40 વર્ષીય વિશાલ સાળવીએ પોતે જ પોલીસ સ્ટેશન જઈને તેની 39 વર્ષીય પત્ની શિલ્પા સાળવી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં પતિ જ પત્નીનો હત્યારો હોવાનું બહાર આવ્યું. દીકરા દીકરીને ખબર જ નહીં કે પિતા હત્યારો છે, ચિઠ્ઠીમાં કડી મળી.
તસવીર સોશ્યલ મીડિયા - ડાબે મૃતક શિલ્પા, ઇન્સેટમાં પતિ વિશાલ અને સિમેન્ટના લેયર વાળી પેટી જમણે
સુરતમાંથી એક ચોંકાવનારી ગુનાહિત ઘટના સામે આવી છે, જેમાં ગુમ થયેલી પત્નીની શોધખોળ આખરે હત્યાના કેસમાં પરિણમી છે. 40 વર્ષીય વિશાલ સાળવીએ પોતે જ પોલીસ સ્ટેશન જઈને તેની 39 વર્ષીય પત્ની શિલ્પા સાળવી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં પતિ જ પત્નીનો હત્યારો હોવાનું બહાર આવ્યું છે.
સગીર પુત્રની નોંધ અને ચોંકાવનારો ઘટસ્ફોટ
ADVERTISEMENT
શિલ્પા સાળવી વ્યવસાયે ડાયેટિશિયન હતી. વિશાલે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની ચાર દિવસથી ગુમ છે. શરૂઆતમાં પોલીસે આને સામાન્ય ગુમશુદગીનો કેસ ગણી તપાસ હાથ ધરી હતી, પરંતુ વિશાલના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓને કારણે પોલીસને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને દંપતીના સગીર પુત્ર પાસેથી એક હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી વિશાલે પોતે લખી હતી, જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તેનાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે અને શિલ્પા હવે જીવિત નથી. આ એક કબૂલાતનામા જેવી નોંધ મળતા જ પોલીસે તપાસની દિશા બદલી નાખી હતી.
બંધ મકાન અને લાકડાની પેટીનું રહસ્ય
સુરત પોલીસે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિશાલના એક જૂના અને બંધ મકાન પર દરોડો પાડ્યો હતો. મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ તીવ્ર દુર્ગંધ આવી હતી. તપાસ કરતા ખૂણામાં રાખેલી એક મોટી લાકડાની પેટી મળી આવી હતી. જ્યારે પેટી ખોલવામાં આવી ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી; અંદર શિલ્પાનો કોહવાયેલો મૃતદેહ હતો, જેને છુપાવવા માટે તેના પર કાચો સિમેન્ટ નાખવામાં આવ્યો હતો.
હત્યા પાછળનું કારણ
પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા ફરિયાદ નોંધાવ્યાના 4-5 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી કાનન દેસાઈના જણાવ્યા અનુસાર, દંપતી વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. એવી પણ શંકા સેવાઈ રહી છે કે વિશાલને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેણે આ ક્રૂર કૃત્ય આચર્યું હતું. હાલમાં આરોપી વિશાલ સાળવી ફરાર છે. સુરત પોલીસની અલગ-અલગ ટીમો CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શિલ્પાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘૃણાસ્પદ ગુનામાં શિલ્પા અને વિશાલના બે માસૂમ બાળકો, 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારાની હાલત કફોડી છે. જે પિતા સાથે તેઓ પાંચ દિવસથી એક જ છત નીચે રહેતા હતા, તેમને ખ્યાલ પણ નહોતો કે તેમના પિતાએ જે તેમની માની હત્યા કરી તેને પેટીમાં પૂરી દીધી છે. હવે આ બાળકોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. સુરતના ગોડાદરા વિસ્તારની પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લઈને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ આને એક સુનિયોજિત કાવતરું માની રહી છે અને ફરાર આરોપી વિશાલને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.
