Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ ઘરબાર આપણાં

આ ઘરબાર આપણાં

Published : 28 June, 2026 08:41 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

અહીં સમયને સમજી લેવો જોઈએ. ગઈ કાલે જે સમય એવો ધીંગો હતો કે આ કુટુંબપ્રથા વચ્ચે કોઈ નાનીસૂની દોરી કે સૂતળી જ નહોતી, જોતાંવેંત સમજાય પણ નહીં એવા રાંઢવા બંધાયેલા હતા. એક કુટુંબમાં બબ્બે અને ત્રણ-ત્રણ પેઢી સુધી સૌ સાથે રહેતા.

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


સમાજવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં વધતા ઓછા અંશે એક યા બીજી રીતે કુટુંબપ્રથાને આભારી છે એનો ઇનકાર થઈ શકે એમ નથી. એવું બન્યું છે કે કુટુંબપ્રથાનું મહોરું જુદા-જુદા પ્રદેશમાં અને જુદા-જુદા સમયે જુદું-જુદું હોઈ શકે. હમણાં જ એક મિત્રે આ કુટુંબપ્રથા વિશે વાત કરતાં કહ્યું કે અમેરિકાની એક યુનિવર્સિટીમાં ઍડ્મિશન ફૉર્મ ભરતી વખતે તે વિદ્યાર્થીનું નામ, બીજી વિગતો અને સાથે Father’s name કે Mother’s name સાથે first કે second એવો શબ્દ પણ ઉમેરાયો છે. અમેરિકામાં વિદ્યાર્થીએ યુનિવર્સિટીને જાણ કરવી પડે છે કે પિતા કેટલા હતા અને માતા કેટલી છે. આપણને આ શબ્દો વાંચતાંવેંત એક આંચકો જ લાગે. અમેરિકાની આ કૉલેજોમાં કે યુનિવર્સિટીઓમાં આવું હોવું સાવ સહજ લાગે. વિદ્યાર્થીઓ પણ એની ચર્ચા કરે. બબ્બે કે ત્રણ-ત્રણ પિતા કે માતાવાળાં આ રહેઠાણો સુધ્ધાં કુટુંબ કહેવાય છે. આમ કુટુંબ વિશે માત્ર સાથે રહેવું એટલો જ ભાવ છે કે પછી કુટુંબ એટલે બીજો કોઈ ચોક્કસ અર્થ હશે.

વ્યવહારમાં જોઈએ તો કુટુંબનું હોવું કદાચ સંરક્ષણ માટે જ થયું હોય એ બનવાજોગ છે. માણસ એકલો રહેતો હોય એ ઉપરાંત અહીં જૈવિક જરૂરિયાત પણ હોય એમાંથી સંઘર્ષની જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું નિવારણ કરવા માટે આ સાથે રહેવાનો સુઝકો પડ્યો હોય. આ માટે વાત-વાતમાં પુરુષને જ ધ્યાનમાં લેવો જરૂરી નથી. આ બધી જરૂરિયાતો સ્ત્રીવર્ગને પણ એટલી જ બળૂકી હોય છે. જોકે આમ છતાં બળકટ વૃત્તિઓ જે રીતે પુરુષ દ્વારા વ્યક્ત થાય છે એ રીતે સ્ત્રી દ્વારા વ્યક્ત થતી નથી.



કુટુંબની સાથે રહેવાની મૂળભૂત જરૂરિયાત એ એની રચનાનો પાયો છે. સાથે રહેવાથી એક પ્રકારની આંતરિક વૃત્તિઓ ભેળસેળ થાય છે, ગમોઅણગમો થાય છે, સાથે હોવાની એક સહજ લાગણી પણ કદાચ થાય છે. આ બધું નથી ગમતું એમ નહીં, પણ સહજભાવે પ્રગટ્યા પછી એ એટલું ને એવું જ ટકે છે ખરું? આજે આપણી વચ્ચે જે પરિવારો છે એ પરિવારોના રોજિંદા જીવન તરફ નજર કરીએ અને એ સાથે જ તેમની વચ્ચે જે વ્યવહારનું બંધન નજરે પડે છે એ આ મૂળભૂત વૃત્તિ સાથે એકરૂપ થતું લાગે છે?


જનજીવન અને કુટુંબજીવન

કેન્દ્રીય સમાજજીવન ક્રમશઃ પરિવર્તિત થતી ક્રિયા છે. સાથે રહેવાથી જે સંતોષ મળતો હોય એનો આનંદ પણ હોય, પણ આ આનંદ અને સંતોષ બન્નેનું એકીકરણ એવું ને એવું જળવાઈ રહેતું નથી. અહીં પ્રેમ શબ્દને સહેજ ઊંડા ઊતરીને સમજવા જેવો છે. આપણે જેને કુટુંબ કહીએ છીએ એ કુટુંબવ્યવસ્થામાં સાથે રહેતા સૌકોઈ વચ્ચે પ્રેમ નામનું તત્ત્વ હોય છે ખરું? પ્રેમ આપણને ગમે છે. પ્રેમ નામની લાગણીના ઉછેર સાથે આપણી વચ્ચે એક કુદરતી સત્ત્વ જ એવું પેદા થાય છે કે એના વિશે વધુ ને વધુ વાત કરવી આપણને ગમવા લાગે. જોકે વખત જતાં આ ગમો સહજ કે સ્વાભાવિક નથી રહેતો અને એમાં કશું ‘હું’ નામનું એક વિશેષ તત્ત્વ બળકટ બની જાય છે. આવું બનેલું અનુભવી શકાય છે પણ તત્કાળ જોઈ શકાતું નથી અને જે જોઈ શકાતું નથી એના વિશે આપણે સૌ માણસ સાવ અજાણ હોઈએ એમ આગળ ને આગળ વધતા જઈએ છીએ. આ આગળ વધવું ખોટું નથી, સારું છે અને સાચું પણ છે; પણ જાણે એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં એવું માનીને આપણે સમયની સાથે વહેતા જઈએ છીએ.


અહીં સમયને સમજી લેવો જોઈએ. ગઈ કાલે જે સમય એવો ધીંગો હતો કે આ કુટુંબપ્રથા વચ્ચે કોઈ નાનીસૂની દોરી કે સૂતળી જ નહોતી, જોતાંવેંત સમજાય પણ નહીં એવા રાંઢવા બંધાયેલા હતા. એક કુટુંબમાં બબ્બે અને ત્રણ-ત્રણ પેઢી સુધી સૌ સાથે રહેતા. સૌની પાસે ઘર હતું અને પરસ્પર સાથે રહી શકવા જેટલી સહનશીલતા પણ હતી. કોઈને કોઈથી અજાણ્યું નહોતું લાગતું. જ્યાં એવું લાગતું ત્યાં એનું દર્શન નહોતું થતું. આ દર્શન નહોતું થતું એનો અર્થ દંભી જીવન એવો થતો નહીં. આ તો આમ જ હોય એવી સહજતાથી સૌ જીવી જતા હતા અને આ રીતે જે જીવાતું એમાં કોઈક પ્રકારની મીઠાશ પણ સેળભેળ થઈ જતી.

વેકેશનની રજાઓ યાદ કરો

પચાસ વર્ષ પહેલાં તમે જ્યારે કિશોરાવસ્થામાં હશો ત્યારે વેકેશનની જે રજાઓ પડતી એને યાદ કરો. કાકા, મામા, માસી, ફઈ આ બધા સગપણ વચ્ચે એવી ગાંઠ વળેલી હતી કે રજાઓમાં આ બધાનાં સંતાનો એકબીજાના ઘરે જતાં. આ રજાઓ ક્યારે આવે એની રાહ પણ જોવાતી. કાકા-મામાનાં ઘર આપણાં પોતાનાં જ કહેવાય. આજે કોને કેટલા કાકા કે મામા છે એનીયે સાંભરણ કદાચ નથી. એક જ ઘરમાં રહેતા બે ભાઈઓ વચ્ચે પણ ક્યાંક એકબીજાથી દૂરી નજરે પડે છે. કુટુંબમાં ભાઈ-બહેનો વચ્ચે એકત્વ ન હોય એ જોઈ કે સમજી શકાય, પણ પતિ-પત્ની વચ્ચે જે દૂરત્વ હોય છે એ દેખાયા વિના રહેતું નથી. આમ હોવાથી કુટુંબમાં રહેતા દરેક માણસ માટે ઘર એ એક સરનામું બની ગયું છે. સરનામું મટી જઈને એ ઘર બને ત્યારે સાચા અર્થમાં એ કુટુંબ બનશે.

આ બધું આમ અને આ બધું તેમ

માણસને જીવવું છે. માત્ર માણસમાં જ નહીં, પશુઓમાં પણ એક જાતની કુટુંબવ્યવસ્થા પ્રચલિત છે. આ સમજણ સાથે જીવવા માટેની છે અને સાથે જીવવું એટલે સમૃદ્ધ જીવવું એવો અર્થ કરી શકીએ. માણસ આ સમૃદ્ધિ તરફ આગળ વધતો જાય, કુટુંબ સમૂહજીવન બનતું જાય અને પરસ્પર ઓળખી ન શકાય એવી મહત્તા સાથે જીવતર આગળ વધતું જાય એવી કુટુંબપ્રથાની આપણે અપેક્ષા કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 08:41 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK