તમે રોજ સવારે છાપું અચૂક વાંચો છો. છાપું વાંચ્યા વિના તમારાથી રહેવાતું જ નથી. છાપામાં સમાચાર છે. આગલી રાત્રે શું બન્યું એ વિશેની રજેરજ વાત તમે છાપા પાસેથી જાણી લો છો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
તમે રોજ સવારે છાપું અચૂક વાંચો છો. છાપું વાંચ્યા વિના તમારાથી રહેવાતું જ નથી. છાપામાં સમાચાર છે. આગલી રાત્રે શું બન્યું એ વિશેની રજેરજ વાત તમે છાપા પાસેથી જાણી લો છો. આગલી રાત્રે અમેરિકામાં એક રેસ્ટોરાંમાં કોઈની હત્યા થઈ એ જાણીને અહીં બેઠાં-બેઠાં આજની સવારે તમારે શું કામ છે? આજની સવાર રૂડા રૂપાળાં સૂરજનાં કિરણોને બારીમાંથી ઘરમાં દાખલ થતાં જોઈને રાજી કેમ થતા નથી? તમને જાણકારી જોઈએ છે. જગત આખામાં દિવસ અને રાત ખૂણે-ખૂણે શું બને છે બધું તમે જાણતા હો તો તમે જ્ઞાની કહેવાઓ. તમારે જ્ઞાની થવું છે. જ્ઞાની થવાની એક ઘેલછા તમને વળગી છે. ભલે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું હોય કે- न हि ज्ञानेन सद्शं पवित्रमिह विद्यते -પણ એ જ્ઞાનને સમજવાની અને જાણવાની વાત છે. જ્ઞાન એટલે જાણકારીનો ખડકલો નહીં. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીએ આ જ્ઞાનના પોટલાને આ રીતે ઓળખાવ્યું છે - ‘મારા જ્ઞાન-ગુમાનની તાંસળી રે ઊતરાવોને કોઈ આજ’. જ્ઞાનનું પોટલું માથે લઈને ફરાય નહીં.
આ બધી વાત આજે એટલા માટે યાદ આવી છે કે એક સામયિકમાં ‘Encyclopaedia of Ignorance’ એટલે કે અજ્ઞાન વિશે આ મહાગ્રંથમાં થોડુંક વાંચ્યું. ‘Encyclopaedia of Britanica’ ઘણાં વર્ષો સુધી આપણો મહાગ્રંથ રહ્યો છે. જ્ઞાનીઓ, શિક્ષણસંસ્થાઓ અને અભ્યાસીઓને આ ગ્રંથ પોતાની પાસે રાખ્યા વિના ચાલતું નહીં. આ ગ્રંથ જગતની નાની-મોટી તમામ વાતો વિશે તેમને માહિતી આપતું. દર વર્ષે એમાં વધ-ઘટ પણ થતી. આના વિશે એવું કહેવાતું કે આ મહાગ્રંથનો સંદર્ભ જાણ્યા કે વિચાર્યા વિના કોઈ જ્ઞાની કહેવાય જ નહીં. એ સમયે એક એવી મજાની વાત સાંભળી હતી કે સ્વામી વિવેકાનંદે આ Encyclopaediaના સોળ ખંડોમાંથી દસ ખંડો વાંચી કાઢ્યા હતા. આ દસે ખંડોની તમામ વિગતો તેમને કંઠસ્થ હતી. કોઈ પણ હકીકત સ્વામીને પૂછો તો કયા પાના પર ક્યાં છે અને એમાં શું વિગત છે એ બધુંય એ કહી શકતા એવું કહેવાતું. સચ્ચાઈ વિશે શંકા ન કરીએ પણ તોય મનમાં પ્રશ્ન તો જરૂર થાય કે સ્વામીજીને આવા ગ્રંથમાંથી બધું મોઢે કરવાની શી જરૂર પડી? આજે એક નાનકડી મુઠ્ઠીમાં જે મોબાઇલ તમારી પાસે છે એમાં વિશ્વભરના Encyclopaedia ગોઠવાયેલા છે. હવે સંદર્ભગ્રંથ માટે ક્યાંય દૂર નથી જવું પડતું.
જ્ઞાનનું શું કામ છે?
ગાંધીજીએ ૧૯૦૯માં ‘હિન્દ સ્વરાજ’ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં સ્વરાજ વિશે અને સુખી માણસ વિશે પોતાની કલ્પના રજૂ કરી હતી. એક માણસ ગામડામાં રહેતો હોય (અને હિન્દુસ્તાન ગ્રામ્યપ્રધાન વસ્તીવાળો દેશ છે) પોતાના પરિવાર સાથે એ ખેતમજૂરી કરતો હોય, દિવસે વાડી-ખેતરમાં કામ કરે, બાળકોને જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપે, સાંજે થાક્યોપાક્યો ઘરે આવે ત્યારે આખું ઘર એકસાથે બેસીને રોટલા ખાય. પતિ, પત્ની, વૃદ્ધ માતા-પિતા અને બાળકો સુધ્ધાં. આ પછી રસોડુ સંકેલીને બધા ગામના ચોરે અથવા ફળિયામાં બેસીને રામકથા કરે કે પછી બીજી કંઈક વાતો કરે. બસ, આનાથી વધારે કયું સુખ તમને અભિપ્રેત છે? આ કુટુંબ સુખી છે. એને શાસ્ત્રો કે પછી વિજ્ઞાન વિશે કોઈ જાણકારી નથી. તેણે ગીતા નથી વાંચી, કુરાન પણ નથી વાંચ્યું, બાઇબલ વિશે કશું જાણતો નથી અને છતાંય આખા ગામમાં આ વસ્તી શાંતિથી રહે છે. જેવો જ્ઞાનનો સંગ્રહ જાણકારીના રૂપમાં મગજમાં ઠાલવી દેવાની શરૂઆત થશે કે તરત જ પ્રશ્નો પેદા થશે અને આ પ્રશ્નો સુખ નહીં આપે. શાંતિનું હનન થશે. બુદ્ધ અને મહાવીર એક જ જમાનામાં, એકસાથે રહેલા છે અને આ બન્નેએ તેમના અનુયાયીઓને એકસરખો જ ઉપદેશ આપ્યો છે. આમ છતાં એ જમાનામાં તેમના અનુયાયીઓ વચ્ચે સુધ્ધાં અથડામણો થતી. આ જ્ઞાનનો ભાર છે. આ જાણકારીનો ટોપલો માથા ઉપરથી નીચે ઉતારવો ગમતો નથી અને આ અણગમો શાંતિનું હનન કરી નાખે છે.
ગઈ કાલે અમુક ચોક્કસ વિષય પર તમે જે જાણતા હતા એનાથી અનેકગણી વધુ જાણકારી આજે એકઠી થઈ છે. બન્યું છે એવું કે આજે કોઈને મુઠ્ઠી ભરીને જાણકારી નથી જોઈતી પણ એ વિશે પોતે બધું જ જાણે છે એવા વહેમમાંથી તે મુક્ત થતો નથી. નવી-નવી જાણકારી મળતી જાય છે – જે રીતે વિજ્ઞાનમાં થાય છે એ જ રીતે અધ્યાત્મમાં પણ નવી-નવી જાણકારી હાંસલ કરવામાં આવે છે. ખરેખર તો અધ્યાત્મ દુનિયામાં એક દોરવા જેટલું પણ આગળ-પાછળ થવું ન જોઈએ પણ ઐતિહાસિક ખોદકામને નામે જ્યાં અમુક-તમુક ભગવાન હતા ત્યાં બીજા ભગવાન સ્થાપિત થાય છે અને પછી આ બે ભગવાનો વચ્ચે સંઘર્ષ પેદા થાય છે.
અજ્ઞાન અપાર છે. માણસે જ્ઞાન ન મેળવવું જોઈએ એવું કહેવાનો આશય નથી. જ્ઞાન જાણકારીઓ દ્વારા જ એકઠું થાય છે. માણસે વધુમાં વધુ જાણવું જોઈએ એનો ઇનકાર કોઈ ન કરી શકે. પણ આ વધુ ને વધુ એટલે જેની તેને પોતાને કે પોતાના પરિવારને આજે પણ શું પણ આવતી કાલે સુધ્ધાં જરૂર નથી પડવાની એનો ભાર શું કામ ઊંચકવો જોઈએ? પ્રત્યેક વિષયના સંદર્ભગ્રંથો તૈયાર થવા જોઈએ અને હાથવગા પણ હોવા જોઈએ એ વાત કબૂલ, પણ એના માટે બીજાં તમામ દુન્યવી સુખો અને હળવાશ ભૂલી જવાં અને જ્ઞાન-ગુમાનની વાંસળીને માથા પર ઊંચકીને ફર્યા કરવું એ કેડી ક્યાં લઈ જાય છે એ જાણી લેવું જરૂરી છે.
Encyclopaedia એટલે સર્વજ્ઞાનકોષ. સર્વનો અર્થ અહીં તાત્પૂરતું એવો જ થાય છે. સર્વજ્ઞાન ક્યારેય કોઈને મળે નહીં કેમ કે તે જે જાણે છે એ કરતાં હજી સુધી જે જાણ્યું નથી એ અપાર છે. અજ્ઞાન કેટલું અપાર છે એની માહિતી પણ આપણી પાસે હોતી નથી. અંધારામાં પ્રકાશ માટે બાચકા ભરવા જેવી આ વાત છે. જ્ઞાન જ્યાં સુધી પ્રકાશ આપે છે ત્યાં સુધી એ માણસજાત માટે ઉપકારક છે પણ એ જ્ઞાનને જ્યારે અંધકારમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે એ જ્ઞાન મટી જાય છે અને નર્યો અંધકાર જ બચે છે.
આપણને પ્રકાશ જોઈએ છે કે અંધકાર?

