પથ્થરમાં ઊગેલા એકમાત્ર વૃક્ષમાં ન અટક્યા હોત તો ૬૦૦ ફુટ ઊંડે પછડાત, ૮ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ સહીસલામત બહાર આવ્યા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થાણે જિલ્લામાં આવેલા પ્રખ્યાત માહુલી ગઢના ટ્રેકિંગ દરમ્યાન મંગળવારે એક મોટી હોનારત ટળી હતી. IIT-બૉમ્બેના બે વિદ્યાર્થીઓ ટ્રેકિંગ દરમ્યાન લપસી જતાં ખીણમાં પટકાયા હતા, પરંતુ સદ્નસીબે એક વૃક્ષમાં ફસાઈ જતાં તેમનો જીવ બચી ગયો હતો. ૮ કલાક લાંબા ચાલેલા રેસ્ક્યુ ઑપરેશન બાદ બન્નેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
રેસ્ક્યુઅરે કહ્યું હતું કે ‘મૂળ હૈદરાબાદ અને ચેન્નઈના મેકૅનિકલ એન્જિનિયરિંગમાં ભણતા બે સ્ટુડન્ટ્સ આસનગાવ થઈને હનુમાન દરવાજાના માર્ગે ગાઇડ વગર ટ્રેકિંગ કરી રહ્યા હતા. ટોચ નજીક પહોંચતાં તેઓ રસ્તો ભટકી ગયા હતા અને એક લપસણા ખડક પર ચડવા જતાં તેમનું બૅલૅન્સ ખોરવાયું અને તેઓ સીધા પચીસ ફુટ નીચે પટકાયા હતા. જોકે સ્ટુડન્ટ્સ આ મોટા પથ્થર અને ખડકોમાં ઊગી નીકળેલા એકમાત્ર ઝાડમાં ન ફસાયા હોત તો સીધા ૬૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબક્યા હોત.’
ADVERTISEMENT
સ્થિતિની ગંભીરતા જોઈને વિદ્યાર્થીઓએ તરત જ તેમનું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લોકેશન શૅર કરીને મદદ માગી હતી. સ્થાનિક જીવનરક્ષકની ૧૨ સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પહાડ પર છૂટા પથ્થર હોવા છતાં રૅપ્લિંગ-ટેક્નિકનો ઉપયોગ કરીને ટીમના સભ્યો સ્ટુડન્ટ્સ સુધી પહોંચ્યા હતા. ઝાડ પર દોરડા બાંધીને ઍન્કર બનાવીને અત્યંત સાવચેતીપૂર્વક બન્નેને ખેંચી લીધા હતા. આઠ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બન્ને સ્ટુડન્ટ્સને બહાર લાવવામાં આવ્યા હતા. તેમને સામાન્ય ઈજા થઈ છે.
