Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

Published : 03 January, 2026 07:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક હતો રાજા. હા, જી. બાળવાર્તાઓથી ટેવાયેલા હશો તો તમે તરત કહેશો: ‘અને એક હતી રાણી.’ હવે જ્યાં રાજા હોય ત્યાં રાણી(ઓ) તો હોવાની જ. પણ આપણે આજે રાજાની રાણીની વાત નથી કરવાના પણ એક રાજાના મુંબઈમાં આવેલા મહેલની વાત કરવાના છીએ.

મુંબઈનો વાંકાનેર પૅલેસ

મુંબઈનો વાંકાનેર પૅલેસ


એક હતો રાજા. હા, જી. બાળવાર્તાઓથી ટેવાયેલા હશો તો તમે તરત કહેશો: ‘અને એક હતી રાણી.’ હવે જ્યાં રાજા હોય ત્યાં રાણી(ઓ) તો હોવાની જ. પણ આપણે આજે રાજાની રાણીની વાત નથી કરવાના પણ એક રાજાના મુંબઈમાં આવેલા મહેલની વાત કરવાના છીએ. આજથી દાયકાઓ પહેલાંની વાત. કાઠિયાવાડમાં ઢગલાબંધ દેશી રાજ્યો હતાં. પાછાં એ વખતની ટ્રેનની જેમ ત્રણ ભાગમાં વહેંચાયેલાં: પહેલો વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ. એમાં બીજા વર્ગનું એક રાજ્ય એ વાંકાનેર. અને એ હતું સલામી રાજ્ય. એટલે કે એના રાજવી નવ તોપોની સલામીના હકદાર. કાઠિયાવાડમાં આવેલા હળવદના રાજા ચંદ્રસિંહ. તેના યુવરાજ પૃથ્વીરાજ. તેના દીકરા સરતાનજીએ વાંકાનેરનું રાજ્ય સ્થાપ્યું. ૧૬૧૦માં વાંકાનેર શહેર વસાવ્યું. આસપાસનો પ્રદેશ જીતી લીધો.
૧૮૦૭-૧૮૦૮માં કંપની સરકારે કાઠિયાવાડનાં રજવાડાં પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું. કાઠિયાવાડના ઝાલાવાડ પ્રાંતમાં આવતું વાંકાનેરનું રાજ્ય વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના તાબા હેઠળ મુકાયું. આ વાંકાનેર રાજ્યની ગાદી પર ૧૮૮૧ના જૂનની ૨૫મી તારીખે અમરસિંહજી બેઠા ત્યારે તેમની ઉંમર હતી બે વર્ષ! એટલે રાજ્યનો કારભાર ઝાલાવાડના પૉલિટિકલ એજન્ટે સંભાળ્યો. થોડા મોટા થયા એટલે રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણવા મોકલ્યા. ત્યાં ભણ્યા પછી પહેલાં તેમણે હિન્દુસ્તાનનાં મુખ્ય શહેરોની મુલાકાત લીધી અને પછી ઇંગ્લૅન્ડ જઈ ત્યાં ચાર મહિના રહ્યા. પૅરિસ સહિત યરપનાં કેટલાંક શહેરોની મુલાકાત લઈ ૧૮૯૮ના ઑક્ટોબરની ૨૨મી તારીખે વાંકાનેર પાછા આવ્યા. પુખ્ત ઉંમરના થતાં ૧૮૯૯ના માર્ચની ૧૮મી તારીખે કાઠિયાવાડના પૉલિટિકલ એજન્ટ જે. એમ. હન્ટરે સત્તાનાં સૂત્રો તેમને સોંપ્યાં.

કાઠિયાવાડનાં દેશી રાજ્યો પૉલિટિકલ એજન્ટના અંકુશ નીચે મુકાયાં ત્યારથી ત્યાંના રાજાઓનો મુંબઈનો આવરો-જાવરો વધ્યો. એટલે એમાંના કેટલાક રાજાઓએ મુંબઈમાં મહેલ બંધાવ્યા. સગવડ તો ખરી જ, પણ મુંબઈમાં મહેલ હોય એટલે એ રાજ્યનો વટ પડે. વાંકાનેરના રાજવી અમરસિંહજીએ પણ મુંબઈમાં વાંકાનેર પૅલેસ બંધાવવાનું નક્કી કર્યું. જ્યાં અબજોપતિ જ રહેતા એવા વૉર્ડન રોડ (આજના ભુલાભાઈ દેસાઈ રોડ) પર પચાસ હજાર ચોરસ ફીટનો પ્લૉટ ખરીદ્યો. પછી એના પર બંધાનારા મહેલની ડિઝાઇન તૈયાર કરવાનું કામ સોંપ્યું જાણીતા બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટલેને.

બેટલેનો જન્મ ૧૮૭૯ના ઑક્ટોબરની ૧૭મી તારીખે. અવસાન મુંબઈમાં ૧૯૫૬ના માર્ચની ૨૦મી તારીખે. ઇંગ્લૅન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૧૩માં મુંબઈ આવીને ગ્રેગસન ઍન્ડ કિંગની સાથે ભાગીદારીમાં પ્રૅક્ટિસ શરૂ કરી. બેટલેએ ડિઝાઇન કરેલી મુંબઈની કેટલીક જાણીતી ઇમારતો : બૉમ્બે જિમખાના (૧૯૧૭), બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન (૧૯૩૦), કચ્છના મહારાજાનો દરિયા મહાલ (૧૯૩૦), સાઉથ કોર્ટ (૧૯૩૬), મહંમદ અલી ઝીણાનો બંગલો (૧૯૩૭), કોલાબામાં આવેલી પારસીઓની વસાહત ખુશરુ બાગ (૧૯૩૭-૧૯૫૯), બૉમ્બે ક્લબ (૧૯૩૯), લાલભાઈ હાઉસ (૧૯૪૨) અને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ (૧૯૫૦). આ ઉપરાંત અમદાવાદનાં ટાઉન હૉલ, એમ. જે. લાઇબ્રેરી, વીજળી ઘર, શોધન હાઉસ વગેરેની ડિઝાઇન પણ તેમણે જ તૈયાર કરી હતી. ૧૯૧૪માં તેઓ જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં વિઝિટિંગ પ્રોફેસર બન્યા. પછી ૧૯૨૩થી પૂરાં વીસ વર્ષ સુધી એના પ્રિન્સિપાલના પદે રહ્યા. તેમણે જ બનાવેલા એક મકાન – બૉમ્બે ક્લબ – માં ૧૯૫૬માં તેમનું અવસાન થયું.

વાંકાનેરનું રાજપાટ હતું ત્યાં સુધી તો કશી ચિંતા નહોતી. રાજાનું કામ રૈયત પર કરવેરા નાખીને પૈસા ઉઘરાવવાનું. પણ ૧૯૪૭માં એકાએક બધું બદલાઈ ગયું. રાજા હતા તે પ્રજા બની ગયા અને પ્રજાના પ્રતિનિધિઓ બન્યા રાજા. અને આ નવા રાજાઓ જે ટૅક્સ માગે એ અગાઉના રાજવીઓએ પણ ભરવો જ પડે. ૧૯૫૭માં ઇન્કમ-ટૅક્સ વિભાગે ૧૮ લાખ રૂપિયા ભરવાની નોટિસ મોકલી ‘વાંકાનેરના રાજવી’ને. પૅલેસ બંધાવનાર અમરસિંહજીનું તો ૧૯૫૪ના જૂનની ૨૫મીએ અવસાન થઈ ચૂક્યું હતું. તેમની રાજગાદી પર ‘બિરાજમાન’ થયા હતા તેમના કુંવર પ્રતાપસિંહજી. ઇન્કમ-ટૅક્સની મોટી (એ જમાનામાં આ રકમ મોટી જ ગણાય) રકમ ભરવાની નોટિસ તેમને મળી હતી. એ રકમ ઊભી કરવા માટે તેમણે વાંકાનેર હાઉસ વેચી નાખવાનું નક્કી કર્યું. અને ૧૮ લાખમાં સોદો થઈ ગયો. ખરીદનાર, અમેરિકન સરકાર.

હિન્દુસ્તાન અને અમેરિકા વચ્ચેના ડિપ્લોમૅટિક સંબંધો ખાસ્સા જૂના. છેક ૧૮૩૮ના ઑક્ટોબરની પાંચમી તારીખે અમેરિકાના પ્રેસિડન્ટ માર્ટીન વાન બરેને એક ખરીતા દ્વારા ન્યુ યૉર્કના ફિલેમોન એસ. પાર્કરની નિમણૂક મુંબઈ ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી હતી. અલબત્ત, અમેરિકાના સૌથી પહેલા રાજદૂત કલકત્તા ખાતે નિમાયા હતા. અમેરિકાના પહેલા પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટને ૧૭૯૨ના નવેમ્બરમાં બેન્જામિન જૉયની નિમણૂક કલકત્તા ખાતેના એલચી તરીકે કરી હતી.

સાયરસ પૂનાવાલા

પણ અમેરિકન સરકારને મુંબઈમાં આવો મહેલ ખરીદવાની શી જરૂર? કારણ કે આઝાદી પછી બન્ને દેશોના સંબંધોનો વિકાસ થતાં વેપાર રોજગાર બાબતનું મુંબઈ સાથેનું કામ વધતું ગયું. ઉપરાંત અભ્યાસ માટે અને બીજાં કારણોને લીધે પણ મોટી સંખ્યામાં આપણા લોકો અમેરિકા જતા થયા. એટલે મોટી જગ્યાની જરૂર હતી. અમેરિકાનો વટ પડે એવી જગ્યા કૉન્સ્યુલેટ માટે લેવી એવો ઇરાદો પણ ખરો. એ વખતે વૉર્ડન રોડનો વિસ્તાર પ્રમાણમાં ઓછી વસ્તીવાળો, શાંત, સલામત. એટલે અમેરિકન કૉન્સ્યુલેટ માટે અમેરિકન સરકારે વાંકાનેર પૅલેસ ખરીદી લીધો. નામ બદલીને કર્યું લિંકન હાઉસ. એમાં જરૂરી ફેરફાર કર્યા. સલામતીની વ્યવસ્થા ઘણી જડબેસલાક કરી. વર્ષો સુધી વહેલી સવારથી બહાર અમેરિકન વીઝા માટેના અરજદારોની લાંબી લાઇનો લાગતી. તો ઘણી વાર એક યા બીજા રાજકીય પક્ષ તરફથી દેખાવો યોજાતા ત્યારે પોલીસ-બંદોબસ્ત ખૂબ વધી જતો.
પણ કહે છેને કે જેનો આરંભ, એનો અંત પણ હોય જ. એક યા બીજા કારણસર અમેરિકન સરકારે લિંકન હાઉસ ખાલી કરવાનું અને BKCમાં પોતાનું નવું મકાન બાંધવાનું નક્કી કર્યું. એ બંધાઈ રહ્યા પછી ૨૦૧૧ના નવેમ્બરની ૨૧મી તારીખથી અમેરિકન કૉન્સ્યુલેટનું કામકાજ BKCના નવા મકાનમાં શરૂ થયું. હવે લિંકન હાઉસ ખાલી પડ્યું હતું એટલે અમેરિકન સરકારે એ વેચવાનું નક્કી કર્યું. વાટાઘાટો થઈ, બોલીઓ બોલાઈ. છેવટે સોદો નક્કી થયો ૭૫૦ કરોડ રૂપિયામાં. ત્યાં સુધીમાં મુંબઈની બીજી કોઈ ઇમારત આટલા ઊંચા ભાવે વેચાઈ નહોતી.
૨૦૧૫ના સપ્ટેમ્બરમાં આવી જંગી રકમ આપીને લિંકન હાઉસ ખરીદનાર હતા સાયરસ સોલી પૂનાવાલા. હા, જી. આ એ જ, સીરમ ઇન્સ્ટિટ્યૂટવાળા પૂનાવાલા. કોવિડ-19ના કપરા કાળમાં તેમની ઇન્સ્ટિટ્યૂટે એની રસી શોધી અને આખા દેશમાં પહોંચાડીને લાખો-કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. તેમના આ અનન્ય ફાળાને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૨૦૨૨માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા.

વાંકાનેર પૅલેસના સ્થપતિ બેટલે

પણ હજી આજ સુધી લિંકન હાઉસનો સત્તાવાર કબજો પૂનાવાલાને મળ્યો નથી. કેમ? ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર, બન્નેએ આ સોદા સામે વાંધો ઉઠાવ્યો છે અને આ ઇમારત જે જમીન પર આવેલી છે એ જમીન સરકારની માલિકીની છે એવો દાવો કર્યો છે. એટલે છેલ્લા ઘણા વખતથી લિંકન હાઉસ અવાવરું થઈને પડ્યું છે. કશું સમુંનમું થતું નથી એટલે ઇમારતની હાલત કથળતી જાય છે. જ્યાં રોજ લોકોની લાંબી-લાંબી લાઇન લાગતી અને એની વ્યવસ્થા માટે કેટલાય ચોકીદારો તહેનાત થતા એ ઇમારતના દરવાજા પાસે આજે માંડ બે-ત્રણ ચોકિયાતો બેઠા હોય છે. એ ખંડેર જેવા થતા જતા લિંકન હાઉસ ઉર્ફે વાંકાનેર પૅલેસને જોઈને ૧૯મી સદીના અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ બહેરામજી મલબારીના પ્રખ્યાત કાવ્યની પંક્તિઓ યાદ આવે:
રાજા રાણા! અક્કડ શેના? 
વિસાત શી તમ રાજ્ય તણી,
કઈ સત્તા પર કૂદકા મારો? 
લાખ કોટિના ભલે ધણી.
લાખ તો મૂઠી રાખ બરાબર, 
ક્રોડ છોડશે સરવાળે,
સત્તા સૂકા ઘાસ બરાબર, 
બળી આસપાસે બાળે.
ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં 
ભીખ માગતાં શેરીએ.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK