Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પોતાની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાની ટિકિટ બ્લૅકમાં લેવી પડી હતી સૂરજ બડજાત્યાને

પોતાની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાની ટિકિટ બ્લૅકમાં લેવી પડી હતી સૂરજ બડજાત્યાને

Published : 21 November, 2026 02:41 PM | Modified : 21 November, 2026 02:42 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સલમાન ખાનને સુપરસ્ટાર બનાવનારા આ ડિરેક્ટરે ત્યાર પછી હમ આપકે હૈં કૌન, હમ સાથ-સાથ હૈં જેવી બીજી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી. હવે તેઓ યે પ્રેમ મોલ લિયા લઈને આવી રહ્યા છે ત્યારે તેમની સાથે થોડીક ગુફ્તગૂ કરીએ

સૂરજ બડજાત્યા પપ્પા રાજકુમાર બડજાત્યા સાથે અને સૂરજ બડજાત્યાના દાદા તારાચંદ બડજાત્યા.

સૂરજ બડજાત્યા પપ્પા રાજકુમાર બડજાત્યા સાથે અને સૂરજ બડજાત્યાના દાદા તારાચંદ બડજાત્યા.


હાલમાં કૉમેડિયન કપિલ શર્માએ પોતાના શોમાં સરસ વાત કહી કે ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે અંગ્રેજો દેશ નેહરુના હાથમાં અને કૅમેરા બડજાત્યા પરિવારના હાથમાં સોંપતા ગયા, કારણ કે દેશને આઝાદી મળી એ જ દિવસે તારાચંદ બડજાત્યા જે એક સમયે કલકત્તાની એક ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં મૅનેજર તરીકે કામ કરતા હતા તેમણે પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું. ફિલ્મી દુનિયામાં દારૂ-પાર્ટી એક પ્રકારનું કલ્ચર છે જે ત્યારથી જ ચાલ્યું આવતું હતું. નવા પ્રોડક્શન-હાઉસને લોકો ઓળખે અને એક વહેવાર બને તો સાથે કામ થઈ શકે એટલે તારાચંદ બડજાત્યાએ ઘરે પાર્ટી રાખી. જોકે આ એક ચુસ્ત મારવાડી જૈનનું ઘર હતું એટલે દારૂનો તો સવાલ જ નથી ઊઠતો. જોકે આવું સમજનારા કોઈ હતા નહીં એટલે ડિનરના સમયે બધા ૮ વાગ્યે પાર્ટીમાં આવ્યા અને સાડાઆઠ વાગ્યા સુધીમાં જમ્યા વગર જ જતા રહ્યા. તારાચંદ ખૂબ જ અકળાઈને તેમની મમ્મી પાસે ગયા અને કહ્યું કે આમ જ ચાલ્યું તો તમારે કારણે એક દિવસ આ બિઝનેસ ઠપ થઈ જશે. માએ તરત જ દીકરાના ખોટા વલણને સુધાર્યું અને કહ્યું કે તું આ રીતે વાત ન કરી શકે, આ સંસ્કારો જ છે જે એક દિવસ તારી ઓળખ બનશે એ તું જોજે. એ પછી તારાચંદ બડજાત્યા જે પોતે પણ ખૂબ સ્પિરિચ્યુઅલ હતા તેઓ પૉન્ડિચેરી ગયા. ત્યાં તેઓ જેમને ગુરુ માનતા હતા એવાં ‘મધર’ના આશીર્વાદ લીધા અને મનમાં નિશ્ચય કર્યો કે હું એવી જ ફિલ્મો બનાવીશ જે હું મારા સસરા સાથે બેસીને જોઈ શકું. એ દિવસથી લઈને આજ સુધી રાજશ્રી પ્રોડક્શન્સ હેઠળ પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી સરળ અને ક્લીન ફિલ્મો બનતી રહી છે. આ તારાચંદ બડજાત્યાનો વારસાને તેમના પુત્ર રાજકુમાર બડજાત્યા આગળ લઈ ચાલ્યા અને એ વારસાને જાળવતાં-જાળવતાં તેમના પૌત્ર સૂરજ બડજાત્યા પોતાની કંપનીને ટોચ પર લઈ ગયા. ભારતીય સિનેમાને સરળ, પારિવારિક અને સંસ્કારોથી સભર મનોરંજન પૂરું પાડવાનો વારસો તેમણે દૃઢ નિશ્ચય સાથે જાળવ્યો કે પછી સહજ રીતે એ જળવાતો ગયો? આ પ્રશ્નનો જવાબ આપતાં સૂરજ બડજાત્યા કહે છે, ‘આ કોઈ બળજબરીથી કે ફરજિયાત પ્રકારની કોશિશ નથી. બધું ખૂબ જ સહજ રીતે થતું ગયું. હું ઘણો નસીબદાર છું કે મારે વિચારીને આ નથી કરવું પડ્યું, થતાં-થતાં થઈ ગયું. તમે એવી જ ફિલ્મો બનાવો જે વિશ્વમાંથી તમે આવો છો. મારી ફિલ્મો મારું વિશ્વ છે. મેં આ જ દુનિયા જોઈ છે એટલે હું એની જ વાત કરી રહ્યો છું. ઘણી વખત એવું બન્યું કે મેં માર્કેટમાં જે ચાલે છે એવું ટ્રાય કર્યું. જેમ કે ‘પ્રેમ રતન ધન પાયો’માં મેં વિલનનું કૅરૅક્ટર લખ્યું, પણ લોકોને એ ન ગમ્યું. મેં યુવાનોને ગમશે એમ ધારીને ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ ફિલ્મ બનાવી જે લોકોને ન ગમી. ત્યારે મને સમજાયું કે મારે એવી જ ફિલ્મો બનાવવાની છે જે મને ગમે છે, જેની સમજ મારી અંદર છે. હવે અમારી આગલી પેઢી એટલે કે મારો દીકરો અવનીશ અને દેવાંશ પણ આ જ કામ કરી રહ્યા છે ત્યારે તેમના પર પણ એ જવાબદારી ખરી કે વારસો અકબંધ રહે. જોકે મને પિતા તરીકે એ ગર્વ છે કે તેમની કામ કરવાની સ્ટાઇલ મારા કરતાં જુદી છે જે હોવી જ જોઈએ. આમ તેમણે પોતાની ક્રીએટિવિટી અને બાપદાદાનો વારસો આ બન્ને વચ્ચે બૅલૅન્સ કરીને ચાલવાનું રહેશે.’

કરીઅર



‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મથી શરૂઆત કરનાર આ ફિલ્મમેકરે ભારતીય સિનેમાને ‘હમ આપકે હૈં કૌન’, ‘હમ સાથ-સાથ હૈં’, ‘વિવાહ’, ‘એક વિવાહ ઐસા ભી’, ‘ઊંચાઈ’ જેવી સફળ ફિલ્મો આપી છે. તેમની સૌથી સફળ ફિલ્મમાં ‘હમ આપકે હૈં કૌન’ જ ગણી શકાય જેણે એ સમયના બધા જ રેકૉર્ડ તોડી નાખેલા. ૧૯૯૪માં લિબર્ટી થિયેટર જે એક સમયે B ગ્રેડ ફિલ્મો માટે જાણીતું હતું એને આખું રિનોવેટ કરીને તેમણે ‘હમ આપકે હૈં કૌન’ ત્યાં રિલીઝ કરેલી. આ થિયેટરમાં આ ફિલ્મ ૧૨૫ અઠવાડિયાં ચાલી જેમાંથી ૪૦ અઠવાડિયાં એ હાઉસફુલ ગઈ હતી. ભારતમાં મોટા ભાગનાં શહેરોમાં એ પચાસથી પણ વધુ અઠવાડિયાં ચાલી હતી. આ ફિલ્મો સાથે આ ફિલ્મોનું સંગીત પણ એટલું જ સુપરહિટ થયું હતું. હાલમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ રિલીઝ થવા જઈ રહી છે જેનાં ગીતો લોકો અત્યારથી જ ખૂબ પસંદ કરી રહ્યા છે. ૧૯૮૯માં ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થઈ ત્યારથી લઈને આજે ૩૭ વર્ષમાં સૂરજ બડજાત્યાએ સિલેક્ટેડ ફિલ્મો જ બનાવી છે તો પછી વિષયનું ચયન તેઓ કઈ રીતે કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘ફિલ્મની વાર્તા જ્યારે હું વિચારું કે મારી પાસે આવે ત્યારે એ વાર્તા મને કહેવી છે કે નહીં એ પ્રશ્ન હું મારી જાતને પૂછું છું. જો જવાબ હા આવે તો જ ફિલ્મ બનાવું છું. જેમ કે મારી આવનારી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં આજની વાત છે. એ એક પ્રોગ્રેસિવ કથા છે જેમાં સદીઓ જૂની પરંપરા કે સ્ત્રી જ પરણીને સાસરે જાય એના પર પ્રશ્નાર્થ લગાવે છે. આ કથા મને લાગે છે કે કહેવી જરૂરી છે એટલે મેં ફિલ્મ બનાવી. ફિલ્મ બનાવવામાં બીજી વસ્તુ જરૂરી છે બજેટ; કારણ કે ફિલ્મો ક્યારેય ફેલ નથી થતી, ફિલ્મોનું બજેટ ફેલ થાય છે. કથા કેવી છે એ મુજબ બજેટ નક્કી થાય એ જરૂરી છે. જેમ કે ‘વિવાહ’ એક સરળ કથા છે અને અમે એ ઓછા ખર્ચે જ બનાવી હતી. આમ કથા અને બજેટ એ બન્ને ફિલ્મ બનાવતાં પહેલાં વિચારવામાં આવતાં મહત્ત્વનાં પાસાં કહી શકાય.’


શરૂઆત

પરિવારનું પ્રોડક્શન-હાઉસ હોય તો બાળકને આ જ કામ કરવાની ઇચ્છા હોય એ સહજ છે, પરંતુ તેમના પરિવારમાં કોઈએ ડિરેક્શન ક્યારેય કર્યું નહોતું. પોતાના બાળપણ વિશે વાત કરતાં સૂરજ બડજાત્યા કહે છે, ‘હું ખૂબ નસીબદાર છું કે ૧૦-૧૨ વર્ષની ઉંમરથી મને ફિલ્મ્સના રીડિંગમાં બેસવા મળતું. માહોલ ખૂબ સારો મળ્યો મને. જોકે જ્યારે હું શૂટિંગમાં જતો ત્યારે જોતો કે આખા સેટ પર એક માણસ છે જે આ આખું વિશ્વ રચી રહ્યો છે, દરેક વ્યક્તિ તેમના પ્રમાણે કામ કરે છે. મારે આ કામ કરવું હતું, મારે મારું વિશ્વ રચવું હતું એટલે ડિરેક્શન કરવાનું વિચાર્યું. એક પડાવ એવો આવ્યો જ્યારે મારે કૉલેજ છોડવી પડે એમ હતી, કારણ કે ​ડિરેક્શનમાં મહેશ ભટ્ટ સાહેબને અસિસ્ટ કરવાનો મને મોકો મળ્યો હતો. ‘સારાંશ’ ફિલ્મમાં તેમને અસિસ્ટ કર્યા ત્યારે મનમાં એ પાકું થઈ ગયેલું કે મને આ કામ ગમે છે અને મારે આ કામ કરવું છે.’


એ પછી સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાએ તેમને ‘મૈંને પ્યાર કિયા’ બનાવવા કહ્યું. યુવા અપ્રોચ સાથેની એક લવ-સ્ટોરીનું નિર્માણ તેમણે ચાલુ કર્યું ત્યારે રાજશ્રી પ્રોડક્શન્સની પરિસ્થિતિ એવી હતી કે જો આ ફિલ્મ ન ચાલી હોત તો કદાચ કંપની બંધ થઈ જાત. છતાં પોતાના દીકરાને લૉન્ચ કરવો હતો એટલે સમગ્ર પરિવારે જેટલા પણ હતા એ બધા પૈસા લગાવીને આ ફિલ્મનું નિર્માણ શરૂ કરવાની પહેલ કરી. સલીમ ખાનના દીકરાને સામે જોયો ત્યારે લાગ્યું કે અમિતાભ બચ્ચનના જમાનામાં આ ઠીંગણો, દૂબળો-પાતળો છોકરો કેવો લાગશે હીરો તરીકે? જોકે સલમાને પોતાના અમુક ફોટો બતાવ્યા ત્યારે સૂરજ બડજાત્યાને વિશ્વાસ આવ્યો કે સલમાન હીરો માટે યોગ્ય છે. જોકે નવા ડિરેક્ટર અને નવા હીરો સાથે કામ કરવા હિરોઇનો તૈયાર નહોતી. ભાગ્યશ્રી મળી. પહેલી ફિલ્મ પોતાની આવડત મુજબ બનાવ્યા પછી પ્રેક્ષકોને ગમશે કે નહીં આ બાબતે સૂરજ બડજાત્યા અને સલમાન બન્નેને લગભગ સરખો ડર હતો. બન્નેની પહેલી ફિલ્મ, બન્નેની કરીઅર દાવ પર હતી. એ સમય યાદ કરતાં સૂરજ બડજાત્યા કહે છે, ‘ફિલ્મ રિલીઝ થઈ એ દિવસે અમે એ જોવા માટે મેટ્રો થિયેટર ગયા. ત્યાં ખબર પડી ટિકિટ બ્લૅકમાં વેચાઈ રહી છે. મારી ફિલ્મની ટિકિટ બ્લૅકમાં? ૪૦ રૂપિયાની એક એવી બ્લૅકની ટિકિટો ખરીદીને અમે અંદર ગયા. લોકો તો ગીતો સાથે ઝૂમી રહ્યા હતા. એના અડધા કલાકમાં મારો હીરો સુપરહિટ થઈ ગયો હતો અને સલમાનને રેસ્ક્યુ કરીને બહાર લઈ જવો પડેલો. આ ક્ષણ વિશે આજે પણ વિચારું તો એવું લાગે છે કે ખરેખર ઈશ્વરના અને મારા વડીલોના આશીર્વાદ હતા કે આ શક્ય બન્યું. એ દિવસ પછી સલમાન સાથે મેં ઘણી ફિલ્મો કરી. મારી એ બધી ફિલ્મોનો ‘પ્રેમ’ ફક્ત ‘મારો’ નથી. સલમાને એમાં પોતાની સ્ટાઇલ નાખીને એને પોતાનો બનાવ્યો છે.’

જલદી ફાઇવ

શોખ : મને વાંચવાનો શોખ છે. આજકાલ હું પુરાણો વાંચું છું. ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સાહિત્યની નજીક રહેવાનું મને ગમે છે.

શું તમારા સેટ પર નૉન-વેજ પર પ્રતિબંધ છે? : એક પૉલિસીરૂપે અમે સેટ પર નૉન-વેજ સર્વ નથી કરતા, પરંતુ કોઈને ખાવું હોય તો તે પોતાનું મગાવીને પોતાની વૅનિટીવૅનમાં બેસીને ખાઈ શકે છે. અમારા વડીલોની એ પરંપરાનું પાલન કરવા માટે આ પૉલિસી અમે જાળવી રાખી છે.

બાળપણની યાદ : મારા પિતા ખૂબ જ કડક સ્વભાવના હતા એટલે મને યાદ છે કે હું સ્ત્રીઓ વચ્ચે જ વધુ રહ્યો. સંયુક્ત પરિવારમાં કાકી, ફઈબા, માસી, મામી વચ્ચે જ રહ્યો છું એટલે કદાચ મારી ફિલ્મોમાં પણ તેઓ દેખાય છે. હું માનું છું કે જીવનમાં સ્ત્રીઓની ઇચ્છાને માન આપવું ખૂબ જ જરૂરી છે.

તમે કોઈ દિવસ ગુસ્સે નથી થતા એ વાત સાચી? : આ વાત તમે અભિષેક બચ્ચન, કરીના કે ભાગ્યશ્રીને પૂછી શકો છો. હું તેમના પર ખૂબ ગુસ્સે થયો છું; પણ ઉંમર પ્રમાણે શીખ્યો છું કે ગુસ્સાથી કશું મળતું નથી, પ્રેમથી જ મળે છે એટલે મારા સેટ પર શાંતિ હોય છે. જેટલું માન આપીશું એટલું મેળવીશું એ હકીકત છે.

જીવનનો સિદ્ધાંત : પાત્રતા ખૂબ જ જરૂરી છે. મારી છઠ્ઠા ધોરણની એક ટીચરે ઑટોગ્રાફ બુક પર લખ્યું હતું કે જો તમે વેલ્થ ગુમાવી દેશો તો એ પાછી આવશે, જો તમે હેલ્થ ગુમાવી દેશો તો એ પણ પછી આવશે; પણ જો તમે કૅરૅક્ટર એટલે કે પાત્રતા ગુમાવી દેશો તો એ પાછી નહીં આવે. બીજું, મારા માટે ખૂબ જ જરૂરી એ છે કે હું જે પણ કામ કરું એ સારા આશય સાથે કરું. તમે કોઈ પણ કામ કરો છો એના કરતાં એ કામ શું કામ કરો છો એ કામ પાછળનો આશય શુદ્ધ હોય એ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે.

ખુદ પર વિશ્વાસ

‘મૈંને પ્યાર કિયા’ પછી સૂરજ બડજાત્યાને તેમના પિતા રાજકુમાર બડજાત્યાએ કહ્યું હતું કે ફિલ્મ ‘નદિયા કે પાર’ રાજશ્રીએ બનાવી એ અમુક પ્રકારના ઑડિયન્સે જ જોઈ અને તેમને જ ગમી કારણ કે અવધિ ભાષા હતી, આ ફિલ્મને તું તારી રીતે બનાવ. ‘મૈંને પ્યાર કિયા’ ત્યારે હિટ થઈ ચૂકી હતી એટલે સૂરજ બડજાત્યાને કોઈ જૂની ફિલ્મની રીમેકમાં રસ નહોતો. તેમને લાગ્યું કે ઓરિજિનલ કશું બનાવીએ. જોકે છેવટે પિતાની વાત માનીને તેમણે ‘હમ આપકે હૈં કૌન’ બનાવી. એ બનાવતાં-બનાવતાં તેમને એટલું બધું સ્ટ્રેસ થઈ ગયેલું કે તેમને ૩ વાર ECG કરાવવા જવું પડ્યું. ફિલ્મ અંતે બિઝનેસ છે એટલે પહેલું સ્ક્રીનિંગ ટ્રેડવાળા લોકો માટે રાખવામાં આવ્યું કે તેઓ શું કહે છે? ટ્રેડવાળા લોકોને ફિલ્મ બિલકુલ ગમી નહીં. ૯૯ ટકા લોકોએ કહ્યું કે તેમને ફિલ્મ જરાય ન ગમી. લોકો ગીતો ચાલુ થાય એટલે થિયેટર છોડીને જવા લાગ્યા. એ દિવસો યાદ કરતાં સૂરજ બડજાત્યા કહે છે, ‘લોકોએ કહ્યું કે આ તો લગ્નની કૅસેટ જોતા હોઈએ એવું લાગે છે. મને ફક્ત અમુક ગણ્યા-ગાંઠ્યા લોકોએ કહ્યું કે ફિલ્મ સારી છે. એમાં આદિત્ય ચોપડા એક હતા. તેમણે કહ્યું કે ગીત થોડાં ઓછાં કરો એટલે શરૂઆતમાં અઢી ગીતો કાઢી નાખ્યાં. પાછળથી ફિલ્મ લોકોને ગમી અને એકબીજાના કહેવાથી લોકો થિયેટર સુધી ગયા. ગીતો લોકોને એટલાં ગમ્યાં કે એક સમય પછી એ ગીતો ફરી ઉમેરાયાં. આજે પણ ફિલ્મ બનાવતી વખતે હું એ ખાસ ધ્યાન રાખું છું કે ફિલ્મ મને ગમે છે કે નહીં. બીજાના નહીં, ખુદના કન્વિક્શન પર મને વધુ ભરોસો છે.’

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 02:42 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK