Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચીસ પાડી લાગણીને પૂછવા જેવું હતું

ચીસ પાડી લાગણીને પૂછવા જેવું હતું

Published : 29 March, 2026 06:59 PM | IST | Mumbai
Hiten Anandpara

પરાત્પર એટલે પરમાત્મા, પરમેશ્વર. આપણી અંદર જ ઈશ્વરનો અંશ છે છતાં આપણી નજરમાં આવતો નથી. એને માટે બ્રૅન્ડેડ ચશ્માં કામ લાગતાં નથી. ખુલ્લી આંખે બહારનું દેખાય અને બંધ આંખે અંદરનું. જો અંતરમાં ડૂબકી મારીએ તો મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે એવું તારણ મળી શકે...

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


જિંદગી સિલેબસની બહારના પ્રશ્નો પૂછતી હોય છે. આપણે જે શીખ્યા હોઈએ એ વ્યાવહારિક જગતમાં કંઈ કામ ન લાગે એટલે અનુભવે ટિપાઈને શીખવું પડે. વડીલોની અનુભવવાણી આપણને કટકટ લાગે છે. ટૂંકમાં, આપણે વર્ષો વેડફવા તૈયાર હોઈએ છે પણ કોઈનું માર્ગદર્શન લેવા નહીં. ડેનિશ જરીવાલા કહે છે એવો અફસોસ દાયકાઓ પછી નિષ્કર્ષરૂપે
આવીને મળે...

જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને લાધી છે
હું તળ સમજતો હતો જેને સપાટી છે



પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે


કેટલીક ઇચ્છા એટલી પેધીલી હોય કે એને પૂરી કરવામાં આપણે પૂરા થઈ જઈએ. જિંદગીના પાંચ-છ દાયકા ક્યાં વીતી જાય એની ખબર ન પડે. લક્ષ્ય નક્કી કરતી વખતે સફર નિર્ધારિત થઈ જતી હોય છે. લક્ષ્ય પસંદ કરવામાં થાપ ખાઈ જઈએ તો ડગલે ને પગલે અફસોસ અજગરની જેમ ગળે વીંટળાતો રહે. આપણી પીડામાં આપણે જ જવાબદાર હોઈએ તો અન્ય કોને કહીએ. પ્રણવ પંડ્યા પીડાની પાર લઈ જાય છે...

તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે


જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

વિશ્વભરમાં તેલની ઊભી થયેલી અછતે અનેક દેશોને તાર-તાર કરી દીધા છે. ભારતે યેનકેન પ્રકારેણ આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, પણ એમાં પૈસાનું પાણી તો થવાનું. મારકણી મિસાઇલના આ જમાનામાં કોઈ સુરક્ષિત નથી. ઇઝરાયલનું મજબૂત રક્ષાકવચ ભેદીને ઈરાને મોટી ખાનાખરાબી સર્જી છે. મૂછ પર તાવ દેવાનું છોડીને મૂછ સાચવવાનું વલણ વધારે મુત્સદ્દી લાગે છે. ડોનલ્ડ ટ્રમ્પના અવિરત બદલાતા વલણને કારણે માર્કેટ ઊંધેકાંધ પટકાયું છે. એક જ દિવસે એક જ પ્રશ્નના એકાધિક ઉત્તરો સાંભળીને પત્રકારો પણ સ્તબ્ધ છે. અમૃત ઘાયલ કહે છે એવો કૉન્ફિડન્સ ક્યાંથી લાવીશું?

સત્ય છું, શિવ છું, હું સુંદર છું
પરથી પર યાને હું પરાત્પર છું

બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું

પરાત્પર એટલે પરમાત્મા, પરમેશ્વર. આપણી અંદર જ ઈશ્વરનો અંશ છે છતાં આપણી નજરમાં આવતો નથી. એને માટે બ્રૅન્ડેડ ચશ્માં કામ લાગતાં નથી. ખુલ્લી આંખે બહારનું દેખાય અને બંધ આંખે અંદરનું. જો અંતરમાં ડૂબકી મારીએ તો મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે એવું તારણ મળી શકે...

મને નૈં પૂછ who are you?
अहम् ब्रह्मा, अहम् विष्णु

મેં નાખી ડોલ કૂવામાં
Return ખેંચી તો નીકળ્યો હું!

કૂવામાં ડોલ નાખો અને પાણી ન આવે એવી ઘટનાઓ ઉનાળામાં બનશે. ભૂગર્ભજળ સતત ઓછું થઈ રહ્યું છે. ગલ્ફના દેશોની જેમ દરિયાના ખારા પાણીને મીઠું કરવાની યંત્રણા હજી ભારતમાં વિકસી અને વિસ્તરી નથી. એક સમયે અમદાવાદની પોળોમાં ભૂર્ગભ ટાંકાંઓની વ્યવસ્થા કાર્યરત હતી. દરેક ઘર વરસાદી પાણી આ ટાંકામાં સાચવી લે. પાણીની સમસ્યા થાય ત્યારે આ બૅક-અપ તૈયાર હોય. પાછી આ સિસ્ટમ લાવવી પડશે. તેલની જેમ પાણી પણ યુદ્ધનું કેન્દ્ર બની શકે છે. મનોજ ખંડેરિયાની વાત તરસના સંદર્ભે જોવા જેવી છે...  

ઉંબરને - બારણાંનેકે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં    
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

યુદ્ધથી જન્મેલા હાહાકારમાંથી જલદી છુટકારો મળે તો પ્રેમ વિશે કંઈ વિચારીએ. ધરાશાયી થયેલી ઇમારતો જોવાને બદલે વિનોદ રાવલ કહે છે એવી કલ્પના કરવી વધારે ઉપકારક લાગે છે...

સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?

પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં
ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?

લાસ્ટ લાઇન

નામ-સરનામું નદીને પૂછવા જેવું હતું

કોણ છે તું? લ્હેરખીને પૂછવા જેવું હતું

એકધારું કોણ દોડાદોડ કરતું રક્તમાં!

ચીસ પાડી લાગણીને પૂછવા જેવું હતું

શ્વાસથી અડકી સદા તું કેમ ચાલી જાય છે?

કોઈ બ્હાને જિંદગીને પૂછવા જેવું હતું

આદમી વીંધાય છે કે લાકડું વીંધાય છે?

સ્હેજ થોભી શારડીને પૂછવા જેવું હતું

થાય છે ચિંતા તને ઝાડની, ખગની કદી?

શ્યામલીલી ડાળખીને પૂછવા જેવું હતું

- શ્યામ ઠાકોર

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 06:59 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK