Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > યોગા સે સિર્ફ હોગા નહીં, દેખો યોગા સે હી હુઆ

યોગા સે સિર્ફ હોગા નહીં, દેખો યોગા સે હી હુઆ

Published : 19 June, 2026 01:36 PM | Modified : 19 June, 2026 02:03 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે મળીએ કેટલાક એવા જ વડીલોને જેઓ યોગને કારણે પાછલી વયમાં પણ હેલ્ધી રહી શકાય એ વાતનું શ્રેષ્ઠ પ્રમાણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રવિવારે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે. આ વર્ષની થીમ છે ‘યોગા ફૉર હેલ્ધી એજિંગ’ જે સૂચિત કરે છે કે ઘડપણના દિવસો  પણ પૂર્ણ સ્વાસ્થ્ય સાથે પસાર થાય એવું ઇચ્છતા હો તો યોગ કરો. પોતાના કાર્યકાળમાં એક પણ દિવસની રજા ન લેનારા સુપરહેલ્ધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે મળીએ કેટલાક એવા જ વડીલોને જેઓ યોગને કારણે પાછલી વયમાં પણ હેલ્ધી રહી શકાય એ વાતનું શ્રેષ્ઠ પ્રમાણ છે.

ખાતરી આપું છું કે યોગ તમને આખેઆખા બદલી નાખશે



૭૩ વર્ષના દિનેશ પોપટ માટે યોગ જીવાદોરીથી જરાય ઓછા નથી. બધાને નિયમિત યોગ કરવાની સલાહ આપતાં મલાડમાં રહેતા અને હવે પોતાનાં ગમતીલાં કામો કરીને જીવન વિતાવતાં દિનેશભાઈ કહે છે, ‘ઝીરો કૉસ્ટ હેલ્થને હું જીવી રહ્યો છું. યસ, અત્યારે મારે મારા સ્વાસ્થ્ય માટે એક સિંગલ રૂપિયો ખર્ચ નથી કરવો પડતો. કોઈ દવા નહીં, કોઈ શારીરિક વ્યાધિ નહીં. હું સોએ સો ટકા કહું છું કે આ બધો જ પ્રભાવ યોગનો છે. હું ૨૦ વર્ષની ઉંમરે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે જોડાયો ત્યારે મેં પહેલી વાર ત્યાં સૂર્યનમસ્કાર કર્યા હતા અને એ સમયથી યોગાભ્યાસનો પહેલો પરિચય થયો. યોગ તમને શારીરિક અને માનસિક એમ બન્ને રીતે સ્વસ્થ રાખે છે. યોગ તમારા અસ્તિત્વને સ્વસ્થ કરે છે. હવે તો પ્રાણાયામ અને યોગનિદ્રા વગેરે પણ દરરોજ કરું છું. ખરેખર આપણે નસીબદાર છીએ કે આપણા મહાન ઋષિમુનિઓએ આ વિદ્યા આપણા સુધી પહોંચાડી છે. આજે યોગનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે, પણ સેવા તરીકે પણ યોગથી ઉત્તમ કંઈ નથી. આજે ૭૩ વર્ષની ઉંમરે પણ હું દિવસના ૧૪ કલાક કામ કરું છું જેમાં યોગનો બહુ જ મોટો રોલ છે.’


મારી દૃષ્ટિએ તો યોગ જ હર મર્ઝ કી દવા છે

માટુંગામાં રહેતાં મોનાલી શાહે ૬૦ વર્ષ પૂરાં કર્યાં છે, પરંતુ એ વાત કોઈ માનતું નથી એટલે તેઓ ક્યારેક તો મજાકમાં એમ પણ કહી દેતાં હોય છે કે આધાર કાર્ડમાં બર્થ-ડેટ બદલાવવી પડશે. યોગ તમને તમારી ઉંમરથી નાના રાખે છે એટલું જ નહીં, બીજા પણ અનેક લાભ છે એમ જણાવીને મોનાલીબહેન કહે છે, ‘લગભગ પચ્ચીસ વર્ષની ઉંમરે યોગ શરૂ કર્યા હતા. ત્યારે તો હઠ યોગ, ક્લાસિકલ યોગ વગેરે કરતી. ફિટ રહેવું જ જોઈએ એવું પહેલેથી લાગતું. લગ્ન પછી બાળકો થયાં ત્યારે થોડાક સમય માટે યોગાભ્યાસ છૂટી ગયો હતો, પણ છેલ્લાં ૩૦ વર્ષથી નિયમિત યોગ કરું છું. ઐયંગર યોગ મારા ફેવરિટ છે. એમાં બૉડીના અલાઇનમેન્ટ પર ઝીણવટપૂર્વક ફોકસ કરવામાં આવે છે અને સાથે જ બહુબધા પ્રોપ્સના ઉપયોગ સાથે યોગાભ્યાસ કરાવડાવાય છે. મને આજે નખમાં પણ રોગ નથી. એકેય ગોળી ખાવી નથી પડતી અને યસ, યોગનો એમાં સર્વાધિક રોલ છે. હું આજના જિમપ્રેમી યંગસ્ટર્સ અને મારાં પોતાનાં બાળકોને પણ યોગ માટે મોટિવેટ કરતી હોઉં છું. તમે ગમે એ કરો, સૌથી પહેલાં તમારા શ્વાસ ઊંડા હોય એ મહત્ત્વનું છે અને યોગ એમાં તમારી મદદ કરે છે. ફ્લેક્સિબિલિટી શરીરમાં હોય તો માઇન્ડમાં પણ આવે. એમાં યોગ તમારી મદદ કરે છે. શીર્ષાસન કરો, સર્વાંગાસન કરો, ભુજંગાસન કરો. એવું તો કેટલુંય છે જે મસલ્સ બિલ્ડિંગમાં તમારી મદદ કરી શકે. યોગ પર્યાય નથી, એ મસ્ટ ડૂ પ્રૅક્ટિસ છે.’


૭૭ની ઉંમરે ૬૦નો લાગું છું કારણ કે યોગ કરું છું

દહિસરમાં રહેતા ઉપેન શેઠ પોતાની ઉંમર કહેવાનું ટાળે છે, કારણ કે લોકો તેમને ઉંમરથી ઘરડો માની લે એવું તેઓ નથી ઇચ્છતા. દેખાવે ૬૦નો લાગું છું એવું નથી, પણ મનથીયે યુવાન જ છું અને યોગનો એમાં બહુ મોટો રોલ છે એમ જણાવીને ઉપેનભાઈ કહે છે, ‘યોગ તમારામાં અનુશાસન લાવે છે. એક વાર એ યાત્રા શરૂ થાય પછી તમે આપોઆપ શિસ્તમાં આવતા જાઓ. પછી તમારી ઊંઘ સારી થવા માંડે. બહારની વસ્તુઓ ખાવાની ઇચ્છાઓ ખતમ થવા માંડે. તમે પોતે જ હેલ્થના રસ્તે ચાલવા માંડતા હો છો. ૨૦૦૨માં મારે બાયપાસ કરાવવી પડી અને એ સમયે યોગની મારા જીવનમાં એન્ટ્રી થઈ. એ વાતને ૨૪ વર્ષ થયાં. ત્યાર પછી આજ સુધી બીજી કોઈ તકલીફ નથી આવી. હેલ્ધીની હેલ્થ વધારે અને અનહેલ્ધીને હેલ્ધી બનાવે આ યોગની કરામત છે. હું જમીન પર બેસું અને જાતે ઊભો થઈ શકું છું એ વાત આજે ઘણાને તાજુબ અપાવે છે, પરંતુ એ પણ યોગની જ કરામત છે. વૉકિંગ પણ કરું છું, સામાજિક કાર્યોમાં પણ સમય ફાળવું છું, પ્રાણાયામ અને ધ્યાન કરું છું. કોરોના સમયે પણ હું યાગને કારણે ટકી ગયો. હું તો દરેકને કહીશ કે સ્વાસ્થ્યથી મોટી કોઈ મૂડી નથી અને એ મૂડીને જાળવવામાં અને એને વધારવામાં યોગથી શ્રેષ્ઠ કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ નથી.’

યોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે સપોર્ટ કરે છે આ ભાઈ?

૭૮ વર્ષની ઉંમરે પણ ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશરની એક પણ ગોળી તમે ન લેતા હો એનો અર્થ એ કે તમે આપણી કરન્સી બહારના દેશમાં જતી અટકાવો છો અને આનાથી મોટી યોગની બીજી કઈ સેવા હોઈ શકે? આવો સામો પ્રશ્ન પૂછીને બોરીવલીમાં રહેતા યોગેશ જરીવાલા કહે છે, ‘યોગની શરૂઆત મેં ૩૫ વર્ષની ઉંમરે કરેલી. ત્યારથી આજ સુધી એક પણ દિવસનો બ્રેક નહીં. બન્યું એવું કે મારો ભાઈ જલનેતી કરતો. તેને જોઈને હું ઇન્સ્પાયર્ડ થયો હતો, કારણ કે તેની આ ક્રિયાથી તેને શરદી-ખાંસી સાવ બંધ થઈ ગયાં હતાં અને બીજા લાભો થયા એ અલગ. બસ, મને થયું કે આ કરવા જેવું છે અને શરૂ કર્યું. હવે તો એ સ્તર પર યોગના પ્રેમમાં છું કે શીખવવાનું પણ શરૂ કરી દીધું છે. અંબિકા યોગ કુટિર સાથે હું જોડાયેલો છું અને ત્યાં નિ:શુલ્ક સેવા આપું છું. યોગથી મારો ગુસ્સો ઓછો થઈ ગયો. યોગ તમારા એકેએક કોષને પ્રભાવિત કરે છે. તમારા આંતરિક અને બાહ્ય બન્ને વિશ્વ પર યોગનો અકલ્પનીય પ્રભાવ પડે છે. યોગ મારી દૃષ્ટિએ કોહિનૂર છે જેનો કોઈ જોટો ન જડે. આ વિજ્ઞાનને આપણા જ દેશના લોકો સમજવામાં મોડા પડ્યા. બાકી આપણે ઋણી છીએ એ ઋષિમુનિઓના જેઓ આપણા જીવનમાં યોગ લાવ્યા.’

લાઇફની બધી જ નેગેટિવિટી યોગે ખતમ કરી નાખી

પાર્લામાં રહેતાં ૬૪ વર્ષનાં પન્ના શાહે લગ્ન પછી લગભગ ત્રીસેક વર્ષની ઉંમરે નિયમિત યોગાભ્યાસ શરૂ કર્યો હતો જે આજ સુધી અકબંધ છે. ૩૪ વર્ષના યોગાભ્યાસના અનુભવોનું વર્ણન કરતાં પન્નાબહેન કહે છે, ‘હું ગૃહિણી છું અને મોટા ભાગની ગૃહિણીઓ ઘરના કામમાં એટલી અટવાયેલી હોય કે તેમના માટે પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું અશક્ય થઈ જાય. એ સમયે મારા માટે બીજી કોઈ એક્સરસાઇઝને બદલે યોગ કરવા વધુ સરળ હતા એટલે એ શરૂ કર્યા. યોગ એવો નશો છે જે તમે શરૂ કરો પછી છોડી નથી શકતા અને એવો નશો જે તમને માત્ર લાભ ને લાભ જ આપે છે. મારા જીવનમાં યોગ બહુ જ મોટા આશીર્વાદ સમાન છે. દરરોજ એક કલાકનો યોગાભ્યાસ મારા માટે મેન્ટલ અને ફિઝિકલ ચાર્જિંગ ટાઇમ હોય છે. બીમારીઓ તો દૂર રહી જ છે, સ્વભાવની દૃષ્ટિએ માનસિક શાંતિ અને દરેક સ્થિતિ સામે ટકી રહેવાની હિંમત પણ વધી છે. ખૂબ પૉઝિટિવિટી આવી. ગોમુખાસન અને પશ્ચિમોત્તાનાસન મારાં ફેવરિટ આસનો છે.’

૬૫ વર્ષથી રોજના ૩૦ સૂર્યનમસ્કાર કરનારા આ અંકલે પોતાનાં લગ્નના દિવસે પણ એમાં ખાડો નથી પાડ્યો

જેમના નખમાં પણ રોગ નથી અને આજે પણ જેમની ઊર્જા ભલભલાને એનર્જેટિક કરી દે છે એવા ૭૨ વર્ષના મુલુંડમાં રહેતા નરેન્દ્ર અઇયા છ વર્ષની ઉંમરે પાંડુરંગ શાસ્ત્રીજીની જ્ઞાનસરિતા સ્કૂલમાં જોડાયા ત્યારથી સૂર્યનમસ્કાર કરે છે. આજ સુધી તેમની સૂર્યનમસ્કારની જર્નીમાં બ્રેક નથી આવ્યો. નરેન્દ્રભાઈ કહે છે, ‘આજ દિવસ સુધી માંદો નથી પડ્યો. એક પણ ગોળી લેવી નથી પડતી અને મને ખાતરી છે કે છેલ્લા શ્વાસ સુધી સૂર્યનમસ્કાર કરવામાં બાધા નહીં આવે. હું અન્ય યોગાસનો પણ કરું છું, પ્રાણાયામ અને ધ્યાન પણ કરું છું; પણ મુખ્ય દરરોજના ૩૦ સૂર્યનમસ્કાર કરવાના. ૮ વર્ષે શરૂ કર્યું હતું. આજે ૭૩મું વર્ષ બેઠું છે અને એક પણ દિવસ આ રૂટીનમાં બ્રેક નથી પડ્યો. એકધારું કરું છું અને એ જ મારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. ટકોભાર પણ શંકા કરતા નહીં. યોગ તમને સ્વાસ્થ્યપ્રદ બુઢાપો આપે છે, તમને માનસિક રીતે મસ્ત રાખે છે. યોગ તો મારા માટે સર્વસ્વ છે. યોગ ચમત્કારી છે. તમે એના લાભોને વર્ણવી પણ ન શકો એટલા બધા બેનિફિટ્સ છે યોગના.’

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 02:03 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK