Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક તરફ ડમ્પરની અડફેટે મહિલાનો જીવ ગયો અને બીજી તરફ કોઈ તેનું સ્કૂટર અને હૅન્ડબૅગ તફડાવી ગયું

એક તરફ ડમ્પરની અડફેટે મહિલાનો જીવ ગયો અને બીજી તરફ કોઈ તેનું સ્કૂટર અને હૅન્ડબૅગ તફડાવી ગયું

Published : 29 March, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનવતાને લજવતી ચેમ્બુરની ઘટના : પતિના અવસાન પછી બે નાની દીકરીઓનો સહારો હતી આ મહિલા

લક્ષ્મી નાંદગાવકરનું સ્કૂટર અને હૅન્ડબૅગ લઈ જતો યુવક CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. બૅગમાં મહિલાનો મોબાઇલ પણ હતો.

લક્ષ્મી નાંદગાવકરનું સ્કૂટર અને હૅન્ડબૅગ લઈ જતો યુવક CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. બૅગમાં મહિલાનો મોબાઇલ પણ હતો.


ચેમ્બુરના સનાતન વિદ્યાલય નજીક શુક્રવારે સાંજે થયેલા રોડ-ઍક્સિડન્ટમાં ૩૫ વર્ષની લક્ષ્મી નાંદગાવકરનું ડમ્પરની અડફેટે આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે RCF પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને ૨૧ વર્ષના ડમ્પર-ડ્રાઇવર અરમાન નિષાદની ધરપકડ કરી છે. વાશીનાકા વિસ્તારમાં બે નાની દીકરીઓ સાથે રહેતી લક્ષ્મી પરિવારનો એકમાત્ર આધાર હતી અને ઘરે-ઘરે ઑનલાઇન સામાન પહોંચાડીને જીવનનિર્વાહ ચલાવતી હતી. તેના અચાનક નિધનથી તેની બન્ને દીકરીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં દુઃખ અને ચિંતા વ્યાપ્યાં છે. બીજી તરફ અકસ્માત બાદ લક્ષ્મીને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડવાને બદલે ભેગા થયેલા લોકોમાંથી કોઈ વ્યક્તિએ તેનું ઍક્ટિવા સ્કૂટર તફડાવી લીધું હોવાનો તેમ જ તેની બૅગમાં રાખેલો મોબાઇલ પણ ચોરાઈ ગયો હોવાનો દાવો લક્ષ્મીની બહેન મીનાક્ષી લાંડગેએ કર્યો છે. જોકે લક્ષ્મીનું સ્કૂટર અને હૅન્ડબૅગ લઈ જતો યુવક CCTV કૅમેરામાં કેદ થઈ ગયો છે.

ચાર વર્ષ પહેલાં લક્ષ્મીના પતિના અવસાન બાદ બે નાની દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે પતિનું ટૂ-વ્હીલર ચલાવવાનું શીખી અને ઑનલાઇન ઑર્ડર મુજબ ઘરે-ઘરે સામાન પહોંચાડવાનું કામ કરતી હતી એમ જણાવતાં મીનાક્ષી લાંડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૬ વાગ્યે બન્ને બાળકીઓને ઘરે મૂકીને તે સ્કૂટર પર ડિલિવરી માટે નીકળી હતી. એ દરમ્યાન ચેમ્બુરના સનાતન વિદ્યાલય નજીક પાછળથી આવતા એક ડમ્પરે તેના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી જેમાં લક્ષ્મી સ્કૂટર પરથી સંતુલન ગુમાવીને જમીન પર પટકાઈ હતી. આ ઘટનામાં તેના માથામાં માર વાગતાં તે બેભાન થઈ ગઈ હતી. એ પછી ભેગા થયેલા લોકો તેને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.’
સ્કૂટર-મોબાઇલ ચોરાઈ ગયાં



મીનાક્ષી લાંડગેએ કહ્યું હતું કે ‘અકસ્માત થયો હોવાની જાણ થતાં અમે હૉસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાં લક્ષ્મીનું મૃત્યુ થયું હોવાની માહિતી મળતાં તેનો ઍક્સિડન્ટ કઈ રીતે થયો એ જોવા માટે અમે જ્યારે ઘટનાસ્થળે ગયાં ત્યારે લક્ષ્મીનું સ્કૂટર કે મોબાઇલ મળ્યાં નહોતાં. અમને માહિતી મળી હતી કે તેને મદદ કરવા ભેગા થયેલા લોકોમાંથી કોઈ વ્યક્તિ તેનું સ્કૂટર સાઇડમાં પાર્ક કરવાના બહાને ચોરી ગયું હતું અને મોબાઇલ પણ ચોરાઈ ગયો હતો.’


શું કહેવું છે પોલીસનું?

RCF પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત બાદ અમે ડમ્પર-ડ્રાઇવર અરમાન નિષાદની ધરપકડ કરી છે. અકસ્માત કઈ રીતે થયો એ જાણવા વધુ તપાસ કરી રહ્યા છીએ. મહિલાનું સ્કૂટર અને મોબાઇલ શોધવાની કોશિશ પણ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK