ઇથિયોપિયન ઍરલાઇન્સના વિમાનમાં ટ્રાન્ઝિટ દરમ્યાન બાળકીએ દમ તોડ્યો
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદમાં કૅન્સરની સારવાર કરાવવા માટે ભારત આવી રહેલી ઇથિયોપિયાની ૧૩ વર્ષની એક માસૂમ બાળકીનું ચાલુ ફ્લાઇટમાં જ કરુણ મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકી છેલ્લાં ત્રણ વર્ષથી કૅન્સર સામે જંગ લડી રહી હતી. શનિવારે રાત્રે આશરે ૧ વાગ્યે ઇથિયોપિયન ઍરલાઇન્સનું વિમાન રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયું એ પહેલાં જ અધવચ્ચે ટ્રાન્ઝિટ દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્લેન લૅન્ડ થતાં જ તેને તાત્કાલિક ઍરપોર્ટની મેડિકલ ફેસિલિટીમાં ખસેડાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ટેક-ઑફ પહેલાં પ્રવાસીનું મોત
ADVERTISEMENT
આવી જ અન્ય એક તબીબી કટોકટીની ઘટનામાં અબુ ધાબીથી બૅન્ગલોર આવી રહેલી ફ્લાઇટમાં ટેક-ઑફ પહેલાં કેરલમના ૫૧ વર્ષના પ્રવાસી યુસુફ કુન્હામ્મુનું મોત નીપજ્યું હતું. વિમાન ઊપડે એ પહેલાં જ તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. કૅબિન ક્રૂએ તાત્કાલિક પેરામેડિક્સની મદદ બોલાવી તેમને હૉસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હૉસ્પિટલ પહોંચતાં જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
