Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લોકપ્રિયતાની ટોચ પર હોવા છતાં કિશોરકુમારના મનમાં અજંપાનો એક મહાસાગર ઘૂઘવતો હતો

લોકપ્રિયતાની ટોચ પર હોવા છતાં કિશોરકુમારના મનમાં અજંપાનો એક મહાસાગર ઘૂઘવતો હતો

Published : 12 April, 2026 03:22 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

જ્યારે બે વ્યક્તિ એકમેકનાં પૂરક બનવાનો નિર્ણય લે છે ત્યારે ઉંમરનો બાધ નથી હોતો. કિશોરકુમાર અને લીના ચંદાવરકર વચ્ચે આવી જ કોઈ સમજણથી લગ્ન થયાં અને એટલે જ બન્ને માટે આ લગ્ન વરદાન બની રહ્યાં હતાં.

લોકપ્રિયતાની ટોચ પર હોવા છતાં કિશોરકુમારના મનમાં અજંપાનો એક મહાસાગર ઘૂઘવતો હતો

વો જબ યાદ આએ

લોકપ્રિયતાની ટોચ પર હોવા છતાં કિશોરકુમારના મનમાં અજંપાનો એક મહાસાગર ઘૂઘવતો હતો


‘તું મારી સાથે લગ્ન કરીશ તો હું તને કેવી રીતે જીવવું એ શીખવાડીશ અને તું મને કેવી રીતે મરવું એ શીખવાડજે.’

૫૪ વર્ષના ચાર્લી ચૅપ્લિને ૧૮ વર્ષની ઉના ઓ’નીલ નામની યુવતીને લગ્નનો પ્રસ્તાવ આપતાં આમ કહ્યું ત્યારે જવાબ મળ્યો, ‘ના, મારે જીવનમાં કેવી રીતે પરિપક્વ (mature) થવું એ શીખવા માટે અને તમને સદાકાળ યુવાન કેમ રહેવું એ શીખવાડવા માટે હું તમારી સાથે લગ્ન કરીશ.’



જ્યારે બે વ્યક્તિ એકમેકનાં પૂરક બનવાનો નિર્ણય લે છે ત્યારે ઉંમરનો બાધ નથી હોતો. કિશોરકુમાર અને લીના ચંદાવરકર વચ્ચે આવી જ કોઈ સમજણથી લગ્ન થયાં અને એટલે જ બન્ને માટે આ લગ્ન વરદાન બની રહ્યાં હતાં.


એમ કહેવાય છે કે A way to man’s heart is through his stomach.’ ખાણી-પીણીના શોખીન કિશોરકુમારને પોતાના હાથે જ બનાવેલી વાનગીઓ ખવડાવીને લીનાએ તેમનું દિલ જીતી લીધું હતું. એ ઉપરાંત બાળપણથી જ હાઉસકીપિંગ અને બાળકોની સારસંભાળ રાખવી એ તેની મનગમતી પ્રવૃત્તિ હતી. જરા પણ સભાનતા વિના લીના એક આદર્શ પત્નીના રોલમાં કિશોરકુમારના જીવનમાં ગોઠવાઈ ગઈ હતી.

પહેલાં ત્રણ લગ્નથી નિરાશ થયેલા કિશોરકુમાર એટલે જ લીનાના આગમનથી સંતુષ્ટ હતા. એક સફળ અભિનેતા અને ગાયક કલાકાર પાસે જેકાંઈ હોવું જોઈએ એ સઘળું તેમની પાસે હતું. બસ, એક વાતની કમી હતી, જેને ઘર કહી શકાય એવું ઘર નહોતું.


એક પંક્તિ યાદ આવે છે, ‘વિશ્વમાં એક એવું ઘર મળે જ્યાં કશાય કારણ વિના જઈ શકું.’

કામકાજમાં વ્યસ્ત કિશોરકુમાર એક એવા ઘરની તલાશમાં હતા જ્યાં જમવા માટે રાહ જોતી પત્ની અને બાળકના કલશોરથી ગુંજતું ઘર તેમને આવકારતું ઊભું હોય. તેમની ઇચ્છા હતી કે જેમ નાનપણમાં ખંડવાના ઘરમાં ચહલપહલ હતી, બાળકોનો શોરગુલ હતો, સ્વજનો અને મિત્રોથી ઘર ભરેલું રહેતું અને સૌની સંભાળ રાખતી માતાનો હસતો ચહેરો વાતાવરણને પ્રસન્ન બનાવી દેતો એવું જ દૃશ્ય તેમના ઘરમાં હોય.

વર્ષો બાદ તેમની એ  કામના મહદંશે પૂરી થઈ. દુનિયાના દંભી અને મતલબી લોકોનો વ્યવહાર તેમના સંવેદનશીલ સ્વભાવને માફક નહોતો આવતો એટલે જ તેઓ દુનિયાથી દૂર રહેતા. તેમણે પોતાની એક એવી દુનિયા બનાવી હતી જેમાં બે-ત્રણ મિત્રો અને નિકટના પરિવારના સભ્યો સિવાય કોઈને સ્થાન નહોતું.

પરંતુ લીનાના આગમન બાદ તેમના સ્વભાવમાં થોડું પરિવર્તન આવ્યું હતું. પત્રકારોને આ પહેલાં ગૌરી કુંજમાં પ્રવેશ જ નહોતો મળતો. હવે ઇન્ટરવ્યુ માટે તેઓ પત્રકારોને ઘરે બોલાવતા. તેમના સ્વભાવની નરમાઈ જોઈને પત્રકારોને પ્રશ્ન થતો ત્યારે હસીને કહેતા, ‘અરે ભાઈ, વો તો ઍક્ટિંગ થી.’ જીવનભર તેમણે પાર્ટીમાં જવાનું ટાળ્યું હતું પણ હવે જન્મદિવસ, દિવાળી, હોળીની પાર્ટીઓની શરૂઆત થઈ. જોકે આમાં નજીકના મિત્રો અને સ્વજનોને જ આમંત્રણ મળતું. એ સમયે તેઓ ‘પર્ફેક્ટ હોસ્ટ’ બનીને સૌનો ખ્યાલ રાખતા.

ખુદ લીના પણ આ પરિવર્તન જોઈને ખુશ હતી. લગ્ન બાદ ટૂંક સમયમાં જ સુમિતનો જન્મ થયો અને કિશોરકુમારની ખુશી ચરમસીમાએ પહોંચી ગઈ. જો એ સમયે લીનાએ એનું કારણ પૂછ્યું હોત તો કદાચ કિશોરકુમારે કહ્યું હોત,

તારા આવવાથી ઘર, ઘર થયું

જે ખૂટતું હતું સરભર થયું

કિશોરકુમારનો તરંગી સ્વભાવ લીનાએ કુશળતાથી સંભાળી લીધો હતો. એક ઇન્ટરવ્યુમાં લીના કહે છે, ‘ડૉક્ટરોની મનાઈ છતાં તેમનાથી મીઠાઈ છૂટતી નહોતી. એક દિવસ અડધી રાતે મારી ઊંઘ ઊડી ગઈ. તેઓ પથારીમાં નહોતા. મને ખબર હતી કે તેઓ મોટા ભાગે કિચનમાં હશે. જઈને જોયું તો ફ્રિજમાં મીઠાઈ શોધતા હતા.

મને જોઈને કહે, ‘હું પાણીની બૉટલ લેવા આવ્યો છું.’ મેં કહ્યું, ‘બૉટલ આપણી રૂમમાં જ છે.’ તો કહે, ‘પણ એના પાણીનો રંગ મને થોડો જુદો લાગ્યો એટલે અહીં આવીને ચેક કરતો હતો.’ મેં કહ્યું, ‘મને ખબર છે તમે શું શોધો છો. અત્યારે સૂઈ જાઓ. કાલે ભાવતી મીઠાઈ બનાવીશ.’

 સુમિતના જન્મ બાદ તેઓ ક્યારેક અચાનક ઘરે આવી પહોંચતા. હું ગભરાઈને પૂછું કે શું થયું? તબિયત સારી છેને? તો કહે, ‘આજ મેરા કામ કરને કા મૂડ નહીં હૈ. ઇસ લિએ રેકૉર્ડિંગ કૅન્સલ કર દિયા. ચલો, સુમિત કો લેકર કહીં ઘૂમને ચલતે હૈં.’ અને અચાનક બહારગામનો પ્રોગ્રામ બની જતો.

એક દિવસ વહેલા ઘેર આવી ગયા. થોડા ઉદાસ દેખાતા હતા. મેં સહજ પૂછ્યું, ‘તબિયત બરાબર છેને? રોજની દવા લેવાનું ભૂલી ગયા છો?’ પણ જવાબ ન મળ્યો એટલે પૂછવું પડ્યું, ‘શું થયું છે? ભૂખ લાગી છે? શું બનાવું?’

મને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. હું તેમનો ચહેરો જોતી રહી. થોડી વાર પછી કહે, ‘લીના, તુમ કિતને સવાલ કરતી હો? તુમ્હારી સરનેમ ચંદાવરકર નહીં, બડબડકર રખની ચાહિએ. કભી કભી ચૂપ રહા કરો.’

શરૂઆતમાં તેમના આ મૂડને કારણે હું નારાજ થઈ જતી. નવાઈ પણ લાગતી, પણ સમય જતાં હું સમજી ગઈ. આવા સમયે ચૂપ રહું. તેમના એકાંતમાં ખલેલ ન પડે એટલે બીજા કામમાં વ્યસ્ત થઈ જાઉં. તેઓ એક બાળક જેવા હતા. હું મનોમન હસતી, કારણ કે થોડા સમય બાદ શું થશે એની મને ખબર હતી.

તેમની હાજરીનું મારે મન કોઈ મહત્ત્વ નથી એવો અહેસાસ જેવો થાય એટલે બૂમ મારીને કહેતા, ‘અરે લીના, તુમ કહાં હો? મૈં કબ સે આયા હૂં. ચાય તો પિલાઓ.’ અને ચા-નાસ્તો કરતાં પાછા અસલી મૂડમાં આવીને મજાક-મસ્તી કરતા. સુમિતના આગમન બાદ ઘરમાં પાર્ટીઓનું ચલણ વધતું ગયું જેમાં નજીકના ફિલ્મકલાકારોને પણ આમંત્રણ આપતા.’

એક પિતા તરીકે કિશોરકુમાર કેટલા ભાવુક હતા એનો એક કિસ્સો અમિતકુમારે મારી સાથે શૅર કર્યો હતો ઃ ‘એ દિવસો હતા જ્યારે હું મા (રુમાદેવી) સાથે કલકત્તા રહેતો હતો. વેકેશનમાં બાબા સાથે રહેવા આવતો ત્યારે ૧૧-૧૨ દિવસને બદલે ૧૫-૨૦ દિવસ રોકાઈ જતો. મા થોડી નારાજ થઈ જતી પણ બાબાનો પ્રેમ એટલો હતો કે મારા કલકત્તા જવાની વાતથી તેઓ ઉદાસ થઈ જતા. એક દિવસ વહેલી સવારની ફ્લાઇટમાં મારે જવાનું હતું. નોકરે સવારે પાંચ વાગ્યે રૂમમાં આવીને લાઇટ ઑન કરી પણ બાબાએ તરત સ્વિચ-ઑફ કરી નાખી. મેં તેમની સામે જોયું તો તેમની આંખોમાં આંસુ હતાં. જુદાઈની ઘડી તેમને માટે અસહ્ય હતી. મારી આંખમાં પણ આંસુ આવી ગયાં પણ મારે કલકત્તા ગયા વિના છૂટકો નહોતો.’

૮૦ના દસકાનો સમય કિશોરકુમારની ગાયક તરીકેની કારકિર્દીનો સુવર્ણકાળ કહી શકાય છતાં કોણ જાણે કેમ જેમ-જેમ સમય વીતતો જતો હતો એમ કિશોરકુમાર એક પ્રકારની બેચેની અનુભવી રહ્યા હતા. લીના એક ઇન્ટરવ્યુમાં એ દિવસોની વાત કરતાં કહે છે, ‘ઘણી વાર એવું બનતું કે તેઓ અચાનક ઉદાસ થઈ જતા. સાંજે ઘરે આવે. ચૂપચાપ બેઠા હોય. શું થયું એમ પૂછું તો કહે, ‘મેં લિઓ (Lio) હૂં. શામ હોતે હી યે ઉદાસી છા જાતી હૈ. સૂરજ ઢલને કે બાદ મુઝે કુછ અચ્છા નહીં લગતા. મૈં અકેલા હો જાતા હૂં. અમિત ભી ઘર મેં નહીં હૈ, તુમ ભી અપને કામ મેં બિઝી રહતી હો.’

હું તેમને કંપની આપવા સાથે બેસીને વાતો કરવાનો પ્રયત્ન કરતી તો ફિલોસૉફરની અદાથી કહેતા, ‘હમ દોનોં કો શાદી નહીં કરની ચાહિએ થી. હમ દોનોં અગસ્તવાલે (બન્નેનો જન્મ ઑગસ્ટમાં થયો હતો) હૈ ના, ઇસ લિએ હમેં દૂર હી રહના થા.’ અને પછી મને ચીડવતા અને કહેતા, ‘તુમ્હેં તો પતા હૈ, ઘર કી મુર્ગી હંમેશાં દાલ બરાબર હોતી હૈ.’

આમ કહેતાં નૉર્મલ થઈને સુમિત સાથે મસ્તી કરતા. રાતના તેને સુવડાવતી વખતે ગીત ગાતા. કહેતા અમિત નાનો હતો ત્યારે તેને પૂરતો સમય ન આપી શક્યો એનો મને હંમેશાં અફસોસ રહ્યો છે.

કોઈ વાર સ્ટુડિયોમાં એક-બે કલાક માટે ફ્રી હોય તો અચાનક ઘરે આવી જાય. કહે, ‘ચલો, ઘૂમને ચલતે હૈં. વરના વો લોગ ફિર સે બુલા લેંગે.’ હું કહેતી, ‘પર જાએંગે કહાં?’ તો કહેતા, ‘બારીશ મેં ઘૂમેંગે, ભુટ્ટા ખાએંગે, બસ, ઘર સે બહાર નિકલો.’

આમ તેમનો મૂડ દરિયાના મોજાની જેમ ઉપર-નીચે રહેતો. ક્યારેક ઉદાસી તો ક્યારેક મસ્તી. હું એનાથી ટેવાઈ ગઈ હતી, કારણ કે એક વાત નક્કી હતી કે તેઓ પરિવારને ખૂબ પ્રેમ કરતા હતા.

એક વાતની કિશોરકુમાર સિવાય કોઈને ખબર નહોતી. નામ, દામ, કીર્તિ, કલદાર, લોકપ્રિયતા; એ દરેક ચીજ કદમોમાં આળોટતી હોવા છતાં કિશોરકુમારના મનમાં અજંપાનો મહાસાગર ઘૂઘવતો હતો. એ અવસ્થામાં એક દિવસ તેમણે એક એવો નિર્ણય કર્યો કે દુનિયા ચોંકી ઊઠી. એ વાત હવે આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 03:22 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK