Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડૉગીને ચાલવા લઈ જાઓ અને પૈસા કમાઓ

ડૉગીને ચાલવા લઈ જાઓ અને પૈસા કમાઓ

Published : 29 October, 2026 12:32 PM | Modified : 29 October, 2026 02:09 PM | IST | Mumbai
Jayesh Chitalia

તાજેતરમાં  બ્રિટનનો એક મજેદાર કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો.  બ્રિટનની ૩૦ વર્ષની લીઝ ઈસ્ટે પોતે એક પ્રયોગ કે અખતરા તરીકે ડૉગવૉકરનું કામ શરૂ કર્યું, એ પછી તેને જે રિસ્પૉન્સ મળતો ગયો કે તેણે પોતાના હસબન્ડ સાથે મળીને આ કરીઅરને નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


કેટલાક લોકો માટે તેમના પાળેલા પપીને આંટો મારવા લઈ જવું એ કામમાંથી બ્રેક લેવાનું બહાનું હોઈ શકે તો કેટલાક લોકો માટે એ મનગમતી ટહેલ. જોકે આ ટહેલને પ્રોફેશન બનાવી દેનારા ડૉગવૉકર્સ માટે તો પપીને આંટો મરાવવા લઈ જવું એ જ તેમનું કામ બની ગયું છે. તાજેતરમાં  બ્રિટનનો એક મજેદાર કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો.  બ્રિટનની ૩૦ વર્ષની લીઝ ઈસ્ટે પોતે એક પ્રયોગ કે અખતરા તરીકે ડૉગવૉકરનું કામ શરૂ કર્યું, એ પછી તેને જે રિસ્પૉન્સ મળતો ગયો કે તેણે પોતાના હસબન્ડ સાથે મળીને આ કરીઅરને નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી. વાત એમ હતી કે લીઝ પોતે લૉ (કાયદા)ની સ્ટુડન્ટ હતી અને ચાર વર્ષની મહેનત પછી સારી એવી પ્રૅક્ટિસ જમાવી હતી. વકીલાતની દુનિયામાં એક ધમધમતી કરીઅર આગળ તેની રાહ જોઈ રહી હતી, પણ પોતાના એરિયામાં, અરે પોતાના જ ઘરમાં તેને મળી ગયો ડૉગવૉકિંગનો આઇડિયા. અલબત્ત, લીઝને પ્રાણીઓ માટે પ્રેમ તો પહેલેથી હતો, પણ વકીલ બનવું તેનું સપનું હતું. એ પૂરું થયા પછી સ્વપ્નસિદ્ધિને જીવવામાં એ મજા પણ માણી રહી હતી અને ૧૨થી ૧૪ કલાક સતત કામ કરીને પિસાઈ પણ રહી હતી. થોડાક જ સમયમાં તેને સમજાઈ ગયું કે આમ ને આમ તો નહીં જીવી શકાય. કંઈક નવું અને નોખું શોધવું પડશે. આ દરમ્યાન પોતાના ઘરમાં જ તેને ઉપાય દેખાઈ રહ્યો હતો. એ હતો તેના પતિનો ખુશમિજાજી ચહેરો. લીઝનો હસબન્ડ કામ કરીને પણ ખૂબ મસ્તમજામાં રહેતો હતો. તેનો આનંદ ટકી રહેતો હતો અને કામથી થાકીને લોથપોથ પણ નહોતો થતો. એનું કારણ હતું તેનું યુનિક પ્રકારનું કામ! લીઝનો પતિ પોતે ડૉગવૉકિંગ કરાવતો હતો. લીઝને થયું કે આ કામ તો મજાનું છે, પણ આ જ એરિયામાં વધુ ડૉગવૉકર્સની જરૂર હશે? તેણે આ તુક્કો અજમાવી જોવાનું વિચાર્યું. એરિયામાં પતિ તો અનેક લોકોના ડૉગ્સ લઈને આંટા મારતો હતો અને ટ્રાવેલમાં જતા પેટ પેરન્ટ્સના ડૉગ્સને પણ ઓવરનાઇટ સાચવતો હતો. જોકે પોતે અખતરો શરૂ કર્યો ત્યારે ખબર પડી કે આવા તો બીજા અનેક ક્લાયન્ટ્સ ડૉગવૉકર્સની રાહ જ જોઈને બેઠા છે. એક જ વર્ષમાં લીઝના આખા દિવસનું બધું બુકિંગ પૅક થઈ ગયું અને તેની કરીઅર બદલાઈ ગઈ.  રોજના ૨૦થી ૩૦ શ્વાનોને આંટા મરાવવાનું કામ મળી ગયું અને દરેક ડૉગીના પ્રતિકલાક ૧૪ પાઉન્ડનો ચાર્જ પણ મળવા લાગ્યો, રૂપિયાની ભાષામાં ગણીએ તો રોજેરોજ ૩૮,૦૦૦થી ૫૧,૦૦૦ સુધીની કમાણી. તેણે તેની લીગલ કરીઅરને કાયમી અલવિદા કહીને હવે તો ડૉગવૉકિંગને જ એનું પ્રોફેશન બનાવી લીધું છે.

કેમ વધી રહી છે ડિમાન્ડ?
શ્વાનો માટેનો માણસનો પ્રેમ જગજાહેર છે. એમાંય પાછલાં વરસોમાં વધી રહેલી એકલતાને કારણે દેશવિદેશમાં ઘરે શ્વાનો પાળનારા લોકો પણ વધ્યા છે, પણ પડકાર એ ઊભો થયો છે કે એકલા રહેતા અને નોકરીધંધામાં બિઝી લોકો પોતાના ડૉગી-પપીને આંટો મરાવવા બહાર ક્યારે લઈ જાય? ડૉગીને પાળવો સહેલો છે, પણ એને સાચવવો મોટો પડકાર છે અને એમાં સૌથી વધુ પડકારરૂપ હોય છે હરવાફરવા માટે ટેવાયેલા એના પશુશરીરને પૂરતી કસરત આપવી. એના માટે ખૂબ જરૂરી હોય છે ડૉગને વૉક પર લઈ જવો. શ્વાનની પ્રજાતિ અને તબિયત પ્રમાણે આ જરૂરતો અલગ-અલગ હોય છે, પણ સામાન્ય રીતે પાલતુ શ્વાનોને દિવસમાં કમસે કમ બે કલાકની શારીરિક કસરત અને ઓછામાં ઓછા અડધા-અડધા કલાકની બે વૉકની જરૂર રહેતી હોય છે. હવે વિચારો, આજકાલ લોકો પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરાં કરવાની ચિંતા વચ્ચે પાળેલા ડૉગીની આ જરૂરતો પૂરી કરવાનું પ્રેશર કેવી રીતે હૅન્ડલ કરી શકે? આ જ ચિંતામાંથી જન્મી છે પ્રોફેશનલ ડૉગવૉકર્સની કરીઅર.



આવો હોય પ્રોફેશનલ ડૉગવૉકર
આ વ્યવસાયમાં એજ્યુકેશનની ડિગ્રીની જરૂર રહેતી નથી, પરંતુ પ્રોફેશનલ ડૉગવૉકર બનવા માટે કેટલીક બાબતોની ખાસ જરૂર પડે છે અને તેમાં ટોચ પર છે શ્વાનપ્રેમ. એના વગર તો ચાલે જ નહીં. આ ઉપરાંત શ્વાનની હરકતો પરથી એના મિજાજની સમજ, પ્રાથમિક સારવારનું થોડું જ્ઞાન, શારીરિક સ્ફૂર્તિ વગેરેની પણ જરૂર પડે છે. વિદેશોમાં મોટા પાયે અને હવે તો ભારતમાં પણ ઠેકઠેકાણે ડૉગવૉકર બનવા માટેની ટ્રેઇનિંગ અને સર્ટિફિકેટ્સ પણ મળે છે. વિદેશોમાં તો શ્વાનને સાચવવા માટે, બહાર ફરવા લઈ જવા માટે તેમ જ બહારગામ કે બીજા દેશમાં લઈ જવા માટે અને હોટેલમાં ઉતારા માટે પણ ચોક્કસ કડક નિયમો હોય છે.  


ભારતમાં ફૂલીફાલી રહી છે આ કરીઅર
ભારતમાં પણ શ્વાનપ્રેમીઓની આ કરીઅરે સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે અને મુંબઈ-બૅન્ગ્લોર જેવાં મોટાં શહેરોમાં એવી સંસ્થાઓ શરૂ થઈ ગઈ છે જે પ્રોફેશનલ ડૉગવૉકર્સ પૂરા પાડે છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે ડૉગવૉકિંગ કરતા ડૉગવૉકર્સ તો અલગ. સાદી ભાષામાં કહીએ તો યસ, ભારતમાં પણ આ કરીઅર ફૂલીફાલી રહી છે અને ડૉગવૉકર્સ ૬થી ૧૦ ડૉગ્સને અડધા કલાક કે એક કલાકની વૉક કરાવીને મહિને ઓછામાં ઓછા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ જેટલી કમાણી કરી લેતા હોવાનો અંદાજ છે. 

વિદેશોના અનેક ટ્રેન્ડ આપણા દેશમાં-સમાજમાં આવતા જ રહેતા હોય છે, એમાં વળી શ્વાન પાળવાનો ટ્રેન્ડ તો ક્યારનો આવી ગયો છે, જે હવે વિસ્તરતો જાય છે. માણસોને માણસ કરતાં શ્વાન પર વધુ ભરોસો તો હોય છે, પરંતુ વહાલ પણ વધુ રહે છે. અલબત્ત, અમુક હદ સુધી તો આ ફૅશન પણ બની છે. આપણે ત્યાં સ્ટ્રીટ ડૉગ્સને પાળવા-સંભાળવા માટે ચોક્કસ રકમનું પેમેન્ટ પણ કરાય છે, જેથી અમુક લોકો આવક ખાતર પણ શ્વાનની જવાબદારી લે છે, અલબત્ત, તેમણે પછી નિયમો મુજબ એનું જતન પણ કરવાનું રહે છે.


લેખક આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 02:09 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK