Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બદનામ બસ્તી કામાઠીપુરા નામ પડ્યું તેલુગુભાષી કામાઠી મજૂરોના નામ પરથી

બદનામ બસ્તી કામાઠીપુરા નામ પડ્યું તેલુગુભાષી કામાઠી મજૂરોના નામ પરથી

Published : 04 April, 2026 07:02 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સંસ્કૃતમાં એક ઉક્તિ છે : ‘યુદ્ધસ્ય કથા રમ્યા.’ તો આજે વાતની શરૂઆત કરીએ એક યુદ્ધની વાતથી. દુનિયાના એક ખૂણે લડાઈ થાય તો આજે એની ધણધણાટી આખી દુનિયામાં સંભળાય છે.

કામાઠી પુરુષો, ૧૯મી સદીમાં.; કંબાલા હિલ પરથી દેખાતું દૃશ્ય - વરલી, ૧૮૭૦.

કામાઠી પુરુષો, ૧૯મી સદીમાં.; કંબાલા હિલ પરથી દેખાતું દૃશ્ય - વરલી, ૧૮૭૦.


સંસ્કૃતમાં એક ઉક્તિ છે : ‘યુદ્ધસ્ય કથા રમ્યા.’ તો આજે વાતની શરૂઆત કરીએ એક યુદ્ધની વાતથી. દુનિયાના એક ખૂણે લડાઈ થાય તો આજે એની ધણધણાટી આખી દુનિયામાં સંભળાય છે. આજથી ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં ભલે એવું ન થતું હોય, પણ હિન્દુસ્તાનના એક ખૂણે લડાઈ થાય અને એની અસર પડે ક્યાંક દૂર-દૂરના પ્રદેશમાં એવું તો ત્યારેય બનતું. આજના મહારાષ્ટ્રમાં એક કિલ્લો આવેલો છે: કરાડનો કિલ્લો. જોકે ઈ. સ. ૧૭૯૫ના પહેલા બે મહિના સુધી ત્યાં હકૂમત હતી હૈદરાબાદના નિઝામની. એ વખતે હિન્દુસ્તાનના રાજાઓ એકબીજાનો પ્રદેશ જીતવા માટે અવારનવાર લડ્યા કરતા. એ રીતે નિઝામના રાજ્યમાંથી એક શેર માંસનો ટુકડો કાપી લેવા મરાઠા સામ્રાજ્યએ કરાડના કિલ્લા પર ચડાઈ કરી ૧૭૯૫ની ૧૧ માર્ચે. એમાં પેશવાના લશ્કર ઉપરાંત ગ્વાલિયર, નાગપુર, ઇન્દોર અને બરોડા રાજ્યોએ પણ ભાગ લીધેલો. સામે હતું હૈદરાબાદના નિઝામનું લશ્કર. અગાઉ નિઝામ સાથે બ્રિટિશ સરકારે કૉલ-કરાર કરેલા કે કોઈ હુમલો કરે ત્યારે એકબીજાને મદદ કરવી. એ પ્રમાણે નિઝામે કંપની-સરકાર પાસે ધા નાખી : ‘મદદ કરો, માઈબાપ, મદદ કરો’. પણ નિઝામને ખાતર કંપની-સરકાર મરાઠાઓ સાથે પંગો લેવા માગતી નહોતી એટલે ગવર્નર જનરલ જૉન શોરે ગરજ વર્તીને નિઝામની અરજ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખી. નિઝામ પર હુમલો કરનાર લશ્કરની આગેવાની તો પાંચ-પાંચ મહારથીઓએ લીધેલી : સવાઈ માધવરાવ, દૌલતરાવ શિંદે, જીવા દાદા બક્ષી, તુકોજીરાવ હોળકર, રાઘોજી ભોસલે અને ગોવિંદરાવ ગાયકવાડ. મરાઠા લશ્કરમાં કુલ ૧ લાખ ૮૩ હજાર સૈનિકો અને ૫૯ તોપ. નિઝામના લશ્કરમાં ૧૭,૦૦૦ સૈનિકો અને એની આગેવાની લીધી હતી ભાડૂતી ફ્રેન્ચ સેનાપતિ મિશેલ રેમન્ડે.

શું ધારો છો? આ લડાઈ કેટલી લાંબી ચાલી હશે? ફક્ત એક દિવસ.  સાંજ પડતાં પહેલાં તો નિઝામનું લશ્કર કરાડના કિલ્લામાં ભરાઈ ગયું. મરાઠા સૈન્યએ બાવીસ દિવસ સુધી એ કિલ્લાને ઘેરો ઘાલ્યો. છેવટે હારી-થાકીને નિઝામે સુલેહ કરી. અગાઉ પેશવા સરકારનું અપમાન કરનાર પોતાના વડા પ્રધાન અઝીમ-અલ-ઓમરાને હાંકી કાઢ્યો. મરાઠા સામ્રાજ્યને મોટી રકમની ખંડણી આપી અને દૌલતાબાદ, ઔરંગાબાદ અને સોલાપુર તથા એની આસપાસનો વિસ્તાર મરાઠાઓને સોંપ્યો. હા, પેલો કરાડનો કિલ્લો પણ મરાઠા માલિકીનો થઈ ગયો.

હા, જી. ખબર છે અમને. વાચકો વિચારતા હશે કે ‘ચલ મન મુંબઈ’ની ગાડી આજે આવા અજાણ્યા પાટે કેમ ચડી ગઈ? તો સાંભળો એનું કારણ. આ કરાડ અને એની આસપાસના પ્રદેશમાં ‘કામાઠી’ નામની એક તેલુગુભાષી જાતિ રહે. કડિયાકામમાં પાવરધી. લડાઈ પૂરી થયા પછી એ જાતિના ઘણા લોકોએ માતૃભૂમિ છોડીને વાટ પકડી હતી મુંબઈની. અજાણ્યો મલક. ત્યાંની ભાષા જાણે નહીં, પણ નસીબના બળિયા. એ લોકો મુંબઈ આવ્યા એ જ વખતે મુંબઈના ૭ ટાપુને જોડવાનું કામ ગવર્નર વિલિયમ હૉર્નબીએ હાથમાં લીધું.

તેમની ચોક્કસ જન્મતારીખ તો જાણવા નથી મળતી, પણ ૧૭૨૩ના માર્ચની ૧૧મીએ તેમને બાપ્તિસ્મા (બૅપ્ટિઝમની દીક્ષા) આપવામાં આવી હતી. ૧૮૦૩ના નવેમ્બરની ૧૮મીએ તેમનું અવસાન થયું. ૧૭૪૦માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રાઇટર (ક્લાર્ક) તરીકે જોડાયા. ધગશ અને મહેનતના પ્રતાપે આગળ વધતાં-વધતાં ૧૭૭૧માં મુંબઈના ગવર્નર બન્યા. અહીં આવીને જે જોયું એનાથી તેમને પારાવાર દુ:ખ થયું. મુંબઈના ૭ ટાપુ. સાતેસાત એકબીજાથી અલગ. એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે કાં હોડી વાપરવી પડે, કાં ઓટ વખતે કેટલાક ટાપુ આસપાસ પાણી એટલું ઓછું હોય કે કાદવ-કીચડમાં ચાલીને એક પરથી બીજા ટાપુ પર જઈ શકાય. દરિયાકિનારે અને બીજે બધે કચરાના ઢગલા. એને કારણે જાતજાતની બીમારીઓ ફેલાય. કંપની-સરકારના ઘણા નોકરો કાં ગંભીર માંદગીને કારણે સ્વદેશ પાછા ચાલ્યા જાય કાં અહીં જ રહીને જીવ ગુમાવે.

હૉર્નબીએ મનમાં પાકી ગાંઠ વાળી : આ ૭ ટાપુઓને એકબીજા સાથે જોડવા જ જોઈએ, ગંદકી ઓછી કરવી જ જોઈએ, પણ શરૂઆત ક્યાંથી કરવી? મુંબઈના મુખ્ય ટાપુ અને એની નજીકમાં વરલી ટાપુ વચ્ચે લગભગ એક માઇલનું અંતર. ભરતી વખતે દરિયાનાં પાણી છેક ભાયખલા, ભીંડીબજાર, પાયધુની સુધી પહોંચી જાય. આ પાણી ગંદકી ફેલાવે અને એ ગંદકી ફેલાવે રોગચાળો. ગવર્નર હૉર્નબીને લાગ્યું કે સૌથી પહેલું કામ મુંબઈના ટાપુ અને વરલીના ટાપુ વચ્ચે બંધ બાંધીને દરિયાનાં પાણીને અંદર ઘૂસતાં રોકવાં જોઈએ. એન્જિનિયરો પાસે પ્લાન બનાવડાવ્યા, આજના મહાલક્ષ્મી અને એટ્રિયા મૉલ વચ્ચે બંધ બાંધવા માટે. ખર્ચનો અંદાજ? રૂપિયા એક લાખ. પણ આટલી મોટી (?) રકમ લંડનમાં બેઠેલા હાકેમોની પરવાનગી વગર તો ખર્ચાય નહીં એટલે દરખાસ્ત મોકલી લંડન. પણ પછી તેમની મંજૂરીની રાહ જોયા વગર કામ શરૂ કરાવી દીધું.

અને એ બંધ બાંધવાના કામમાં મોટી સંખ્યામાં જોડાયા હતા બેવતન બનેલા કામાઠીઓ. જોકે પછી લંડનના બડેખાંઓએ કહ્યું કે બે ટાપુને જોડવા માટે આટલો મોટો ખર્ચ કરવાની જરૂર નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો; પણ ગવર્નર હૉર્નબીએ તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી અને કામ ચાલુ રખાવ્યું. એ ખબર લંડન પહોંચતાં ત્યાંના હાકેમોએ હૉર્નબીને બરતરફ કરતો હુકમ મોકલ્યો. હૉર્નબીએ એ વાંચીને નાખી દીધો કચરાની ટોપલીમાં,  પણ લંડનની પરવાનગી વગર કામ માટેના પૈસા કાઢવા ક્યાંથી?

હૉર્નબીને મિસ રોઝ નેસ્બિટ નામની એક ધનવાન સ્ત્રી સાથે સારી ઓળખાણ. તે રહે માઝગાવમાં. ગવર્નરે તેને કહ્યું કે બાકીના કામના પૈસા હમણા તું આપ, પછી તને પાછા મેળવી આપીશ અને આમ ઉછીના પૈસા લઈને પણ કામ આગળ ચલાવ્યું. આ નેસ્બિટના પતિ કંપની-સરકારના નૌકાસૈન્યમાં કોમોડોર અને બૉમ્બેના હાર્બર માસ્ટર, એટલે કે મુંબઈનાં બધાં બંદરોના ઉપરી. રોઝ નેસ્બિટ જેટલી દાનેશ્વરી એટલી જ ધર્મપરાયણ. માઝગાવમાં રહે ત્યાં પોતાની જગ્યાએ ૧૭૮૭માં પ્રાઇવેટ ચૅપલ (ચર્ચ કરતાં નાનું એ ચૅપલ) બંધાવ્યું. સાથે પ્રીસ્ટને રહેવા માટેનું મકાન પણ ખરું. ૧૮૧૯માં મૃત્યુ થયું એ પહેલાં એ ચૅપલ, મકાન અને બધી જમીન ચર્ચને દાનમાં આપી દીધી. તેના પાર્થિવ દેહને ત્યાં જ દફનાવવામાં આવ્યો. વખત જતાં એ ચૅપલમાં સુધારા-વધારા કરીને એને ચર્ચ બનાવવામાં આવ્યું. ૧૮૮૧માં શરૂ થયેલું એ સેન્ટ ઍન ચર્ચ આજે પણ ઊભું છે. પછી ચર્ચની બાજુમાં એક નાનકડી સ્કૂલ શરૂ થઈ જે વખત જતાં બની સેન્ટ મૅરીઝ હાઈ સ્કૂલ. માઝગાવથી પરેલ જતા રસ્તા સાથે તેનું નામ જોડવામાં આવ્યું. એ નેસ્બિટ રોડ નામ સદ્ભાગ્યે આજ સુધી બચી ગયું છે, એક અંગ્રેજ સ્ત્રીનું નામ હોવા છતાં.

બાંધકામ માટે વતન છોડીને આવેલા કામાઠીઓને લાંબા વખત સુધી રોજી-રોટી પૂરી પડાઈ. ત્યાર બાદ બીજા ટાપુઓને જોડતાં બાંધકામ એક પછી એક થયાં એમાં પણ આ કામાઠીઓનો મોટો ફાળો. આજે પણ મોટાં બાંધકામ થતાં હોય ત્યારે મજૂરોના રહેવાની વ્યવસ્થા એ સ્થળથી બને એટલી નજીક કરવામાં આવે છે. કામ ચાલતું હતું ત્યારે કામાઠીઓને રહેવા માટે સરકારે પાકાં મકાન બાંધ્યાં. એની એક બાજુ બેલાસિસ રોડ, બીજી બાજુ ડંકન રોડ, ત્રીજી બાજુ ગ્રાન્ટ રોડ અને ચોથી બાજુ શુક્લાજી સ્ટ્રીટ. આવા લંબચોરસ વિસ્તારમાં એકબીજીને કાટખૂણે કાપતી ૧૨ ગલી. એનાં મકાનોમાં વસાવ્યા કામાઠી મજૂરોને અને એટલે એ વિસ્તાર ઓળખાયો કામાઠીપુરા તરીકે. દેશ છોડીને આવેલા ઘણાખરા મજૂરો બૈરી-છોકરાંને પોતાના દેશમાં મૂકીને આવે એટલે તેમને વખતોવખત ‘સુંવાળા સંગાથ’ની જરૂર પડે એટલે ધીમે-ધીમે એ વિસ્તારમાં વેશ્યાઓએ પ્રવેશ કર્યો અને વખત જતાં બાંધકામની જરૂરિયાતો પૂરી પાડનારાને બદલે એ વિસ્તાર મુંબઈના રહેવાસીઓની કામેચ્છા પૂરી પાડનારીઓનો મુંબઈનો સૌથી મોટો વિસ્તાર બની ગયો. એટલે ‘સારા ઘરના’ મુંબઈગરાઓ ‘કામાઠીપુરા’ નામ કાને પડતાં જ જાણે અભડાઈ જતા. વખત જતાં ત્યાં વસતી સામાન્યાઓ મુંબઈના બીજા વિસ્તારોમાં રહેતી થઈ અને હવે તો આ વિસ્તારને માથે પણ ‘રીડેવલપમેન્ટ’નું ભૂત ભમતું થયું છે.

સરકારી બાંધકામ ઓછાં થયાં, શરીરશ્રમને બદલે મશીન વડે થવા લાગ્યાં એટલે પેલા આજના આંધ્ર પ્રદેશથી આવેલા કામાઠીઓ બીજાં નાનાં-મોટાં મજૂરીકામ કરતા થયા, ઘર-નોકર તરીકે પણ કામ કરતા થયા. આ લખનારને બરાબર યાદ છે. ગિરગામ રોડ પરના વજેરામ બિલ્ડિંગમાં રહેતો ત્યારે વર્ષો સુધી ‘નરસુ’ નામનો એક તેલુગુભાષી કામાઠી ઘરકામ માટે આવતો. બે-ચાર હિન્દી અને બે-ચાર ગુજરાતી શબ્દો માંડ બોલી શકે છતાં મારાં મા ઘરકામનું ગાડું ગબડાવતાં. આ લખનારને અને તેના મોટા ભાઈને પણ વઢી શકે એટલો ઘરમાં તેનો હક. ઘરનું કોઈ પણ જમવા બેસે એ પહેલાં મા એ ‘નરસુ’ની થાળી પીરસીને અલગ મૂકી દે. વર્ષે-બે વર્ષે એક વાર પોતાના દેશમાં જાય. વર્ષો સુધી કામ કર્યા પછી એક વાર એ રીતે ગયો તે ગયો, પાછો ન આવ્યો. તેને શું થયું એનીયે કાંઈ ખબર પડી નહીં.

મુંબઈ મુંબઈ બની શક્યું એના મૂળમાં રહી છે આ કામાઠીઓ અને બીજા લાખો મજૂરોની મહેનત. આજે કાળી મજૂરીનાં ઘણાંખરાં કામ મશીનો ઘણી વધુ ઝડપથી, ઘણી વધુ સારી અને સસ્તી રીતે કરી શકે છે; પરંતુ કોઈ પણ ઇમારત એટલી જ ઊંચી બની શકે જેટલો એનો પાયો ઊંડો અને મજબૂત હોય. આમચી મુંબઈની ઇમારતને મજબૂત બનાવવા માટે આ કામાઠી જેવા કેટલાય લોકો પાયાનો પથ્થર બન્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 07:02 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK