવરની ટોચ પરની નાનકડી જગ્યામાં આ માણસે ૧ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ કઈ રીતે પસાર કર્યા એ જાણશો તો તેમને સૅલ્યુટ કર્યા વગર નહીં રહો

એક માગણી, વારંવારની માગણી પછી પણ સરકાર જાગે નહીં એટલે કોઈ માણસ જમીનથી ૪૦૦ ફુટ ઊંચા ટાવર પર ચડીને ૫૬૦ દિવસ સુધી પ્રોટેસ્ટ કરે અને એ પણ પૂરેપૂરા પ્લાનિંગ સાથે. પોતાના પ્લાનિંગ અને વાત મનાવવાની જીદના આધારે જ તે જીત પણ મેળવે. આપણે વાત કરીએ છીએ પંજાબના ગુરજિત સિંહ ખાલસાની. ગુરજિત સિંહ હજી હમણાં જ મોબાઇલ ટાવર પરથી ઊતર્યા. એકધારા પ૬૦ દિવસ એટલે કે ૧ વર્ષ ૬ મહિના ૧૨ દિવસ ટાવર પર રહેલા ગુરજિત સિંહની માગણી હતી કે ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન થાય તો એના માટે કડકમાં કડક સજા થવી જોઈએ. ગુરજિત સિંહે સજા પણ સૂચવી હતી. સરકાર એ વાત માનવા રાજી નહોતી એટલે ગુરુ ગ્રંથ સાહિબને ન્યાય મળે એવા ભાવથી ગુરજિત સિંહે ટાવર પર ચડીને વિરોધ નોંધાવ્યો અને ટાવર પર ચડતાં પહેલાં કહી પણ દીધું કે હવે તે ટાવર પરથી ત્યારે જ ઊતરશે જ્યારે પંજાબ સરકાર તેમની માગણી લેખિતમાં સ્વીકારીને ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારા વિરુદ્ધ કડક કાયદાઓ બનાવશે.



ગુરજિત સિંહ કંઈ ચક્રમ નહોતા કે તે સીધા જ દોડીને ટાવર પર ચડી ગયા. તેમણે અનેક વખત પોતાની માગણી સરકાર અને સરકારી પ્રતિનિધિ સામે મૂકી તથા લેખિતમાં આવેદનો પણ આપ્યાં, પણ સરકાર માટે તો એ આવેદન સામાન્ય કાગળથી વિશેષ કંઈ નહોતું એટલે અધિકારીઓ એ ફાડીને ડસ્ટબિનમાં નાખી દેતા. છેવટે થાકીને (હારીને નહીં) અને કંટાળીને ગુરજિતે કાન આમળવાનો અને પોતાની ધાર્મિક લાગણીને વાજબી જવાબ મળે એ માટે પ્રોટેસ્ટનો આકરામાં આકરો રસ્તો પસંદ કર્યો. તેઓ ટાવર પર ચડ્યા અને ચડ્યા ત્યારે પરિવારને કહીને ગયા કે કાં તો હવે તે જીત સાથે પાછા આવશે અને કાં તો તેમનો પાર્થિવ દેહ જમીન પર આવશે.


૨૪ એપ્રિલે ગુરજિત સિંહને જીત મળી, પણ એ પહેલાંનું તેમનું ટાવર પરનું જીવન ભારોભાર સંઘર્ષમય રહ્યું. ટાવરના એ જીવનની વાતો પર આવતાં પહેલાં આપણે ગુરજિત સિંહને એક વખત નજીકથી ઓળખી લેવા જોઈએ.


કોણ છે ગુરજિત સિંહ ખાલસા?

પ૬૦ દિવસ ટાવર પર રહેનારા ૪૩ વર્ષના ગુરજિત સિંહ ખાલસા મૅરિડ છે અને તેમને બે બાળકો પણ છે. પંજાબના પટિયાલા જિલ્લાના ખેડી નગૈયાં ગામમાં રહેતા ગુરજિત સિંહ ખાલસા ખેડૂત અને સ્વભાવે અત્યંત ધાર્મિક માનસિકતાના. ગુરુ ગ્રંથ સાહિબમાં કહ્યા મુજબ જ જીવન જીવતા ગુરજિત સિંહને એક ઘટનાએ હચમચાવી નાખ્યા.

૨૦૧પના જૂન મહિનામાં પંજાબના ફરીદકોટ જિલ્લાના બરગાડી પાસે આવેલા બુર્જ જવાહર સિંહ વાલા નામના ગામના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપની ચોરી થઈ. પોલીસ-ફરિયાદ થઈ અને એ પછી લોકોએ વિરોધ પણ નોંધાવ્યો. જોકે વાત ત્યારે વધી જ્યારે એ જ વર્ષના ઑક્ટોબર મહિનામાં સિખોના આ પવિત્ર ગ્રંથનાં કેટલાંક પાનાં બરગાડીના રસ્તાઓ પર વેરવિખેર મળ્યાં, જેનાથી સિખ સમુદાયમાં ભારે રોષ અને દુઃખ ફેલાયાં. આ ઘટનાના વિરોધમાં સિખ સમુદાય દ્વારા શાંતિપૂર્ણ રૅલી પણ કાઢવામાં આવી, જે રૅલી પર પંજાબ પોલીસે ગોળીબાર કર્યો અને બે સિખ યુવાનોનાં મોત થયાં. ગુરજિત સિંહના મનમાં પ્રશ્ન જન્મ્યો કે કોઈ શ્રી ગ્રંથ સાહિબ ચોરે અને આ પ્રકારે અપમાન કરે એ ત્યારે જ શક્ય બને જ્યારે તેને ખબર હોય કે આ ગુના માટે એવી કોઈ કડક સજા મળવાની નથી. ગુરજિત સિંહ આ પ્રશ્નની અકળામણ સાથે ગુરુ ગ્રંથ સાહિબની ચોરીના કેસમાં વર્ષોથી ન્યાયની રાહ જોતા રહ્યા, પણ દોષીઓને પકડવામાં શરૂઆતમાં પોલીસ નિષ્ફળ રહી અને એ પછી જ્યારે આરોપીઓ હાથમાં આવ્યા ત્યારે તારીખ-પે-તારીખનો દોર કોર્ટમાં શરૂ થયો.

૨૦૧૫ની ઘટનામાં જે પણ જવાબદાર હતા એ ષડયંત્રકારીઓ અને વિરોધ નોંધાવવા નીકળેલી શાંતિયાત્રા પર ગોળીબાર કરનારા પોલીસ-અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી માગણી અને સાથોસાથ ઇન્ડિયન પીનલ કોડના જૂના કાયદાઓ બદલીને ગુરુ ગ્રંથ સાહિબના અપમાન માટે આકરો દંડ અને આજીવન કેદની સજાની માગણી ગુરજિત સિંહે કરી. એટલું જ નહીં, તેમણે એ વિશે સ્થાનિક અધિકારીઓથી લઈને પંજાબ સરકાર સામે વારંવાર રજૂઆત કરી, પણ તેમની વાતોને અને રજૂઆતોને ગંભીરતાથી લેવામાં ન આવી એટલે સરકારને જગાડવા માટે આકરા પ્રોટેસ્ટનો નિર્ણય લઈને ૨૦૨૪ની ૧૨ ઑક્ટોબરે પટિયાલા પાસે આવેલા સમાનામાં રહેલા BSNL કંપનીના એક મોબાઇલ ટાવર પર ચડીને તેમણે પ્રદર્શન શરૂ કર્યું. ગુરજિત સિંહનાં વાઇફ ગુરપ્રીત કૌર કહે છે, ‘શરૂઆતમાં તો મને એમ હતું કે આ બે-ચાર દિવસની વાત હશે, પણ વાત લંબાતી ગઈ. તેમને સીધો જવાબ જોઈતો હતો, કોઈ વાયદો સ્વીકારવા તે તૈયાર નહોતા અને સરકાર સીધો નિર્ણય લેવામાં મોડું કરતી રહી. એને લીધે પહેલાં દિવસો, પછી મહિનાઓ અને પછી વર્ષથી પણ વધારે સમય લાગ્યો.’

પ૬૦ દિવસ એ કંઈ નાનો ગાળો નથી. ગુરપ્રીત કૌર કહે છે, ‘મારા માટે એકેક દિવસ વર્ષથી લાંબો હતો. ઘરનાં કામો પતાવીને હું ટાવર નીચે બેસી રહેતી. શરૂઆતમાં મને થતું હતું કે તે ખોટી જીદ લઈને બેઠા છે, પણ સમય જતાં મને સમજાયું કે આ ક્રાન્તિકારી કામ કરવા માટે ગુરુસાહેબે મારા પતિને પસંદ કર્યા એ જ બહુ મોટી વાત છે.’

બીમારીની વાત

૫૬૦ દિવસ સુધી ૪૦૦ ફુટની હાઇટ પર કોઈ વિશેષ સુવિધા વિના રહેવાના પોતાના સંઘર્ષ દરમ્યાન અનેક વખત એવું બન્યું હતું જેમાં ગુરજિત સિંહ ખાલસા બીમાર પડ્યા હોય. પંજાબની હાડ થીજવતી ઠંડી અને ઉનાળાની લૂ દરમ્યાન ખુલ્લા ટાવર પર રહેવું અત્યંત કષ્ટદાયક હતું. આ ગાળામાં તેમને સામાન્ય તાવ, શરદી અને ઉધરસ જેવી તકલીફો થતી. આ સીઝનલ બીમારી અને એક વર્ષથી વધુ સમય ખુલ્લામાં રહેવાને કારણે થતા વાઇરલ ઇન્ફેક્શનનો પણ તેમણે સામનો કરવો પડ્યો હતો જેના માટે તેમના સમર્થકો નીચેથી દવાઓ મોકલતા.


નીચે આવ્યા પછી ગુરજિત સિંહનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આઠેક ફુટની જગ્યામાં જ રહેવાનું હોવાથી મર્યાદિત હલનચલન રહેતી, જેને લીધે તેમના સ્નાયુઓ જકડાઈ જવાની અને સાંધાના દુખાવાની સમસ્યા પણ ઊભી થતી. ગુરજિત સિંહ ટાવર પર હોવાથી કોઈ ડૉક્ટર ત્યાં જઈને તેમનું વિગતવાર ચેકઅપ કરી શકતો નહોતો. હા, કલેક્ટરની ઑફિસે અનેક વાર મેડિકલ હેલ્પની ઑફર કરી હતી, પણ ગુરજિત સિંહે નીચે ઊતરવાની ના પાડી દીધી હતી. આ બધાં કારણોસર અને લાંબો સમય ઊંચાઈ પર અને એકાંતમાં રહ્યા હોવાથી ડૉક્ટરોએ તેમનું બ્લડપ્રેશર, શુગર-લેવલ અને સંપૂર્ણ શારીરિક ચેકઅપ કર્યું હતું. ગુરજિત સિંહની ઇચ્છાશક્તિ એટલી પ્રચંડ હતી કે આટલી મુશ્કેલીઓ છતાં તે ગંભીર રીતે બીમાર પડ્યા વગર પોતાનો જંગ જીતવામાં સફળ રહ્યા.

૨૦૨૪ની ૧૨ ઑક્ટોબરે ગુરજિત સિંહ ટાવર પર ચડ્યા ત્યારે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સરકાર કાયદાકીય ફેરફાર નહીં કરે ત્યાં સુધી તેઓ નીચે નહીં આવે. વ્યવસાયે ખેડૂત પણ પોતાના ધર્મ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા ધરાવતા ગુરજિતને તેમની આ શ્રદ્ધા જ મદદ કરી ગઈ અને તે જમીનથી ૪૦૦ ફુટ ઉપર પ૬૦ દિવસ બેસી રહ્યા. યાદ રાખજો કે આ ટાવર પર કોઈ વ્યવસ્થા નહોતી. ટાવર પર ગુરજિત સિંહ જે જગ્યાએ બેઠા હતા એ જગ્યા પોતે રોકડી સાડાછ ફુટની હતી. ખાવું-પીવું, રહેવું-સૂવું અને પીપી-છીછી પણ આ જ જગ્યામાં કરવાનું. જો બૅલૅન્સ જાય કે જરાક પગ લપસે તો શું થાય એની કલ્પના કરો અને કલ્પના ન થઈ શકતી હોય તો ચાલીસમા ફ્લોર પરથી માણસ પડે એ પછી તેનું શું થાય એ યાદ કરો.

સરકારે શું કર્યું?

જો કોઈ ગાંડો ટાવર પર ચડી જાય તો તરત વાત સરકારી અધિકારી સુધી પહોંચી જતી હોય છે. અહીં તો સીધો-સાદો અને ડાહ્યો માણસ ટાવર પર ચડી ગયો હતો એટલે વાત વધારે ઝડપથી સરકારી અધિકારીઓ સુધી પહોંચી અને સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્રએ ગુરજિત સિંહને મનાવવા-સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા. પટિયાલાના ડેપ્યુટી કમિશનરથી લઈને પોલીસ-અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓ સહિત અનેક લોકો ગુરજિત સિંહને સમજાવવા આવ્યા, પણ ગુરજિતની વાત એક જ હતી કે લેખિતમાં ખાતરી આપો પછી જ તે નીચે આવશે. એ આપવા કોઈ તૈયાર નહોતું થતું. હા, બધા મૌખિક બાંયધરી આપતા, જેમાં ગુરજિત પાજીને ઇન્ટરેસ્ટ નહોતો. ગુરજિત સિંહ કહેતા કે ‘હું અહીં મરવા માટે નથી આવ્યો એટલે તમે મારી ચિંતા ન કરો. ન્યાય આપવા માટે રાજી થાઓ ત્યારે મારી સાથે વાત કરજો.’

ગુરજિત સિંહ ટાવર પર ચડ્યા એ જ દિવસથી પટિયાલા કલેક્ટરે ટાવરની આસપાસ સિક્યૉરિટી વધારી દીધી અને એ આખો એરિયા પણ સીલ કરી દીધો જેથી લોકોની અવરજવર ઓછી થાય અને ગુરજિત સિંહનું મૉરાલ તૂટે. જોકે ગુરજિત સિંહ સાથે સિખ ધર્મનાં પુસ્તકો હતાં, જેનું વાંચન તેમને હિંમત આપતાં રહ્યાં.

ગણતરીના કલાકોમાં જ લોકોને ગુરજિતના આ કૃત્ય પાછળનું કારણ ખબર પડી અને લોકોનાં ટોળેટોળાં ટાવર પાસે એકઠાં થવા માંડ્યાં. સિખ સમુદાયની એક ખાસિયત છે. ધર્મની વાત આવે ત્યાં બધાની આસ્થા એકમેક સાથે જોડાઈ જાય. એવું જ બન્યું. ગુરજિત સિંહને જનતા અને ધાર્મિક સંગઠનોનું મોટું સમર્થન મળ્યું. સમર્થકો ટાવર નીચે ધરણાં પર બેસી ગયા. હવે જો પોલીસ બળજબરી કરીને પેલા લોકોને ત્યાંથી હાંકી કાઢવા જાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની સંભાવના પૂરેપૂરી હતી એટલે પંજાબ સરકાર પણ કોઈ કડક પગલું ભરી શકી નહીં.

શરૂઆતમાં એવો વિચાર પણ કરવામાં આવ્યો હતો કે જો ઉપર ખાવા-પીવાની સામગ્રી પહોંચતી બંધ કરી દેવામાં આવે તો ગુરજિત પોતે હાર માનીને જાતે નીચે આવી જશે. વિચારને અમલમાં મૂકવામાં આવ્યો, પણ ગણતરીના કલાકોમાં જ માનવતાના દાવે અને સમર્થકોના વિરોધને કારણે સરકારે ઝૂકવું પડ્યું અને સમર્થકોએ દોરડાની મદદથી દૂધ, ફ્રૂટ્સ અને જમવાનું ઉપર પહોંચાડવાનું શરૂ કરી દીધું. ગુરજિત સિંહ પોતે પણ મક્કમ હતા એટલે ભૂખ-તરસ સામે લડવાની તેમની પણ તૈયારી હતી.

ગુરજિતભાઈ ટાવર પર રહે છે અને સરકાર ચૂપ બેઠી છે એવા આક્ષેપ સાથે આ મૅટર પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં પણ પહોંચી અને કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે ગુરજિત સિંહને સુરક્ષિત નીચે ઉતારવામાં આવે. કોર્ટના આદેશ છતાં સરકાર અને અધિકારીઓ સામે મોટો પડકાર એ હતો કે ૪૦૦ ફુટની ઊંચાઈએ જો બળજબરી કરવામાં આવે અને ગુરજિત સિંહ ત્યાંથી કૂદી જાય કે બીજી કોઈ અઘટિત ઘટના બને તો એની જવાબદારી સરકાર પર આવે. આ જોખમને કારણે સરકાર વેઇટ ઍન્ડ વૉચની નીતિ સાથે ઊભી રહી ગઈ. અરે, એક તબક્કે તો ગુરજિત સિંહને ઉતારવા આર્મીના જવાનોને પણ બોલાવવામાં આવ્યા. તેમણે ટાવર પર ચડીને ગુરજિત સિંહને કેવી રીતે નીચે ઉતારવા એનો આખો પ્લાન તૈયાર કર્યો. આર્મી ટાવર પર જવા તૈયાર હતી, પરંતુ ગુરજિત સિંહે સ્પષ્ટતા કરી દીધી કે જો કોઈ એક પણ ઉપરથી નીચે કે આકાશમાંથી ટાવર પર આવ્યું છે તો તે પડતું મૂકશે એટલે આર્મીએ ઑપરેશન પડતું મૂકી દીધું. આર્મી બધી રીતે ગુરજિતને નીચે લાવવા સક્ષમ હતી, પણ જો એવું કરવા જતાં ગુરજિતને કોઈ ઈજા પહોંચે કે ગુરજિત જીવ આપી દે તો આખા પંજાબમાં રમખાણો ફાટી નીકળવાની સંભાવના હતી અને જો એવું થાય તો ભગવંત માન આણિ આમ આદમી પાર્ટીની સરકારના હાથમાંથી પંજાબ જાય અને અપજશ મળે એ લટકામાં. એટલે આર્મીની વાત પંજાબ સરકારે પણ માની લીધી અને ફાઇનલી ગુરજિતની માગણી પર જ ફોકસ કરવું પડ્યું.

ટાવર પર કુદરતી હાજતનું શું?

શરૂઆતના થોડા દિવસોને બાદ કરતાં ગુરજિત સિંહને એકદમ નિયમિત રીતે સમર્થકો દ્વારા દોરડાની મદદથી જમવાનું ઉપર પહોંચાડી દેવામાં આવતું, પણ પીપી-છીછીનું શું? પોતે જ્યાં રહે ત્યાં જ જો શૌચક્રિયા કરે તો રહેવું અઘરું પડી જાય અને આ સમજણ ગુરજિત સિંહમાં પહેલેથી હતી એટલે તેમણે વ્યવસ્થા કરી હતી.

ગુરજિત સિંહ પોતાની સાથે ડોલ અને ટમ્બલર લઈ ગયા હતા. આ ડોલમાં તે શૌચ ક્રિયા કરી લેતા અને પછી દોરડાની મદદથી એ ડોલ નીચે મોકલી દેતા જે તેમના સમર્થકો સાફ કરીને ફરી તેમને ઉપર મોકલી દેતા. આવું જ પીપી માટે કરવામાં આવતું. એક બૉટલમાં તે પીપી કરી લેતા જે સમર્થકો ખાલી કરીને ફરી એને દોરડાની મદદથી ઉપર પહોંચાડી દેતા.


નીચે આવ્યા પછી તેમણે પોલીસોને કહ્યું હતું, ‘સિખ ધર્મની જીત થઈ.’

સફાઈ અને હાથ-પગ-મોઢું ધોવા માટે પાણી પણ નીચેથી મોકલાતું એટલે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરીને ગુરજિત સિંહ ચલાવતા. નાહવાની વાત કરીએ તો ગુરજિત સિંહ ઉનાળામાં વીકમાં એક જ વખત નાહતા અને એ પણ માત્ર અઢીથી ત્રણ લીટર પાણીમાં. બાકીના દિવસોમાં તે ભીના પોતાથી આખા શરીરે સ્પન્જ કરી લેતા.

ટાવરની એ દુનિયા

બધાને એમ હતું કે કાં ગુરજિત સિંહ થાકીને બે-ચાર દિવસમાં નીચે આવી જશે અને કાં તો સરકાર એકાદ વીકમાં તેમની વાત માની લેશે, પણ એકમાત્ર ગુરજિત સિંહ હતા જેમને ખાતરી હતી કે પોતે જે કંઈ કરે છે એનો જવાબ તરત નથી આવવાનો અને એટલે જ તેમણે ટાવર પર જતાં પહેલાં પાકા પાયે બધી તૈયારીઓ કરી હતી.

પોતાને લાંબો સમય ટાવર પર રહેવું પડે એમ છે એવી ધારણા સાથે ગુરજિત સિંહ ટાવર પર ગયા ત્યારે સાથે ઠંડી અને ગરમીથી બચવા માટે ધાબળો, એક ગાદલું, એક તકિયો અને બે જોડી કપડાં લઈ ગયા હતા. ટાવર પર જે જગ્યાએ તે બેસવાના હતા ત્યાં મેઇન્ટેનન્સ માટેની નાનકડી કૅબિન જેવો એરિયા છે. એમાં કોઈ છત નથી. આ ખુલ્લી કૅબિનને વરસાદ અને પવનથી બચાવવા માટે ગુરજિત સિંહે પોતાની સાથે પ્લાસ્ટિકની તાડપત્રી પણ લીધી હતી. આ ઉપરાંત ધાર્મિક પુસ્તકો પણ લીધાં હતાં અને બધા સાથે સંપર્કમાં રહેવા માટે તે મોબાઇલનો ઉપયોગ કરતા. ગુરજિત પોતાની સાથે પાવર-બૅન્ક લઈ ગયા હતા. આ પાવર-બૅન્ક તેમના સમર્થકો ચાર્જ કરીને ઉપર મોકલતા.

આ બધા સામાન ઉપરાંત ગુરજિત સિંહની સાથે એક દોરડું અને ડોલ હતાં, જે સૌથી મહત્ત્વનાં હતાં. આ દોરડાની મદદથી જ તેમના સમર્થકો નીચેથી ફૂડ, પાણી, દૂધ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ઉપર મોકલતા. રોજબરોજની નિત્ય ક્રિયા માટે એક નાની ડોલ અને મગ પણ તેમની સાથે હતા.

ગુરજિત સિંહે ટાવરની ટોચ પર આવેલી એ જગ્યાને જ પોતાનું નાનું ઘર બનાવી દીધું હતું. ગુરજિતની દૃઢતા જુઓ. તેણે ત્યાં નાનકડા હૅન્ડી-સ્ટવની અરેન્જમેન્ટ પણ રાખી હતી જેથી તે ચા કે દૂધ ગરમ કરી શકે. ૫૬૦ દિવસ સુધી આટલાં મર્યાદિત સાધનો સાથે રહેવા માટે ગુરજિતને સૅલ્યુટ કરવી જ પડે. કોઈ ફરિયાદ વિના, કોઈ જાતના અફસોસ વિના અને એક પણ પ્રકારના હરખશોક વિના ટાવરની નાનકડી ખોલકી જેવી જગ્યાને પોતાની જિંદગી બનાવી લેનારા ગુરજિત સિંહની આ દૃઢતા જોઈને સરકાર અંદરથી રીતસર ફફડવા માંડી હતી અને એનો છેલ્લો ફફડાટ એટલે ગુરજિતની જીત.


ક્રેનથી ગુરજિત સિંહ ખાલસાને નીચે ઉતારવામાં આવ્યા હતા. 

સરકારે માની ઇચ્છા

પ૬૦ દિવસના આ વિરોધનો અંત ૧૦ જ મિનિટમાં આવ્યો.

બાવીસમી એપ્રિલે પંજાબ સરકારે નિર્ણય લીધો કે ગુરજિતની વાત માનવી, ૨૩ તારીખે સાંજે પેપર્સ થયાં અને ૨૪ એપ્રિલની સવારે ગુરજિતને જાણ કરવામાં આવી. ગુરજિત સિંહની ઇચ્છાથી એ પેપર્સ તેના સમર્થકોને દેખાડવામાં આવ્યાં. ૧૧ સમર્થકોએ ખાતરી આપી કે તેમની ઇચ્છા મુજબનાં જ પેપર્સ તૈયાર થયાં છે અને સરકારે તેમની વાત માની લીધી છે એટલે ગુરજિતને ઉતારવાની તૈયારીઓ સવારે ૭ વાગીને ૨પ મિનિટે શરૂ થઈ અને ૧૦ જ મિનિટમાં એટલે કે ૭ વાગીને ૩પ મિનિટે મિશન પૂરું થયું. ટાવર પર ૨૦૦ ફુટ સુધી તે જાતે નીચે આવ્યા અને એ પછી ફાયર-બ્રિગેડની ટર્નેબલ લૅડર દ્વારા નીચે લાવવામાં આવ્યા. નીચે તેમની રાહ જોતા સમર્થકોએ નારા લગાવ્યા અને નિહંગ સિંખોએ પંજાબી શૌર્ય સમાન ગતકા નામની માર્શલ આર્ટ રમીને તેમનું સ્વાગત કર્યું. ગુરજિત સિંહને સૌથી પહેલાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, તેમની હેલ્થનું ચેકઅપ કર્યા પછી તેમને ઘરે મોકલવામાં આવ્યા. જમીન પર આવ્યા પછી ગુરજિત સિંહે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, સ્પીકર કુલતાર સિંહ સંધવા અને પટિયાલા કલેક્ટરનો આભાર માન્યો.

૫૬૦ દિવસના લાંબા સમયગાળા દરમ્યાન ટાવર પર વરસાદ, કડકડતી ઠંડી અને ઉનાળાની ગરમી સહન કરનારા ગુરજિત સિંહની ઇચ્છા મુજબ પંજાબ સરકારે વિધાનસભામાં ‘જગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) અધિનિયમ ૨૦૨૬’ પસાર કરી નોટિફાય કર્યો, જેમાં ગુરજિત સિંહની ‘આજીવન કેદ’ની માગણી સ્વીકારવામાં આવી.

જૂનો કાયદો, નવો કાયદો

ગુરુ ગ્રંથ સાહિબના અપમાન માટે દંડનીય પગલાં લેવામાં આવતાં જ હતાં, પણ એ નક્કી થયેલા નિયમો કરતાં પ્રમાણમાં રહેમદિલી સાથેનાં હતાં. અગાઉ ધાર્મિક અપમાનના કેસો સામાન્ય રીતે ઇન્ડિયન પીનલ કોડની કલમ 295 અને 295-A અંતર્ગત ચલાવવામાં આવતા. કલમ 295 મુજબ કોઈ પણ ધર્મના ઉપાસના-સ્થળ અથવા પવિત્ર વસ્તુને નુકસાન પહોંચાડવા કે અપવિત્ર કરવા બદલ મહત્તમ બે વર્ષ સુધીની જેલ અથવા દંડની જોગવાઈ હતી, જ્યારે કલમ 295-A મુજબ ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુથી કરવામાં આવેલાં ઇરાદપૂર્વક અને દૂષિત કૃત્યો માટે મહત્તમ ૩ વર્ષ સુધીની જેલની જોગવાઈ હતી.


પરિવારજનોને લાંબા સમય પછી મળતાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. 

અગાઉના કાયદામાં સજાનો ગાળો ઓછો હતો જેને ગુરજિત સિંહને કારણે પંજાબ સરકારે બદલાવ્યો. પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબને માત્ર એક ધાર્મિક ગ્રંથ નહીં પણ જીવંત ગુરુ સમાન માનવામાં આવે છે. એના અપમાન માટે કડક સજાની માગણી વર્ષોથી ચાલી રહી હતી. હવે ગુરુ ગ્રંથ સાહિબના અપમાન માટેની સજા વધારીને આજીવન કેદ કરવામાં આવી છે તો આ સજાની સાથે પચીસ લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ ઉમેરવામાં આવી છે. પહેલાં આ પ્રકારે આર્થિક દંડનીય ગુનો નહોતો તો આગળ કહ્યું એમ જેલની સજા બેથી ૩ વર્ષની જ હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 12:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK