ભારતીય સમાજ માટે આ એક મોટો બદલાવ છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સમાજ માટે આ એક મોટો બદલાવ છે. બદલાવ એ સંસારનો નિયમ ભલે રહ્યો, પરંતુ બદલાવ એક અતિ જટિલ પ્રક્રિયા છે. આ બદલાવની જટિલતા એ છે કે સ્ત્રીઓ પર કામનો ભાર તેમની ક્ષમતાથી દસગણો વધી ગયો છે અને પુરુષોમાં અસુરક્ષાની ભાવના વધતાં સ્ત્રી વિરુદ્ધના ગુનામાં વધારો થતો જઈ રહ્યો છે.
સ્કૂલની પિકનિક દરેક બાળકનું સપનું હોય છે, પણ અમારી સ્કૂલ એવી હતી કે એમાં પિકનિક પર લઈ જ ન જતા. છેક દસમા ધોરણમાં અમારા ક્લાસ-ટીચરની મહેરબાનીથી અમે પહેલી વખત પિકનિક પર જવાના હતા. લેખિતમાં પેરન્ટ્સની પરવાનગી માગી હતી. હું ઘરે ગઈ. મેં મમ્મીને કહ્યું તો તે મારાથી પણ વધુ ખુશ હતી કે ફાઇનલી સ્કૂલવાળા પિકનિક પર લઈ જાય છે. સાંજે ડૅડી ઘરે આવ્યા ત્યારે તેમને પણ કહ્યું તો તે પણ ખુશ થયા. બીજા દિવસે હું સ્કૂલમાં ગઈ. મોટા ભાગે બધાના કૅલેન્ડરમાં તેમના પપ્પાની સાઇન હતી, મારા કૅલેન્ડરમાં મમ્મીની. અમુક છોકરીઓ હાશકારો અનુભવતી હતી કે સારું થયું તેમના પપ્પા માની ગયા. ૬૩ જણના ક્લાસમાંથી લગભગ પચીસ છોકરીઓ એવી હતી જેમના પપ્પાએ તેમને પિકનિક પર જવાની ‘ના’ પાડી હતી. અમુક તો ક્લાસમાં રડી પણ પડી. એમાંથી એકને મેં કહ્યું હતું કે પપ્પા નથી માનતા તો મમ્મીને પૂછી જોવું હતુંને. તેણે કહ્યું કે મમ્મી તો તૈયાર છે મોકલવા, પણ પૈસા તો પપ્પા પાસેથી લેવાનાને. એ સમયે હું એટલી સમજદાર હતી કે સમજી શકું કે આ બધાનાં ઘરોમાં અને મારા ઘરમાં ફરક છે, પણ એ ફરક કેમ છે એ હું ઘણું મોડેથી સમજી શકી કે મમ્મી તેના નિર્ણયો ખુદ લઈ શકતી હતી, કારણ કે તે આત્મનિર્ભર હતી. શિક્ષક તરીકે તે ડૅડી કરતાં ભલે ઓછું કમાતી હતી, પણ બાળકને પિકનિક પર જવા દેવું કે નહીં એનો નિર્ણય તે ખુદ કરી શકતી હતી.
ADVERTISEMENT
સમાજ ઘણીબધી કન્ડિશનિંગ સાથે જીવતો હોય છે. આપણે ત્યાં પૈસા કમાઈને લાવે તે વ્યક્તિ વર્ષોથી ઊંચી જ રહી છે અને સત્તા હંમેશાં તેના જ હાથમાં હોય. ઘરના નાનાથી માંડીને મોટા નિર્ણયો તે જ કરતી હોય. બધાએ તેમની ઇચ્છા પ્રમાણે જ વર્તવાનું હોય. જૂના સમયમાં સ્ત્રી કમાતી નહોતી એટલે પુરુષો પાસે સત્તા હતી. આજની તારીખે સ્ત્રી કમાય છે એટલે એ સત્તા વહેંચાવાની શક્યતા ઊભી થઈ છે. પ્રભુત્વ એ પુરુષની જરૂરિયાત છે જે જરૂરિયાતને વર્ષોથી સીંચવામાં આવી છે. જોકે હું ૧૪ વર્ષની હતી ત્યારથી લઈને આજે મારી દીકરી ૧૪ વર્ષની છે ત્યાં સુધીમાં ઘણા બદલાવ આવી ગયા છે. શહેરોમાં ભલે દેખાય કે કેટલી બધી વર્કિંગ વુમન છે, પણ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૨૩-’૨૪ના આંકડાઓ મુજબ શહેરોમાં ૨૫.૨ ટકા સ્ત્રીઓ કામ કરે છે અને કમાય છે. ગામડાંમાં ખેતીકામ અને એની જરૂરિયાતને લીધે સ્ત્રીઓ મજૂરીકામમાં સહભાગી બનતી હોય છે. એમાં તેમની ખુદની આવક છે કે નહીં એ એક જુદો પ્રશ્ન છે, પણ તેમની સંખ્યા ભેળવીને કહી શકાય કે ભારતમાં કુલ ૪૧.૭ ટકા સ્ત્રીઓ કામકાજી છે. મિનિસ્ટ્રી ઑફ લેબર અને એમ્પ્લૉયમેન્ટ ઇચ્છે છે કે ૨૦૩૦ સુધીમાં પંચાવન ટકા સ્ત્રીઓ કામકાજી બની જાય. એના માટેના જુદા પ્રયત્નો ચાલુ છે. અત્યારે દેશની ૬૦ ટકા સ્ત્રીઓ દેશની ઇકૉનૉમીનો ભાગ નથી જે આજના સમયમાં દુનિયા સામે ટકી રહેવા માટે પોસાય એવી બાબત તો નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે બદલાવ આવ્યા એમાં ઘરરખ્ખુ વહુ જ જોઈએની ડિમાન્ડ હવે અમને તો કમાઉ વહુ જ જોઈએમાં પરિણમી ગઈ છે જે સમાજ તરીકે એક મોટો બદલાવ છે. આ બદલાવના પગલે સ્ત્રીઓની નોકરીઓ અને તેમની આર્થિક સ્વતંત્રતા સ્વીકારવાની શરૂઆત થઈ છે, પરંતુ તેમના પ્રત્યે જે ઘરરખ્ખુ જવાબદારીઓની અપેક્ષાઓ છે એ તો હજી ત્યાં ને ત્યાં જ છે. એક તરફ લાગે છે કે આ બદલાવ સ્ત્રીલક્ષી છે, પણ સ્ત્રીઓ માટે પણ ઘરનાં કામ અને બહારનાં કામ બધું જ એકસાથે સંભાળવું સરળ તો નથી. તે પણ ભયંકર ખેંચાઈ રહી છે, તેની ક્ષમતા કરતાં દસગણું કામ કરી રહી છે અને છતાં ‘આ નથી કરી શકતી અને પેલું રહી ગયું’ના ગિલ્ટ હેઠળ તે દબાઈ રહી છે અને આ ખેંચતાણ વચ્ચે સર્વાઇવ કરી શકે એ માટે સતત સ્ટ્રગલ કરી રહી છે. સ્ત્રીઓ માટે આ સહેલું નથી, પણ તેમને ખબર છે કે પોતાનાં સપનાં પૂરાં કરવા, પોતાની ઓળખ ઊભી કરવા, પોતાના સ્વમાન ખાતર તેણે ખેંચાઈ રહેવું પડે તો પણ કરવાનું જ છે એટલે તેનાથી બનતા પ્રયત્ને તે બધું જ કરી રહી છે.
બીજા પક્ષે પુરુષો માટે પણ આ બદલાવથી જૂઝવું સરળ લાગતું નથી. બદલાવ એ સંસારનો નિયમ ભલે રહ્યો, પરંતુ બદલાવ એક અતિ જટિલ પ્રક્રિયા છે. એને લીધે સમાજની અંદર પણ જે બદલાવ આવી રહ્યા છે એની પોતાની જટિલતાઓ છે. સ્ત્રીને પોતાના કરતાં આગળ નીકળતી જોવી પુરુષો માટે સહજ નથી હોતું. એ જે ઉત્પાત છે એ કોઈ ને કોઈ રીતે બહાર આવે છે. ક્લાસમાં સૌથી ઠોઠ છોકરાઓ ક્લાસની ટૉપર છોકરીને રંજાડતા હોય છે. આ લગભગ દરેક સ્કૂલનો કિસ્સો છે. ટપરી પર નવરા બેકાર બેઠેલા છોકરાઓ કામે જતી કે કૉલેજમાં જતી છોકરીઓની છેડતી કરે છે એના મૂળમાં આ જ ઉત્પાત હોય છે. સ્ત્રીઓની છેડતીથી માંડીને ઘરેલુ હિંસા સુધી પુરુષો દ્વારા સ્ત્રીને થતા અન્યાયના મૂળમાં આ ઉત્પાત રહેલો છે. સ્ત્રીની સફળતામાં તેને પોતાની નિષ્ફળતા પ્રતીત થતી હોય છે. તે પોતાને સમજાવે છે, કન્ટ્રોલ કરવાની કોશિશ પણ કરે છે; પરંતુ જ્યારે તે નથી કરી શકતો ત્યારે સમાજમાં આ તકલીફો જોવા મળે છે. ૨૦૧૪થી ૨૦૨૨ સુધીમાં સ્ત્રીવિરોધી ગુનાઓમાં ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. સ્ત્રી વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે જે દર્શાવે છે કે પુરુષોનો ઉત્પાત પણ વધી રહ્યો છે.
સ્ત્રીસશક્તીકરણના નામે જે બદલાવ આવી રહ્યો છે એમાં જે રીતે ઘરના દરેક નિર્ણયમાં પુરુષ સ્ત્રીને સામેલ કરવા લાગ્યો છે, જીવનના દરેક વળાંકમાં તે તેની સાથે ઊભો રહે છે, ઘરનાં કામ કે બાળકના ઉછેરમાં પણ રસ લેવા લાગ્યો છે એ જોઈને એક આશા તો છે કે કમાતી સ્ત્રી કે તેની સફળતાને તે પોતે મોકળા મને સ્વીકારવાની પૂરતી કોશિશ કરી રહ્યો છે. જોકે સત્ય એ પણ છે કે સામાજિક બદલાવ ખૂબ જ ધીમા હોય છે કારણ કે રાતોરાત દુનિયા બદલી નથી જતી, રાતોરાત માનસિકતા બદલાતી નથી. તો બધું બદલશે ખરું, પણ સમય તો લાગશે.
