Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાંતાક્રુઝના ગુજરાતી વેપારીના અકાઉન્ટન્ટનું અપહરણ કરીને ૩૨.૫૪ લાખ રૂપિયા લૂંટી લેવાયા

સાંતાક્રુઝના ગુજરાતી વેપારીના અકાઉન્ટન્ટનું અપહરણ કરીને ૩૨.૫૪ લાખ રૂપિયા લૂંટી લેવાયા

Published : 19 April, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ છીએ એમ કહીને બે જણે સાયનમાં ગાડીમાં બેસાડ્યો અને પછી ઘાટકોપરમાં ઉતારી મૂક્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાંતાક્રુઝના એક ગુજરાતી વેપારીની ગાર્મેન્ટ કંપનીમાં કામ કરતા ૪૫ વર્ષના અકાઉન્ટન્ટનું સાયનથી અપહરણ કરીને તેના ૩૨,૫૪,૦૦૦ રૂપિયા લૂંટી લેનાર ચાર આરોપીઓમાંના બે જણને ઍન્ટૉપ હિલ પોલીસે ઝડપી લીધા છે. બુધવારે સાંજે ફરિયાદી અકાઉન્ટન્ટ સાયનમાં માલિકના પાર્ટનરના ઘરે ૫૦ લાખ રૂપિયા પહોંચાડ્યા બાદ બાકીના ૩૨,૫૪,૦૦૦ રૂપિયા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં એક વેપારીને આપવા માટે ટૅક્સી બુક કરી રહ્યો હતો ત્યારે બે અજાણી વ્યક્તિઓએ તેને અટકાવ્યો હતો. અમે પોલીસ છીએ એવો દાવો કરીને ધમકી આપીને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ તેને ઘાટકોપરમાં એમ. જી. રોડ પર આવેલા ઈસ્ટ-વેસ્ટ બ્રિજ નજીક લઈ જઈને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ઝૂંટવીને નાસી ગયા હતા.  

ઘટના શું બની હતી?



ઍન્ટૉપ હિલના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શિવાજી પાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે ફરિયાદી અકાઉન્ટન્ટ સાંતાક્રુઝથી કુલ ૮૨.૫૦ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. એમાંથી સાડાત્રણ વાગ્યે સાયન-કોલીવાડામાં એક વેપારીના ઘરે ૫૦ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા અને બાકીના ૩૨.૫૪ લાખ રૂપિયા BKCમાં બીજા વેપારીને આપવા જવાનો હતો અને એ માટે તે સાયન ખાતે સેવા સમિતિ બિલ્ડિંગ પાસે ટૅક્સી બુક કરાવી રહ્યો હતો ત્યારે બે અજાણી વ્યક્તિઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને તેને જબરદસ્તી સ્કૉર્પિયો કારમાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ કારમાં ફરિયાદીનું આધાર કાર્ડ, પૅન કાર્ડ અને મોબાઇલ ચેક કરીને ધમકાવીને મોબાઇલ છીનવી લીધો હતો. એ પછી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી તેને ઘાટકોપર લઈ ગયા હતા. ત્યાં થોડો સમય અંદરના વિસ્તારોમાં ફેરવીને તેની પાસેની ૩૨.૫૪ લાખ રૂપિયા બળજબરીથી ઝૂંટવી લઈ તેને ઘાટકોપરના એમ. જી. રોડ નજીક ઉતારી દઈને આરોપીઓ નાસી ગયા હતા. આ મામલે અમે ચાર આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ધમકી અને લૂંટની ફરિયાદ નોંધી છે.’


બે આરોપીની ધરપકડ
શિવાજી પાવડેએ કહ્યું હતું કે ‘આ મામલે બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય બે આરોપીઓની ધરપકડ માટે ટીમ બીજા રાજ્યમાં ગઈ છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK