જોકે એ જપ્ત થયેલી સંપત્તિ હોવાથી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા વગર એને અમે અન્યત્ર ખસેડી શકતા નથી
APMC પોલીસ-સ્ટેશનની બહાર રાખવામાં આવેલી હાથીની વિશાળ મૂર્તિ.
નવી મુંબઈના APMC પોલીસ-સ્ટેશનમાં સામાન્ય રીતે ગુનાની ફરિયાદ લઈને આવતા લોકો, ઝઘડામાં સંકળાયેલા લોકો અથવા હાથકડી પહેરેલા આરોપીઓ જોવા મળે છે; પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં હાથીની એક વિશાળ મૂર્તિ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. પોલીસ-સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે જ વાસ્તવિક હાથીના કદ જેટલી આ મૂર્તિ રાખવામાં આવી છે જે આવતા-જતા લોકો માટે આશ્ચર્યનું કેન્દ્ર બની ગઈ છે. એ સાથે જ પોલીસ-સ્ટેશનની પાછળ એક મોટી તિજોરી પણ ધૂળ ખાઈ રહી છે જે આ સમગ્ર ઘટનાને વધુ રસપ્રદ બનાવે છે.
APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMCમાં દાગીનાનો એક ભવ્ય શોરૂમ અચાનક બંધ થઈ ગયો છે. આ દાગીનાની દુકાનના માલિકે નવી મુંબઈના ૨૧૫ જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કંપનીના સંચાલકો દુકાનને તાળું મારીને ફરાર થઈ ગયા હતા. તપાસ દરમ્યાન ઘટનાસ્થળે ખાસ કોઈ માલ મળ્યો નહોતો, પણ એક હાથીની મૂર્તિ અને મોટી તિજોરી મળી હતી જે પુરાવા તરીકે અમે જપ્ત કરી છે અને ત્યારથી એ પોલીસ-સ્ટેશનના પરિસરમાં જ રાખવામાં આવી છે. હાલમાં આ હાથીની મૂર્તિ અમારે માટે માથાનો દુખાવો બની ગઈ છે. જોકે એ જપ્ત થયેલી સંપત્તિ હોવાથી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા વગર એને અમે અન્યત્ર ખસેડી શકતા નથી.’
