હવે આજે જો કોઈ એમ પૂછે કે ૨૦૨૫ની અજાયબીઓનાં નામ આપો તો તમે ૨૦૨૫ની કઈ ઘટનાઓ કે ઇમારતોની અજાયબી તરીકે મુલવણી કરશો? આજે હવે અજાયબીઓનાં ધોરણો બદલાઈ ગયાં છે. ગઈ કાલે તમે જેને અજાયબી કહેતા હતા એ આજે અજાયબી નહીં પણ સાવ સામાન્ય ઘટના બની ગઈ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પચાસ કે સાઠ વર્ષ પહેલાં માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં અમને એક પ્રશ્ન પૂછવામાં આવતો. આ પ્રશ્ન આ પ્રમાણે હતો : જગતની ૭ અજાયબીઓનાં નામ આપો. અમને ૭ અજાયબીઓ ભણાવવામાં આવતી. આ સાતમાં ભારતવર્ષનો તાજમહલ પણ હતો. જોકે અજાયબીઓ તો જેમ જગત ફરતું રહે એમ ફરતી રહે છે. આગળ જતાં તાજમહલને અજાયબીનું સ્થાન આપવામાં નહોતું આવ્યું. હવે અજાયબીઓ બદલાઈ ગઈ. જે તાજમહલ જોતાંવેંત આંખ ફાટી જતી એ તાજમહલ આગળ જતાં સર્વસામાન્ય ઇમારત બની ગઈ.
હવે આજે જો કોઈ એમ પૂછે કે ૨૦૨૫ની અજાયબીઓનાં નામ આપો તો તમે ૨૦૨૫ની કઈ ઘટનાઓ કે ઇમારતોની અજાયબી તરીકે મુલવણી કરશો? આજે હવે અજાયબીઓનાં ધોરણો બદલાઈ ગયાં છે. ગઈ કાલે તમે જેને અજાયબી કહેતા હતા એ આજે અજાયબી નહીં પણ સાવ સામાન્ય ઘટના બની ગઈ છે. ભારતવર્ષની ૨૦૨૫ની સાલની ૭ તો નહીં પણ અદ્ભુત કહી શકાય એવી બે ઘટના આજે યાદ કરીએ. આ ઘટનાઓ તમારાથી અજાણી તો નહીં જ હોય અને છતાં એને યાદ કરવી મુશ્કેલ પણ થશે.
ADVERTISEMENT
આપણે આપણને પોતાને ન્યાયપ્રિય પ્રજા તરીકે ઓળખીએ છીએ. આ ન્યાયપ્રિય પ્રજાની અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ વર્માસાહેબને તમારે યાદ કરવા પડશે. વર્માસાહેબ ચીફ જસ્ટિસ તરીકે કેટલાં વર્ષોથી ન્યાય આપતા હશે એ તો તે જ જાણે, પણ બન્યું એવું કે એક દિવસ વર્માસાહેબ હાઈ કોર્ટમાં ન્યાય તોળી રહ્યા હતા ત્યારે તેમના જ સરકારી નિવાસસ્થાનમાં લાખો-કરોડો રૂપિયાની ચલણી નોટોનાં બંડલો ઢગલાબંધ મળી આવ્યાં. આ કેવી રીતે બન્યું એ તો કોણ જાણે, પણ કહે છે કે ઘરના એક ખૂણે અચાનક આગ લાગી અને આગને કારણે બંબાવાળા દોડી આવ્યા. આ બંબાવાળાઓએ લાખો રૂપિયાની અડધી બળેલી ચલણી નોટો બચાવી તો લીધી, પણ એ ચલણી નોટો કોની છે અને ક્યાંથી આવી છે એની કોઈને જાણ થઈ નહીં. ઘર વર્માસાહેબનું નિવાસસ્થાન હતું છતાં વર્માસાહેબે હાથ ઊંચા કરીને કહી દીધું કે એ નોટો વિશે મને કંઈ ખબર નથી, એ નોટો મારી નથી. હવે જુઓ, તમારા ખિસ્સામાંથી પેન્સિલનો એક નાનકડો ટુકડો સુધ્ધાં મળે તો એની જવાબદારી તમારી. અહીં કરોડો રૂપિયા મળવા છતાં વર્માસાહેબે હાથ ઊંચા કર્યા. આ નોટો તેમના જ ઘરમાંથી અને એ પણ સરકારી નિવાસસ્થાનમાંથી મળી હોવા છતાં વર્માસાહેબે હાથ ઊંચા કરીને તાળીઓ વગાડી અને ન્યાયપ્રિય સરકારે, એના કાયદાએ એ તાળીઓ ઉપર વધુ તાળીઓ પાડી : જાઓ વર્માસાહેબ... તમે છુટ્ટા... વર્માસાહેબને મુશ્કેટાટ પકડીને આ સવાલનો જવાબ મેળવવાને બદલે તેમની નોકરી અને પગાર અને હોદ્દો પણ ચાલુ રહે એટલા માટે તેમની અલાહાબાદથી દિલ્હી બદલી કરી આપી. બદલી કરી દેવાથી અપરાધ માફ નથી થઈ જતો. આ પાયાનું સત્ય વર્માસાહેબ તો સમજતા જ હોય, આખો દેશ પણ સમજે છે.
આમાં અજાયબી શોધો
દિલ્હી હાઈ કોર્ટમાં વર્માસાહેબ ખાધું, પીધું અને રાજ કરતા હતા ત્યાં એકાએક સંસદમાં કોઈક પ્રશ્ન પૂછી બેઠું. સરકાર પાસે આ ઘટનાનો જવાબ માગવામાં આવ્યો. સરકારે ૩ સભ્યોની એક સમિતિ નિયુક્ત કરી. આ કિસ્સાની તપાસ કરવા સંમતિ આપી અને આ સમિતિના પ્રમુખ તરીકે મુંબઈ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસને કામગીરી સોંપવામાં આવી. પણ કામ કંઈ થયું નહીં. વર્માસાહેબે પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું એટલે અત્યાર સુધીનો તેમનો પગાર, પેન્શન અને અન્ય સરકારી લાભો એમ ને એમ અકબંધ રહ્યાં. સરકારી નોકરીઓનો કયો કાયદો હશે એ તો રામ જાણે, પણ વર્માસાહેબે રાજીનામું આપ્યું એ સાચું. હવે તપાસ બંધ. પેલી સમિતિએ સંસદને કહી દીધું કે રાજીનામું આપ્યા પછી કંઈ થાય નહીં. પત્યું. કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? હિન્દુસ્તાનની ૨૦૨૫ની ૭ અજાયબીઓ પૈકીની આને સૌથી મોટી અજાયબી કહીશું કે નહીં?
હવે આ બીજી અજાયબી
ભારતીય સંસદમાં સ્પીકર હોવું એ સૌથી ઊંચો હોદ્દો ગણાય છે. સભાપતિને ઉપરાષ્ટ્રપતિપદનું સન્માન પણ મળે છે. ઓમ બિરલા નામના સજ્જન આ હોદ્દો ધરાવતા હતા. તેમણે સાંજ સુધી સંસદ ચલાવી. મોડી સાંજે સંસદના દરવાજા બંધ કરીને રોજની જેમ ઘરભેગા થયા, પણ ઘરભેગા થયા પછી તરત જ એક-બે કલાકમાં તેમણે પોતાના હોદ્દાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું. આવો સરસ હોદ્દો, આવું સરસ માનપાન, ઢગલાબંધ રૂપિયા બધું મળવા છતાં અચાનક તેમણે રાજીનામું કેમ આપ્યું એની કોઈને જાણ નથી. રાજીનામાની સાંજે તો તમણે પૂરેપૂરી કામગીરી કરી હતી. રાજીનામું આપવા માટેનાં કોઈ કારણો પણ સરકારે એમને પૂછ્યાં નહીં અને પૂછ્યાં હોય તો આપણને કોઈએ કહ્યાં નહીં. આ બિરલાસાહેબે રાજીનામું આપીને બીજા જ દિવસે પોતાના પેન્શનના આંકડા માંડ્યા અને સરકારને કહ્યું કે પોતે રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા, પછી સંસદસભ્ય થયા, પછી સભાપતિ થયા. આ બધા આંકડાઓનો સરવાળો કરીને તેમને મહિને ૩ લાખ રૂપિયાનું પેન્શન મળવું જોઈએ. આ સભાપતિ શું એટલું નહોતા જાણતા કે હિન્દુસ્તાનમાં ૩ લાખ કોણ મેળવે છે અને ક્યાંથી મેળવે છે? આ પછી શું થયું એ રામ જાણે. તેમના રાજીનામાનાં કારણો વિશે પણ કોઈએ પૂછપરછ કરી નહીં. કોઈ સરકારી નોકરને આગલા-પાછલા બધા હિસાબ-કિતાબનું પેન્શન ચૂકવવું પડે એ વાત જો સાચી હોય તો લાખો સરકારી નોકરો લાઇનબંધ ઊભા રહી જાય એમ છે. હવે જે થાય એ ખરું. સરકારે આપણને માહિતી આપી નથી, પણ જો બિરલાસાહેબને ૩ લાખ મળવાનું ચાલુ થઈ ગયું હોય તો આને ૨૦૨૫ સાલની ભારતની મોટી અજાયબી ન કહેવાય?
અજાયબીઓનો અંત નથી
આ બે નાનકડી વાત અજાયબીઓના નમૂના છે. બનવાજોગ છે કે આવી જ બીજી કેટલીયે અજાયબીઓ ચારેય બાજુ વેરાયેલી પડી હોય. એને એકઠી કરવાનું આપણું ગજું નથી. ધન્ય વર્માસાહેબ અને ધન્ય બિરલાસાહેબ. સરકારને ધન્ય કહેવાય કે નહીં એનું માપ કાઢવું ભારે અઘરું છે. સૌને જયજયકાર. બીજું શું?
