Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બધાએ એક વાર જવાનું જ છે તો કંઈક આપીને કેમ ન જઈએ બાપ્પાની જેમ?

બધાએ એક વાર જવાનું જ છે તો કંઈક આપીને કેમ ન જઈએ બાપ્પાની જેમ?

Published : 07 October, 2026 01:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં જ્યારે ચારેય બાજુ બહુ જ ઘોંઘાટ છે અને તહેવારોને પણ આપણે ઘોંઘાટથી ભરી દીધા છે ત્યારે દરેક તહેવાર દ્વારા, આપણા દરેક ભગવાન દ્વારા અપાતો સંદેશ બહુ જ મૌલિક અને મહત્ત્વનો હોય છે

લેખન, ગાયન અને વાંચનનો શોખ ધરાવતાં, હોમ સાયન્સ તેમ જ ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો અભ્યાસ કરનારાં અને વર્ષોથી ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્રમાં સક્રિય અલકા નંદુ પોતાની જ્ઞાતિમાં સંગીતના સ્ટેજ-શો પણ કરી ચૂક્યાં છે.

What’s On My Mind?

લેખન, ગાયન અને વાંચનનો શોખ ધરાવતાં, હોમ સાયન્સ તેમ જ ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો અભ્યાસ કરનારાં અને વર્ષોથી ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્રમાં સક્રિય અલકા નંદુ પોતાની જ્ઞાતિમાં સંગીતના સ્ટેજ-શો પણ કરી ચૂક્યાં છે.


આપણે ત્યાં આવતા તહેવારો કંઈક શીખવવા માટે આવે છે. દર વર્ષે એની ઉજવણી કરીને લોકો મોજમજા કરીને બસ ભૂલી જાય છે, પણ એની સાથે સંકળાયેલો ઊંડો સંદેશ લેવાનું ભૂલી જાય છે. આજના સમયમાં જ્યારે ચારેય બાજુ બહુ જ ઘોંઘાટ છે અને તહેવારોને પણ આપણે ઘોંઘાટથી ભરી દીધા છે ત્યારે દરેક તહેવાર દ્વારા, આપણા દરેક ભગવાન દ્વારા અપાતો સંદેશ બહુ જ મૌલિક અને મહત્ત્વનો હોય છે.

નવરાત્રિ આવી રહી છે જે શક્તિની સાધનાના ઉત્સવ સાથે પ્રકૃતિની આરાધનાનો ઉત્સવ પણ છે. એ જ રીતે હમણાં બાપ્પાએ વિદાય લીધી. કેટલા ધૂમધામથી બાપ્પાની પધરામણી કરી. તેમનું આગમન જેટલું જાજરમાન હતું એટલી જ ભવ્યતા સાથે તેમણે વિદાય લીધી. જોકે આગમન અને વિદાય વચ્ચે બાપ્પા ઘણાને ઘણું આપતા ગયા છે. મૂર્તિકારે તેની કલાકારી સાથે વિશાળ મૂર્તિ બનાવી, મૂર્તિને સરસએવો ઓપ આપ્યો. ફૂલ અને હાર બનાવનાર કારીગર અને મોદક બનાવનારથી લઈને વાંસના મંડપ બાંધનાર, ઝગમગતી લાઇટોથી લઈને પૂજા માટે દીવડા અને અગરબત્તી વેચનારા બધાને બાપ્પાએ કંઈક આપ્યું અને તેમણે પણ બાપ્પા પ્રત્યે ભાવોની ઊર્મિઓની હેલી ચડાવીને પારાવાર કામ કર્યું. બાપ્પા આવ્યા, સમૃદ્ધિ અને સુખનો વરસાદ વરસાવ્યો, આનંદ અને ઉલ્લાસનો ચેપ જગાવ્યો અને પછી જતા રહ્યા. એ આપવા માટે આવ્યા અને કામ પત્યું એટલે ગયા.



મને પોતાને આ તહેવાર બહુ જ ગમે છે. એક તરફ પારાવાર ઉત્સાહ અને ઉમંગ સાથે કેટલાયને રોજગારી આપીને અઢળક લોકોના જીવનમાં અજવાળું કરતા ગયા તો બીજી બાજુ વિસર્જિત થવાનું છે, આ તો વેસ્ટ જવાનું છે એમ વિચારીને નિરાશામાં ન રાચવાનો સંદેશ પણ આપતા ગયા. બાપ્પાનું સર્જન પેલા મૂર્તિકારે કર્યું ત્યારે તેને પણ ખબર હતી કે આ મૂર્તિ પાછી સમુદ્ર, નદી કે તળાવમાં વિસર્જિત થવાની છે. એ પછીયે તેણે એમાં પોતાના પ્રાણ પૂર્યા. બાપ્પાને રંગ કરનારા, બાપ્પા માટે વસ્ત્રો બનાવનારા, તેમના માટે સુશોભનની વ્યવસ્થા કરનારા તમામને ખબર હતી કે આખરે એ બધાનું વિસર્જન થશે. એ પછીયે તેમના ભાવોની માત્રામાં કોઈ ઘટાડો નહોતો થયો. ઊલટું એમાં સતત વધારો થતો હતો. બાપ્પા સૂચવે છે કે સર્જનનું વિસર્જન છે જ અને એ પછીયે સતત આપતા રહો, સતત ભાવોની પૂર્ણતા સાથે આગળ વધતા રહો. ક્યાંય ઓછપ લાવવાની જરૂર નથી.


આપણને મળેલા જીવનને આપણે બાપ્પા જેવું ન જીવી શકીએ? જવાનું જ છે એ નક્કી છે તો પછી શું કામ આપતા ન જઈએ? કોઈકના જીવનમાં અજવાળું પાથરતા ન જઈએ? કોઈકના ચહેરા પર સ્મિત પાથરતા ન જઈએ? વિચારવા જેવી છે આ વાત.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK