Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખે છે પાયાના પાંચેક લાખ કર્મચારીઓ

મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખે છે પાયાના પાંચેક લાખ કર્મચારીઓ

Published : 30 May, 2026 05:04 PM | Modified : 30 May, 2026 05:04 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ફિલ્મોનો હીરો તો સર્વશક્તિશાળી જ હોય એવું માનનારી આપણી ભોળી ઑડિયન્સ ચમકી ગઈ હતી જ્યારે ન્યુઝ આવ્યા કે ફેડરેશન આ‍ૅફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝે  રણવીર સિંહ પર પ્રતિબંધ મૂક્યો છે.

મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખે છે પાયાના પાંચેક લાખ કર્મચારીઓ

મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખે છે પાયાના પાંચેક લાખ કર્મચારીઓ


ફિલ્મોનો હીરો તો સર્વશક્તિશાળી જ હોય એવું માનનારી આપણી ભોળી ઑડિયન્સ ચમકી ગઈ હતી જ્યારે ન્યુઝ આવ્યા કે ફેડરેશન આ‍ૅફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝે  રણવીર સિંહ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે એવું લાગ્યું કે કોઈ બૉલીવુડના સુપરસ્ટારનું કામ બંધ કરાવી શકે ખરું? કાયદાકીય રીતે એ શક્ય નથી, પરંતુ જો કોઈ આવી વાત કરી પણ રહ્યું છે તો એ સંસ્થા છે શું? એની પાસે કયા અધિકાર છે અને કયા પ્રકારનું કામ એ કરે છે? શું ખરેખર એ કોઈ સત્તા ધરાવે છે કે હવામાં વાતો કરે છે? આ મુદ્દા પહેલાં એણે બીજા કયા મુદ્દાઓ પર કામ કર્યું છે? આ બધું જ આજે જાણીએ વિસ્તારથી

થોડા દિવસ પહેલાં રણવીર સિંહ પર બૉલીવુડમાં બૅન લગાવવાના સમાચારે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોઈ બૉલીવુડના સુપરસ્ટારનું કામ બંધ કરાવી શકે? આ પ્રશ્નએ લોકોની અંદર એક જિજ્ઞાસા ઊભી કરેલી કે એવું કોણ તાકતવર આવી ગયું જે એક હીરોને કામ કરતાં રોકી શકે. એના જવાબમાં એક એવી સંસ્થાનું નામ બહાર આવ્યું જેના વિશે સામાન્ય માણસને ખાસ ખ્યાલ નથી. આ સંસ્થાનું નામ છે FWICE એટલે કે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ. પહેલા દિવસે ન્યુઝ આવ્યા કે એણે રણવીર સિંહને બૅન કર્યો છે. બીજા દિવસે ફરી ન્યુઝ આવ્યા જેમાં એણે ‘બૅન’ એટલે કે પ્રતિબંધ શબ્દ હટાવ્યો અને કહ્યું કે અમે કોઈ કોર્ટ નથી કે રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવીએ, અમે તો નૉન કો-ઑપરેશન એટલે કે અસહયોગ જાહેર કર્યો છે, એ બાબતે FWICEના જેટલા પણ મેમ્બરો છે તેઓ રણવીર સિંહ સાથે કામ નહીં કરે. 
વિવાદ 
જોકે આ અસહયોગ પણ ત્યાં સુધીનો છે જ્યાં સુધી ઊભા થયેલા વિવાદનું નિવારણ આવે નહીં. વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે રણવીર સિંહ લગભગ બે વર્ષ સુધી ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડૉન 3’ સાથે જોડાયેલો રહ્યો, પણ પછી તેણે કોઈ પણ કારણસર આ પ્રોજેક્ટ છોડી દીધો. અભિનેતાની ટીમનો દાવો છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લૉક એટલે કે ફાઇનલ નહોતી થઈ અને તે ક્રીએટિવ બાબતોથી સંતુષ્ટ નહોતો. જોકે આ ફિલ્મના પ્રોડ્યુસર એક્સેલ એન્ટરટેઇનમેન્ટના ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની આ વાતને નકારે છે. તેમનું કહેવું છે કે સ્ક્રિપ્ટ તબક્કાવાર તૈયાર કરીને રણવીરને બતાવવામાં આવી હતી અને તેણે મંજૂરી પણ આપી હતી. તેમના મતે રણવીરના અચાનક બહાર થવાને કારણે લોકેશન રેકી, બુકિંગ, ક્રૂ લૉજિસ્ટિક્સ વગેરેનો પ્રી-પ્રોડક્શનનો જે ૪૫ કરોડનો ખર્ચ થયો એ રણવીરે ચૂકવવો જોઈએ.
તે કામ કરી શકે છે, અમે તેની સાથે કામ નહીં કરીએ 
ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અને FWICEના ચીફ ઍડ્વાઇઝર અશોક પંડિત આ વિશે માહિતી આપતાં કહે છે, ‘ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની અમારી પાસે આવ્યા હતા, એક આખું પ્રેઝન્ટેશન અને એની વિગતવાર માહિતી સાથે. અમારી આખી જ્યુરીની પૅનલ હતી જેણે આ વાત સાંભળી અને સમજી. કોઈ પણ ફેડરેશન એકતરફી વાત ન સાંભળી શકે એટલે અમે રણવીરને તેની વાત મૂકવા માટે અને એને સમજવા માટે પત્ર મોકલ્યો, તેને બોલાવ્યો. ૩ વાર બોલાવ્યા પછી પણ તેણે કોઈ જ જવાબ ન આપ્યો કે ન તે આવ્યો. અમે માનીએ છીએ કે અમે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીવાળા એક પરિવાર છીએ, પરિવારના મુદ્દાઓ શાંતિથી એકબીજાને સમજીને ઉકેલવાના હોય. અમારું કામ એમાં પંચ જેવું હોય છે. તમને ૩ વખત બોલાવ્યા પછી પણ તમે જવાબ ન આપો તો એનો અર્થ એ થયો કે તમે ફેડરેશનને ગણકારતા જ નથી. એટલે અમારે ઍક્શન લેવી પડી. અમે ઇચ્છીએ છીએ કે શાંતિથી સમજીને પરસ્પર વાત ઉકેલાય, પણ જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી અમારા મેમ્બર્સ જેમાં તમામ ૩૨ ક્રાફ્ટ યુનિયનો એટલે કે ટેક્નિશિયન, લાઇટમેન, સ્પૉટબૉયથી લઈને ડિરેક્ટર્સ કે ઍક્ટર્સ મળીને કુલ પાંચ લાખથી વધુ લોકો છે તેઓ તેની સાથે કામ નહીં કરે.’
ફેડરેશન 
સામાન્ય લોકો પિક્ચર જોવા જાય અને મજા કરીને પાછા આવી જાય. મોટા ભાગના લોકો માટે પિક્ચર બનાવનારા કરતાં પિક્ચરમાં દેખાય છે તે વ્યક્તિ વધુ મહત્ત્વની હોય છે. એટલે જ હીરો-હિરોઇન કે ઍક્ટર્સનું લોકોને મન ઘણું મહત્ત્વ હોય છે. જોકે એક ફિલ્મ બનાવવા પાછળ ૨૦૦થી ૨૦૦૦ જેટલા કર્મચારીઓ એની સાથે જોડાયેલા હોય છે. જ્યાં કમર્ચારી હોય ત્યાં તેમનું યુનિયન તો હોવાનું જ. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઘણી જૂની છે એટલે એના કર્મચારીઓના હકોનું જતન કરવા માટે, તેમના પ્રશ્નોને દૂર કરવા માટે જે યુનિયન બન્યું એના વિશે વાત કરતાં FWICEના પ્રેસિડન્ટ બી. એન. તિવારી કહે છે, ‘સૌથી પહેલું યુનિયન મેકઅપ આર્ટિસ્ટોનું બન્યું હતું. એ પછી ધીમે-ધીમે બધાં યુનિયનો બનવા લાગ્યાં. એ બધાંને જોડતી એકમાત્ર સંસ્થાની જરૂર હતી એટલે બન્યું FWICE. અત્યારે પણ અમારી નીચે પાંચ બીજાં રીજનલ ફેડરેશન છે જેમાં કલકત્તા, કેરલમ, ચેન્નઈ, હૈદરાબાદ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. એક સમયે એ ફક્ત સિનેમા માટેનું યુનિયન હતું. એ પછી ધીમે-ધીમે અમે એમાં ટીવીનો સમાવેશ કર્યો અને અમારા પ્રયત્નોથી નવેમ્બર ૨૦૨૫માં લેબર લૉ હેઠળ ડિજિટલ પ્લૅટફૉર્મના કર્મચારીઓનો પણ એની અંદર અમે સમાવેશ કર્યો છે. આમ સોશ્યલ મીડિયા છોડીને દરેક પ્રકારના એન્ટરટેઇનમેન્ટ માટે બનાવવામાં આવતી કન્ટેન્ટમાં કામ કરતા કર્મચારીઓનો એમાં સમાવેશ થાય છે. એમાં આજકાલ ઍપ્સ પર ચાલતા નાનકડા વર્ટિકલ શોથી લઈને મોટી ફિલ્મો સુધી, ઍડ-ફિલ્મ્સથી લઈને ટીવી-શો સુધી બધું જ આવી જાય છે. આમ FWICE એટલે ડિરેક્ટર, ઍક્ટર, પ્રોડ્યુસર જેવા મોટા લોકોથી લઈને નાનામાં નાના કર્મચારીઓ જેમ કે હેરડ્રેસિંગ, મેકઅપ, લાઇટિંગ, કોરિયોગ્રાફી, કૅમેરા, સ્પૉટમેન જેવી ૩૨ ક્રાફ્ટ્સ એટલે કે વિવિધ કલા અને તકનીકી ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનાં અસોસિએશનોની મધર બૉડી એટલે કે મુખ્ય સંસ્થા છે.’ 
ઇતિહાસ 
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના ઉદ્ભવ, ઇતિહાસ અને વિકાસ વિશે કોઈ વ્યાપક માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી. એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી અને કેટલાં અસોસિએશનો એનો હિસ્સો હતાં એ વિશે એક કરતાં વધુ મંતવ્યો પ્રવર્તે છે. એ વિશે એમની વેબસાઇટ પર કંઈક આ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. FWICEના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી સ્વર્ગસ્થ આર. સી. દાસના રેકૉર્ડ મુજબ એની સ્થાપના ૧૯૫૮માં ૧૧ ક્રાફ્ટ અસોસિએશનો સાથે થઈ હતી. બીજી બાજુ બૉમ્બે સ્ટેટમાં સિનેમા ઉદ્યોગના મજૂરોની સ્થિતિ અંગેના એક પૂછપરછ રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે એની સ્થાપના ૧૯૫૬ની ૧૯ માર્ચે ૭ ક્રાફ્ટ અસોસિએશનોના જોડાણ સાથે થઈ હતી. તમામ અસોસિએશનોનું એક ફેડરેશન બનાવવાની શક્યતાઓ તપાસવા માટે ફિલ્મ રાઇટર્સ અસોસિએશન દ્વારા ૧૯૫૪ની ૬ ડિસેમ્બરે ફેમસ સિને સ્ટુડિયો ખાતે આવેલી એમની ઑફિસમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે દરેક અસોસિએશનમાંથી બે પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ જ બેઠકમાં ‘ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૯૫૮ની ૨૮ ફેબ્રુઆરીએ ફિલ્મ ટ્રેડ યુનિયનના અગ્રણીઓના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લાંબી ચર્ચા-વિચારણા બાદ સિને કામદારોએ ટ્રેડ યુનિયન ઍક્ટ, ૧૯૨૬ હેઠળ પોતાની આ મુખ્ય સંસ્થાની સ્થાપના કરી. 
ઉદ્દેશ 
આ સંસ્થાનો ઉદ્દેશ શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં બી. એન. તિવારી કહે છે, ‘આ ફેડરેશન સિને કર્મચારીઓના હિત માટે સમર્પિત છે અને સભ્યો વચ્ચે ભાઈચારો વધારવા તેમ જ તેમનાં આર્થિક અને સાંસ્કૃતિક હિતોનું રક્ષણ કરવા અને એને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. FWICE એક બિનરાજકીય સંસ્થા છે જેમાં ધર્મ, જ્ઞાતિ, સમુદાય કે લિંગના આધારે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. એનો અન્ય એક મુખ્ય ઉદ્દેશ સિને અને ટીવી-કર્મચારીઓની રોજગારી અને જીવનધોરણને લગતી તમામ બાબતોમાં તેમનાં હિતો, અધિકારો અને વિશેષાધિકારોનું ધ્યાન રાખવાનો છે. આ ઉપરાંત સમગ્ર ફિલ્મજગતનાં હિતોના પૂરતા રક્ષણ માટે યોગ્ય કાયદાઓ બનાવવાની દિશામાં રાજ્ય અથવા કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાનો પણ છે.’
શું કરવા માગે છે? 
અમુક મુખ્ય મુદ્દાઓ છે જેના પર થોડાં વર્ષોથી FWICE કાર્યરત છે. એ વિશે વાત કરતાં બી. એન. તિવારી કહે છે, ‘એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરવું પડે છે એટલે અહીંના કર્મચારીઓના કામના કલાકો ઘણા વધુ હોય છે અને રજાઓ લગભગ મળતી જ નથી. એટલે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે કમર્ચારીઓને મહિને ૪ રજા મળે. તેમની શિફ્ટ બારથી ૨૦ કલાકની હોય છે એ ઓછી થઈને ૮ કલાકની થાય અને જો વધુ કામ કરાવવામાં આવે તો તેમને ડબલ વેતન આપવામાં આવે. તે કર્મચારી ઘરેથી નીકળે અને ફરી ઘરે જાય ત્યાં સુધીનું તેમનું ઇન્શ્યૉરન્સ હોવું જરૂરી છે. એટલે કે સેટ પર કે સેટ સુધી પહોંચતાં સુધીમાં પણ તેમનું મૃત્યુ થાય તો જવાબદારી પ્રોડ્યુસરની હોવી જોઈએ. તેમને હાઇજીનિક ફૂડ મળવું જોઈએ. જો શિફ્ટ ૮ વાગ્યા પછી પતે તો સ્ત્રીઓને ઘરે ડ્રૉપ મળવો જોઈએ. દૈનિક વેતન પર રહેનારા કર્મચારીઓને મહિનાના અંતમાં નહીં, ૭ દિવસની અંદર જ તેમનું વેતન મળી જવું જોઈએ. આ મુદ્દાઓ પર અમે કામ કરી રહ્યા છીએ. એમાં ઘણું કામ થઈ ગયું છે. એમાં સરકારનો પણ અમને ઘણો સપોર્ટ છે. આશા છે કે જલદી પરિવર્તન આવશે.’ 
કામગીરી 
તમે ટીવી કે ફિલ્મોમાં કામ કરો છો એટલે તમે FWICEના મેમ્બર છો જ એવું નથી. એ કર્મચારીઓએ FWICEના મેમ્બર બનવાનું હોય છે જેમાં દરેક કર્મચારીઓનાં નાનાં-નાનાં અસોસિએશન છે. એની ૨૫,૦૦૦થી લઈને બે લાખ રૂપિયા સુધીની મેમ્બરશિપ ફી હોય છે. એના બદલામાં તમારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો તમે તમારી ફરિયાદ લઈને તેમની પાસે જઈ શકો છો. જેમ કે કોઈ જગ્યાએ હાઇજીનિક ખોરાક ન આપતા હોય, કોઈ જગ્યાએ પેમેન્ટ ન મળ્યું હોય, કોઈ પ્રોડક્શનમાં તમારો ગેરલાભ લેવામાં આવ્યો હોય, તમારું શોષણ થયું હોય, કોઈએ તમને કાઢી મૂક્યા હોય કે કોઈએ તમારા પૈસા લઈને કામ ન કર્યું હોય આવી પરિસ્થિતિઓમાં મેમ્બર અસોસિએશન પાસે જઈને ફરિયાદ કરી શકે છે. એના પર અસોસિએશન કામ કરે છે. રણવીર સિંહના મુદ્દા પહેલાં અસોસિએશને ઉકેલેલા પ્રશ્નોનાં અમુક ઉદાહરણો જણાવતાં બી. એન. તિવારી કહે છે, ‘અમે ‘મી ટૂ’ મૂવમેન્ટ ચાલતી હતી ત્યારે સાજિદ ખાન પર પ્રતિબંધ મૂકેલો. બાલાજી પ્રોડક્શન્સ પાસેથી પણ થોડા સમય પહેલાં એક કર્મચારીને પૈસા નહોતા મળ્યા તેને અપાવ્યા હતા. જે. ડી. મજીઠિયાના પ્રોડક્શનમાં એક કર્મચારી કોવિડમાં મૃત્યુ પામ્યો હતો તેને ૨૦ લાખ રૂપિયા અમે અપાવડાવ્યા. સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં એક વર્કર ઍક્શન-સીનમાં ઘાયલ થયો હતો. તેનો ઇલાજ તેમણે કરાવ્યો, પણ તે બચ્યો નહીં. કાયદા પ્રમાણે તેને પાંચથી ૬ લાખ રૂપિયા મળવા જોઈતા હતા, અમે ૧૨ લાખ રૂપિયા તેના પરિવારને અપાવડાવ્યા. ‘વેલકમ’ ફિલ્મના લેખક અને ડિરેક્ટર અનીસ બઝમીને ફિરોઝ નડિયાદવાલાએ પૈસા આપ્યા નહોતા. એની ફરિયાદ અમને આવી ત્યારે અમે ફિરોઝ નડિયાદવાલાનું શૂટિંગ બંધ કરાવી દીધું હતું. સાડાચાર-પાંચ કરોડ રૂપિયા તેમણે પહેલાં અનીસ બઝમીને ચૂકવ્યા પછી જ તેઓ આગળ શૂટ કરી શક્યા. કોવિડમાં શૂટિંગ બંધ હતું એટલે કેટલાક પરિવારો ભૂખે મરતા હતા ત્યારે ૪૮ કરોડ રૂપિયા અમે આ વર્કર્સની સારવાર પાછળ અને તેમના ઘરે રાશન પહોંચાડવામાં ખર્ચ કર્યા.’ 
અમે પ્રોડ્યુસરવિરોધી નથી, બધાનું હિત ઇચ્છીએ છીએ 
પોતાની કામની રીત વિશે વાત કરતાં અશોક પંડિત કહે છે, ‘અમે એક પ્રૅક્ટિકલ ઑર્ગેનાઇઝેશન છીએ. કોઈનું કામ અટકે એ અમને પણ પસંદ નથી. ફરિયાદ આવે ત્યારે અમે પહેલાં વાત કરીને જ એનો ઉકેલ લાવવામાં માનીએ છીએ. અમે આટલાં વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છીએ. અમે ઇમોશન્સ સમજીએ છીએ, પણ ઘણી વાર સરળતાથી ઉકેલ શક્ય ન બને તો સૉફ્ટ હથિયાર તરીકે અમે નૉન કો-ઑપરેશન વાપરીએ છીએ. અમને લોકો પ્રોડ્યુસરવિરોધી માને છે એ ખોટું છે. અમારી તો ટૅગલાઇન જ છે કે પ્રોડ્યુસર હૈ તો હમ હૈં. અમે ફક્ત કર્મચારીઓનો પક્ષ જ સમજીએ છીએ એવું નથી, તેમના જ હક માટે લડીએ છીએ એવું નથી. રણવીર સિંહવાળા મુદ્દામાં અમે પ્રોડ્યુસર માટે લડી રહ્યા છીએ. ઍક્ટર છેલ્લી ઘડીએ ફિલ્મ છોડીને જતો રહે તો જે નુકસાન થાય એ એક કઠિન મુદ્દો છે. આ તો એક્સેલ જેવું સધ્ધર પ્રોડક્શન છે એટલે ટકી રહ્યું. નહીંતર ૪૫ કરોડમાં તો કોઈ નાના પ્રોડ્યુસરનું ઘર સુધ્ધાં વેચાઈ જાય. અમે વિચારીએ છીએ કે પ્રોડ્યુસર્સને ભેગા કરીને એક નિયમબદ્ધ માળખું તૈયાર કરીએ જેથી કોઈ પણ વ્યક્તિને મન પડે ત્યારે કામથી કાઢી ન શકાય કે કોઈ પણ વ્યક્તિ મન પડે ત્યારે કામ છોડીને જઈ ન શકે, કારણ કે આવું કરવાથી ઘણું મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે.’ 



રણવીરના કેસનું શું? 
કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ FWICE એક ટ્રેડ યુનિયન છે, કોઈ કોર્ટ કે સરકારી સંસ્થા નથી. એટલે એની પાસે કોઈ સ્વતંત્ર કલાકાર પર કાયદેસર પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. આ બે ખાનગી પક્ષો એટલે કે એક કલાકાર અને એક પ્રોડક્શન હાઉસ વચ્ચેનો વ્યાપારી કરારનો વિવાદ છે. આમ કાયદાની દૃષ્ટિએ આ આદેશની કોઈ કિંમત નથી. જો રણવીર આ મામલાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારે તો કાયદાકીય નિષ્ણાતોના મતે તેનો પક્ષ મજબૂત છે. ભારતીય બંધારણમાં લખેલા આજીવિકા કા અધિકાર (આર્ટિકલ 21) મુજબ દરેક વ્યક્તિને કમાવાનો હક છે. કોર્ટ યુનિયનોને આ રીતે કોઈ વ્યક્તિને બ્લૅકલિસ્ટ કરીને તેની આજીવિકા છીનવી લેવાની મંજૂરી આપતી નથી. આ ઉપરાંત ઇન્ડિયન કૉન્ટ્રૅક્ટ ઍક્ટની કલમ 27 અનુસાર આખા ઉદ્યોગમાં કોઈ વ્યક્તિનો આ રીતે બહિષ્કાર કરવો એ કાયદાકીય રીતે વેપાર કે વ્યવસાય કરવા પર ગેરકાયદે પ્રતિબંધ માનવામાં આવે છે. 
ફિલ્મોમાં આમ પણ કામ કરવા માટે લોકો મરતા હોય છે. કામ સરળતાથી મળતું નથી. તો જો તમારા મેમ્બર્સ તમારી વાત ન માનીને રણવીર સિંહ સાથે કામ કરવા માટે રાજી થઈ જાય તો શું? આ વાત પર બી. એન. તિવારી કહે છે, ‘FWICE કે મેમ્બર્સ હમારી બાત નહીં માનેંગે તો હમ ઉન્હેં ગોલી થોડી ના મારેંગે? અમારું કામ છે ફરમાન જાહેર કરવાનું. અમારી પ્રતિષ્ઠા એટલી પાંગળી નથી કે કોઈ અમારી વાત ન માને. કર્મચારીઓ અમારું અને અમે તેમનું પીઠબળ છીએ.’


મુદ્દો ઉઠાવવો હતો જરૂરી 
આ મુદ્દો ચગ્યો એ બાબતે હાશકારો વ્યક્ત કરતાં એક પ્રોડ્યુસર કહે છે, ‘આ તકલીફ એક નહીં, દરેક પ્રોડ્યુસરની છે. સારું થયું કે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે આ મુદ્દો ઉઠાવ્યો. તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, પણ નાના પ્રોડ્યુસરો માટે લાખોનું નુકસાન પણ ઘણું ભારે પડે છે. પહેલી નજરે લાગે કે કોઈ પણ વ્યક્તિને કામ કરવાની અને કામ નહીં કરવાની આઝાદી હોવી જોઈએ, પણ આ એટલું સિમ્પલ નથી. મહત્ત્વનું એ છે કે ફિલ્મમેકિંગ એક ક્રીએટિવ કામ છે એટલે મત-મતાંતર થતા રહે છે. વળી આ એક વેપાર છે પણ એનું કોઈ માળખું નક્કી નથી એટલે આવી તકલીફો ઊભી થાય છે. એક કામ જે એકસાથે ઘણા બધા લોકો પર નિર્ભર હોય એમાંથી એક મહત્ત્વની કડી પણ ખસી જાય તો મોટો પ્રૉબ્લેમ થાય છે. વિચારો કે જે ફિલ્મ શૂટિંગ માટેની બધી જ તૈયારી કરી ચૂકી હોય એને કોઈ રાતોરાત છોડે તો રણવીર સિંહ જેવા મોટા આર્ટિસ્ટનું રીપ્લેસમેન્ટ કોઈ વ્યક્તિ કેવી રીતે કાઢે? અમે લોકો ફિલ્મના શૂટિંગને લગ્ન સાથે સરખાવતા હોઈએ છીએ. જેમ ઘરમાં લગ્ન માંડ્યાં હોય તો જેટલું કામ હોય એટલું કામ એક ફિલ્મના શૂટિંગમાં દરરોજ હોય. હવે વિચારો કે વરરાજા જ ભાગી ગયા તો એ લગ્નનું શું થાય? આ મુદ્દો ઉઠાવ્યો એટલે સારું છે, પણ એનો કોઈ તોડ આવે તો વધુ સારું.’


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 05:04 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK