Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજે આપણે જેને કુટુંબ કહીએ છીએ એ જાણે નાછૂટકે બનેલી વ્યવસ્થા નથી લાગતી?

આજે આપણે જેને કુટુંબ કહીએ છીએ એ જાણે નાછૂટકે બનેલી વ્યવસ્થા નથી લાગતી?

Published : 05 April, 2026 02:07 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

યાદવાસ્થળીમાં યાદવો જ્યારે પરસ્પર લડી-ઝઘડીને નાશ પામ્યા ત્યારે દરેક વખતે તેમણે એકબીજાને જે ગાળો દીધી છે એમાં ગંદા આક્ષેપો જ કર્યા છે. એટલું જ નહીં, ૩૬ વરસ પહેલાં થયેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં પરસ્પરનો કેવો અવિશ્વાસ દાખવ્યો હતો એ સંભારે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચલચિત્રો અને નાટકોના નિર્માણ સાથે વર્ષોથી સંકળાયેલા એક વરિષ્ઠ મિત્રે હમણાં વાત-વાતમાં કહ્યું કે તેમને એક નાટક અથવા ફિલ્મ બનાવવાની ઇચ્છા છે, પણ હવે તેમને ગમે એવી કુટુંબકથા કોઈ ગુજરાતી લેખક લખતો જ નથી. થોડાં વર્ષો પહેલાં ફિલ્મ કે નાટકનું નિર્માણ કુટુંબકથાના આધાર પર જ થતું. હવે ક્યારેક જેને કુટુંબકથા કહીએ છીએ એવી વાર્તા જ એના પાયામાંથી બદલાઈ ગઈ છે. ‘સરસ્વતીચંદ્ર’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘વેવિશાળ’, ‘લીલુડી ધરતી’ અને આવી અનેક બળૂકી કુટુંબકથાઓ પડદા કે રંગમંચ પર આપણે જોઈ છે. હવે એમાંથી કોઈ કથા આપણી સમક્ષ રજૂ થતી નથી. હવે જેને કુટુંબકથા કહીએ છીએ એ કુટુંબની વ્યાખ્યા પણ આપણે અજાયબ થઈ જઈએ એવી હોય છે.

હમણાં અદાલતમાં પેલા કેટલાય ખટલાઓ ચાલતા રહ્યા છે જેમાં પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની કે એવા જ કુટુંબીઓ રજૂ થતા જોયા કે સાંભળ્યા હશે ત્યારે આપણે આ કુટુંબ શબ્દના અર્થ સાથે નવેસરથી વિચાર કરવો જોઈએ. આજે આપણે જેને કુટુંબ કહીએ છીએ એ જાણે એક નાછૂટકેની વ્યવસ્થા હોય એવું લાગ્યા વિના રહેતું નથી.



કુટુંબ એટલે લોહીનું સગપણ એવો સામાન્ય અર્થ આપણે કરતા રહ્યા છીએ. આ અર્થ ખોટો નથી, સાચો છે અને આમ છતાં આ લોહીનું સગપણ જ્યારે સામસામે અદાલતમાં આવે છે ત્યારે પરસ્પર વિશે જે રજૂઆત થાય છે અથવા આક્ષેપો થાય છે એ જોયા કે સાંભળ્યા પછી એવું લાગે છે કે આને શું લોહીનું સગપણ કહેવાય? પિતા-પુત્ર, ભાઈ-ભાઈ કે પતિ-પત્ની સામસામે જે આક્ષેપબાજી કરે અને વર્ષો જૂના લોહીના સગપણને પાણીના રેલા જેવું કરી નાખે ત્યારે એમ થાય કે આને કુટુંબ કહી શકાય ખરું? કુટુંબની વિભાવનામાં આ સગપણ તો હતું જ; એ સાથે જ પરસ્પર વિશે વિશ્વાસ, ત્યાગ અથવા તો કશુંક સહન કરી લેવાની માનસિક તૈયારી પણ હતી. એવું બને છે કે વર્ષોના પરિવાર-જીવન પછી મામલો બગડે અને પરસ્પર વચ્ચે સ્વાર્થી હેતુ સપાટી પર આવે ત્યારે પેલા વર્ષો જૂના સંબંધોમાં જે કંઈ બન્યું હોય છે એની કડવી વાતો મનમાં સંઘરી રાખેલી બન્ને પક્ષે બહાર આવે છે.


આ છે માનવપ્રકૃતિ

બાલ્યાવસ્થાથી એક થાળીમાં જમ્યા હોઈએ, એક જ વડીલોના હાથ હેઠળ સંસ્કાર પામ્યા હોઈએ અને આમ છતાં જ્યારે મામલો વિકટ થાય ત્યારે પરસ્પર વચ્ચે દ્વેષ થાય. યાદ રાખો કે દ્વેષ એ માનવપ્રકૃતિ છે. માણસ ગમે એ કક્ષાએ હોય પણ દ્વેષ કે ઈર્ષાની આ વૃત્તિ સદંતર નાશ પામતી નથી. એ અંતરમાં સંઘરાયેલી રહે છે અને ક્યારેક કદરૂપી થઈને એવી રીતે બહાર આવી જાય છે કે આપણને નવાઈ લાગે. માનવપ્રકૃતિનું આ સૌથી ગંદું પણ સૌથી બળૂકું સ્થાન જોવા માટે આપણે મહાભારતમાં જઈએ.


યાદવાસ્થળીમાં યાદવો જ્યારે પરસ્પર લડી-ઝઘડીને નાશ પામ્યા ત્યારે દરેક વખતે તેમણે એકબીજાને જે ગાળો દીધી છે એમાં ગંદા આક્ષેપો જ કર્યા છે. એટલું જ નહીં, ૩૬ વરસ પહેલાં થયેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં પરસ્પરનો કેવો અવિશ્વાસ દાખવ્યો હતો એ સંભારે છે. ભૂરિશ્રવા અને સાત્યકિ વચ્ચે યુદ્ધ થયું. તે બન્ને યાદવો હોવા છતાં પરસ્પરને જે રીતે મારે છે એ સંભારતાં તેમને સંકોચ થતો નથી.

અહીં આપણે યાદ કરવાનું એટલું જ છે કે શ્રીકૃષ્ણની છાયા હેઠળ પણ આ યાદવો પરસ્પર વિશે તો અવિશ્વાસ જ કરે છે અને જ્યારે શસ્ત્ર ઉગામવાની ક્ષણ આવે છે ત્યારે પોતાના સ્વજનો સામે પણ પ્રહાર કરતાં સંકોચ પામતા નથી. કુટુંબપ્રથાનું અસ્તિત્વ મૂળભૂત રીતે રક્ષણ માટે જ આવ્યું હતું. માણસનું સમાજજીવન હજી ગોઠવાઈ રહ્યું હતું એ કાળે માણસે પોતે જ પોતાના રક્ષણ માટે આ પ્રથાનો સ્વીકાર કર્યો હોવો જોઈએ. આ ઉપરાંત માણસ જ્યારે પરસ્પરની સાથે રહેતો હોય ત્યારે એક જાતનો લાગણીસભર સંબંધ પણ આપોઆપ જ પેદા થઈ જતો હોય છે. આને કારણે આપણે એવું માની લઈએ છીએ કે સાથે રહેવાથી કુટુંબની વિભાવના પેદા થાય છે અને આ વિભાવનાઓ વચ્ચે ક્લેશ કે કલહ ઓછા થઈ જાય છે. મનદુઃખ થાય તો પણ માણસ પરસ્પરને સહન કરી લે છે અને આમ સામાજિક વ્યવસ્થા સૌને એક સ્વસ્થતા આપે છે. જોકે થાય છે એવું કે બધા માણસો એકસરખા હોતા નથી. સાથે રહેવા છતાં કેટલાક માણસો કાર્યક્ષમ હોય છે, કેટલાક માણસો ક્ષમતાવિહોણા હોય છે તો કેટલાક માણસો ક્ષમતા હોવા છતાં પ્રમાદી હોવાને કારણે કામ કરવાથી દૂર રહેતા હોય છે. આ ઉપરાંત પ્રત્યેક માણસમાં કોઈ ને કોઈ પ્રકારનો અહંકાર પણ હોય છે. કોઈક વ્યક્તિને બુદ્ધિનો અહંકાર હોય છે, કોઈકને કાર્યશક્તિનો અહંકાર હોય છે, કોઈકને પોતાની બળવત્તાનું અભિમાન હોય છે. આમ પોતે બીજા કરતાં મુઠ્ઠીઊંચેરો ક્યાં છે એનું પ્રદર્શન પણ શરૂ થઈ જાય છે. આને પરિણામે કુટુંબભાવનાની ત્યાગની વ્યવસ્થા શિથિલ થઈ જાય છે.

બદલાતી ભૈતિક વ્યવસ્થા

ગઈ કાલે પૃથ્વી પર માનવસંખ્યા ઓછી હતી અને જમીન દરેક માટે પૂરતી હતી. ખાવું, પીવું અને વ્યાવસાયિક ગોઠવણો કરવી આ બધા માટે માણસ જમીન શોધતો રહે છે અને વધુ ને વધુ જમીન પોતાને હસ્તક શી રીતે થાય એના પ્રયત્નો તે કરતો રહે છે. આને પરિણામે પહેલાં ઈર્ષા, પછી સ્પર્ધા અને છેલ્લે કુટુંબપ્રથા ઊણી ઊતરી જાય છે. આજે મહાનગરોમાં જગ્યાનો અભાવ છે અને પ્રાથમિક શાળામાં સુધ્ધાં વ્યક્તિત્વના પાઠ શીખવવામાં આવે છે. પરિણામે બાળક ત્યાગની વિભાવનાને સાવ વિસરી જાય છે અને આમ માણસે તેના આદિકાળમાં જે કુટુંબ નામની આ વ્યવસ્થા ગોઠવી હતી એ વ્યવસ્થા દેખીતી રીતે આપણી વચ્ચે હજી એમ ને એમ હોવા છતાં એના પાયા કદાચ સાવ શિથિલ થતા જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 02:07 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK