આ વર્લ્ડ કપમાં જ્યાં-જ્યાં ભારતની મૅચ રમાઈ ત્યાં-ત્યાં ક્રિકેટરોનાં નામનાં ટી-શર્ટ અને કૅપ વેચવા પહોંચી ગઈ આ મહિલાઓ
મુંબઈથી અમદાવાદ આવેલી પૂજા પવાર, પૂજા પવાર પાસેથી ટી-શર્ટ ખરીદી રહેલા ક્રિકેટ-ફૅન્સ અને સેલવાસથી આવેલી કિરણ કાલે
આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે. મુંબઈમાં રમાયેલી સેમી-ફાઇનલની મૅચ જીત્યા પછી ભારતીય ટીમ શુક્રવારે અમદાવાદ આવી પહોંચી હતી. ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોની જેમ મુંબઈથી કેટલીક મહિલાઓ પણ અમદાવાદ પહોંચી હતી. ફરક એટલો હતો કે ક્રિકેટર્સ ફ્લાઇટમાં આવ્યા હતા અને આ મહિલાઓ ક્યાં તો ટ્રેનમાં કે બસમાં બેસીને આવી હતી. રખેને એવું માનતા કે આ મહિલાઓ મૅચ જોવા આવી છે. આ મહિલાઓ તેમના ઘરમાં આર્થિક મદદ થઈ રહે એ હેતુ સાથે અમદાવાદ આવી છે. અમદાવાદ પહોંચીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આ શ્રમજીવી મહિલાઓએ ફુટપાથ પર પાથરણું પાથરીને એમાં ક્રિકેટર્સનાં નામ લખેલાં ટી-શર્ટ, કૅપ મૂકીને તેમનો રોજગાર શરૂ કર્યો હતો.
ભારતમાં T20 વર્લ્ડ કપની આજે ફાઇનલ મૅચ છે અને મહિલા દિવસ પણ છે ત્યારે આ વર્લ્ડ કપ દરમ્યાન ભારતની જ્યાં-જ્યાં મૅચ હતી ત્યાં-ત્યાં એકથી બીજા શહેરમાં બે પૈસા કમાવા ટ્રેનના અનરિઝર્વ્ડ કોચમાં ભીડભાડ વચ્ચે મુસાફરી કરીને અને તકલીફો વેઠીને ઘરના બે છેડા ભેગા કરવા મથતી મહેનતકશ મહિલાઓની આ વાત છે. જરૂરિયાતમંદ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનીને તેમના માટે આ મહિલાઓ ઉદાહરણરૂપ બની છે.
ADVERTISEMENT
કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો
ક્રિકેટર્સનાં નામ લખેલાં ટી-શર્ટ વેચવા મુંબઈથી અમદાવાદ આવી પહોંચેલી પૂજા પવાર ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે ચર્ચગેટ વિસ્તારમાં રહીએ છીએ. અમદાવાદમાં ફાઇનલ મૅચ છે એટલે એ આશાએ ૩૦૦ ટી-શર્ટ અને ૧૫૦ જેટલી કૅપ લઈને આવી છું કે એ બધાં વેચાઈ જશે. ટી-શર્ટ અને કૅપ વેચીને જે પૈસા મળે એ ઘરખર્ચમાં મદદરૂપ થાય છે. અમારું ગુજરાન આના પર ચાલે છે. આ વર્લ્ડ કપ દરમ્યાન હું ચેન્નઈ, બૅન્ગલોર, દિલ્હી સહિતનાં શહેરોમાં ટી-શર્ટ અને કૅપનો ધંધો કરવા ગઈ હતી. આ કામમાં પૈસા મળે છે, પણ એટલા બધા નથી મળતા. મૅચ ચાલુ હોય ત્યારે આ કામ કરીએ છીએ, નહીં તો માટીકામ કરીએ છીએ. આ કામ કરીને હું મારા પતિ રામનાથને સપોર્ટ કરી રહી છું. હું આ કામ કરુ છું એનાથી ઘરખર્ચ નીકળી જાય છે. મારા જેવી મહિલાઓને એક મેસેજ આપીશ કે કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો. મહેનત કરીને ઘરમાં બે પૈસા આવતા હોય તો શરમ રાખ્યા વગર કામ કરવું જોઈએ.’
મહેનત કરો તો બે પૈસા મળે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ પાસે ક્રિકેટર્સનાં નામ લખેલાં ટી-શર્ટ વેચવા દીકરી સાથે આવેલી સેલવાસની કિરણ કાલે ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારા માટે આ સીઝનલ કામ છે. પહેલાં મારાં મમ્મી પણ આ કામ કરતાં હતાં, હવે હું કરું છું. આ વર્લ્ડ કપની મૅચ દરમ્યાન દિલ્હી, મુંબઈ સહિત જુદાં-જુદાં શહેરોમાં હું ફરી છું અને હવે અમદાવાદ આવી છું. આ ઉપરાંત વન-ડે મૅચ વખતે હું વડોદરા, રાજકોટ, ઇન્દોર, નાગપુર, વિશાખાપટનમ ગઈ હતી. ટી-શર્ટ વેચવા પાછળનું કારણ એ કે આ કામથી પૈસા મળે છે અને એનાથી ઘરમાં આર્થિક મદદ મળી રહે છે. જોકે બહુબધી કમાણી થતી નથી, પણ થાય છે ખરી. આપણે મહેનત કરવી જોઈએ, બીજાના ભરોસે બેસી રહેવાય નહીં. મહેનત કરો તો બે પૈસા મળે. અહીં હું હાલ તો ૨૦૦ જેટલાં ટી-શર્ટ લઈને આવી છું. મને આશા છે કે ભારતની ટીમ ફાઇનલમાં આવી છે અને આ સ્ટેડિયમમાં બહુબધા લોકો આવે છે એટલે બધાં ટી-શર્ટ વેચાઈ જશે. લોકો મૉલમાં ચીજવસ્તુ ખરીદવા જાય છે ત્યારે ભાવતાલ નથી કરતા, પણ અમારી પાસે ટી-શર્ટ લેવા આવતા લોકો ભાવતાલ બહુ કરે છે.’
મુશ્કેલીઓ વચ્ચે કામ
એક મૅચ પૂરી થયા બાદ બીજા શહેરમાં જવાનું થતું હોવાને કારણે આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં કિરણ કાલે કહે છે, ‘એક મૅચ પૂરી થયા બાદ તરત બીજા શહેરમાં જવાનું થતું હોવાથી ટ્રેનમાં અમે રિઝર્વેશન કરાવી શકતા નથી. ટ્રાવેલિંગમાં બહુ પ્રૉબ્લેમ થાય છે. ટ્રેનમાં ભીડ બહુ હોય અને માલસામાન સાથે લઈને જવાનો હોય એટલે તકલીફ રહે. જે શહેરમાં જઈએ ત્યાં રૂમ ભાડે રાખવાની એટલે રહેવા-જમવાની પણ તકલીફ થાય. જોકે મહેનત કર્યા વગર સરળતાથી પૈસા મળતા નથી, સ્ટ્રગલ કરવી પડે છે. જોકે આટલી દોડધામ પછી બે પૈસા મળે છે એનો મને સંતોષ છે.’
ક્રિકેટરોનાં નામ લખેલાં ટી-શર્ટ, કૅપ, ફ્લૅગ સહિતની વસ્તુઓ વેચવા મુંબઈ, સેલવાસ સહિત ભારતનાં નાનાં-મોટાં શહેરોમાંથી ઘણી મહિલા વેન્ડરો અમદાવાદ આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર જ્યાં નજર કરશો ત્યાં ટી-શર્ટ વેચતા વેન્ડરો નજરે પડશે. ટાઢ, તડકો વેઠીને પણ આ બધી વસ્તુઓ વેચીને ફૅમિલીને સપોર્ટ કરી રહેલી મહિલાઓનું કામ સરાહનીય છે.
