Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૦ બાળકોને કાળોતરા નાગથી બચાવનારી કાલી શ્વાનને આખા ગામે આપી વિદાય

૩૦ બાળકોને કાળોતરા નાગથી બચાવનારી કાલી શ્વાનને આખા ગામે આપી વિદાય

Published : 26 April, 2026 12:06 PM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધિરાકુળાનાં બાળકો માટે કાલી હવે માત્ર કૂતરી નથી, દેવદૂત બની ગઈ છે.

સેંકડો લોકો અશ્રુભીની આંખે શોભાયાત્રામાં જોડાયા અને પરંપરાગત વિધિવિધાન સાથે એને દફનાવવામાં આવી.

અજબ ગજબ

સેંકડો લોકો અશ્રુભીની આંખે શોભાયાત્રામાં જોડાયા અને પરંપરાગત વિધિવિધાન સાથે એને દફનાવવામાં આવી.


ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ઉડાલા બ્લૉકમાં આવેલા ધિરાકુળા ગામમાં સોમવારે સવારે એક એવી ઘટના બની જેણે આખા ગામને હચમચાવી દીધું. શ્રી જગન્નાથ શિશુ વિદ્યામંદિર સ્કૂલની બહાર ત્રીસથી વધુ બાળકો રમી રહ્યાં હતાં ત્યારે અચાનક એક ઝેરી સાપ બાળકો તરફ આગળ વધ્યો. શિક્ષકો અને વાલીઓ કંઈ સમજે એ પહેલાં જ શેરીઓમાં ફરતી કાલી નામની એક કૂતરીએ ખતરો પારખી લીધો. પોતાના જીવની પરવા કર્યા વિના કાલી બાળકો અને સાપ વચ્ચે દીવાલ બનીને ઊભી રહી ગઈ.

સાપ સાથે કાલીની જીવસટોસટની લડાઈ શરૂ થઈ. સાપે એને મોં અને ચહેરા પર વારંવાર ડંખ માર્યા છતાં કાલીએ હાર ન માની. આખરે એણે ઝેરી નાગને મારી નાખ્યો અને એક પણ બાળકને આંચ આવવા દીધી નહીં. જોકે લડાઈ પૂરી થતાં જ ઝેરની અસર શરૂ થઈ અને બાળકોને બચાવનારી આ રક્ષક શ્વાન થોડી જ વારમાં ઢળી પડી. ગ્રામજનોએ તાત્કાલિક એની સારવાર કરવાની કોશિશ કરી, પણ ઝેર એટલું ઘાતક હતું કે કાલીને બચાવી શકાઈ નહીં.



કાલીના બલિદાનના સમાચાર ફેલાતાં જ આખું ધિરાકુળા ગામ શોકમાં ડૂબી ગયું. જે કૂતરીને ગામલોકો રોજ રસ્તા પર જોતા હતા એ એકાએક ગામનાં બાળકોની રક્ષક, વીરાંગના બની ગઈ. ગ્રામજનોએ નક્કી કર્યું કે કાલીને માનવ જેવી જ વિદાય આપવામાં આવશે. સફેદ કપડામાં લપેટીને ફૂલોથી શણગારેલી ટ્રૉલી પર એના પાર્થિવ દેહને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. સેંકડો લોકો અશ્રુભીની આંખે શોભાયાત્રામાં જોડાયા અને પરંપરાગત વિધિવિધાન સાથે એને દફનાવવામાં આવી.


જ્યાં એક તરફ દેશમાં રખડતા કૂતરાના કરડવાના કિસ્સા ચિંતા વધારી રહ્યા છે ત્યાં કાલીની આ કથા બતાવે છે કે વફાદારી અને બલિદાનનો કોઈ નાતો નસીબ કે જાતિ સાથે નથી હોતો. ધિરાકુળાનાં બાળકો માટે કાલી હવે માત્ર કૂતરી નથી, દેવદૂત બની ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 12:06 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK