ફૅશન-ડિઝાઇનિંગ પર માત્ર મહિલાઓનો ઇજારો ગણાતો હતો એ સમયમાં રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા વેપારીનો દીકરો અમેરિકા જઈને ફૅશન ડિઝાઇનિંગનો કોર્સ કરે છે અને પછી અનાયાસ જ અનોખા આર્ટવર્કમાં પગલાં માંડે છે.
ચિરાગ દત્તાણી
વાત ૧૯૯૭ની છે જ્યારે ચિરાગ દત્તાણીએ ઘરમાં બૉમ્બ ફોડ્યો કે તે પિતાના બિઝનેસમાં નહીં જોડાય પણ ફૅશન-ડિઝાઇનિંગ કરશે. સ્વાભાવિક રીતે એ સમયમાં દીકરો ટેલરિંગ જેવા કામમાં કારકિર્દી બનાવવાનું કહે તો ટિપિકલ ગુજરાતી પરિવારના લોકોને એ કઈ રીતે સ્વીકાર્ય બને? થોડાક સંઘર્ષ પછી દીકરાની જીદ અને દૃઢતાને જોઈને પિતાએ પરવાનગી આપી દીધી અને એક બિઝનેસ-ફૅમિલીના યુવાનની ફૅશન-ડિઝાઇનર તરીકેની યાત્રા શરૂ થઈ. બે વર્ષ ન્યુ યૉર્કની બેસ્ટ યુનિવર્સિટીમાં ફૅશન-ડિઝાઇનિંગનો કોર્સ કર્યા પછી મુંબઈમાં શરૂઆતમાં ફૅશન-ડિઝાઇનર તરીકે જૉબ કરી અને પછી પોતાનું લેબલ પણ લૉન્ચ કર્યું. ટ્રેડિશનલ મેન્સવેઅર ડિઝાઇનિંગની યાત્રામાં ફરી ટર્નિંગ પૉઇન્ટ ત્યારે આવ્યો જ્યારે ચિરાગે એક્સક્લુઝિવ અને અપ્રતિમ આર્ટવર્કની દિશામાં ભગવાનના ફોટો બનાવવાનું કામ શરૂ કર્યું. દુનિયાભરમાં જેનાં આર્ટવર્ક પહોંચી રહ્યાં છે એવા આ અનોખા આર્ટવર્ક અને એની શરૂઆત વિશે વિગતવાર વાત કરીએ.
અનાયાસ થઈ શરૂઆત
ADVERTISEMENT
ફૅશન-ડિઝાઇનિંગમાં ટ્રેડિશનલ હૅન્ડવર્કમાં મને વિશેષ રસ હતો એમ જણાવીને ચિરાગ કહે છે, ‘મને આપણી પરંપરાગત ભરતગૂંથણની વિવિધ કલાઓ ખૂબ જ આકર્ષિત કરતી. ટ્રેડિશનલ મેન્સવેઅરમાં હાથ નાખ્યા ત્યારે પણ એમાં મેં મારા લેબલ નીચે જે ડ્રેસ ડિઝાઇન કર્યા એમાં આભલાં, જરદોસી, રેશમ વર્ક વગેરેને સ્થાન આપ્યું હતું. એની સાથે જ અમારા ઘરમાં શ્રીનાથજી ભગવાનની સેવા થાય એટલે એમ્બ્રૉઇડરી અને એના જેવી બીજી કલા સાથે પહેલી વાર શ્રીનાથજીની તસવીર ડિઝાઇન કરી. એમાં આભલાં, જરદોસી, સળી વર્ક વગેરેનો ઉપયોગ થયો હતો. મારી પાસે કારીગરોની ટીમ તો હતી જ. વિઝન મારું અને કામ તેમનું. પોતાના ઘર માટે પહેલું આવું આર્ટવર્ક એટલું સુંદર બન્યું કે પછી જે પણ ઘરે આવે તે બધા જ એનાં વખાણ કરે. એ પછી થોડાક નજીકના સંબંધીઓને પણ શ્રીનાથજીની હૅન્ડવર્કથી બનેલી ફ્રેમ આપી ત્યારે તેમને પણ જોરદાર ફીડબૅક મળ્યાં. એમાંથી જ કેટલીક ઇન્ક્વાયરી આવી અને પછી ફૅશન-ડિઝાઇનિંગમાંથી આને કુદરતનો અણસાર સમજીને આવાં યુનિક આર્ટપીસ બનાવવાનું શરૂ કર્યું.’
નામકરણ અને શરૂઆત
વૈષ્ણવોમાં શ્રીનાથજીની ઝાંખીનું અદકેરું મહત્ત્વ હોય છે. ચિરાગ કહે છે, ‘શરૂઆત તો અમે શ્રીનાથજીની ઝાંખી બનાવવાથી જ કરી હતી. જાણે કે તેઓ જીવંત હોય અને હમણાં વાત કરશે એવી અનુભૂતિ સાથે બનતી આ તસવીરોને જોઈને મારી વાઇફે જ ‘ઝાંખી’ એવું બ્રેન્ડનૅમ રાખવું જોઈએ એવું સજેસ્ટ કરેલું. કોવિડ પછી શરૂ થયેલા આ કામમાં મારી પાસે રહેલા કારીગરો ફુલ ટાઇમ ક્લાયન્ટની જરૂરિયાત મુજબ પ્રોડક્ટ્સ બનાવવા માંડ્યા. શરૂઆતમાં વિવિધ એમ્બ્રૉઇડરી વર્કથી શ્રીનાથજીની ઝાંખી બનાવતા. એ પછી કલ્પવૃક્ષ, હાથી, મોર, ગણપતિબાપ્પા, શિવલિંગ, રાધા-કૃષ્ણ વગેરે ભગવાનની છબિ વગેરે બધું જ બનાવતા થઈ ગયા. પિછવાઈ અને ધનજોર આર્ટથી પ્રેરિત ક્રીએટિવિટીને આ રીતે પેશ કરવાનો અંદાજ લોકોને ગમ્યો. સિલ્ક, બ્રૉકેડ, વેલ્વેટ જેવા મટીરિયલ પર આરી વર્ક, જરદોસી વર્ક, મિરર વર્ક વગેરેથી કામ કરીએ. એક પીસ બનવામાં મિનિમમ ચારથી ૬ અઠવાડિયાં લાગે જે એની સાઇઝ પર ડિપેન્ડ કરે. કોઈક માટે આ વૉલ-આર્ટ છે તો કોઈક માટે એ ભગવાનનો સાક્ષાત્કાર છે. હકીકતમાં આ એમ્બ્રૉઇડરી વર્ક ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે. એમ્બ્રૉઇડરીથી ભગવાનનાં એક્સપ્રેશન, તેમના ચહેરાનું આબેહૂબ સ્માઇલ એ બધું જ ઝીણવટપૂર્વક કરવાનું હોય છે. ખૂબ સમય, મેનપાવર અને એનર્જી લાગતાં હોવાથી કૉસ્ટિંગ-વાઇઝ થોડુંક મોંઘું હોય છે, પરંતુ એના રંગથી લઈને ચમકમાં લાંબા સમય સુધી કોઈ બદલાવ નથી આવતો. ટિપિકલ ફૅશન-ડિઝાઇનર કરતાં આ કામમાં મને વધુ સંતોષ મળે છે.’
અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ જેટલાં આવાં યુનિક આર્ટપીસ અને ભગવાનની એમ્બ્રૉઇડરી વર્કની છબિઓ તૈયાર કરનારા ચિંતનભાઈનું આર્ટ ચંડીગઢ, દિલ્હી, તેલંગણ જેવાં ભારતનાં વિવિધ રાજ્યો ઉપરાંત યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવી જગ્યાઓએ પણ પહોંચી ચૂક્યું છે.
