સિદ્ધાર્થે કહેલી આ વાત શુદ્ધોધનના ગળે ઊતરે એવી નહોતી. આજે આટલાં વર્ષો પછી પણ આપણા ગળે ઊતરી નથી. જન્મજમાંતરોની વાત આપણે સ્વીકારીએ છીએ. પિતા કે પુત્ર, માતા કે પુત્રી આ બધું આપણા માટે સ્વાભાવિક છે, પણ આ સંબંધો માત્ર આત્માની યાત્રાનું એક પગથિયું જ છે.
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં તમે છો અને તમારી જાતે જ તમે જેને કુટુંબીજનો કહો છો એવા તમારા સ્વજનો પણ છે. માતા-પિતા હોય કે પછી પતિ-પત્ની હોય, ભાઈ-બહેન હોય કે પછી અન્ય સગપણથી સાથે રહેતા બીજા કોઈક હોય. વ્યવસાયને કારણે ઘરની બહાર જાઓ છો ત્યારે ઑફિસમાં કે અન્યત્ર अ ब क ड જેવા કોઈક તમારા સાથીદારો હોય છે અથવા તો ક્યારેક કોઈક સાહેબ પણ હોય છે. કેટલાક વખત પછી ચક્કર બદલાઈ પણ જાય છે. સાથીદાર ક્યારેક સાહેબ થઈ જાય અને તમે સાહેબ હો તો સાથીદાર થઈ જાઓ. આવું બધું ચાલ્યા કરે છે. આપણે સાથે જ હોઈએ છીએ પણ પરસ્પરથી બદલાઈ જઈએ છીએ. આવું કેમ બને છે? આપણે પરસ્પરના સંબંધી તો હોઈએ જ છીએ, પણ આ સંબંધ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તાત્કાલિક સમજાતું નથી. એવું બને કે જેને મુદ્દલ ઓળખતા પણ ન હોઈએ તેનો સાથસહકાર અકારણ મળી જાય અને જેના સાથસથવારાની આપણને ભરપૂર અપેક્ષા હોય તે આપણી સાથે મુદ્દલ ન હોય.
લેણદેણ શબ્દ વ્યવહારમાં આપણે બહુ છૂટથી વાપરીએ છીએ. અણધાર્યું કામ થાય કે ન થાય આ બન્ને કારણોસર આપણે એવું કહીએ છીએ કે આમ થયું કારણ કે તેમને એવી લેણદેણ હતી. આ લેણદેણનું કોઈ ચોક્કસ ગણિત આપણે જાણતા નથી અને આમ છતાં આવી કોઈક અણધારી લેણદેણનો હિસાબ-કિતાબ આપણી પ્રત્યેક વચ્ચે હોય છે એનો ઇનકાર કરી શકાય એમ નથી. આપણા ધર્મશાસ્ત્રમાં પ્રત્યેક માણસ પોતાના જન્મની સાથે જ કોની સાથે ક્યાં અને કેટલી લેણદેણ છે એવું નિશ્ચિત કરીને જ આવે છે એવી માન્યતા છે. આ માન્યતાનો આપણે સ્વીકાર કરીએ છીએ. દેખીતી રીતે આ બુદ્ધિવાદ નથી. આ એક અધ્યાત્મશાસ્ત્રનો સ્વીકાર છે, પણ એનો અસ્વીકાર કે સ્વીકાર બૌદ્ધિક છે એવું કહેવામાં બૌદ્ધિક શાણપણ પણ નથી.
ADVERTISEMENT
ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા
અમુક ચોક્કસ વ્યક્તિ મારા પિતા હોય કે પછી માતા હોય એમાં મારી કોઈ પસંદગી હોતી નથી. ભગવાન બોધિસત્ત્વના કથાનકમાં એક નાનકડી પણ સરસમજાની વાત છે. રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને પોતાના નગર કપિલવસ્તુમાં પાછા ફર્યા ત્યારે તેમના પિતા શુદ્ધોધને તેમનું સ્વાગત કર્યું. પિતાએ પુત્રને વાત્સલ્યપૂર્વક સત્કાર્યા પછી કહ્યું, ‘હે પુત્ર, હવે તું અહીં પાછો ફર. આ શહેર તારું છે અને હું તારો પિતા છું. પિતા તરીકે હું તારી પાસેથી આ અપેક્ષા રાખું છું.’
સિદ્ધાર્થે પિતાની આ વાત સાંભળી અને પછી ધીમેથી કહ્યું, ‘હે રાજા! તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું આવી એક ભ્રામક માન્યતા શા માટે સેવવી જોઈએ. જન્મજન્માંતરોના આ ફેરામાં માણસ એક પછી એક જન્મ લે છે અને પ્રત્યેક જન્મમાં તે ક્યારેક કોઈકનો પિતા હોય અને ક્યારેક કોઈનો પુત્ર પણ હોય છે. આમ પિતા કે પુત્રનું હોવું એ આત્માની યાત્રામાં આવેલું એક પગથિયું જ હોય છે. આપણે આવાં પગથિયાંઓમાંથી પરસ્પર પસાર થઈને આગળ વધીએ છીએ. બીજો કોઈ સંબંધ આપણી વચ્ચે હોતો નથી.’
સિદ્ધાર્થે કહેલી આ વાત શુદ્ધોધનના ગળે ઊતરે એવી નહોતી. આજે આટલાં વર્ષો પછી પણ આપણા ગળે ઊતરી નથી. જન્મજમાંતરોની વાત આપણે સ્વીકારીએ છીએ. પિતા કે પુત્ર, માતા કે પુત્રી આ બધું આપણા માટે સ્વાભાવિક છે, પણ આ સંબંધો માત્ર આત્માની યાત્રાનું એક પગથિયું જ છે એ વાત સ્વીકાર્ય થઈ શકશે નહીં. દેખીતી રીતે સાચી લાગે એવી વાત વ્યવહારમાં આપણા માટે પોતીકી લાગે એમ નથી.
વ્યાવહારિક જીવનમાં આપણે સહેજ ઝીણવટથી જોઈએ અને જેમની સાથે આપણે કામ પડ્યું છે એ કામ અને કામ કરનારા સ્વજનો આ બધા પર નજર પરોવીએ ત્યારે આશ્ચર્ય થાય એવું તો છે જ. જેમની સાથે ગઈ કાલે કશી જ લેવાદેવા નહોતી તે અચાનક આજે આપણે જે પગથિયા પર ઊભા છીએ એ પગથિયામાં સ્વજન બની જતા હોય છે. આપણે તેમને ચાહતા હોઈએ છીએ અને તેઓ પણ આપણને ચાહતા થઈ જાય છે. ચાહવાની આ લેવડદેવડ પણ અમુક તબક્કે અદૃશ્ય થઈ જાય છે. વ્યવહારમાં આ સંબંધોને આપણે પરસ્પરના કામકાજની લેવડદેવડ કહીએ છીએ. આ લેવડદેવડ એ ખોટી વાત નથી, સાવ સાચી વાત છે અને આમ છતાં આ સત્ય સાચું નભતું પણ નથી. આપણા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ૧૯૬૫માં અચાનક રશિયાના એક શહેર તાશ્કંદમાં મૃત્યુ પામ્યા ત્યારે આપણા કવિ કરસનદાસ માણેકે તેમની આ વિદાયને ભારે ભાવપૂર્વક આલેખેલી, ‘શાસ્ત્રીજી, આપ ક્યાં જન્મ્યા, કઈ ભૂમિને કાર્યક્ષેત્ર બનાવ્યું અને પછી ક્યાંથી ક્યાં પસાર થઈ ગયા.’
જોકે કરસનદાસ માણેકે શાસ્ત્રીજી માટે જે કહ્યું એ જ વાત આપણને દરેકને લાગુ પડે છે. આપણે શાસ્ત્રીજી નથી એ વાત સાચી. આપણે દરેક તાશ્કંદ સુધી નથી પહોંચતા, પણ આપણે જ્યાં પહોંચીએ છીએ એ તાશ્કંદ જ છે. આપણી આ યાત્રામાં આપણું તાશ્કંદ ક્યાં અને ક્યારે આવશે એ આપણે કોઈ જાણતા જ નથી.
કરમનો સંગાથી
મીરાંબાઈ તેમનાં ભજનો અને તેમની જીવનદૃષ્ટિથી આપણાથી ખૂબ પરિચિત છે. તેમણે પોતાના એક ભજનમાં એવું કહ્યું છે કે ‘કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી.’ આપણે સૌ પરસ્પરને મળીએ છીએ, પરસ્પરનાં અનેક કામ સહજતાથી કરીએ છીએ અને આમ છતાં કોણ ક્યારે કોની સાથે કેટલો વખત હશે એ કોઈ જાણતું નથી. આ ભજનમાં મીરાંબાઈએ એવું કહ્યું છે કે પથ્થરનો એક ટુકડો ધોબીઘાટે કપડાં ધોવા માટે ધોબી ઉપયોગમાં લેતો હોય છે. આ જ પથ્થરના ટુકડાનો બીજો ભાગ શિવલિંગ બનીને મંદિરમાં પૂજન-અર્ચન પ્રાપ્ત કરતો હોય છે. પથ્થર એક જ હોય છે અને એક જ માણસના હાથે આ પથ્થર એની ગતિ પામતો હોય છે અને છતાંય આ ગતિ પરસ્પરથી સાવ ભિન્ન હોય છે.
