Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફુટબૉલ એટલે ટાંટિયા ભાંગવાની રમત, હૉકી એટલે મારવાનું સાધન

ફુટબૉલ એટલે ટાંટિયા ભાંગવાની રમત, હૉકી એટલે મારવાનું સાધન

Published : 06 July, 2026 02:29 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ગુજરાતીઓના મનમાં આ જ વાત છે અને એટલે જ તે મસ્તીનું ધરાઈને ખાધા પછી ક્રિકેટ મૅચ જોવા બેસી જાશે અને આયરલૅન્ડ-આફ્રિકાની બૅટિંગ પણ જોઈ નાખશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના વર્ષો પહેલાં ગુજરાતી સ્થાપિત થઈ ચૂક્યો હતો. ૪ જેટલા ‘ક’ ગુજરાતી પ્રજામાં આદિ-અનાદિકાળથી પ્રસ્થાપિત છે...

કોઠાસૂઝ, કરકસર, કમાવાની આવડત અને કાળજી.



આપણે કરકસરિયા છીએ પણ કંજૂસ નથી. એક રૂપિયાના ૩ આઠ આના શોધવાની કે મેળવવાની ટ્રાય કરીએ, પણ ન મળે તો એકાદ આઠ આનાથી પણ રોળવી લઈએ. માથામાં તેલ નાખ્યા પછી બીજા દિવસે નાહવું નહીં એવું કોઈ શાસ્ત્રોમાં કહ્યું નથી. એમ છતાં ઘર-ઘરમાં આવા કેટલાય વણલખ્યા નિયમો જીવાય છે. આ આપણું ગુજરાતીપણું છે.


૩ રૂપિયાનું ન્યુઝપેપર જ્યાં સુધી ૧૦ જણ ન વાંચે ત્યાં સુધી એના પૈસા વસૂલ ન થયા કહેવાય એવું આપણે માનીએ છીએ. તમે છાપું ખોલો એટલે કેટલાક લોકો તમારી બાજુમાં બેઠાં-બેઠાં ઊંચી-નીચી ડોક કરીને ડાબું પાનું વાંચવાની શરૂઆત કરી દે છે. વળી કેટલાક તમારો હાથ પકડીને ત્રાંસી ડોકે પાનું ફેરવતાં તમને રોકે પણ ખરા. સમૂહ છાપાવાંચન વખતે કેટલાક લોકો ભારત-પાકિસ્તાન અને બંગલાદેશની જેમ ૧૨ પેજના છાપાના એક મિનિટમાં ૩ ભાગ પાડે. ૪-૪ પેજ ૩ જણને સરખા ભાગે વહેંચી દેવાય. હવે એમાં અમુકને તો અનુસંધાનવાળું આઠમું પેજ જ આવે. બૅન્કની લૂંટ, ઐશ્વર્યાની દીકરી, કિસાનનું આંદોલન જેવાં ટૂંકાં હેડિંગો સાથે એ પેજમાં એક પણ ફોટોગ્રાફ વગરની બાકી રહેલી બોરિંગ માહિતીઓ હોય છે જે ન વાંચો તો પણ ચાલે.

તમામ ગુજરાતીઓ કોઈ પણ કંપનીના પાણીના શીશાને ‘બિસલેરી’ કહીને જ સંબોધે છે. બિસલેરીના પાણીના શીશાનો એક જ ઉપયોગ કરીને ફેંકી દેવાની આપણા પિતૃઓએ સ્પષ્ટ ના પાડી છે. પાણી પૂરું થતાં પછી એમાં શરબત ભરાય, ક્યારેક પેટ્રોલ પણ ભરાય તો ક્યારેક એમાં છોડ પણ વાવવામાં આવે. સ્વચ્છતાના આગ્રહી કેટલાક ગુજરાતીઓ પાન કે ફાકી ખાઈને બિસલેરીની બોટલનો ઉપયોગ થૂંકદાની તરીકે કરે છે.


ગુજરાતી પ્રજાના મારા મતે બે ભાગ પડી ગયા છે. એક ભાગ પક્ષી-પ્રાણી અને પ્રકૃતિ બચાવવા દિવસ-રાત મથે છે તો બીજો ભાગ એને પચાવવામાં પડ્યો છે. એક ભાગ ચૂંટણી વખતે જ સક્રિય થાય, બીજો ભાગ ચૂંટણી વખતે જ સાવ હતાશ અને નિષ્ક્રિય થાય. એક ભાગને કોમવાદી વાતાવરણ તંગ કરવામાં રસ ને બીજો એનાથી તંગ આવી ગયો છે. એક ભાગ માત્ર રૅશનકાર્ડથી જ ગુજરાતી રહ્યો છે, બાકી જીવનજરૂરી તમામ વસ્તુ તે ફૉરેનની વાપરી રહ્યો છે તો બીજો ભાગ હૃદયથી ગુજરાતીપણાને તથા ગુજરાતી ભાષાસાહિત્ય અને સંસ્કારોને જિવાડવા મથી રહ્યો છે. વિચારજો ગુજરાતીઓ કે આ બેમાંથી તમે કયા ભાગમાં આવો છો અથવા તો તમારે કયા ભાગમાં રહેવું જોઈએ?

વાજબી ભાવ કરાવવો એ ગુજરાતીઓની ટેવ જ નહીં, પરંપરા છે. ડુંગળીથી લઈને ડાયમન્ડ સુધી પોતાનું માન રખાવવાની આદત છે ગુજરાતીઓને. સાચું કહું તો રૂપિયા ઓછા કરો તો જ ગ્રાહકને પોતાનું સન્માન લાગે છે. બાર્ગેનિંગનો સુખદ અંત એ ગુજરાતી માટે ઑલિમ્પિક ગોલ્ડ મેડલથી સહેજ પણ ઊતરતી કક્ષાનું સન્માન નથી. ‘સેલ’ શબ્દ કોણે રચ્યો એ ભાષાશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય છે, પરંતુ ‘સેલ’ને સુપરહિટ તો ગુજરાતીઓએ જ કર્યો છે.

સપનાં જોવાં અને એનું ગામમાં માર્કેટિંગ કરવું એ આપણી ફિતરત છે. સપનાંની આડે આવતા સ્પીડબ્રેકરને ઉખાડતાં પણ આપણને સારી રીતે ફાવે છે. એક-બે દાખલા ગળે ઊતરે એવા કે એક ગુજરાતીને ફૉરેનરોએ આફ્રિકામાં ટ્રેનનો ડબ્બો છોડાવ્યો અને બ્રિટિશ સલ્તનતના કાંગરા છોડાવીને તેમણે જંપ લીધો. બીજા એક ગુજરાતીને કોઈએ ‘ચાવાળો’ કીધો અને તેને કેટલાય ભૂપતિઓને ભોંભેગા કર્યા. આમ જુઓ તો ગુજરાતી પ્રજા શાણી છે. બદલો લેવાની બહુ ઉતાવળ નથી કરતી, પણ જ્યારે બદલો લ્યે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ૭ પેઢીનું વટક વાળી લ્યે છે. શત્રુઓ પર સ્પિરિટવાળી છરી ફેરવતાં આપણને એવી સરસ ફાવે છે કે સામેવાળાને ખબર ન પડે એમ તે વેંતરાઈ જાય છે. પૈસા કમાવાની અને સફળ થાવાની લ્હાય પ્રત્યેક ગુજરાતી ગળથૂથીમાં બાયડિફૉલ્ટ લઈને જ જન્મે છે. ગુજરાતી કદાચ ગરીબ જન્મે છે, પરંતુ મહેનતુ ગુજરાતી કદી ગરીબ મરતો નથી. આપણે સ્વભાવે શેઠ પ્રજા છીએ.

બહુ આલ આવે એવા કામ અપુન કો ફાવતા નહીં હૈ.

ગુજરાતીઓ ક્રિકેટ ઓછું રમે છે, મોટા ભાગે ક્રિકેટ પાછળ વધુ રમે છે. ક્રિકેટને એકતરફી પ્રેમ કરતા હોવાથી અન્ય રમતો માટે તદ્દન ઉદાસીન પ્રજા છીએ. હૉકી આપણા માટે રમતનું નહીં, ઝઘડા માટેનું શસ્ત્ર છે. ફુટબૉલ ટાંટિયા ભાંગવાની રમત છે તો વળી જિમ્નૅશ્યમ? અરેરેરે! શરીરને આટલું બધું વળ ખાવા દેવાય?

મૂળભૂત રીતે આપણે વાતુડિયા છીએ. સાવ અજાણી વ્યક્તિ સાથે ટ્રેન કે બસમાં સહેજ પણ શરમ વગર ‘કયું ગામ?’ પૂછીને એ ગામનું કનેક્શન કાઢવા ઍની ટાઇમ તૈયાર હોઈએ છીએ. આપણા માટે ઑક્સિજન પછી જો કોઈ બીજી વસ્તુ જીવનજરૂરી હોય તો એ છે વાતો. એ પણ સાવ અરથ વગરની વાતો. તો વળી ડાહ્યાપણાની વાતોને લીધે જ આપણે આજે વિશ્વભરમાં વેલ સેટ છીએ.

ભારતના નકશામાં મધ્યમાં ગુજરાત છે તેથી જ તો આપણે મધ્યમમાર્ગી પ્રજા છીએ. સમાધાનવૃત્તિ અને ધીરજ આપણા લોહીમાં છે. પહેલા ધડાકે ઝઘડો કે ડખો નથી કરતા, પણ પછી થઈ જાય તો સામેવાળાનાં મૂળિયાં ઉખેડી નાખીએ છીએ.

રોડને કાંઠે દેરી ભાળીએ એટલે ગાડી ધીમી પાડી ડોકું ધુણાવીને અચૂક પગે લાગીએ છીએ. જાણે ભગવાન કેમ હાજરીપત્રક લઈને બેઠા હોય! તો રોડનું સ્પીડબ્રેકર વચ્ચેથી જરા તૂટેલું હોય તો ત્યાંથી ટૂ-વ્હીલર કાઢવામાં આપણને રેસ જીત્યા જેટલો આનંદ મળે છે.

મેં ઘણી વાર કહ્યું છે કે આ ધરતી પર બે જ જાતિ છે. એક ગુજરાતી અને બીજી નૉન-ગુજરાતી. ચાલો, હવે ટૂંકાવું છું. તમારેય બીજાં કામ હશેને!

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 02:29 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK