PRP ટ્રીટમેન્ટ સીધી રીતે હાડકાંના મોટા ફ્રૅક્ચર માટે નહીં પરંતુ હાડકાના સાંધાઓ, સ્નાયુઓ અને ટેન્ડન એટલે કે સ્નાયુબંધની તકલીફોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઇલાજ હાડકાંના ઘસારામાં એટલે કે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસમાં કામ લાગી શકે છે.
ડૉ. અમિત મહેતા
આજના સમયમાં તબીબી ક્ષેત્રે રીજનરેટિવ મેડિસિન એટલે કે શરીરના કોષો દ્વારા જાતે જ રૂઝ લાવવાની પદ્ધતિ ઘણી જ લોકપ્રિય થઈ રહી છે. એમાં PRP એટલે કે પ્લેટલેટ-રિચ પ્લાઝ્મા થેરપી મોખરે છે. આ એક એવી અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં દરદીના પોતાના જ લોહીનો ઉપયોગ કરીને કુદરતી રીતે જ ઈજાઓને કે ઘસારાને મટાડવામાં આવે છે.
આ પ્રક્રિયામાં દરદીના શરીરમાંથી સામાન્ય રીતે દસથી ૨૦ મિલીલીટર લોહી કાઢવામાં આવે છે. ત્યાર બાદ આ લોહીને એક મશીનમાં ઝડપથી ફેરવવામાં આવે છે, જેનાથી લોહીના ઘટકો છૂટા પડે છે. એમાંથી પ્લેટલેટ કણો અલગ તારવીને ઇલાજ માટે સીધા ઉપયોગમાં લેવામાં આવે છે. એને ઇન્જેક્શનના માધ્યમથી ઈજાગ્રસ્ત વિસ્તારમાં દાખલ કરવામાં આવે છે જ્યાં એ એમનું કામ શરૂ કરી દે છે. પ્લેટલેટ્સમાં વિશેષ ગ્રોથ-ફૅક્ટર્સ હોય છે જે શરીરની ક્ષતિગ્રસ્ત પેશીઓને ઝડપથી સાજા કરવામાં અને રૂઝ લાવવામાં માસ્ટર ચાવીરૂપ સાબિત થાય છે.
ADVERTISEMENT
PRP ટ્રીટમેન્ટ સીધી રીતે હાડકાંના મોટા ફ્રૅક્ચર માટે નહીં પરંતુ હાડકાના સાંધાઓ, સ્નાયુઓ અને ટેન્ડન એટલે કે સ્નાયુબંધની તકલીફોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઇલાજ હાડકાંના ઘસારામાં એટલે કે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસમાં કામ લાગી શકે છે. ખાસ કરીને ઘૂંટણ, હિપ કે ખભાના સાંધામાં હળવાથી મધ્યમ સ્તરનો ઘસારો થયો હોય ત્યારે આ સારવાર ખૂબ રાહત આપે છે. આ સિવાય સ્નાયુબંધની દીર્ઘકાલીન ઈજાઓ જેમ કે કોણીના સ્નાયુઓની સમસ્યા જેને ટેનિસ ઍલ્બો કહે છે, એચિલીસ ટેન્ડિનિટાઇટીસ અથવા ઘૂંટણના સ્નાયુઓની કોનિક સોજાવાળી તકલીફોમાં એ જાદુ જેવું કામ કરે છે. આ ઉપરાંત સ્નાયુ અને લિગામેન્ટનું ખેંચાણ થાય ત્યારે પણ એ ઉપયોગી છે. રમતવીરો કે સામાન્ય લોકોને ક્યારેક સ્નાયુઓમાં કે લિગામેન્ટમાં લાંબા સમયથી મટાડી ન શકાતી ઈજાઓ હોય તો એમાં PRP પેશીઓને પુનઃ જીવિત કરવામાં મદદ કરે છે.
આ સારવાર કુદરતી અને સુરક્ષિત છે. આ પદ્ધતિમાં દરદીનું પોતાનું જ લોહી વપરાતું હોવાથી ઍલર્જી કે આડઅસર થવાનું જોખમ નહીંવત્ બરાબર હોય છે. આમાં કોઈ મોટી સર્જરી કે ચીરફાડ કરવી પડતી નથી, માત્ર ઇન્જેક્શન દ્વારા પ્રવાહી અસરગ્રસ્ત ભાગમાં દાખલ કરવામાં આવે છે. આ સારવાર માત્ર પેઇનકિલર દવાઓની જેમ દર્દ દબાવતી નથી, પરંતુ અંદરથી ક્ષતિગ્રસ્ત પેશીઓ અને કોષોને રિપેર કરીને લાંબા ગાળાની રાહત પૂરી પાડે છે. ટૂંકમાં કહીએ તો જો તમને હળવો કે મધ્યમ સાંધાનો ઘસારો કે સ્નાયુની જૂની તકલીફ હોય અને તમે મોટી સર્જરી ટાળવા માગતા હો તો અનુભવી ઑર્થોપેડિક ડૉક્ટરની સલાહ મુજબ PRP થેરપી એક ઉત્તમ, સુરક્ષિત અને ખૂબ જ કારગર વિકલ્પ સાબિત થઈ શકે છે.
ડૉ. અમિત મહેતા અનુભવી ઑર્થોપેડિક સર્જ્યન છે. પ્રતિભાવ માટે ઈમેઇલ કરી શકો છો
