Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અહિંસા વિજયી છે પણ હિંસા વિના ચાલશે નહીં

અહિંસા વિજયી છે પણ હિંસા વિના ચાલશે નહીં

Published : 19 April, 2026 03:55 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આટલું ભણ્યા પછી કવિ ઝવેરચંદ મેઘાણીની એક કવિતા ભણાવવામાં આવી હતી. એક પિતાની પૈતૃક મિલકતની બે ભાઈઓ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે ત્યારે મોટા દીકરાએ પિતા પાસેથી ધનદૌલત અને માલમિલકત જેવી સમૃદ્ધિ માગી અને નાના દીકરાએ પિતા પાસેથી કશું નથી માગ્યું.

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


એક માણસ પોતાની શક્તિ વિશે વાત કરતાં અભિમાનપૂર્વક એમ કહે કે હું એકલો જ દસને પહોંચી વળું એમ છું એનો અર્થ એ થયો કે તે પોતાને એટલો શક્તિશાળી માને છે કે એકલા હાથે ૧૦ જણની હત્યા કરી શકે એમ છે. આમ તો હત્યા કરવી એટલે કે કોઈને મારી નાખવો એ બહાદુરીનું લક્ષણ ગણાય છે. શું એ ખરેખર બહાદુરી છે?

આજે કોણ જાણે કેમ વર્ષો પૂર્વેની એક વાત યાદ આવી જાય છે. કોણ જાણે ક્યાંથી વૃદ્ધ શિક્ષકે વર્ગખંડમાં અહિંસાની વાત કરેલી. અહિંસા વિશે ઝાઝું સમજાયું નહોતું, પણ માણસ કોઈને મારે નહીં અને બહાદુરીપૂર્વક હિંસાને અટકાવે એવી કંઈક વાત હતી.



આટલું ભણ્યા પછી કવિ ઝવેરચંદ મેઘાણીની એક કવિતા ભણાવવામાં આવી હતી. એક પિતાની પૈતૃક મિલકતની બે ભાઈઓ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે ત્યારે મોટા દીકરાએ પિતા પાસેથી ધનદૌલત અને માલમિલકત જેવી સમૃદ્ધિ માગી અને નાના દીકરાએ પિતા પાસેથી કશું નથી માગ્યું. ઘરની દીવાલ પર લટકતી પિતાની તલવાર તેણે માગી છે. આ તલવાર માગનારો પુત્ર બહાદુર કહેવાય છે.


જોકે આ વાંચ્યા પછી ઘણા વખતે એવો વિચાર આવ્યો હતો કે એ તલવાર માગીને હિંસાનો આવિષ્કાર કરનારો આ પુત્ર ઉચિત માગણી કરતો હતો ખરો? જો બધા જ પુત્રો પિતાના વારસામાં તલવાર એટલે કે બહાદુરી અથવા તો ભયના વિસ્તારની લાગણી ફેલાવે તો શું થાય? તલવાર બહાદુરીનું લક્ષણ તો છે જ અને સામાન્ય માણસ તલવારના પ્રતીકને હાથમાં રાખીને પોતાની કીર્તિ જરૂર ફેલાવી શકે છે, પણ આ કીર્તિમાં શું ભય છુપાયેલો નથી?

અહિંસા વેદોક્ત છે?


અથર્વવેદમાં અહિંસા વિશે ઋષિએ પ્રાર્થના કરી છે. આ પ્રાર્થનામાં તેમણે પોતે કોઈથી ન ડરે એવી નીડર પરિસ્થિતિની પ્રાર્થના કરી છે. તેમણે યજ્ઞદેવતા પાસે એવી માગણી કરી છે કે ‘હે દેવ, મને એવું વરદાન આપજો કે હું કોઈથી ડરું નહીં.’ એ સાથે જ ઋષિએ આ પ્રાર્થનામાં એવા શબ્દો પણ જોડી દીધા છે કે ‘હે દેવ, મારાથી પણ કોઈ ડરે નહીં એવું વરદાન મને આપો.’ આમ કોઈને ડરાવી શકાય એવી શક્તિ – એટલે કે હાથમાં તલવાર - એ પૂરતું નથી, એ તલવારની સાથે જ જો ક્યાંય પણ ભય ફેલાયો હોય તો એ ભય પણ નષ્ટ થવો જોઈએ. એટલે કે બહાદુરી માત્ર મારા પૂરતી જ મર્યાદિત ન હોય પણ અન્યને પણ એ ભયમુક્ત કરે.

મૂળ વાત ભયની છે. રોજિંદા વ્યાવહારિક જીવનમાં આપણે કોઈ ને કોઈ કારણવશ ક્યાંક ને ક્યાંક ભય પામતા હોઈએ છીએ. આ ભયનું કારણ સત્ય વિશેની આપણી સમજણનો અભાવ છે. આપણે જેટલા સત્યથી દૂર જતા જઈએ છીએ એટલું જ ભયનું પ્રમાણ વધતું જાય છે. આજે જીવનવ્યવહાર ભારે ગૂંચવાડાભર્યો થયો છે. ઇન્કમ ટૅક્સથી માંડીને વેપારધંધાના અનેક વ્યવહારોમાં આપણે નાનુંમોટું કેટલુંય સાચું-ખોટું કરતા હોઈએ છીએ. આ ખોટું કરેલું કામ મનમાં ઘૂમરાતું રહે છે અને પરિણામે ભયની એક લાગણી અંતરમાં સતત જીવંત રહે છે. પોતાના સંતાનની અડધી ટિકિટ રેલવે-પ્રવાસ દરમ્યાન લઈ શકાય છે એ જાણવા છતાં માણસ ક્યારેક ૧૪ વર્ષના સંતાનની પણ અડધી ટિકિટ લે છે. આનું પરિણામ એ આવે છે કે યાત્રાના આરંભે જ તે મનોમન ભયભીત રહેતો હોય છે. તેને સતત એવો ભાવ રહેતો હોય છે કે યાત્રાપ્રવાસ દરમ્યાન TT તેને પકડશે. આ ભયને કારણે તે પ્રત્યેક યુનિફૉર્મધારી રેલવે-કર્મચારીને પોતાનો શત્રુ માની લે છે. આમ જે ભય નથી અથવા તો જે ભય અકારણ પેદા થયો છે એનું નિવારણ થઈ શકતું નથી. અડધી ટિકિટના વધારાના પૈસા ખર્ચવા જેટલી તેની શક્તિ હોવા છતાં હવે તે આખી યાત્રા દરમ્યાન ઊંચા જીવે જ રહે છે.

આ રાત જાય છે?

ભય એક એવી માનસિક વિભાવના છે કે એના હોવા કરતાં એના ન હોવા વિશે આપણે વધારે સભાન હોઈએ છીએ. શાસ્ત્રોમાં કે જે પુરાણકથાઓ વારંવાર કહેવાય છે એ કથાઓમાં પણ ભલભલાં દેવ-દેવીઓ ક્યાંક ને ક્યાંક ભયભીત તો થાય જ છે. દુનિયાભરના ધર્મમાં જે કથાઓ પ્રચલિત છે એ કથાઓમાં તલવાર શૌર્યનું પ્રતીક ભલે ગણાયું છે, આ શૌર્યની પ્રશસ્તિ પણ કરી છે. આમ છતાં વીરતાને અંતિમ વિજય અપાવ્યો નથી. ભલભલાં યુદ્ધોમાં અંતિમ વિજય હિંસાના હાથમાં પરાસ્ત થાય છે. આમ છતાં માણસે એ વાત ભૂલવા જેવી નથી કે હિંસા વિના માણસને ચાલ્યું નથી. મહાભારતના યુદ્ધ જેવા વિનાશક યુદ્ધના અંતે પણ મહર્ષિ વ્યાસે આંગળી ચીંધી છે : અહિંસા વિજયી છે પણ હિંસા વિના ચાલશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 03:55 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK