Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર – ધ રિવેન્જથી ઇન્ડિયાના ફેવરિટ ડ્રાઇવર બનેલા આ ગુજરાતી બૉયની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે

ધુરંધર – ધ રિવેન્જથી ઇન્ડિયાના ફેવરિટ ડ્રાઇવર બનેલા આ ગુજરાતી બૉયની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે

Published : 04 April, 2026 06:37 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા ગુજરાતી વેપારીનો ફાઇનૅન્સમાં MBA કરનારો દીકરો હિરવ મહેતા આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ છે તેના ‘ધુરંધર’ના બન્ને ભાગમાં ભજવેલા કિરદારને કારણે.

ધુરંધર – ધ રિવેન્જથી ઇન્ડિયાના ફેવરિટ ડ્રાઇવર બનેલા આ ગુજરાતી બૉયની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે

ધુરંધર – ધ રિવેન્જથી ઇન્ડિયાના ફેવરિટ ડ્રાઇવર બનેલા આ ગુજરાતી બૉયની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે


કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા ગુજરાતી વેપારીનો ફાઇનૅન્સમાં MBA કરનારો દીકરો હિરવ મહેતા આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ છે તેના ‘ધુરંધર’ના બન્ને ભાગમાં ભજવેલા કિરદારને કારણે. બીજા ભાગમાં સુસાઇડ-બૉમ્બર બનીને ગાડી ચલાવતા ફિલ્મના મહત્ત્વના વિલન SP અસલમ ચૌધરી એટલે કે સંજય દત્તના કિરદારને મારવાનું કામ હિરવના કિરદારે કર્યું છે અને ફિલ્મમાં એ બહુ મોટો ટર્નિંગ પૉઇન્ટ પણ છે. દૂર-દૂર સુધી ફિલ્મ સાથે કોઈ કનેક્શન ન ધરાવતા પચીસ વર્ષના આ યુવાનની ‘ધુરંધર’ ભલે પહેલી ફિલ્મ હોય, પરંતુ એ સિવાય પણ તેણે ‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘મેરે સાંઈ’ નામની સિરિયલોમાં કામ કર્યું છે...

‘અમે મૉલમાં હતાં. મારી મમ્મી પણ મારી સાથે હતી. દૂરથી લોકો આવ્યા અને મારી સાથે ફોટો પડાવવા અને ઑટોગ્રાફ લેવા માંડ્યા. એ જોઈને મમ્મીની આંખો ભીની થઈ ગઈ. એ ક્ષણ મારા માટે ઑસ્કર મળી ગયો એવી ઘડી હતી.’

આ શબ્દો છે ‘ધુરંધર પાર્ટ વન અને પાર્ટ ટૂ’માં ખાસ ભૂમિકા ભજવનારા ૨૫ વર્ષના MBA ઍક્ટર હિરવ મહેતાના. હિરવ માટે અત્યારે તેની કરીઅરનો ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે. ‘ધુરંધર’ની ગાજવીજ સફળતાનો એક નાનકડો હિસ્સો બનવા મળ્યું એ માટે તે ભગવાનનો પાડ માનતાં થાકતો નથી. જોકે સાવ એવું પણ નથી કે હિરવે સફળતાનો સ્વાદ પહેલી વાર ચાખ્યો છે. ‘ધુરંધર’ પહેલાં પણ તેનો ચહેરો લોકજાણીતો બની જ ગયો હતો. સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર ધરાવતા અને ટીવી-સિરિયલોમાં પણ લાંબા સમય માટે કામ કરી ચૂકેલા હિરવનું ફૅમિલી-બૅકગ્રાઉન્ડ અને તેનું એજ્યુકેશનલ બૅકગ્રાઉન્ડ દૂર-દૂર સુધી તેની આજની કારકિર્દી સાથે મૅચ નથી થતું. ફિલ્મમાં એન્ટ્રીથી લઈને આગળના પ્લાનિંગની બાબતમાં તેણે શું કર્યું છે અને આગળ શું કરવું છે એની રસપ્રદ વાતો જાણીએ.


બાળપણનું સપનું
હિરવ ઍક્ટિંગમાં જાય અને લોકોમાં જાણીતો બને એવું બાળપણથી તેના પેરન્ટ્સ દીપા અને પીયૂષ મહેતાનું સપનું હતું. હિરવ નાનો હતો ત્યારે પણ એવો દેખાવડો હતો કે મૉડલિંગ માટે તરત જ તેનું સિલેક્શન થઈ જાય. તેણે થોડીક ઍડ-ફિલ્મોમાં કામ પણ કર્યું છે. હિરવ કહે છે, ‘તમને ખબર જ હશે કે ગુજરાતી પરિવારોમાં માહોલ હંમેશાં થોડોક હળવો અને એન્ટરટેઇનિંગ હોય છે. મેં મારી મમ્મી પાસે સાંભળ્યું છે કે ક્યારેક ટીવીમાં નાના બાળકના ડાયપરની ઍડ આવતી હોય અને મારી મમ્મીને લાગે કે હિરવ જો આવી કોઈ ઍડમાં હોય તો? મારા પપ્પાને પણ હું ઍક્ટિંગમાં આગળ વધું એ બાબતનો શોખ હતો. ઇન ફૅક્ટ, મારાં દાદા-દાદી અશોક અને ચારુ મહેતા પણ કરીઅરમાં ઍક્ટિંગને પસંદ કરું એ વાતથી ખુશમખુશ હતાં. સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં આનાથી ઊંધું હોય છે, કારણ કે તેમને ખબર હોય છે કે આ દુનિયા કેટલી અનિશ્ચિત છે. આ દુનિયામાં આર્થિક સધ્ધરતા ક્યારેય મળતી નથી. એ પછીયે તેમણે મારા શોખને પ્રાધાન્ય આપ્યું. મારે જે કરવું હોય એ કરવાની મને પૂરી છૂટ હતી. જોકે નાનપણમાં એન્ટરટેઇનમેન્ટમાં થોડો-ઘણો હાથ અજમાવીને મેં મારું પૂરું ફોકસ ભણવામાં લગાવી દીધું. ઘણી વાર એવું બનતું હોય છે કે તમને જે કરવા મળે એ કરવા કરતાં તમને જુદું જ કરવાના ઓરતા જાગતા હોય છે. સ્કૂલનું ભણવાનું પત્યું એટલે ફરી એક વાર ઑડિશન આપ્યાં અને એકલ-દોકલ સિરિયલમાં નાના-મોટા રોલ કર્યા. જોકે એની વચ્ચે ભણવાનું કૉમ્પ્રોમાઇઝ નથી કરવું એ નિર્ણય મારો પોતાનો હતો. નાનપણમાં ઑડિશન માટે પપ્પા લઈ જતા. પછી હું જાતે જતો.’
બૅચલર્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ અને પછી ફાઇનૅન્સમાં જ MBA કરનારા હિરવે ભણવાનું પત્યા પછી રોશન તનેજાની ઍક્ટિંગ સ્કૂલ જૉઇન કરીને ઑફિશ્યલ ઍક્ટિંગની ટ્રેઇનિંગ લીધી. જોકે એ દરમ્યાન તેણે ફાઇનૅન્સ કંપનીમાં જૉબ શરૂ કરી.

ટર્નિંગ પૉઇન્ટ
દૂર-દૂર સુધી ફુલટાઇમ ઍક્ટિંગનો વિચાર નહોતો, કારણ કે મને ફાઇનૅન્સમાં મજા આવતી હતી એમ જણાવીને હિરવ કહે છે, ‘એ પછીયે કહીશ કે એ મજામાં કંઈક ખૂટતું હતું. જેમ કે એક તો ઑફિસમાં બેસીને કામ કરવાનું હતું અને મારી સાથે આજુબાજુમાં બધા જ મારાથી ઉંમરમાં મોટા. ક્યાંક ને ક્યાંક મને એમ લાગતું હતું કે જાણે હું ક્યાંક ફિક્સ થઈ ગયો છું. આ તો નહીં ચાલે એવું લાગતાં નોકરી છોડીને પોતાનું કામ શરૂ કર્યું. એ દરમ્યાન કોરોના આવ્યો એટલે ઑડિશન આપવાનું ફરી શરૂ થયું. એ દરમ્યાન સોની પર લૉન્ગેસ્ટ ચાલેલી સિરિયલમાંની એક ‘મેરે સાંઈ’માં નિયમિત કામ શરૂ કર્યું. લગભગ બે વર્ષ એમાં કામ કર્યું અને સાથે પોતાનું ફાઇનૅન્સનું કામ પણ કરતો હતો. એ સમયે જ ‘બડે અચ્છે લગતે હૈં સીઝન ફોર’માં એક રોલ મળ્યો. એમાં પણ સારું એક્સપોઝર હતું. એ દરમ્યાન જ સોશ્યલ મીડિયાની એક અનોખી દુનિયા મારા માટે ખૂલી ગઈ.’

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સ
આજકાલ આ દુનિયા દિન દુગની અને રાત ચૌગુની ફૂલીફાલી રહી છે. સોશ્યલ મીડિયા પર લાખોનું ફૉલોઇંગ ધરાવતો ક્રીએટર એક અગ્રણી એન્ટરટેઇનર કરતાં પણ વધારે સ્ટારડમ ભોગવી રહ્યો છે. જોકે હિરવ લગભગ ૧૯ લાખ એટલે કે ૧.૯ મિલ્યન ફૉલોઅર્સ સાથે સોશ્યલ મીડિયા પર અનોખું સ્ટારડમ લાંબા સમયથી ભોગવી રહ્યો છે. નાનપરથી જ ફિટનેસ-ફ્રીક અને જિમમાં જઈને બૉડી-બિલ્ડિંગ કરતા હિરવનું ઇન્સ્ટાગ્રામ પર ‘મસલ્સ મહેતા’નામનું પેજ છે. તે કહે છે, ‘આ પણ મારી લાઇફમાં અનાયાસ જ બની ગયું. દરઅસલ હું નિયમિત જિમમાં જઈને એક્સરસાઇઝ કરનારો યુવાન છું. મારી બૉડી જોઈને ઘણા લોકો મને પૂછતા કે હું શું કરું છું? એમાં પણ હું વેજિટેરિયન છું અને એ પછીયે મસલ્સ બનાવ્યા એ લોકોને તાજુબ પમાડતું. એમાં રોજ આઠથી ૧૦ લોકોને ટિપ્સ આપવાનું બનતું. મને થયું કે મારી ટિપ્સથી લોકોને લાભ થાય છે તો શું કામ વધુ લોકો સુધી ન પહોંચાડું? એ પછી જ મસલ્સ મહેતા નામનું પેજ બનાવવાનો વિચાર આવ્યો. તમને કહું કે મસલ્સ મહેતા એ ઇન્સ્ટાગ્રામના ઇતિહાસમાં વન ઑફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ અકાઉન્ટ બન્યું છે. એક જ મહિનામાં એક લાખથી ઓગણીસ લાખ ફૉલોઅર્સ પર પેજ પહોંચ્યું. એ પછી અહીં જ મેં કોચિંગ ઍકૅડેમી શરૂ કરી. અત્યાર સુધી અમારી ઍકૅડેમીમાં ૧૫૦૦ લોકોને કોચિંગ આપી ચૂક્યો છું. એ પણ બહુ જ સરસ કામ ચાલે છે.’

રિજેક્શનથી ‘ધુરંધર’ની સક્સેસ સુધી
હું તમને કહું તો અત્યાર સુધી આપેલાં ઑડિશનમાં સેંકડો વાર રિજેક્ટ થયો છું અને દરેક વખતે ડીમોટિવેટ પણ થયો છું એમ જણાવીને હિરવ કહે છે, ‘‘ધુરંધર’માં મુકેશ છાબરા સરને ત્યાં ગયા પછી ૩ વાર ઑડિશન આપ્યું હતું. ખબર નહોતી કે સિલેક્ટ થઈશ કે નહીં. આ આખી જર્નીમાં મારી સિસ્ટર મારો પડછાયો બનીને મારી સાથે રહી. મારાથી પાંચ વર્ષ નાની મારી બહેનનું નામ ધ્યાના છે. તે પણ ડાન્સમાં વિશારદ છે અને ઘણા સ્ટેજ-શો કરી ચૂકી છે. દરેક વખતે ઑડિશન આપવાનું હોય એટલે ડાયલૉગ લર્ન કરવાના, તૈયાર થવાનું અને શૂટ કરવાનું. આ બધામાં મારી બહેન ધ્યાનાનો ફુલ સપોર્ટ હતો. ‘ધુરંધર’ના ઑડિશનમાં મને ખબર નહોતી કે હું સિલેક્ટ થઈશ કે કેમ. ‘ધુરંધર’ના પહેલા ભાગમાં જ્યારે રણવીર સિંહ પેલો સિગ્નેચર ડાન્સ કરતાં-કરતાં ગાડીમાંથી બહાર નીકળે છે ત્યારે હું પાછળથી તેમને જૉઇન કરું છું. એ વખતે પણ મને સિગ્નિફિકન્ટ રોલ મળ્યો હોય એવું લાગ્યું હતું. જોકે પાર્ટ-ટૂ તો મારા માટે એકદમ ફેસિનેટિંગ હતો. મારી ડ્રાઇવિંગ-સ્કિલ્સને આ રોલ માટે ખાસ કન્સિડર કરવામાં આવી હતી અને એના આધારે જ ઑડિશનમાં મારું સિલેક્શન થયું હતું. મને જ્યારે ખબર પડી કે મારે સુસાઇડ બૉમ્બર બનીને ડાયલૉગ બોલ્યા વિના માત્ર એક્સપ્રેશન સાથે ફિલ્મના મહત્ત્વના વિલન SP અસલમ ચૌધરી એટલે કે સંજય દત્તને મારવાનો છે ત્યારે હું મનોમન નાચી રહ્યો હતો.’

કુલ ૭ દિવસના શૂટમાં ડિરેક્ટર આદિત્ય ધર, લીડ ઍક્ટર રણવીર સિંહ અને સંજય દત્ત જેવા રિયલ લાઇફ ધુરંધરો સાથે કામ કરવાનો મોકો મળ્યો એ અનુભવ શૅર કરતાં હિરવ કહે છે, ‘એક ડિરેક્ટર જ્યારે ક્લિયર વિઝન સાથે હોય ત્યારે એટલું સમજાવી શકે કે એક જ શૉટમાં તમારો સીન પાસ થઈ જાય. યસ, એક જ શૉટમાં મારો સીન શૂટ થઈ ગયો હતો. મને યાદ છે કે સવારે થોડી વાર માટે રણવીર સિંહને મળ્યો હતો અને મારું નામ કહેલું. તેમણે મને કીપ ઇટ અપ કહ્યું હતું અને સાંજે સીન દરમ્યાન મને મારા નામ સાથે રણવીર સર ચિયર કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા, ‘કમ ઑન હિરવ, જસ્ટ ડૂ ઇટ’. સાચું કહું તો મારા માટે આ રૂંવાડાં ઊભાં કરી દે એવી મોમેન્ટ હતી. બીજી બાજુ સંજય દત્તને પણ મળ્યો, હાથ મિલાવ્યા અને તેમના તરફથી પણ શુભેચ્છાઓ મળી. આ આખો અનુભવ મારા માટે જાણે કે લાઇફ-ચેન્જિંગ બની ગયો છે. હું એને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.’

  હૉબીઝ : ફિટનેસ ઉપરાંત મને સ્વિમિંગ, બાઇકિંગ અને બૅડ્મિંટન રમવાનો જબરો શોખ છે.
- પ્રથમ પ્રેમ : પરિવાર. યસ, મારો પરિવાર મારો પહેલો અને ફૉરેવર પ્રેમ છે. 
- બકેટ લિસ્ટ : મારું એક જ સપનું છે કે એક વાર મને એવી ફિલ્મમાં કામ કરવા મળે જેમાં હું લીડ ઍક્ટર હોઉં.
- અફસોસ : એકસાથે બહુબધી દિશામાં ઍક્ટિવ હોવાથી હું મારી ક્ષમતાનો હાઇએસ્ટ ઉપયોગ કરવામાં પાછો પડી રહ્યો હોઉં એવું લાગે છે.
- ફેવરિટ ફૂડ : આમ તો હું ફિટનેસ-ફ્રીક છું, પરંતુ ચીટ મીલ હોય ત્યારે બર્ગર્સ અને હમસ, પીટા બ્રેડ, ફલાફલ જેવું લેબૅનીઝ ફૂડ મારો પહેલો પ્રેફરન્સ હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 06:37 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK