Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કિશોરકુમાર અને યોગિતા બાલીના લગ્નજીવનનો ફક્ત દોઢ વર્ષમાં શા માટે અંત આવ્યો હતો?

કિશોરકુમાર અને યોગિતા બાલીના લગ્નજીવનનો ફક્ત દોઢ વર્ષમાં શા માટે અંત આવ્યો હતો?

Published : 29 March, 2026 07:08 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

વ્યંગકાર ઑસ્કર વાઇલ્ડ કહે છે, ‘દરેક વ્યક્તિએ સતત પ્રેમમાં રહેવું જોઈએ, પણ એટલા માટે જ તેણે પરણવું ન જોઈએ.’ કિશોરકુમારે ચાર લગ્ન કર્યાં એ આદતને કારણે કે પછી એ તેમની જરૂરિયાત હતી એની ચર્ચા કરવી નિરર્થક છે.

કિશોરકુમાર અને યોગિતા બાલીના

વો જબ યાદ આએ

કિશોરકુમાર અને યોગિતા બાલીના


‘I can remember when I first got married, where I got married but I can not remember why I got married...’

આવું કોણે કહ્યું એ અત્યારે યાદ નથી આવતું, પરંતુ જો પ્રથમ લગ્ન બાદ કોઈના મનમાં આવો વિચાર આવે તો ત્રીજાં લગ્નની નિષ્ફળતા બાદ કિશોરકુમારના મનમાં આ વિચાર આવ્યો જ હશે.



વિખ્યાત લેખક સમરસેટ મૉમ કહે છે, ‘Marriage is a very good thing, but I think it’s a mistake to make a habit of it.’ લગ્ન કરવાં એ સારી બાબત છે, પણ એની આદત પાડવાની ભૂલ કરવા જેવી નથી. મોટી ઉંમર સુધી કુંવારી રહેલી એક વ્યક્તિને કોઈકે પૂછ્યું, ‘તમે કેમ લગ્ન ન કર્યાં?’ તો જવાબ મળ્યો, ‘આળસને કારણે.’ ત્રણ વાર છૂટાછેડા લીધેલી વ્યક્તિ ચોથી વાર પરણતી હતી ત્યારે કોઈકે પૂછ્યું, ‘તમે કેમ વારંવાર લગ્ન કરો છો?’ જવાબ મળ્યો, ‘આદતને કારણે.’


વ્યંગકાર ઑસ્કર વાઇલ્ડ કહે છે, ‘દરેક વ્યક્તિએ સતત પ્રેમમાં રહેવું જોઈએ, પણ એટલા માટે જ તેણે પરણવું ન જોઈએ.’ કિશોરકુમારે ચાર લગ્ન કર્યાં એ આદતને કારણે કે પછી એ તેમની જરૂરિયાત હતી એની ચર્ચા કરવી નિરર્થક છે.

યુવાનીમાં કિશોરકુમાર અને રુમાદેવીનાં પ્રેમલગ્ન થયાં હતાં. કમનસીબે થોડાં વર્ષો બાદ તેઓ છૂટાં પડ્યાં, કારણ કે એમાં બે મહત્ત્વાકાંક્ષી કલાકારોનો અહમ્ ટકરાતો હતો. રુમાદેવીને સંગીતક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ વધારીને અલગ ઓળખ બનાવવી હતી જ્યારે કિશોરકુમારની ઇચ્છા હતી કે તે પ્રથમ ઘરગૃહસ્થી સંભાળે અને ફાજલ સમયમાં સંગીતના ક્ષેત્રે આગળ વધે.


કિશોરકુમાર મધુબાલાને દિલોજાનથી ચાહતા હતા. દિલીપકુમાર સાથેના સંબંધવિચ્છેદ બાદ મધુબાલા હતાશ હતી. કિશોરકુમાર એકલા હતા. બન્ને એકમેકનાં સુખદુઃખ શૅર કરતાં-કરતાં સારાં મિત્રો બની ગયાં. એમાં જ્યારે મધુબાલાની હૃદયની અસાધ્ય બીમારીનું નિદાન થયું ત્યારે તેણે કિશોરકુમારને કહ્યું, ‘મૈં તો બિના બિયાહે [Unmarried] ઉપર ચલી જાઉંગી.’ કિશોરકુમારે કહ્યું, ‘શાદી કર લે. તુઝ કો કૌન મના કરતા હૈ?’ જવાબ મળ્યો, ‘પર ઇસ હાલત મેં મુઝસે શાદી કરેગા કૌન?’ તરત કિશોરકુમારે કહ્યું, ‘મૈં તૈયાર હૂં.’ ત્યારે મધુબાલાને અહેસાસ થયો કે કિશોરકુમાર તેને અનહદ ચાહે છે.

અફસોસ, કિશોરકુમારને બીજાં લગ્નમાં પણ નિરાશા જ મળી. ડૉક્ટરોએ કહ્યું કે બીમારીને કારણે મધુબાલા વધુમાં વધુ દોઢેક વર્ષ જીવશે, પણ કિશોરકુમારે તેની સારવાર પાછળ તન-મન-ધન ખર્ચીને ૬ વર્ષ સુધી જિવાડી. તેની તબિયતની ચિંતામાં માનસિક અને આર્થિક રીતે તેઓ ખુવાર થઈ ગયા. પછીથી મધુબાલાની હાલત એટલી બગડી કે તે કિશોરકુમારને જોતાં જ હિંસક થઈ જતી. આ કારણસર છેલ્લાં વર્ષોમાં તે પિતા સાથે રહેતી હતી, પણ લોકો એમ કહેતા કે કિશોરકુમારે પત્નીને તરછોડી દીધી.

 ૧૯૭૬માં ફિલ્મ ‘શાબાશ ડૅડી’ દરમ્યાન કિશોરકુમારની મુલાકાત યોગિતા બાલી સાથે થઈ. શમ્મી કપૂરની પ્રથમ પત્ની ગીતા બાલીની ભત્રીજી યોગિતા બાલી પુણેની ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો ડિપ્લોમા લઈને ફિલ્મોમાં આવી હતી. ટૂંક સમયમાં જ વયમાં ૨૩ વર્ષનો તફાવત હોવા છતાં કયા કારણસર બન્નેએ લગ્ન કરવાનો વિચાર કર્યો એ વિશે વધુ માહિતી નથી પરંતુ ફક્ત દોઢ વર્ષના સમયગાળામાં કિશોરકુમારનાં ત્રીજાં લગ્નનો અંત છૂટાછેડામાં આવ્યો.

વર્ષો બાદ કિશોરકુમારે એક ઇન્ટરવ્યુમાં કબૂલાત કરતાં કહ્યું કે યોગિતા બાલી સાથેનાં લગ્ન એ મારી મોટી ભૂલ હતી. યોગિતા બાલીની ફરિયાદ હતી કે કિશોરકુમાર મારી સાથે અપમાનજનક વર્તાવ કરતા હતા. તેમને કેવળ પૈસામાં જ રસ હતો. કિશોરકુમારની ફરિયાદ હતી કે યોગિતા બાલીની મમ્મીની અમારા વૈવાહિક જીવનમાં ખૂબ દખલ દેતી હતી. મેં યોગિતાને કહ્યું કે કાં તું મારી પસંદગી કર અથવા તારી મમ્મીની. તેણે મમ્મીને પસંદ કરી એમ કહીને કે કિશોરકુમારને કેવળ પૈસામાં જ રસ છે.

 સ્ત્રી અને પુરુષ એકમેક વિના અધૂરાં છે એ વાત સાચી પરંતુ હકીકત એ છે કે પુરુષ શારીરિક રીતે વધુ મજબૂત છે તો સ્ત્રી માનસિક રીતે. સમાજમાં એવા કેટલાય દાખલા જોઈએ છીએ કે પુરુષ વિધુર થયા બાદ થોડા સમયમાં જ ફરીથી પરણે છે કારણ કે સ્ત્રી વિના તે ઘર અને બાળકોની સંભાળ લેવામાં અસમર્થ છે. આ તરફ સંજોગવશાત્ એકલી પડેલી સ્ત્રી, સ્વબળે બાળકોને મોટાં કરી, પરણાવીને ઠરીઠામ કરવાને સમર્થ હોય છે.

યોગિતા બાલી સાથેના છૂટાછેડા બાદ કિશોરકુમાર જીવનમાં એકલા પડી ગયા હતા. એક ગાયક કલાકાર તરીકે તેમની કારકિર્દીનો ઉત્તમ તબક્કો ચાલી રહ્યો હતો પરંતુ ઘરે આવ્યા બાદની એકલતા અસહ્ય બનતી હતી. પોતાને ગમતી હોય એવી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મો બનાવવાનું તેમને વ્યસન હતું. એક નવી ફિલ્મ માટે તેમણે લીના ચંદાવરકરને રોલ ઑફર કર્યો જેની તેણે ના પાડી દીધી.

એનું કારણ એ હતું કે ૧૯૭૬ની ૭ નવેમ્બરે લીનાના પતિ સિદ્ધાર્થ બાંદોડકરનું આકસ્મિક રીતે પોતાની જ રિવૉલ્વરની ગોળી વાગવાને કારણે અવસાન થયું હતું. એના આઘાતમાંથી બહાર આવવા કિશોરકુમારે તેને ફરીથી ફિલ્મોમાં કામ શરૂ કરવાની સલાહ આપી હતી. તેની ના હોવા છતાં થોડા દિવસ બાદ કિશોરકુમારે તેને ફોન કરીને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી, જેમાં ૧૫ વર્ષની એક સ્કૂલગર્લનો રોલ હતો જેની લીનાએ ના પાડી હતી. કિશોરકુમારે બીજી સ્ક્રિપ્ટ સંભળાવી જેમાં એક યુવતી પોતાની વય કરતાં ઘણા મોટા વૃદ્ધ (એ. કે. હંગલ)ને પ્રેમ કરે છે. ફિલ્મનું નામ હતું ‘સિંદૂરી.’

એને માટે પણ લીનાએ ના પાડી દીધી. કિશોરકુમાર હાર માનવા તૈયાર નહોતા. તેમણે ત્રીજી સ્ક્રિપ્ટ સંભળાવી, ‘પ્યાર અજનબી હૈ.’ એમાં એક સાધ્વીનું પાત્ર હતું. કિશોરકુમારે અંતે કહ્યું, ‘આ ત્રણમાંથી જે સ્ક્રિપ્ટ તને ગમે એ ફિલ્મ હું શરૂ કરીશ, તું વિચારી લે. મારે કોઈ ઉતાવળ નથી. બસ, થોડા-થોડા દિવસે તને યાદ કરાવતો રહીશ.’

આમ બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો. આખરે લીનાએ નમતું જોખ્યું. ‘પ્યાર અજનબી હૈ’નું શૂટિંગ શરૂ થયું. ઊટીના આઉટડોર શૂટિંગમાં બન્નેને એકમેકને નજીકથી જાણવાનો મોકો મળ્યો. જોકે લીના હજી સિદ્ધાર્થની જુદાઈને કારણે આવેલા ડિપ્રેશનમાંથી બહાર નહોતી આવી, પરંતુ શૂટિંગની વ્યસ્તતાને કારણે ધીરે-ધીરે તે નૉર્મલ થતી જતી હતી.

કિશોરકુમાર પોતાના મનની વાત કહેવા માટે યોગ્ય મોકાની રાહ જોતા હતા. એક દિવસ લીનાએ પોતાના હાથે બનાવેલી કિશોરકુમારને ભાવતી વાનગીઓ તેમના બંગલે મોકલાવી અને કિશોરકુમારે તક ઝડપી લીધી.

તેમણે લીનાને ફોન કરીને તેની રસોઈનાં ભરપૂર વખાણ કર્યાં અને પછી કહ્યું, ‘તને તો ખબર જ છે કે મારાં ત્રણ લગ્ન થયાં અને દરેકનો કઈ રીતે અંત આવ્યો. તને મનમાં હશે કે હું બહુ ધૂની, તરંગી સ્વભાવનો છું અને મારું જીવન પણ આવી જ રીતે વીત્યું હશે. મને હતું કે દરેક લગ્ન બાદ મને શાંતિ મળશે, મારો હર્યોભર્યો પરિવાર હશે પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. મારા વિશે તેં જેકાંઈ સાંભળ્યું હોય એના પરથી મારા માટે કોઈ અભિપ્રાય બાંધતી નહીં. મારી સાથે લગ્ન કરવાં કે ન કરવાં એ તારી મરજીની વાત છે, પણ મારી સાથે ફિલ્મમાં કામ કરવાનું બંધ ન કરતી. ફિલ્મ અને લગ્ન એ બન્ને અલગ-અલગ બાબત છે.’

લગ્નની વાત સાંભળીને લીના તો એકદમ ડઘાઈ ગઈ. તેના મનમાં બીજાં લગ્ન કરવાનો કોઈ વિચાર નહોતો. એક ટિફિન મોકલવા જેવી બાબતનો આવો પ્રતિભાવ આવશે એ સાંભળીને તે વિચારમાં પડી ગઈ. થોડા દિવસ બન્ને વચ્ચે આ બાબતે કોઈ ચર્ચા ન થઈ. એક દિવસ કિશોરકુમારે કહ્યું કે આ આખી બાબત ભૂલી જજે. આપણી વચ્ચે એક પ્રોફેશનલ રિલેશન છે અને એમ જ રહેશે. એ સાંભળીને લીનાને હાશકારો થયો.

 દિવસો જતાં લીનાને કિશોરકુમારના અસલી સ્વરૂપનો પરિચય થયો. તે મૂળભૂત રીતે એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમની વાતોમાં, સ્પષ્ટવક્તાપણામાં દંભ ઓછો અને સચ્ચાઈ વધુ હતી એની પ્રતીતિ લીનાને થવા માંડી. ફિલ્મનું આઉટડોર શૂટિંગ ઊટીમાં હતું. મુંબઈ આવ્યા બાદ કિશોરકુમાર બીમાર પડ્યા ત્યારે લીના દરરોજ ટિફિન લઈને આવે. આમ બન્ને વચ્ચે નિકટતા વધતી જતી હતી.

સંજીવકુમાર અને દિલીપકુમાર લીનાના સાથીકલાકાર હતા. બન્નેએ લીનાને ચેતવણી આપી હતી કે કિશોરકુમાર સાથે સંબંધ આગળ વધારવો એ જોખમનું કામ છે. સંજીવકુમારે લીનાને સલાહ આપી કે ‘જો કિશોરકુમાર તારી પાછળ પડી જાય તો રાખડી બાંધી દેવી.’ મજાની વાત એ છે કે એક દિવસ વાતવાતમાં કિશોરકુમારે લીનાને કહ્યું કે તારે સંજીવકુમારને રાખડી બાંધીને ભાઈ બનાવવો જોઈએ.

આ તરફ લીનાનાં માતાપિતા તેને દબાણ કરતાં કે તારે હવે લગ્ન કરીને જીવનમાં ઠરીઠામ થવું જોઈએ. તેઓ ચૂપચાપ લીનાની જાણ બહાર સુપાત્રની શોધમાં હતાં. એક દિવસ તેમણે એક યુવાન સાથે મીટિંગ ગોઠવી. મીટિંગની આગલી રાતે લીના વિચારોમાં ડૂબેલી હતી. વ્યગ્ર હતી, શું કરવું, શું ન કરવું એવી હાલતમાં અચાનક રાતે એક વાગ્યે તેણે કિશોરકુમારને ફોન કર્યો.

એ મધરાતે બન્ને વચ્ચે શું વાત થઈ એ હવે આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 07:08 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK