Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આર્થિક સધ્ધરતાનું મહત્ત્વ સમજાવે છે અક્ષયતૃતીયા

આર્થિક સધ્ધરતાનું મહત્ત્વ સમજાવે છે અક્ષયતૃતીયા

Published : 19 April, 2026 04:14 PM | IST | Mumbai
Foram Shah | feedbackgmd@mid-day.com

આ દિવસ નવાં કાર્યો શરૂ કરવા, ખરીદી કરવા અથવા રોકાણ કરવા માટે ખૂબ જ શુભ ગણાય છે. અક્ષયતૃતીયાનું મહત્ત્વ માત્ર પરંપરા કે ખરીદી સુધી મર્યાદિત નથી. આ દિવસ આપણને આર્થિક રીતે સધ્ધર બનવાની પણ પ્રેરણા આપે છે. આથી જ આપણે એના વિશે અહીં ચર્ચા કરી રહ્યા છીએ.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અક્ષયતૃતીયા હિન્દુ અને જૈન પરંપરામાં અત્યંત શુભ અને પવિત્ર દિવસ મનાય છે. આ દિવસ સાથે ઘણા ધાર્મિક પ્રસંગો જોડાયેલા છે. દંતકથાઓ મુજબ આ દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરી હતી, ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ભગવાન કૃષ્ણે પાંડવોને અક્ષયપાત્ર આપ્યું હતું. જૈન ધર્મમાં પણ આ દિવસ વિશેષ છે, કારણ કે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે ૪૦૦ દિવસના લાંબા ઉપવાસ પછી આ દિવસે પારણાં કર્યાં હતાં. આમ આ દિવસનું ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે.

આ દિવસ નવાં કાર્યો શરૂ કરવા, ખરીદી કરવા અથવા રોકાણ કરવા માટે ખૂબ જ શુભ ગણાય છે. અક્ષયતૃતીયાનું મહત્ત્વ માત્ર પરંપરા કે ખરીદી સુધી મર્યાદિત નથી. આ દિવસ આપણને આર્થિક રીતે સધ્ધર બનવાની પણ પ્રેરણા આપે છે. આથી જ આપણે એના વિશે અહીં ચર્ચા કરી રહ્યા છીએ. ‘અક્ષય’ એટલે ક્યારેય ન ઘટે એવી વસ્તુ. એટલે કે આ દિવસે કરેલાં સારાં કાર્યો, લીધેલા યોગ્ય નિર્ણયો અને સમજદારીથી કરેલાં રોકાણો લાંબા ગાળે લાભદાયી ઠરે છે.



આર્થિક સફળતા દરેક વ્યક્તિનું લક્ષ્ય હોય છે, પરંતુ એ એક દિવસમાં પ્રાપ્ત થતું નથી. એના માટે યોગ્ય આયોજન અને શિસ્ત જરૂરી છે. સંપત્તિ રળવાની પ્રક્રિયાને જો આપણે ૩ સરળ ભાગોમાં વહેંચીએ તો એ વધુ સરળ બને છે. આ ૩ પ્રક્રિયા એટલે સંપત્તિનું રક્ષણ, એનો સંચય અને એની વહેંચણી. કોઈ રોગચાળો ચાલી રહ્યો હોય કે પછી યુદ્ધ કે પછી આનંદનો વખત હોય, બધા જ સંજોગોમાં આ પ્રક્રિયા ઉપયુક્ત ઠરે છે.


સૌથી પહેલાં આવે છે સંપત્તિનું રક્ષણ. આપણે જે કમાયા છીએ એને સુરક્ષિત રાખવું ખૂબ જ અગત્યનું હોય છે. જીવનમાં અચાનક આવનારી મુશ્કેલીઓ માટે થોડી બચત રાખવી જરૂરી છે, જેથી ભવિષ્ય માટે રાખી મૂકેલી મૂડીને નુકસાન ન થાય. તાકીદની સ્થિતિ માટેનાં નાણાં ભેગાં થઈ ગયા બાદ વીમાનું પૂરતું રક્ષણ લઈ લેવું પણ આવશ્યક છે, જેમાં આરોગ્ય વીમો અને જીવન વીમો સામેલ છે.

બીજું પગલું છે સંપત્તિનો સંચય એટલે કે યોગ્ય રીતે અને સમજદારીથી રોકાણ કરવું. ઘણા લોકો સીધા રોકાણથી શરૂઆત કરે છે, પરંતુ પહેલાં પોતાની જવાબદારીઓ અને કરજ ચૂકવવાનો વિચાર કરવો જરૂરી છે. ભવિષ્યની જરૂરિયાતો અને એ પૂરી કરવા માટેનો સમયગાળો એ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવાથી સંપત્તિ ભેગી કરવાનું શક્ય બને છે.


અંતમાં આવે છે સંપત્તિની વહેંચણી. આપણે કમાવેલી સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ અને ભાવિ પેઢી માટે પણ કરવો જોઈએ. આથી જીવનમાં સંતુલન અને સંતોષ મળે છે.

ઉપરોક્ત મુદ્દાઓના આધારે જોવામાં આવે તો અક્ષયતૃતીયા માત્ર એક તહેવાર નથી પરંતુ જીવનમાં સમજદારીપૂર્વક આર્થિક આયોજન કરવાની યાદ અપાવનારો દિવસ છે. શુભ સમય સાથે યોગ્ય આયોજન સંકળાય તો ભવિષ્ય વધુ સુરક્ષિત અને નિશ્ચિંત બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 04:14 PM IST | Mumbai | Foram Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK